કમિશ્નર ઓફિસમાં રિષભ બેઠો હતો ત્યાં એક માણસ દાખલ થયો. એકદમ ફિટ અને કસરતી બોડી એકદમ કાળી અને બંને ખુણે અણીદાર મુછો. ધારદાર આંખો જે સ્કેનરની જેમ સામેના માણસને આખો સ્કેન કરી લે. રિષભ અને તે યુવાનની એકબીજા સામે નજરો ટકરાઇ એ સાથે જ બંને એકસાથે બોલી પડ્યા અરે તું અહીં ક્યાંથી?” આ યુવાનને ઓળખતા જ રિષભ ખુરશીમાંથી ઊભો થઇ ગયો અને તેને ભેટી પડ્યો. તે યુવાન હતો રાકેશ ભાટીઆ. તે બંનેને આ રીતે એકબીજાને મળતા જોઇ કમિશ્નરને નવાઇ લાગી અને તે બોલ્યા “અરે તમે રાકેશને ઓળખો છો?” આ સાંભળી રિષભ બોલ્યો “અરે, માત્ર ઓળખતો નથી પણ રાકેશ મારો ભાઇબંધ છે. તે આર્મીમાંથી રીટાયર્ડ થઇ ગયો છે ત્યાં સુધી તો મને ખબર હતી પણ તેણે પોલીસ ફોર્સ જોઇન કરી છે તે મને ખબર નહોતી.” આ સાંભળી કમિશ્નર ખુશ થતા બોલ્યા “કોઇને કશુ નહીં કહેવાની તેની ખાસીયતને લીધે તો મે તેને મારી સ્પેશ્યલ યુનિટમાં સ્થાન આપ્યુ છે.” અને પછી રાકેશ સામે જોઇને કમિશ્નર બોલ્યા “એલા, રાકેશ તે કોઇ દિવસ જણાવ્યુ નહી ને કે એસ.પી ત્રિવેદી તારા મિત્ર છે.”
આ સાંભળી રાકેશ બોલ્યો “સર, એવી ક્યારેય વાત ના નીકળી એટલે મે ના કહ્યું. રિષભ અને હું બંને 11માં ધોરણમાં સાથે હતા. પછી હું આર્મીમાં સીલેક્ટ થઇ ગયો એટલે મે ભણવાનું અડધેથી છોડી દીધુ. અમારુ આખુ ગૃપ છે સર.”
આ સાંભળી કમિશ્નર બોલ્યા “અરે, વાહ આ તો બહું સરસ કામ થઇ ગયું. તમારે બંનેને કામ સાથે કરવાનુ છે એટલે મિત્રોને સાથે રહેવાનો સમય પણ મળી જશે.” ત્યારબાદ થોડી કામની વાત કરી રિષભે કમિશ્નરની રજા માંગી.
“જો રાકેશ, એસ.પી ત્રિવેદી તારા મિત્ર ભલે રહ્યા પણ અત્યારે તે આપણા મહેમાન છે એટલે તેને કોઇ તકલીફ ન પડવી જોઇએ તે ધ્યાન રાખજે. અને હું ફોન કરી તેની રહેવાની વ્યવસ્થા સર્કીટ હાઉસમાં કરાવી દઉ છું.” કમિશ્નરે ભલામણ કરતા કહ્યું. ત્યારબાદ બંને મિત્રો ત્યાંથી બહાર નીકળ્યા એટલે રાકેશે પૂછ્યું “ચાલ બોલ પહેલા ક્યાં જવુ છે?”
