Aagam Yatra Nigam dhaam - 5 books and stories free download online pdf in Gujarati

આગમ યાત્રા નિગમ ધામ - 5

સાંજના સાત વાગવા આવ્યા હતા. છેલ્લા દોઢ બે કલાકથી સ્વામીજી સૂક્ષ્મ જગત વિશે એકધારું બોલી રહ્યા હતા. મોટાભાગની ચર્ચા પૂરી થવા આવી હતી.

" સ્વામીજી એક સવાલ પૂછવાનું મન થાય છે. આત્મા ચિત્રગુપ્તના વિભાગમાં ગયા પછી એને ક્યાં મોકલવો એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે એના માપદંડ શું છે ? " મારા મિત્ર મહેશભાઈ એ સવાલ કર્યો.

" કર્મ અને માત્ર કર્મ !! તમે સમગ્ર જીવન દરમિયાન સારા કે ખરાબ જે પણ કર્મ કર્યા હોય એનો સંપૂર્ણ રેકોર્ડ જે તે ન્યાયાધીશની સામે આવી જાય છે. ઇરાદાપૂર્વક કરેલા ખરાબ કર્મો અને અજાણતા થયેલા ખરાબ કર્મો બંનેની સજા જુદી હોય છે. તમારા સૂક્ષ્મ શરીર સાથે માનસ પટલ પણ જોડાયેલું હોય છે એ પણ વાંચી લેવામાં આવે છે કે તમારી વૃત્તિઓ કેવી છે. તમારી અતૃપ્ત ઇચ્છાઓ વાસનાઓ વગેરેની પણ નોંધ લેવાય છે અને એ પ્રમાણે ફરી જન્મ આપી દેવો કે સૂક્ષ્મ જગત માં આત્માને થોડો સમય આપવો વગેરે નક્કી કરવામાં આવે છે. "

" અનેક જન્મના સંચિત કર્મો નો આખો રેકોર્ડ હોય છે અને એ જ પ્રમાણે એનો જન્મ થયેલો હોય છે. આ જન્મમાં સારા કર્મો કરીને કે દુઃખ ભોગવીને પાછલાં કર્મોનો ક્ષય થયેલો છે કે કેમ તે તમામ બાબતો જોવામાં આવે છે. આ બધી બાબતો ખૂબ જ જટિલ હોય છે અને તે સંપૂર્ણપણે શબ્દોમાં સમજાવી શકાય તેમ નથી."

" ન્યાય આપનાર એ દિવ્ય મહાત્માઓ પાસે એક અલગ દ્રષ્ટિ હોય છે આત્માને પારખવાની એટલે બરાબર યોગ્ય ન્યાય એ મહાત્માઓ આપતા હોય છે. સૂક્ષ્મ આત્માની ફરી જન્મ લઈને ખરાબ કર્મો સજા રૂપે ભોગવી લેવાની ઈચ્છા હોય તો એને એક તક આપવામાં આવે છે અને એ સુક્ષ્મલોક માં જ રહેવાની ઇચ્છા રાખતો હોય તો એ પ્રમાણે જ જે તે લોકમાં મોકલવામાં આવે છે. "

" સ્વામીજી સૂક્ષ્મ શરીર વિશે થોડુંક વધારે જાણવાની ઈચ્છા છે ."

" જુઓ સૂક્ષ્મ શરીર કર્મોના ભારથી વીંટળાયેલું હોય છે. પાપ કર્મો ગુરુત્વાકર્ષણ બળની જેમ સુક્ષ્મ શરીરને પૃથ્વી તરફ ખેંચવા પ્રયત્ન કરે છે એટલે આ કર્મો નો ભાર જેટલો વધારે તેમ આત્મા ઉંચી ઉડાન કરી શકતો નથી. પાપ કર્મોના બંધનથી આત્મા જેટલો હલકો તેમ તેમ તે ઉપરના લોક સુધી ગતિ કરી શકે છે. "

