શું તમે શેરમાં ઇન્ટ્રાડે કે ટ્રેડીંગ કે પછી ફ્યુચર એન્ડ ઓપ્શન દ્વારા લેવેચ કરો છો ?
આ સવાલ નો જવાબ અને સવાલ શા માટે એ સમજતા પહેલાં એક હકીકત જાણીએ.
એપ્રિલ ૨૦૨૦ થી જુન ૨૦૨૦ના ત્રિમાસિક ગાળામાં આશરે ૨૪ લાખ ડિમેટ ખાતાઓ શેરબજારમાં રોકાણ અને લેવેચ માટે ખુલ્યા. હવે જો આ દરેક ખાતામાં માત્ર રૂ દસ હજાર જ રોકવામાં આવ્યા હોય તો વિચાર કરો શેરમાં રોકાણ માટે કેટલો બધો રૂપિયો ઠલવાયો.
શેરબજારની માર્ચ ૨૦૨૦ ના કારમી ઘટાડા પછી તેજી તરફની કુચ આ મારા તમારા જેવા સામાન્ય નાના નાના રોકાણકારોના બજાર પ્રવેશને આભારી છે એમાં ઓક્ટોબર ૨૦૨૦થી એફ આઈ આઈ એટલેકે વિદેશી રોકાણકારોની એન્ટ્રી થઇ એથી હાલ બજારનો સેન્સેક્સ ૪૩૦૦૦ ને આંબી ગયો છે.
આ જે ડિમેટ ખાતાઓ ખુલ્યા એની પાછળનું કારણ લોકડાઉન પણ છે જેઓ ઘરે બેઠાં કમાણી બંધ થઇ કે ઘટી ગઈ એ બેઠાં બેઠાં કમાવા પણ શેરબજારમાં આવ્યા. આખરે ખર્ચને પહોંચી વળવા કૈક તો આવક જોઈએને ? આ ઉપરાંત લોકો સમજતા થયા કે માત્ર એક જ આવક પર ચલાવવું બેકારીને આમંત્રણ આપવા જેવું છે એથી લોકડાઉન પછી પણ સાઈડ આવક કરવા લોકો શેરબજાર તરફ વળ્યા છે.
અહી મૂળ મુદ્દો એ છેકે લોકો અહી શેરની લેવેચ દ્વારા કમાણી કરવા શેરબજારમાં દાખલ થયા છે જયારે હકીકત એ છે કે શેરબજારમાં રોકાણ લાંબાગાળાનું હોય એટલેકે ત્રણ કે પાંચ કે દસ વર્ષ જેટલા લાંબાગાળાનું હોય તો જ મુદીવૃધ્ધી થાય અને વેલ્થ ઉભી કરી શકો તમે. બાકી લે વેચ ખાસ તો ઇન્ટ્રાડે કે ફ્યુચર ઓપ્શનમાં નાના રોકાણકારો નુકશાન જ ભોગવે છે આ ખેલ માત્ર નાણાકીય સંસ્થાઓનો છે અને જેની પાસે લાખો રૂપિયા છે. બાકી અહી લાંબા સાથે ટૂંકો જાય મરે નહી તો માંદો થાય એવી જ વાસ્તવિકતા છે.
હાલ બજારમાં તેજી ચાલી રહી છે એથી બધાં કમાવી રહ્યા છે અને ખુશ છે પરંતુ શેરબજારનું કઈ કહેવાય નહિ એકાદ નકારત્મક કારણ પણ મોટું કરેકશન આપી શકે છે જે તમને મોટા ખોટના ખાડામાં ઉતારી દે અને આ હકીકત શેરબજારમાં વારંવાર બનતી આવી છે જયારે જયારે મંદી આવી ત્યારે આપણે લાખો લોકોને નુકશાન થયું એની વાતો સાંભળી છે જોયું છે પરંતુ માનવ સ્વભાવ આદત સે મજબુર.
તો પછી તમે ઇન્ટ્રાડે કે ટ્રેડીંગ કરતા હોવ તો શું કરવું કઈ સાવચેતી રાખવી એ આપણે જોઈએ.
