1974 ના સપ્ટેમ્બર મહિનાની આ વાત ! મારી ઉંમર ત્યારે સત્તાવીસ વર્ષની. એ સમયે હું દ્વારકા પોસ્ટ ઓફિસમાં ટેલિગ્રાફિસ્ટ હતો. એ જમાનો તાર નો હતો. મોબાઈલ પણ નહોતા કે એસટીડી પીસીઓ પણ ન હતા. તાર વ્યવહાર વધુ સક્રિય હતો. એટલા માટે દ્વારકામાં મારી સારી ઓળખાણો પણ હતી અને પ્રતિષ્ઠા પણ હતી.
દ્વારકામાં આધ્યાત્મિક ચેતના ખૂબ જ સક્રિય રહેતી. સમગ્ર દેશમાંથી હજારો યાત્રાળુઓ ભક્તિભાવથી દ્વારકાધીશનાં દર્શન કરવા આવતા અને રસ્તાઓ ઉપર ધૂન બોલાવતા આગળ વધતા. ઘણીવાર સંત મહાત્માઓ નાગા બાવાઓ અને સાધુઓ પણ આવતા. દ્વારકા આવનારાં બેટ દ્વારકા પણ અવશ્ય જતાં.
દ્વારકામાં પુષ્કરભાઈ ગોકાણી ની ઓળખાણ મને થયેલી. પુષ્કરભાઈ ખૂબ જ વિદ્વાન હતા અને મોટા મોટા મહાત્માઓ સાથે એ સંપર્કમાં રહેતા. એક વાર એમણે મને કહ્યું કે - રાવલભાઈ બેટ દ્વારકામાં એક સિદ્ધપુરુષ પધાર્યા છે. સૂક્ષ્મ જગત સાથે સંબંધ ધરાવે છે. મળવા જેવી વિભૂતિ છે. રસ હોય તો કાલે રવિવારે અમારી સાથે આવો.
મને તો નાનપણથી જ અગમ નિગમ અને અધ્યાત્મમાં રસ હતો. આવો મોકો હું ચૂકી ના શકું. મેં મારા ઓખાના મિત્ર મહેશ ભાઈ ને પણ વાત કરી. એ પણ તૈયાર થયા. રવિવારે પુષ્કરભાઈ એમના એક મિત્ર હું અને મહેશભાઈ એમ ચાર જણા બેટ દ્વારકા પહોંચ્યા.
એમનું નામ સ્વામી અભેદાનંદ હતું. કાળાં ભમ્મર દાઢી મૂછ અને માથા ઉપર ટાલ ! આંખોમાં કોઈને પણ આકર્ષી શકે એવી ગજબની ચમક અને પહાડી અવાજ ! ઉંમર લગભગ પાંસઠ વર્ષની પણ લાગે પચાસ ના. યોગ અને પ્રાણાયામના કારણે શરીર પણ એકદમ તંદુરસ્ત !!
બેટ દ્વારકામાં એક નાનકડી ઓરડીમાં એમનો ઉતારો. અમે સાંજે લગભગ ચાર વાગ્યે પહોંચેલા. એમણે અમારું સ્વાગત કર્યું અને બેસવાનું કહ્યું. અમે એમનો ચરણસ્પર્શ કરી એમની સામે બેઠા. અગાઉ પુષ્કરભાઈને વર્ષો પહેલાં પણ તે દ્વારકામાં મળેલા એટલે પુષ્કરભાઈથી તે સારી રીતે પરિચિત હતા.
" હરિ ૐ...મને તો ગઈ કાલે જ ખબર પડી કે આપ પધાર્યા છો એટલે આપના દર્શને આવી ગયો. આ ત્રણ મારા મિત્રોને પણ સાથે લાવ્યો છું. " પુષ્કરભાઈ એ વાતની શરૂઆત કરી.
" હરિ ૐ... જી બે દિવસ થયા. લગભગ એક મહિનાથી તમારા સૌરાષ્ટ્રમાં જ ઘૂમી રહ્યો છું. સોમનાથ જુનાગઢ અને હવે આ દ્વારકાની પવિત્ર ભૂમિ !" સ્વામીજી બોલ્યા.
" રાવલભાઈ સ્વામીજી મૂળ તો કર્ણાટકના છે પણ ભારતની ઘણી ભાષાઓ બોલી શકે છે અને ગુજરાતી તો તમને એમ જ લાગે કે એ ગુજરાતી છે. " પુષ્કરભાઈએ મારી સામે જોઈને કહ્યું.
" સ્વામીજી આજે તો બસ અમે તમને સાંભળવા જ આવ્યા છીએ. તમે ધ્યાનમાં બેસીને સતત સૂક્ષ્મ જગત માં વિહાર કરો છો. અનેક આત્માઓ સાથે સંપર્ક માં છો. સૂક્ષ્મ જગતમાં દિવ્ય આત્માઓને પણ મળી ચૂક્યા છો તો અમને આજે આ બધી વાતો કરવાની કૃપા કરો. આજકાલ હું પણ સૂક્ષ્મ જગત વિશે વાંચી રહ્યો છું. "
" હરિ ૐ... જી ભાઈ અનુભવ તો ઘણા બધા છે પણ કેટલાંક રહસ્યો બતાવવાની મને મનાઈ છે. મારા બધા અનુભવો અને દિવ્ય આત્માઓ સાથે જે પણ વાતો થયેલી છે એ બધી વાતો મને કહેવાની મનાઈ છે. હું કહેવાની કોશિશ કરું તો પણ મારી વાચા બંધ થઈ જાય. "
" અત્યારે પણ મારી સાથે બે દિવંગત સંત મહાત્માઓ આ રૂમમાં બેઠેલા છે. એટલે તમારે પોતાને કઇ જાણવું હોય કે સૂક્ષ્મ જગત વિશે કોઈ સવાલ હોય તો પૂછી શકો છો. હું જેટલી પણ શક્ય હશે એ માહિતી તમને આપીશ."