" સૂક્ષ્મ શરીર આકાશ વાયુ અને પ્રકાશ તત્વોથી બનેલું હોય છે અને એ વાયુ સ્વરૂપ હોય છે પણ તેની તરંગ લંબાઈ વધુ સૂક્ષ્મ હોવાથી આપણી દ્રષ્ટિથી તે જોઈ શકાતું નથી. જેમ હવામાં રહેલો ભેજ આપણે જોઈ શકતા નથી તેમ. સૂક્ષ્મ શરીર વાતાવરણમાંથી પ્રકાશ અને જળ તત્વની એનર્જી પ્રાપ્ત કરીને ક્યારેક પોતાનો આભાસ કરાવી શકે છે જેને આપણે ભૂત કે પ્રેત કહેતા હોઈએ છીએ. "

" સૂક્ષ્મ શરીર ઉંમરથી પર હોય છે. વૃદ્ધાવસ્થા માં મૃત્યુ થાય તોપણ સૂક્ષ્મ શરીર યુવાન અવસ્થા જેવું બહાર આવે છે. પરંતુ તે ધારે તે સ્વરૂપ ધારણ કરી શકે છે. સુક્ષ્મ શરીરને કોઈપણ જાતની પીડા થતી નથી અને તે કોઈ પણ સ્થૂળ પદાર્થમાંથી આરપાર જઈ શકે છે. "
" પોતાના કુટુંબના કોઈપણ નજીકના સ્વજન નું મૃત્યુ થવાનું હોય તો તેની અગાઉથી જાણ સુક્ષ્મ શરીરને એટલે કે આત્માને કરવામાં આવતી હોય છે. એટલે મૃત્યુ સમયે કેટલાક આત્માઓ મૃત્યુ પામનાર સ્વજન ની પાસે હાજર રહેતા હોય છે. "

" સ્વામીજી સમય ઘણો થઈ ગયો છે. હવે અમારે પણ કરી જવાની ઉતાવળ છે. એક સવાલ પૂછવાનું મન થાય છે. આપણા શાસ્ત્રોમાં ધ્રુવલોક સૂર્યલોક અને ચંદ્રલોક ની વાત છે. તો આ લોક કયા કયા છે ? "

" જુઓ ધ્રુવ બ્લોકની તો મેં શરૂઆતમાં જ ચર્ચા કરેલી છે. પાંચથી સાત લોક સૂર્ય લોક કહેવાય છે અથવા આત્મલોક કહેવાય છે જ્યાં માત્ર આત્માનું જ અસ્તિત્વ છે. મનનું કોઈ અસ્તિત્વ નથી. જ્યારે એક થી ચાર લોક ચંદ્રલોક કહેવાય છે. જ્યાં મનનું અને ઈચ્છાઓનું અસ્તિત્વ છે."

" વિશ્વના સંપૂર્ણ મનોજગત ઉપર ચંદ્રનું આધિપત્ય છે. એટલે જ્યાં સુધી જીવ ઈચ્છા ધરાવે છે, થોડી ઘણી પણ વાસના છે ત્યાં સુધી તે સૂર્ય લોકમાં એટલે કે પાંચમા લોકમાં પ્રવેશ કરી શકતો નથી. સંપૂર્ણ આત્મસ્થ સ્થિતિ પ્રાપ્ત થાય, નિર્વિચાર સ્થિતિ પેદા થાય ત્યારે જ તે સૂર્ય લોકમાં ગતિ કરી શકે છે. "
" આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધ પક્ષનું ખૂબ જ મહત્વ છે. શ્રાદ્ધ પક્ષ એ પિતૃલોક માટે એટલે કે ચંદ્રલોક માટે એક વેકેશન જેવો સમય છે. તમામ આત્માઓને આ સોળ દિવસ દરમિયાન મૃત્યુ ની તિથિ પ્રમાણે પૃથ્વી ઉપર જઈને પોતાના સ્વજનોને જોવાની સ્વતંત્રતા મળે છે. કોઈપણ જાતના ભોગ તે આ સમયમાં આરોગી શકે છે."

" ચંદ્રલોક એટલે કે એક થી ચાર લોક કુલ સોળ ભાગમાં વહેંચાયેલા છે. દરેક ભાગને કલા કહેવામાં આવે છે. એક થી ચાર લોકમાં કર્મ પ્રમાણે ગમે ત્યાં ગતિ થાય પણ એ ગતિ મૃત્યુ ની તિથિ મુજબ થતી હોય છે. માનો કે શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની સાતમના દિવસે મૃત્યુ થાય તો બીજો જન્મ ના થાય ત્યાં સુધી સાતમી કલામાં જીવને રહેવાનું થાય છે."

