શેરબજારમાં રોકાણની ગડમથલ
શેરબજારમાં રોકાણ કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે, એ આપણે જોઈએ.
શેરબજારમાં કોઈ કંપનીના શેર ખરીદતા “બાય ડીસીઝન“ એ “સેલ ડીસીઝન“ કરતા વધુ મહત્વનું છે. કારણકે જયારે આપણે શેર જે પણ ભાવે ખરીદીએ, એ ભાવથી શેરનો ભાવ વધશે જ, એવા વિશ્વાસથી આપણે ખરીદતા હોઈએ છીએ. અને ભાવ કેટલો વધશે અને શું ભાવે આપણે વેચી શકશું, એ આપણા હાથની વાત નથી. પણ માર્કેટ ફોર્સેસ ભાવ નક્કી કરતા હોય છે.
અહી કોઈએક કંપનીના શેર ખરીદ્યા પછી એના પ્રેમમાં પડવું ન જોઈએ. અને જો પડીએ તો એ મૂર્ખતા છે. તો નુકશાન થવાની પૂરી શક્યતા છે. અહી તો “તુ નહી તો ઔર સહી મેરે ચાહને વાલે હજાર“ એ જ મંત્ર પકડી રોકાણ કરવું જોઈએ. મુંબઈ સ્ટોક એક્સચેન્જ પર રોજના લગભગ ૨૦૦૦ કંપનીના સોદાઓ થતા હોય છે, તો કોઈ એકના પ્રેમમાં પડવું મૂર્ખતા છે.
અહી એવી પણ શક્યતા છે કે કોઈએક કંપનીના શેર ખરીદ્યા બાદ એનો ભાવ ૩૦ ટકા થી ૪૦ ટકા વધી જાય અને જો વેચવામાં ના આવે તો એનો ભાવ ૫૦ ટકા ઘટી જાય. આમ અહી પેપર પર નફો દેખાય એ સહજ છે. તો કોઈ કંપનીના શેર ઘટતા હોય, ત્યારે જો ૨૦ ટકા ઘટાડાએ વેચી ‘કટ ધ લોસ’ને ન્યાયે વેચાય તો વધુ ઘટાડા એ બીજા ૫૦ ટકા ઘટી જાય અને નુકશાન બમણું થાય એવી પણ શક્યતા છે.
બે ઉદાહરણ લઈએ. “સત્યમ કમ્પ્યુટર“ આ કંપનીના રૂ દસનો એક શેર. એમાં ઘોટાળો બહાર આવ્યો એ પહેલા લગભગ રૂ ૨૫૦૦ સુધી ગયેલો. આનો અર્થ જેમણે રૂ દસના ભાવે ૧૦૦૦ શેર લીધા હતા, એના રૂ દસ હજારના રૂપિયા ૨૫ લાખ થઇ ગયા. ઘોટાળો બહાર આવ્યો અને એનો ભાવ ગગડીને રૂપિયા ૬૦ સુધી પડ્યો. હવે જેણે ૧૦૦૦ શેર લીધા હોય એણે આવા સમયે જો રૂ ૨૫૦૦ના ભાવે ૫૦૦ શેર પણ વેચી દીધા હોત, તો એના ખિસ્સામાં રૂપિયા ૧૨ લાખ ૫૦ હજાર આવી જાત. બીજો દાખલો લઈએ, એક સમયે મુંબઈની મિલોની બોલબાલા હતી. મિલ કંપનીના શેરના ભાવ તેજીમાં હતા. દત્તા સામંતે મિલ કામદારોની હડતાલ પાડી અને મિલોની પડતી શરુ થઇ. અને મિલો બંધ પડી અને શેર ધારકોને એટલું નુકશાન થયું. મારવાડીમાં કહેવત છે “હવેલીની ઉમર ૬૦ સાલ“. આનો અર્થ જો માણસ મૃત્યુ પામતો હોય તો જે માણસ વડે કંપની ચાલે છે, એ કંપની પણ બંધ પડી શકે છે. જો એને યોગ્ય વારસદાર ના મળે તો અને ત્યારે.
જો તમે શેરબજારમાં રૂ ત્રણ લાખનું રોકાણ કરવાના હોવ, તો એ રોકાણ ફક્ત ત્રણ કે ચાર કંપનીમાં રોકાણ કરવાને બદલે, દરેક કંપની દીઠ રૂ ૨૫૦૦૦ પ્રમાણે દસ થી બાર કંપનીઓમાં રોકાણ કરવું. અને એ પણ જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝવાળી કંપનીઓમાં આમ કરવાથી જોખમ સ્પ્રેડ થશે, અને આ કંપનીઓ એ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રખ્યાત હોવી વધુ યોગ્ય.
શેરબજારમાં ત્રણ પ્રકારની કંપનીઓ હોય છે. એક કચરો કંપની, બીજી શોર્ટ ટર્મ બ્લ્યુચીપ અને ત્રીજી લોંગ ટર્મ સાઉન્ડ એન્ડ સ્ટેડી.
“કચરો” કંપનીના મેનેજમેન્ટ ચોર હોય છે. તેઓ પબ્લિકના પૈસે તાગડધીન્ના કરતા રહે, કરચોરી કરે. આવી કંપનીના મેનેજમેન્ટ પૈસા બનાવે, પણ પબ્લીકને ડુબાડે.
