મેનકા - એક પહેલી - 1 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેનકા - એક પહેલી - 1

મેનકા- એક પહેલી


ખુદની સાથે જ ન્યાય માટે લડતી સુપરસ્ટાર મેનકાની કહાની.

જેની આખરે જીત થઈ.







અમદાવાદની રહેવાસી મેનકા સિંઘાનિયા... આજનાં સમયની મેનકા....ખુબસુરતીનો ખજાનો... આંખો જાણે કટાર.... નજર તેજ ધાર તલવાર... હોઠ ગુલાબની પાંખડી, તો બોલવાની અદા જાણે ઝરતાં અંગારા, એક નજરથી જ અનેકો ઘાયલ થઈ જાય, ને એનાં મખમલી સ્પર્શથી તો જાણે સામેનો વ્યક્તિ દુનિયામાંથી ઉઠી જ જાય. એનું રૂપ ગમે તેની તપસ્યા ભંગ કરવા પૂરતું હતું.

એક છોકરીનું આવું વર્ણન સાંભળીને કોઈ પણ તેનાં પ્રત્યે પાગલ બની જાય. એમાં કંઈ ખોટું નથી. સુંદરતા સાથે કોઈ વ્યક્તિનો જીવ લઈ શકવા સક્ષમ એવી છોકરી માટે તો કોઈ પણ વ્યક્તિ પોતાનો જીવ સામે ચાલીને ખુશી ખુશી આપી દે.

"હેય, મેના... તું મારાથી દૂર દૂર કેમ ભાગે છે??" મેનકા તેનાં સ્પેશિયલ વાનમાં તૈયાર થતી હતી. જે કોઈ આલિશાન ઘરથી ઓછું ન હતું. સેલિબ્રિટી માટે જે સુવિધાઓથી સજ્જ વાન હોય. એ વાનની અંદર મેનકાને એક છોકરી મેકઅપ કરી રહી હતી. એ સમયે જ માનવે આવીને મેનકાને કહ્યું. મેનકાને ઘણાં ખરાં લોકો તેને મેના કહીને સંબોધતા. જેમાંનો એક માનવ પણ હતો.

હાં, મેનકા એક સેલિબ્રિટી હતી. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, બધી જ ભાષાઓની ફિલ્મો તેણે કરી હતી. અમદાવાદમાં તો તેણે બહું બધી ફિલ્મોમાં મુખ્ય હિરોઈનનો રોલ કર્યો હતો. જેનાં લીધે મેનકા હંમેશા અમદાવાદીઓના ટોળામાં ઘેરાયેલી રહેતી.

બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી બધી જ હિરોઈનોને ટક્કર આપે. એવી મેનકાની સુંદરતા હતી. ભગવાને જાણે નવરાશના સમયે ઘડી હોય. એમ બધી વાતે નિપુણ પણ હતી.

માનવ હંમેશા મેનકાની પાછળ પાછળ ફરતો. એક હદ સુધી મેનકા તેને સહન પણ કરી લેતી. પણ આજે માનવે એ હદ વટાવી દીધી હતી. મેનકાની પરમિશન વગર કોઈ તેનાં વાનમાં એન્ટર નાં થઈ શકતું. એવામાં માનવ મેનકાની પરમિશન વગર વાનમાં ધસી આવ્યો હતો. મેનકા માનવની હરકતથી ખૂબ જ ગુસ્સે હતી. આજુ બાજુ ક્યાંય જ્વાળામુખી ન હતો. પણ મેનકાનો ગુસ્સો માનવને ક્યારે આગના દરિયામાં વહાવી જશે. એ નક્કી ન હતું.

"ઘણાં સમય પહેલાં તારી એક ભૂલ માફ કરી હતી. હવે નહીં કરી શકું." મેનકા માનવનો કોલર પકડીને બોલી. માનવ મેનકાની એ હરકતથી ધ્રુજવા લાગ્યો. એક સુંદર ચહેરા પાછળ એટલો ગુસ્સો પણ હશે. એ વાત માનવ જાણતો ન હતો.

"મેડમ, શૂટિંગનો સમય થઈ ગયો. સેટ તૈયાર છે." એક છોકરાએ આવીને કહ્યું. મેનકાની પકડ થોડી ઢીલી થઈ. એ સાથે જ માનવ નાસી છૂટ્યો.