" જે તિથિમાં મૃત્યુ થયું હોય એ તિથિ શ્રાદ્ધ પક્ષમાં જ્યારે પણ આવે ત્યારે જે તે જીવને પૃથ્વી ઉપર જવા માટે રજા આપવામાં આવે છે. મૃત્યુ પામેલા દરેક જીવોને મૃત્યુ ની તિથિ પ્રમાણે જે તે કલામાં મોકલવામાં આવે છે. પરંતુ જે લોકોનું ગોળીબાર જેવા શસ્ત્રોથી મૃત્યુ થાય કે અગ્નિમાં સળગી જવાથી, પાણીમાં ડૂબી જવાથી કે અકસ્માત થી અચાનક મૃત્યુ થાય એ તમામ જીવોને ભલે ગમે તે તિથિમાં મૃત્યુ પામ્યા હોય તોપણ તેમને ચૌદમી કલામાં જ મોકલવામાં આવે છે. આત્મહત્યા કરી લેનારા પણ ચૌદમી કલામાં જ જાય છે. "

" એટલે આ રીતે જેમનું પણ કુદરતી મૃત્યુ ના થયું હોય એ તમામ જીવાત્માઓને ચૌદમી કલામાં મોકલવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ ચૌદશના દિવસે થયું હોય તો એને અમાવસ્યા ની સોળમી કલામાં મોકલવામાં આવે છે. કારણ કે પંદરમી કલા પૂનમના દિવસે જે લોકોનું મૃત્યુ થયું હોય એમના માટે છે. ચૌદમી કલા માત્ર અને માત્ર અપમૃત્યુ થનારા પીડિત આત્માઓ માટે રિઝર્વ છે એમ સમજવું. જે લોકોએ સંસાર છોડી સંન્યાસ લીધો હોય એમને બારમી કલામાં મોકલવામાં આવે છે. "

" શ્રાદ્ધ નો છેલ્લો અમાવસ્યાનો દિવસ તમામ આત્માઓ માટે મુક્તિનો દિવસ ગણાય છે. એમને પૃથ્વી ઉપર ગમે ત્યાં ફરવાની અને સ્વજનોને મળવાની આઝાદી આપવામાં આવે છે. એટલે જ એને સર્વપિતૃ અમાવાસ્યા કહેવામાં આવે છે. "

" અદભુત જાણકારી મળી સ્વામીજી આટલી બધી સૂક્ષ્મ માહિતી તો કોઈ જાણતું જ નથી. સોળ તિથિનો ચંદ્રની સોળ કળાઓ સાથેનો સંબંધ આપશ્રીએ સમજાવ્યો તે અદભુત છે " પુષ્કરભાઈ એ કહ્યું.

" સ્વામીજી આપણા હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી શબને અગ્નિદાહ આપવામાં આવે છે જ્યારે કેટલાક ધર્મોમાં શબને જમીનમાં દાટવામાં આવે છે. તો આ બધી અલગ-અલગ પરંપરાથી સૂક્ષ્મ દેહ ને કોઈ ફરક પડે છે ખરો ?" મેં પૂછ્યું.

" ઘણો ફરક પડે છે. સૂક્ષ્મ શરીર એટલે કે મૃતાત્મા જમીનની અંદર દાટેલા પોતાના મૃત દેહને જોઈ શકે છે. જમીનની અંદર પ્રવેશી પણ શકે છે. એટલે છોડી દીધેલા શરીરનો મોહ જલ્દી છૂટતો નથી અને પ્રેતાત્મા જલ્દી ઉપર જઈ શકતો નથી અને શરીરની આસપાસ ભટક્યા કરે છે."