“ચાલ પહેલા તો મારે ગાંધીગ્રામમાં આ એડ્રેસ પર જવુ છે.” એમ કહી રિષભે એક કાગળ ખિસ્સામાંથી કાઢી રાકેશને આપ્યો. રાકેશે કાગળમાં એડ્રેસ જોયુ અને પછી બોલ્યો “ઓકે, ચાલ બેસી જા મારા બુલેટમાં અહી જુનાગઢના સાંકળા રસ્તામાં તારી જીપને ત્યાં પહોંચતા બહુ વાર લાગશે. અને પોલીસની જીપ લોકો જોશે તો કોઇ માહિતી આપવા તૈયાર નહીં થાય.” આ સાંભળી રિષભ રાકેશના બુલેટ પર બેસી ગયો. દશ મિનિટ પછી રાકેશે રિષભે બતાવેલા એડ્રેસ પર બાઇક ઊભી રાખી. રિષભે બાઇકમાંથી ઉતરી સામે રહેલ ઘર તરફ જોયુ. ઘરની દશા એકદમ ખરાબ હતી. બાંધકામ સારુ હતુ પણ ઘર વર્ષોથી બંધ હોવાથી આજુબાજુ ઘાસ ઉગી નીકળુ હતુ. દરવાજો પણ જામ થઇ ગયો હશે એવુ લાગતુ હતુ. રિષભે થોડીવાર ઘરનુ નિરીક્ષણ કર્યુ અને પછી તે ઘરની બાજુના ઘરની ડોરબેલ વગાડી. થોડીવાર બાદ દરવાજો ખુલતા એક અધેડ ઉંમરની સ્ત્રી બહાર આવી અને બોલી “કોનું કામ છે?”
“અહીં આ બાજુના ઘરમાં કોઇ રહેતુ નથી?”
“ના, તે ઘર તો ઘણા વર્ષથી બંધ છે. તમારે શું કામ હતુ?” પેલી સ્ત્રીએ કહ્યું.
“અરે હું કાવ્યાનો મિત્ર છું. ઘણા વર્ષોથી અમેરીકા હતો. બે દિવસ પહેલા જ પાછો આવ્યો છું. એટલે કાવ્યાને મળવા આવ્યો હતો.” રિષભે ગપ્પુ માર્યુ.
“અરે, તે બિચારી સાથે તો ખૂબ ખરાબ થયું. તેના પર તો નરાધમોએ બળાત્કાર કર્યો હતો. તેને લીધે તેણે તો આપધાત કરી લીધેલો.” આટલુ બોલી પછી તે સ્ત્રીને સમજમાં આવ્યુ કે તે અજાણ્યા માણસને વધુ પડતી માહિતી આપી રહી છે એટલે તે બોલતી ચુપ થઇ ગઇ. પણ રિષભ જાણી ગયો હતો કે આ બોલકી સ્ત્રીને જો થોડી પટાવવામાં આવશે તો તે બધી માહિતી આપી દેશે.
“માસી શું વાત કરો છો? કોણ હતા તે? આ બધુ કેવી રીતે થઇ ગયું. કાવ્યા જેવી સીધી છોકરી પર કોઇ આવુ કેમ કરી શકે? તમને ખબર છે કે તેના મમ્મી પપ્પા અત્યારે ક્યા છે? મારે તેને મળવુ છે. માસી પ્લીઝ જો તમને ખબર હોય તો મને કહો.” રિષભે એકદમ કરગરતા કહ્યું. રિષભની પાછળ ઊભી રાકેશ આ નાટક જોઇ રહ્યો હતો.
રિષભનો ઘા બરાબર લાગ્યો હતો. પેલા માસીને હવે રિષભ પર શંકા રહી નહોતી એટલે તે બોલવા લાગ્યા “અરે, ભાઇ તે છોકરી તો એકદમ સીધી અને ડાહી હતી. પણ પેલા હરામીઓને કોણ જાણે શું વાંધો હશે કે આવી હિરા જેવી છોકરીને પીંખી નાખી.” રિષભને લાગ્યુ કે માસીની ગાડી ઊંધા પાટે ચાલી ગઇ છે એટલે તે બોલ્યો “માસી તમે મને ખાલી તેના મમ્મી પપ્પાનો કોન્ટેક્ટ કરાવી આપો. પછી જો હું તે નાલાયકોની શું હાલત કરુ છું?”