માનવ થોડાં જ સમયમાં રિલીઝ થનારી "મેનકા-એક પહેલી" નામની ફિલ્મનો પ્રોડ્યુસર હતો. માનવે નાની ઉંમરે જ ઘણી પ્રસિદ્ધી હાંસિલ કરી હતી. મેનકા જ્યાં પોતાની સુંદરતા અને અભિનયથી પ્રસિદ્ધ હતી. ત્યાં માનવને પણ ફિલ્મ મેકરના ઘણાં એવોર્ડ મળી ચૂકયાં હતાં. પણ જ્યાં દુનિયા મેનકાની સુંદરતાની દિવાની હતી. ત્યાં માનવ પણ એનો જ દિવાનો થઈને ફરતો હતો. એ જ દિવાનગીમા તે એક ભૂલ કરી બેઠો હતો.

મેનકા પોતાનાં શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ. માનવે પણ સેટ પર પહોંચતા જ પોતાનું કામ સંભાળી લીધું. એક નારીને રણચંડી બનતાં સમય નથી લાગતો. માનવે પણ થોડીવાર પહેલાં મેનકાનુ એ જ રૂપ જોયું હતું. પણ અભિનય કરતી વખતે તેનું એ રૂપ ફરી તેની અંદર જ સમાઈ ગયું હતું. જેણે માનવને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.

શૂટિંગ પૂરી થતાં મેનકા તેની ઘરે જતી રહી. માનવ તેની ગર્લફ્રેન્ડ સાથે ડીનર પર ગયો. હાં, માનવની એક ગર્લફ્રેન્ડ પણ હતી. માનસી ગુપ્તા...જે માનવને દિલ ફાડીને પ્રેમ કરતી હતી. સામે માનવ માટે પણ માનસી તેનું સર્વસ્વ હતી. પણ મેનકા સાથે કામ કર્યા પછી માનવ અવળે રસ્તે ચડી રહ્યો હતો.

મેનકા સેટેલાઈટ વિસ્તારમાં આવેલાં પોતાનાં ઘરનાં સોફા પર બેસીને નૂડલ્સ ખાઈ રહી હતી. મેનકાનું ઘર ડિઝની વર્લ્ડ જેવું લાગી રહ્યું હતું. મેનકાએ પોતાનાં રૂમ સહિત આખાં ઘરને મિકી માઉસ, મિની માઉસ, ડોનાલ્ડ ડક, ગૂફી, સિન્ડ્રેલા જેવાં કેટલાંય કેરેક્ટર્સના ફોટોઝ અને મૂર્તિઓથી ભરી દીધું હતું.

મેનકાના કોફીના કપમાં, બેડ પરની ચાદરમાં અને એલાર્મમા પણ ડિઝની કેરેક્ટર્સના જ ચિત્રો હતાં. મેનકા પચ્ચીસ વર્ષની થઈ ગઈ હતી. પણ તેનો રૂમ જોતાં કોઈ તેને પચ્ચીસ વર્ષની કહી નાં શકતું.

મેનકા નૂડલ્સ ખાઈને પોતાનાં રૂમમાં જઈને બેડ પર સૂતી. તેની આંખોમાં દૂર દૂર સુધી ઉંઘ દેખાતી ન હતી. છતાંય તે પગથી માથા સુધી ચાદર ઓઢીને સૂઈ ગઈ.

માનવ તેની ગર્લફ્રેન્ડ સાથે ડીનરની મોજ માણતો હતો. શિયાળાની ઠંડીમાં માનસીનો હાથ પકડીને માનવ કોઈ અલગ જ દુનિયામાં ખોવાઈ ગયો હતો.

"બેબી, આ રીતે મને નાં જોઈશ. તું પાગલ થઈ જઈશ." માનસીએ માનવની આંખો સામેથી પોતાની નજર હટાવીને કહ્યું.

"પાગલ તો ક્યારનો થઈ ગયો છું." માનવ મેનકાની હરકતો વિશે વિચારીને બોલી રહ્યો હતો. પણ માનસીને એમ કે માનવ તેની વાત કરી રહ્યો છે.

માનવ પોતાનાં પરનો કાબૂ ગુમાવી રહ્યો હતો. થોડાં જ સમયમાં તેની સાથે જે બન્યું. એ વાતને લઈને તે ઉંડા વિચારોમાં સરી પડતો હતો. પછી તે કોની સામે શું બોલતો હતો. તેનું પણ તેને ભાન ન હતું. આથી તેણે ડીનર પતાવીને પહેલાં માનસીને પોતાની ઘરે ડ્રોપ કરી. પછી માનવ પોતાની ઘરે ગયો.

માનવે હજું પોતાનાં ઘરમાં પગ મૂકીને લાઈટ શરૂ કરી. પછી દરવાજો બંધ કર્યો. ત્યાં જ લાઈટ બંધ થઈ ગઈ. એ સાથે જ માનવે એક રાડ પાડી. ગણતરીની મિનિટોમાં લાઈટ ફરી ચાલું થઈ ગઈ.


(ક્રમશઃ)