“શોર્ટ ટર્મ બ્લ્યુચીપ” એટલે આવી કંપનીનું ત્રણ થી સાત કે દસ વર્ષ સુધીનું હોય છે. એમની તરફેણમાં પવન હોય છે, એક યુફોરિયા હોય છે, જે પૂરો થતા કંપની ડૂબે. આવી કંપનીમાં રોકાણકારોએ “વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાના” પણ એમાં વહી ન જવાય એની કાળજી લેવાની તકેદારી રાખવાની.
“લોંગ ટર્મ સાઉન્ડ એન્ડ સ્ટેડી“ આવી કંપનીનું મેનેજમેન્ટ સ્વસ્થ હોય છે. એના કર્મચારીઓ પણ હંમેશા ખુશ હોય છે. કંપનીના શેરહોલ્ડરોને તેઓ રીયલ સેન્સમાં ભાગીદાર સમજે છે. અને તમામ સ્ટેક હોલ્ડરોને સાથે લઈને ચાલવામાં માને છે. અહી સ્ટેક હોલ્ડરો એટલે કંપની સાથે સંકળાયેલા તમામ. એટલેકે માત્ર શેરહોલ્ડરો જ નહિ પણ કર્મચારી, સપ્લાયરો, નાણા ધીરનારા ગ્રાહકો, વગેરે તમામ શેર હોલ્ડરોને ઉત્કૃષ્ઠ રીટર્ન આપવું, એવી એમની ફિલોસોફી હોય છે. આવી કંપનીનું આયુષ્ય ૫૦ થી ૬૦ વર્ષ કે, વધુ પણ હોઈ શકે. અરે ૧૦૦ વર્ષ થી વધુ પણ હોઈ શકે. કારણકે આવી કંપનીમાં મેનેજમેન્ટ આવે અને જાય, પણ કંપની ચાલતી રહે.
જો તમે શેરબજારમાં આવી કચરો, શોર્ટ ટર્મ બ્લ્યુચીપ અને લોંગ ટર્મ સાઉન્ડ એન્ડ સ્ટેડી, આ ત્રણ પ્રકાર ઓળખતા આવડે, તો તમને શેરબજારમાં નુકશાન નહિ જાય, અને અહી રોકાણમાં ૧૨ ટકા થી ૧૫ ટકા વળતર આવશ્ય મેળવી શકો.
શેરબજારમાં કયારે રોકાણ કરવું ? તેજીમાં કે મંદીમાં ? એક સમય હતો કે જયારે મુંબઈ સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ ૬૦૦૦ પર હતો. ત્યારે લોકો કહેતા કે તેજી છે. ત્યારબાદ એક સમય એવો આવ્યો કે જયારે સેન્સેક્સ ૧૫ હજાર થી ૧૭ હજાર સુધી અથડાતો હતો. ત્યારે લોકો કહેતા કે મંદી છે, લો બોલો.
તેજી મંદી તો બજારમાં આવે ને જાય. પણ શેરબજારમાં તમે શું ભાવે શેર ખરીદો છો અને શું ભાવે વેચી શકો છો, એના આધારે તમે શેરબજારમાં કમાવો છો કે નહિ એ નક્કી થાય. ઉપર જણાવ્યા મુજબ શેરબજારમાં લગભગ બે હજાર કંપનીના રોજેરોજ સોદા પડે છે, એટલી વાઈડ ચોઈસ છે. તમારી પાસે કોઈને કોઈ કંપની નીચા ભાવે મળી જ જાય, જેનો ભાવ વધવા માંડે. ટુંકમાં, જયારે તમારી પાસે થોડા સરપ્લસ પૈસા હોય અને વીસ થી પચ્ચીસ હજાર રૂપિયાનું જોખમ લેવાની તૈયારી હોય, ત્યારે શેરબજારમાં પ્રવેશવું જોઈએ. મારું તો કહેવું છે કે જો લાંબાગાળાના લાભ જોઇતા હોય, તો બચતના ૩૦ ટકા સુધી શેરબજારમાં રોકાણ કરતા રહેવું જોઈએ. જો નુકશાન જાય તો ડરી જઈ શેરબજારમાંથી નીકળી ના જતા. નુકશાનીમાં શીખવાથી ભવિષ્યમાં સારું વળતર મળવા માંડે છે.
શેરબજારમાં શેર કયારે વેચવા ? જયારે શેરબજારમાં તેજી હોય ત્યારે, કચરા કંપનીના શેરનો ભાવ પણ વધે જ છે. તો આવા સમયે કચરો કંપની પહેલા વેચવા અને બ્લ્યુચીપ શા માટે વેચવા ? અને એ પણ જો એના ભાવ સ્ટેડીલી વધતા હોય ત્યારે, અને જયારે મંદી હોય ત્યારે. એને કચરો કંપનીના શેર વેચી બ્લ્યુચીપ કંપનીના શેર નીચા ભાવે લેવાનો અવસર સમજવો.
જો શેરબજારમાં કમાઈ ના હોત, તો સ્ટોક એક્સચેન્જ ન હોત. એના પર કંપનીના શેરના ભાવ બોલાતા ના હોત, અને મલ્ટીનેશનલ કંપનીઓ ના હોત, કે જેઓ પોતાના શેર લીસ્ટ કરતા હોય છે. જો આ બધું શક્ય છે, તો તમે પણ ત્રીસ ચાલીસ કંપનીમાં થોડું ઘણું રોકાણ કરી, ૧૨ ટકા થી ૧૫ ટકા વળતર મેળવી જ શકો છો. જરૂર છે કંપનીના મેનેજમેન્ટ અને પર્ફોમન્સને ઓળખવાની.
નરેશ વણજારા