આ સાંભળી માસી થોડીવાર કંઇ બોલ્યા નહીં. આ જોઇ રિષભને લાગ્યુ કે માસીને તેના પર વિશ્વાસ આવતો નથી એટલે તે આગળ બોલ્યો “માસી મારી અહીં ખૂબ ઓળખાણ છે. પ્લીઝ તમે કાવ્યાના મમ્મી પપ્પાને મને મેળવી આપો. પછી જૂઓ હું તે લોકોને ગમે ત્યાંથી શોધીને સજા અપાવીશ.”
“અરે ભાઇ તે લોકો આ દુનિયામાં હોય તો તને તેની સાથે મળાવુ ને. તે બંને માણસ તો બિચારા આ છોકરીના આઘાતમાંથી બહાર જ ના આવી શક્યા. બે વર્ષમાં તો બંને એક પછી એક ગુજરી ગયા. ભગવાન પણ કેવો છે સીધા માણસો સાથે જ ખરાબ કરે છે.” આ સાંભળી રિષભ નિરાશ થયો પણ તરતજ તેણે પૂછ્યું “તેના મમ્મી પપ્પા ન હોય તો પછી તેના કોઇ સગા સંબંધી તો હશે ને? અહીં આવતા જતા હોય તો તમે ઓળખતા જ હશો.”
“અરે, ભાઇ બીજા કોઇની તો મને ખબર નથી પણ કાવ્યાની એક માસીની દિકરી હતી તે ઘણીવાર આવતી. કાવ્યાને તેની સાથે બહું મજા આવતી.” આશાનુ એક કિરણ દેખાતા જ રિષભ બોલ્યો “તેનુ નામ શું હતુ?”
“તેનુ નામ તો ખબર નથી પણ કાવ્યા અને તેના મમ્મી પપ્પા તે છોકરીને પરી કહીને બોલાવતા. તે છોકરી પણ કાવ્યા બહાર ભણવા ગઇ પછી આવી નહોતી.” પેલી સ્ત્રીએ કહ્યું.
“હા પણ કાવ્યાના પપ્પાના ભાઇ કે કોઇ તો હશે ને?” રિષભ કોઇ પણ રીતે હાર માનવા માંગતો નહોતો.
“અરે, હોય તો પણ મને ખબર નથી. અહીં રહેવા આવ્યા પછી તો કોઇ એવુ મળવા આવ્યુ નથી.” અને પછી કશુક યાદ આવતા તે પાછા બોલ્યા “અરે, હા યાદ આવ્યુ. કાવ્યાના કુંટુંબમાં ત્રણ પેઢી સુધી એક જ દિકરો હતો. ચોથી પેઢીએ દિકરી આવી એટલે કાવ્યા ખૂબ લાડકી હતી. એવુ તેના મમ્મી એક્વાર કહેતા હતા.” પેલી સ્ત્રીએ તેની પાસે હતી એટલી માહિતી આપતા કહ્યું.
“કાવ્યાના બીજા કોઇ મામા, માસીને તમે ઓળખો છો?” રિષભે પૂછ્યું.
“ના ભાઇ મે કહ્યું તો ખરુ કે કોઇ હોય તોય અમે ક્યારેય તેને જોયા નથી. કાવ્યાની મમ્મીને એ બે કે ત્રણ બહેનો હતી પણ તેના વિશે મને બહું ખબર નથી. પણ તમે આ બધુ જાણીને શું કરશો. તમે ગમે તે કરશો પણ એ છોકરી પાછી થોડી આવવાની છે. તે હરામીઓને ભગવાન છોડશે નહી. તેને કીડા પડશે.” પેલી સ્ત્રી બોલી રહી હતી. રિષભને સમજાઇ ગયુ કે આ માસી પાસેથી હવે વધારે કંઇ જાણવા મળશે નહી એટલે રિષભે કહ્યું “થેક્યુ માસી માહિતી આપવા માટે. તમારા ઘરમાંથી દિવાલ ટપીને કાવ્યાના ઘરમાં જઇ શકાય એમ છે?”