" શરીરને અગ્નિદાહ આપીને ભસ્મ કરી દેવામાં આવે તો દેહનું કોઈ અસ્તિત્વ જ રહેતું નથી એટલે મૃતાત્મા જલ્દીથી ઉપર ગતિ કરી શકે છે. હિન્દુ ધર્મની અગ્નિદાહ આપવાની પરંપરા આત્માની ઉચ્ચ ગતિ અને મોક્ષપ્રાપ્તિ માટે શ્રેષ્ઠ ગણાય છે. "

"સ્વામીજી વ્યક્તિ મૃત્યુ પામી જાય પછી કેટલાં વર્ષ પછી ફરી જન્મ લે છે ? "

" ફરી જન્મ લેવા માટે કોઈ નિશ્ચિત સમય હોતો નથી. ક્યારેક બે-ત્રણ વર્ષમાં પણ જન્મ થાય તો ક્યારેક સો-બસો વર્ષ પણ નીકળી જાય. પાપ કર્મો વધારે હોય તો જલ્દી જન્મ થાય છે કારણકે એ પાપ કર્મોના ભોગવટા માટે જન્મ લેવો જ પડે છે. "

" દરેક આત્મા પોતાના કર્મો પ્રમાણે યોગ્ય મા-બાપની પસંદગી કરે છે અને પછી જ ગર્ભમાં પ્રવેશ કરે છે. પોતે કરેલાં પાપ કર્મોની સજા રુપે નવા જન્મમાં કયાં કયાં દુઃખો સહન કરી લેવાં એ પણ આત્મા પહેલેથી જ નક્કી કરીને નવો જન્મ ધારણ કરે છે પણ જન્મ ધારણ કર્યા પછી એ બધું ભૂલી જાય છે એટલે વધુ દુઃખી થાય છે અને ભગવાનને દોષ દે છે. "

" સ્વામીજી મેં એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિની પાછળ શ્રીમદ્ ભાગવત કથા બેસાડવાથી એ જીવ મુક્તિ પામે છે એ સાચું છે ? "

" મૃત્યુ પામ્યા પછી જીવ તમામ શારીરિક વેદનાથી મુક્ત હોય છે પણ ખરાબ કર્મો કર્યા હોય કે વાસનાઓ રહી ગઈ હોય ત્યારે માનસિક રીતે એ ખુબ જ વ્યથિત હોય છે. ઈશ્વરનું સ્મરણ ચિંતન જ સૂક્ષ્મ લોકમાં શાંતિ આપી શકે છે. મૃત્યુ પછી દરેક મૃતાત્મા પોતાના કર્મો માટે પસ્તાતો હોય છે. એને શાંતિ મળતી નથી ત્યારે ભગવાનનું નામ અને પ્રાર્થના એને ખૂબ જ સારાં લાગે છે. કોઈ વ્યક્તિના મૃત્યુ પછી એના આત્માને આવાહન કરીને જો સાત દિવસની ભાગવત કથા બેસાડવામાં આવે અને કથાકાર પણ પૂર્ણ ભાવથી ભાગવત કથા કરે તો એ મૃતાત્મા ખૂબ જ ધ્યાનથી સાંભળે છે અને એને પરમ શાંતિ પણ મળે છે. એનું પ્રાયશ્ચિત થાય છે અને ઈચ્છાઓ અને વાસનાઓથી મુક્ત થઈને એ ઉર્ધ્વગતિ કરી શકે છે. "

" સ્વામીજી આપનો ખુબ ખુબ આભાર !! આજે આપના સત્સંગથી અમારી ઘણી બધી જિજ્ઞાસા સંતોષાઈ ગઈ છે. હવે અમે આપની રજા લઈએ સ્વામીજી .. હરિ ૐ "

" હરિ ૐ " સ્વામીજીએ આશીર્વાદ આપ્યા અને અમે સ્વામીજીના ચરણસ્પર્શ કરી વિદાય લીધી.

( ૧૯૭૪ માં સ્વામી અભેદાનંદજી સાથે થયેલો સત્સંગ અવિસ્મરણીય હતો !! સૂક્ષ્મ જગત વિશેની આટલી સચોટ માહિતી ક્યાંય ઉપલબ્ધ નથી એટલે વર્ષો પછી એ વાતચીતને યાદ કરી કરીને આ લેખમાળા વાચકો સમક્ષ મૂકી છે !! )

અશ્વિન. રાવલ (અમદાવાદ)


બીજા રસપ્રદ વિકલ્પો