સૌ પ્રથમ તો આ ટાળવું જ જોઈએ પરંતુ કરવું જ હોય કમાણીની જરૂર હોય તો સ્ટોપ લોસ મુકીને લેવેચ કરવી. સ્ટોપલોસ એટલે તમે અગાઉથી જો ભાવ અમુક કિંમતથી નીચે જાય તો જો ખરીદ્યું હોય ત્યારે આપમેળે વેચી દેવું અથવા ખરીદી વિના વેચ્યું હોય તો લઇ લેવું એનો ઓર્ડર આપી દેવો આ હવે કમ્પ્યુટર દ્વારા તમે લીમીટ મુકો તો આપમેળે લે કે વેચનો સોદા થઇ જાય જેથી લોસ ઘટી જાય.
જો તમે ડીલીવરી લઇ લે વેચ કરતા હોવ તો શેર એવા લેવા કે જેમાં લાંબાગાળાનું રોકાણ કમાણી કરી આપે એથી જો શેર ગાળામાં ભેરવાઈ ગયા તો પણ લાંબેગાળે નુકશાન ન થતા નફો જ થાય.
શેર ખરીદી જયારે વેચો ત્યારે તમારી પાસે આવા લાંબાગાળામાં નફો રળતા શેરનું લીસ્ટ હાથમાં તૈયાર હોવું જોઈએ જેથી થયેલો નફો ધોવાઇ ના જાય.
શેરબજારથી લોકો દુર રહેતા હોય છે એને સટ્ટો કે જુગાર કહેવામાં આવે છે એનું કારણ એ જ કે દરેક મંદીના રીએક્શનમાં લાખો નાના નાના રોકાણકારો ના લે વેચ કરનારા અને ખાસ તો ઇન્ટ્રાડે કરનારા નુકશાનીના મોટા ખાડામાં ઉતરતા હોય છે અને પોતાની જિંદગીભરની કમાણી ગુમાવતા હોય છે. અથવા તેજીમાં કામાંવેલું ગુમાવતા હોય છે.
અહી અન્ય એક ચીજ કરવા જેવી એ છે કે જો તમે ઇન્ટ્રાડે કરો કે ટ્રેડીંગ કરો અને રોજ જે નફો ઘરભેગો કરો એટલેકે દર અઠવાડિયે જે કમાવો એમાંથી ૨૦% નફો કોઈ લાંબાગાળા માટે પકડી રાખવા જેવા શેરમાં રોકી દો. એક પંદર થી વીસ કંપનીઓ એવી શોધી લો કે નફો એમાં રોકાતો જાય જેથી જે ટૂંકાગાળામાં જો નુકશાન થાય તો લાંબાગાળે એ સરભર થઇ જાય.
ઇન્ટ્રાડેમાં તમે જો રોજના રૂ એક હજાર કમાવો તો તમને એક કરોડ કમાતા ૪૦ વર્ષ લાગે એટલેકે મહિનાના ૨૨ દિવસ શનિવાર રવિવારે બજાર બંધ હોય ક્યારેક રજા હોય એ ગણી મહીને ૨૨ હજાર વધુમાં વધુ કમાવી શકો અને તમારે રોજ આખો દિવસ એની પાછળ આપવો પડે એથી વિચારો કે ઇન્ટ્રાડે એ રોજગારી ના હોઈ શકે અને એ એક નિવૃતિની પ્રવૃત્તિ જ માત્ર હોઈ શકે આમ તમારે યુવાન હોવ તો ઇન્ટ્રાડે કે લેવેચનો ધંધો ટાળવો જોઈએ અને શેરમાં લાંબાગાળાનું રોકાણ કરવું જોઈએ એ એક પેસીવ આવક જ હોઈ શકે અને એ એક યોગ્ય રોકાણ પણ છે જ પણ ધંધો નથી એ યાદ રહે.
યાદ રહે શેરમાં ઇન્ટ્રાડે કે ટ્રેડીંગની કમાણી એ તમારી પગાર કે અન્ય વ્યવસાય હેઠળની માસિક આવક જેવી જ આવક છે અને એ કઈ શેરમાં રોકાણ નથી અને તમારે કરવાનું છે શેરમાં રોકાણ જે માત્ર અને માત્ર લાંબાગાળા માટેનું જ હોઈ શકે અને એમ થાય તો જ તમે વાર્ષિક ૧૫% સીએજીઆર (ક્યુમ્યુલેટીવ એન્યુઅલ ગ્રોથ રેટ ) દરે કમાણી કરી શકો અને કરોડોની વેલ્થ ઉભી કરવું શક્ય બને.
નરેશ વણજારા
મોબાઈલ નંબર ૯૮૨૧૭૨૮૭૦૪