આ પ્રશ્ન સાંભળતા જ પેલી સ્ત્રી ચોંકી ગઇ અને બોલી “અરે, એમ કાઇ કોઇના ઘરમાં જવાતુ હશે?” તે સ્ત્રી હજુ આગળ બોલે તે પહેલા તો રિષભ તેના ઘરમાં જતો રહ્યો અને જોવા લાગ્યો કે કોઇ પણ રીતે દિવાલ ટપીને બાજુના ઘરમાં જઇ શકાય એમ છે કે નહીં. આ જોઇ પેલી સ્ત્રી ગુસ્સે થઇ ગઇ અને બોલી જો તમે તે ઘરમાં ઘુંસવાની કોશિસ કરી છે ને તો હું પોલીસ બોલાવીશ. અને આજુબાજુના બધા લોકોને ભેગા કરીશ.” આ સાંભળી રિષભે રાકેશને ઇસારો કર્યો. રાકેશ પેલા માસી પાસે જઇને તેનુ આઇ કાર્ડ બતાવતા બોલ્યો “માસી તમારે પોલીસ બોલાવવાની જરુર નથી. અમે પોલીસ જ છીએ. હવે શાંતિથી તે સાહેબને તેનુ કામ કરવા દો.” રાકેશનુ આઇ.ડી કાર્ડ જોઇ તે સ્ત્રીને બીજી તો કંઇ ખબર ન પડી પણ આઇ કાર્ડમાં રાકેશનો વર્ધીમાં ફોટો હતો તે જોતા તે સમજી ગઇ કે આ લોકો પોલીસના જ માણસો છે. હવે તે સ્ત્રીને પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો હતો. રિષભ તેને ઉલ્લુ બનાવી માહિતી કઢાવી ગયો હતો તે વાતથી તે ખૂબ ગુસ્સે હતા. પણ હવે તેનાથી કંઇ થઇ શકે એમ નહોતુ એટલે તે મોઢુ ફુલાવીને બાજુમાં ઉભી રહી ગયાં. થોડી મહેનત પછી રિષભ અને રાકેશ દિવાલ ટપી બાજુના ઘરમાં ગયા અને તેની તલાસી લેવા લાગ્યા. તે લોકોએ ઘણી મહેનત કરી પણ તેને કોઇ કામની માહિતી ન મળી. થોડીવાર બાદ રિષભ બોલ્યો “મને લાગે છે કે અહીં આપણી પહેલા કોઇ જરુર આવી ગયુ છે બાકી આખા ઘરમાં એકપણ ફોટો ગ્રાફસના મળે તે કેવી રીતે બને?”
“કદાચ કાવ્યાના મમ્મી પપ્પાએ મરતા પહેલા તે બધી વસ્તુ કોઇ સગા વહાલાને આપી દીધી હોય.” રાકેશે દલીલ કરતા કહ્યું.
“ના બધી જ વસ્તુ આપી દે પણ કાવ્યાના ફોટોગ્રાફ્સ તો પોતાની પાસે રાખે જ ને?” રિષભે તર્ક સમજાવતા કહ્યું
“અને તુ જો, અહીં એવી કોઇ વસ્તુ નથી કે જે આપણને અહી કોણ રહેતુ હતુ તેનો પુરાવો આપી શકે. મને તો ચોક્કસ એવુ લાગે છે કે કોઇકે જાણી જોઇને અહીથી વસ્તુ ગાયબ કરેલી છે. ફરીવાર રિષભ બધી શોધખોળ કરવા લાગ્યો. જેમ જેમ તે જોતો ગયો તેમ તેમ તેનો શક મજબુત થતો ગયો. શોધ ખોળ કરતો કરતો તે જેવો રસોડામાં પહોંચ્યો કે તરત જ ચોંકી ગયો. તેણે બુમ પાડીને રાકેશને બોલાવ્યો રાકેશ જેવો આવ્યો એ સાથે જ રિષભે કહ્યું “પેલા માસીને બોલાવ મને લાગે છે આમા તેનો પણ હાથ છે.”
----------***********------------**********---------------********-------------
મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.
મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.
--------------------*****************------------***************--------------------------
HIREN K BHATT
MOBILE NO:-9426429160
EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM