અહંકાર – 10
લેખક – મેર મેહુલ
જયપાલસિંહે વારાફરતી બેન્કનાં કર્મચારીઓનાં સ્ટેટમેન્ટ વાંચતા હતાં. જ્યારે જયપાલસિંહે પુરી ફાઇલ વાંચી લીધી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે અનિલ તેની સામે આવીને બેઠો છે. જયપાલસિંહનું ધ્યાન જ્યારે અનિલ પર પડ્યું ત્યારે તેણે કહ્યું, “તું ક્યારે આવ્યો અનિલ ?”
“પંદર મિનિટથી હું તમારા ચહેરાનાં હાવભાવ વાંચું છું અને એક એક મિનિટે બદલાતાં ભાવ જોઈને તમને બધી જ વાતની ખબર પડી ગઈ છે એ પણ હું જોઈ શકું છું..”
“હા યાર… આ હાર્દિક તો પહોંચેલી ચીજ નીકળ્યો….બધા જ ખોટા કામો તેણે પુરી શિદ્દતથી કર્યા હશે એવું લાગે છે…”
“હા સર…હાર્દિકને કોઇ ફિલ્મમાં વિલનનું પાત્ર આપ્યું હોય તો એકાદો ઓસ્કર તો લાવી જ આપે..”
“અફસોસ એ પહેલાં જ તેનું મર્ડર થઈ ગયું…”
“સર તમે ક્યાં ક્યાં સ્ટેટમેન્ટને જુદા તારવો છો, જે આપણને કેસ સોલ્વ કરવામાં મદદ કરશે ?”
“એક તો પહેલું જ ક્લસ્ટર હેડનું સ્ટેટમેન્ટ..” કહેતાં જયપાલસિંહે ફાઈલનાં પેજ ઉથલાવીને ક્લસ્ટર હેડે આપેલા સ્ટેટમેન્ટનાં પેજ પર આવીને અટક્યો, “ક્લસ્ટર હેડનાં કહ્યા મુજબ હાર્દિક એક બેદરકાર કર્મચારી હતો, જે મનફાવે એવા નિર્ણય લેતો અને જ્યારે તેણે લીધેલાં નિર્ણયોનું માઠું પરિણામ આવતું ત્યારે એ હાથ ઊંચા કરી લેતો..અહીં તેણે એક કિસ્સો પણ કહ્યો છે…દોઢ વર્ષ પહેલા તેણે સાઉઠ લાખની એક એવી ફાઇલ ડીઝબસ કરાવી હતી જેનો કસ્ટમર દસ લાખ રૂપિયા ભરી શકે એટલો પણ સક્ષમ નહોતો.
તેણે એવા ફર્જી ડોક્યુમેન્ટ બનાવ્યા હતાં જેમાં કસ્ટમરની વાર્ષિક આવક દસ લાખ દર્શાવવામાં આવી હતી. જ્યારે આ કેસ એક્સપોઝ થયો ત્યારે હાર્દિકે હાથ ઊંચા કરી લીધાં હતાં અને બધો દોષ કસ્ટમર પર નાંખી દીધો હતો. જેનાં કારણે કસ્ટમરને દોઢ વર્ષની સજા થઈ હતી અને તેની પ્રોપર્ટી કબ્જે કરી લેવામાં આવી હતી.
બની શકે કે આ જ કસ્ટમરે બદલો લેવાનાં ઈરાદાથી હાર્દિકની હત્યા કરી હોય..
“મેં ઓમદેવકાકાને એ વ્યક્તિની માહિતી મેળવવાનું કામ સોંપી દીધું છે, સાંજ સુધીમાં એ વ્યક્તિની માહિતી મળી જશે સર..” અનિલે કહ્યું.
“સ્માર્ટ બોય..તારા વખાણ કરું એટલા ઓછા છે..” કહેતાં જયપાલસિંહે પેજ ઉઠાલાવ્યું, “બીજું નોંધવા જેવું સ્ટેટમેન્ટ પર્સનલ લોન ડિપાર્ટમેન્ટની RO નેહા ધનવરનું છે”
“નેહા ધનવરનાં જણાવ્યા મુજબ હાર્દિકનું છોકરીઓ તરફનું વર્તન ખરાબ હતું. હાર્દિક લોન ડિપાર્ટમેન્ટની બધી છોકરીઓ પર ખરાબ નજર રાખતો…, નેહાએ પણ હાર્દિક સાથેનો એક ખરાબ અનુભવ જણાવ્યો છે…જે અનુસાર નેહા થોડાં દિવસ પહેલા સ્ટોરરૂમમાં જ્યાં કોઈ કેમેરા નથી ત્યાં બેસીને એક કસ્ટમરને લોન લેવા માટે કન્વીન્સ કરી રહી હતી અને એ જ સમયે હાર્દિક ત્યાં આવી ચડ્યો હતો. શરૂઆતમાં હાર્દિકે હસી-મજાકની વાતો કરી હતી અને ત્યારબાદ તેણે નેહા સાથે હાથચલાકી કરવાની કોશિશ કરી હતી. નેહાએ ત્યારે હાર્દિકને ‘બીજીવાર આવી હરકત કરી તો પોલીસને હવાલે કરી દઈશ’ એવી ધમકી આપી હતી”
નેહાનાં સ્ટેટમેન્ટ પરથી હાર્દિક રંગીલામિજાજનો છે એવું સાબિત થાય છે અને કોઈ છોકરીને તરછોડીને તેણે છોડી દીધી હોય અને એ છોકરીએ બદલો લેવાની ભાવનાથી આ મસૂબાને અંજામ આપ્યું હોય એવું બની શકે..”
“સર મેં નેહા પાછળ પણ એક ખબરીને લગાવી દીધો છે જે પર્સનલ લોન લેવા માટે આજે નેહાને મળવાનો છે અને આગળનાં એક મહિના સુધી એ બીજા બે-ત્રણ કસ્ટમરને નેહા સુધી પહોંચાડીને એના કોન્ટેક્ટમાં રહેવાનો છે..” અનિલે કહ્યું.
“વાહ..વાહ..વાહ…તારા ડિટેકટિવ દિમાગને એકવીશ તોપની સલામી આપવી જોઇએ..” જયપાલસિંહ વચ્ચે વચ્ચે હસી મજાક કરી લેતો હતો જેથી રૂમનું વાતાવરણ ગંભીર અને તણાવ ભર્યું ન બની જાય.
“આ બે લોકો વિશે મેં જણાવ્યું, હવે બીજા ત્રણ લોકોનાં સ્ટેટમેન્ટ પણ ધ્યાનમાં લેવા જેવા છે..એનાં વિશે તું જણાવી શકે છે ?” જયપાલસિંહે અનિલને ચેલેન્જ આપતાં કહ્યું.
“કેમ નહિ સર…સાતમાં નંબરનાં વ્યક્તિનું સ્ટેટમેન્ટ પર નજર ફેરવો..” અનિલે કહ્યું, “એ સ્ટેટમેન્ટ સંકેત રાઠોડ નામનાં છોકરાનું છે…હાર્દિક અને તેનાં સબંધ શરૂઆતથી જ માઠાં રહ્યા છે…હાર્દિક…”
“હાર્દિક હંમેશા સંકેતને બેઇજત કરતો..” જયપાલસિંહે અનિલની વાત કાપીને પોતાની વાત જોડી દીધી, “સંકેત વિશે મને શિવે જણાવ્યું છે, આગળનાં સ્ટેટમેન્ટની વાત કરીએ..”
“જી બિલકુલ…આઠ નંબરનાં સ્ટેટમેન્ટ પર નજર ફેરવો..” અનિલે કહ્યું, “સરલ હોમ લોન પ્રોડક્ટનો સેલ્સ મેનેજર કિરણ જોશી…હાર્દિક અને કિરણ જોશી વચ્ચે વાતવાતમાં ફાઈલોને લઈને બોલવાનું થઈ જતું”
“કિરણ પર શંકા કરવાનો કોઈ મતલબ નથી, શિવનાં જણાવ્યા અનુસાર બંને સેલ્સ મેનેજર હતાં એટલે હરીફાઈમાં એકબીજાને પાછળ રાખવા તકરાર થતી પણ બહાર બંને સારા મિત્રો હતાં અને આમ પણ આવી નાની વાતમાં એ હાર્દિકનું મર્ડર કરે એવું મને નથી લાગતું..”
“તમે કહો એમ…” અનિલે કહ્યું, “હવે છેલ્લા નંબરનું સ્ટેટમેન્ટ જુઓ…એ સ્ટેટમેન્ટ લોન ડિપાર્ટમેન્ટનાં સિક્યુરિટી ગાર્ડ ખોડીદાસ પરમારનું છે. ખોડીદાસ પરમારનાં જણાવ્યા અનુસાર પણ હાર્દિક રંગીલા મિજાજનો હતો અને તેણે ઘણીવાર હાર્દિકને સ્ટોર રૂમમાં જુદી જુદી છોકરીઓ સાથે રંગે હાથ પકડ્યો છે. મેં જ્યારે એ છોકરીઓનાં નામ પુછ્યા ત્યારે તેઓએ નામ આપવાનો ઈન્કાર કર્યો હતો અને કોઈપણ દીકરીનું આવી રીતે નામ ન આપી શકું એવું જણાવ્યું હતું”
“તે લોન ડિપાર્ટમેન્ટમાં કેટલી છોકરીઓ જૉબ કરે છે એ પણ જાણી જ લીધું હશે અને એની પાછળ પણ ખબરી લગાવી દીધાં જ હશે…” કહેતાં જયપાલસિંહે પોતાની ભ્રમરો ચડાવી અને અનિલનાં જવાબની રાહ જોવા લાગ્યા.
“જી બિલકુલ સર…” અનિલે કહ્યું, “
“ગુડ..” જયપાલસિંહે કહ્યું, “તો હવે રિપોર્ટની ફાઇલ પર નજર ફેરવી લઈએ”
જયપાલસિંહે સ્ટેટમેન્ટની ફાઇલ બાજુમાં રાખી અને ફિંગરપ્રિન્ટનાં રિપોર્ટની ફાઇલ ફરી ઉઠાવી. તેણે એકવાર રિપોર્ટ વાંચી લીધાં અને ત્યારબાદ અનિલને રિપોર્ટથી માહિતગાર કરતાં કહ્યું, “હત્યાનો કોઈ હથિયાર નહોતો મળ્યો એટલે તેની ફિંગરપ્રિન્ટનો કોઈ સવાલ જ નથી ઉઠતો…અહીં બધા દરવાજાનાં હેન્ડલ, દારૂની બોટલ અને હાર્દિકનાં મોબાઇલની સ્ક્રીનનાં ફિંગરપ્રિન્ટનાં રિપોર્ટ છે.
દરવાજાનાં હેન્ડલ તથા દારૂની બોટલ પર તો આ ચારેય લોકોનાં ફિંગરપ્રિન્ટ મેચ થાય છે અને એક નથી થતાં એ પેલાં હર્ષદનાં હોય શકે, પણ મોબાઈલની સ્ક્રીન પર એકપણ વ્યક્તિનાં ફિંગરપ્રિન્ટ નથી મળ્યા”
“હાર્દિકનો મોબાઈલ તેની લાશ પાસે ખૂણામાંથી મળ્યો હતોને સર..?” અનિલે પૂછ્યું.
“હા.. અને હાર્દીકની હત્યા કર્યા બાદ તેનાં મોબાઈલ સાથે છેડછાડ કરવામાં આવી હતી અને ત્યારબાદ મોબાઇલની સ્ક્રીન પરથી ફિંગરપ્રિન્ટનાં નિશાન ભૂંસવામાં આવ્યા હતા, એટલે જ તો હાર્દીકની ફિંગરપ્રિન્ટ પણ મોબાઇલ પરથી નથી મળી..”
“મતલબ મોબાઈલમાં એવો કોઈ ડેટા હતો જે પોલીસને હત્યારા સુધી પહોંચવામાં મદદ કરી શકે એટલે જાણીજોઈને એ ડેટાને ડીલીટ કરવામાં આવ્યો હશે”
“એ મોબાઇલ અહીં જ છે…આપણે જાતે જ જોઈ લઈએ..” કહેતાં જયપાલસિંહ ઉભો થયો અને એવિડન્સ બોક્સમાંથી એક પ્લાસ્ટિક બેગ કાઢી, જેમાં હાર્દિકનો મોબાઈલ હતો. જયપાલસિંહે એ બેગમાંથી મોબાઈલ કાઢ્યો અને ટેબલ પર રાખ્યો.
ત્યારબાદ લૉક બટન દબાવીને સ્ક્રીનમાં ઉપર તરફ આંગળી ફેરવી.
“ઓહહ.. લૉક નથી..” અનિલે કહ્યું.
“જ્યારે હાર્દિકની લાશ પાસેથી મોબાઈલ મળ્યો ત્યારે મોબાઈલમાં લૉક હતો જ, મેં સુબોધ મિશ્રાને કહીને લૉક તોડાવવાની ભલામણ કરી હતી” કહેતાં જયપાલસિંહે મોબાઈલનાં ડેટા શરૂ કર્યા. ડેટા શરૂ થયાની થોડી સેકેન્ડે બાદ જુદી જુદી એપ્લિકેશનની નોટિફિકેશન આવવા લાગી. જયપાલસિંહે પહેલાં વોટ્સએપ ખોલ્યું, વોટ્સએપમાં સૌથી ઉપર બેન્કનાં ત્રણ ગૃપનાં મૅસેજ હતાં, ત્યારબાદ અન્ય મિત્રોનાં અને બેન્કનાં કર્મચારીઓનાં બર્થડે વિશ કરતાં મૅસેજ હતાં.
જયપાલસિંહે તેમાંથી એક છોકરીનો કોન્ટેક્ટ ઓપન કર્યો, જેમાં બર્થડે વિશ કરતાં મૅસેજ સાથે ‘લવ યુ’ લખ્યું હતું. કોન્ટેક્ટમાં એ છોકરીનું નામ ‘સ્માઈલ’ નાં નામે સેવ હતું. જયપાલસિંહે બંને વચ્ચે થયેલાં ચેટ પર ઉપરછલ્લી નજર ફેરવી. ચેટમાં બંને વચ્ચે એડલ્ટ વાતો થયેલી, જેની શરૂઆત હાર્દિકે જ કરેલી. ત્યારબાદ જયપાલસિંહે ઇન્સ્ટાગ્રામનું મૅસેજ બોક્સ ખોલ્યું. ઇન્સ્ટાગ્રામનું મેસેજ બોક્સ જોઈને જયપાલસિંહનાં ચહેરાનો રંગ બદલાય ગયો.
“સાલો..એક નંબરનો હવસખોર હતો” જયપાલસિંહે ગીન્નાયેલા ભાવે કહ્યું.
“શું છે સર ?” અનિલે કુતૂહલવશ પૂછ્યું.
“આ જો ઇન્સ્ટાગ્રામની બધી ચેટ…” જયપાલસિંહે અનિલ તરફ મોબાઈલ હડસેલીને કહ્યું, “સાલાએ લાઈનમાં ત્રીસેક છોકરીઓને ‘you are looking hot’, ‘Hii Sexy’, ‘plz reply baby'.. જેવાં મૅસેજ કરેલા છે અને તેમાંથી એકપણ છોકરીનો રીપ્લાય નથી આવ્યો.
અનિલે મોબાઈલ હાથમાં લીધો અને થોડીવાર સ્ક્રીન પર આંગળીઓ ફેરવી.
“આ જુઓ સર…” અનિલે જયપાલસિંહ તરફ મોબાઇલ ફેરવીને કહ્યું, “બ્રાઉઝર હિસ્ટ્રીમાં બધી પોર્નની સાઈટો જ છે..”
“હવે મને એકવાત સમજાઈ ગઈ છે, હાર્દિકની હત્યા જેણે પણ કરી છે એ હાર્દિકનાં ત્રાંસ, દબાણ અથવા તેનાં દ્વારા તરછોડાઈને બદલો લેવાની ભાવનાથી જ આ હત્યાને અંજામ આપવામાં આવ્યું છે”
“આપણે પહેલાં બધા રિપોર્ટ જોઈ લઈએ…પછી કેટલા લોકો શંકાનાં દાયરામાં છે એ નક્કી કરીને કાર્યવાહી આગળ વધારીશું” અનિલે કહ્યું.
“એનાં પહેલા એક નાનકડો બ્રેક લઈ લઈએ તો કેમ રહેશે ?” જયપાલસિંહે ઘડિયાળમાં નજર ફેરવીને કહ્યું.
“સ્યોર સર..” અનિલે કહ્યું.
“ચાલ એક લટાર મારી આવીએ..”કહેતાં જયપાલસિંહ ઊભો થયો. બંને ચાની લારી તરફ જવા અગ્રેસર થયાં.
(ક્રમશઃ)