" જી સ્વામીજી. સૌથી પહેલી શરૂઆત તો મૃત્યુથી કરીશું. આપ અનેક આત્માઓને મળેલા છો એટલે આ વિષયમાં પણ ઘણું બધું જાણો છો તો મૃત્યુ વખતે શું અનુભવ થાય છે એ જાણવાની ઈચ્છા છે. "
" કોઈનું મૃત્યુ ઉંમરના કારણે નેચરલ હોય છે. કોઈનું ટ્રેન કે વાહન અકસ્માતમાં થાય છે. કોઈ સળગીને મરી જાય છે. કોઈ પાણીમાં ડૂબી જાય છે તો કોઈ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરે છે. તો શું મૃત્યુ સમયની વેદના બધાની એકસરખી જ હોય છે ? "
" જે લોકોના આ પ્રકારે મૃત્યુ થયા હોય છે તેમના આત્માઓને પણ હું મળ્યો છું અને જિજ્ઞાસાના કારણે તમારા જેવા સવાલો પણ પૂછેલા છે. ઉંમરના કારણે જે નેચરલ મૃત્યુ થાય છે એમાં વેદનાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. એમાં શ્વાસની પ્રક્રિયા બદલાય છે અને પછી ધીમી પડીને આંચકા સાથે બંધ થઈ જાય છે. "
" ગળે ફાંસો ખાવો કે પાણીમાં ડૂબી જવું એ બંને અનુભવો ગૂંગળામણના છે અને એમાં ફેફસાને બહુ જ કષ્ટ પડે છે અને ક્યારેક ફેફસાં અંદરથી ફાટી જાય છે એવું મને જાણવા મળ્યું. પાંચેક મિનિટનો એ તરફડાટ ખુબ જ પીડાદાયક હોય છે. આખું શરીર પ્રાણ તત્વ વિના માછલીની જેમ તરફડે છે."
" જો કે આ તીવ્ર પીડા ત્યાં સુધી શક્ય હોય છે જ્યાં સુધી મગજને ઓક્સિજન પહોંચતો રહે. ગૂંગળામણમાં એક સ્થિતિ એવી પેદા થાય છે કે જ્યારે મગજને પ્રાણવાયુ મળતો નથી અને ત્યારે શરીર તરફડતું હોય તો પણ મરનારને પીડાનો કોઈ અનુભવ થતો નથી. અને ધીમે ધીમે ચેતના શાંત થતી જાય છે. "
" બસ કે ટ્રક નીચે કચડાઇ જવું કે ટ્રેન નીચે કપાઈ જવું એ અનુભવ પાંચેક મિનિટ સુધી અત્યંત પીડાદાયક હતો એવું જાણવા મળ્યું. જો કે એમાં પણ મગજને લોહી પહોંચતું બંધ થાય કે પછી પ્રાણવાયુ ન પહોંચે તો મરનારને પીડાનો કોઈ અનુભવ થતો નથી."
" સળગી જવાનું અત્યંત વેદનાપૂર્ણ હોય છે . જો કે એમાં પણ સળગવાની થોડી ક્ષણો પહેલાં જ ફેફસાને ઓક્સિજન મળતો બંધ થાય છે અને ગૂંગળામણ ચાલુ થઈ જાય છે. મગજને જ્યારે પ્રાણવાયુ મળતો બંધ થાય એટલે પીડાનો અનુભવ થતો નથી. એટલે મૃત્યુના દરેક કેસમાં ગૂંગળામણ અને ફેફસાની પીડા જોવા મળી છે. "
" ફેફસાં દરેક વ્યક્તિના જીવનમાં એક અગત્યનું અંગ છે અને મૃત્યુ પહેલા ની છેલ્લી વેદના ફેફસામાં જ થાય છે. ફેફસાં ની સાથે જ હૃદય જોડાયેલું હોય છે અને ત્યાં જ દરેક માણસની ચેતના સ્થિર થયેલી હોય છે જેને આપણે જીવ પણ કહીએ છીએ. પ્રકાશ અને ઊર્જા રૂપી આત્મા નાભીમાં મણિપુર ચક્ર સાથે અને સૂક્ષ્મ શરીર હૃદય પ્રદેશમાં અનાહત ચક્ર સાથે મુખ્યતઃ જોડાયેલાં હોય છે."
" ફેફસાં જયારે આ રીતે છેલ્લી અવસ્થામાં પ્રાણવાયુ વિના તરફડતાં હોય અને જાગૃત મગજ કામ કરતું બંધ થાય ત્યારે અર્ઘજાગૃત મન કે જે હૃદય પ્રદેશમાં રહેલી સૂક્ષ્મ ચેતના સાથે પણ જોડાયેલું હોય છે તેને આ જન્મમાં પુરા જીવન દરમિયાન કરેલાં સારા ખરાબ તમામ કર્મો એક ચિત્રપટની જેમ મનની આંખે દેખાય છે. થોડી ક્ષણોમાં આખા જીવનનો ચિતાર પ્રત્યક્ષ દેખાય છે. "
અમે બધાં મંત્ર મુગ્ધ થઈને સ્વામીજીની વાણી સાંભળતાં હતાં.
" માનસ પટલ ઉપર કર્મોનું ચલચિત્ર પૂરું થાય પછી સમગ્ર શરીરમાં વ્યાપેલી ચેતના કે ચૈતન્ય ફેફસા તરફ ખેંચાવા લાગે છે અને ત્યારે શ્વાસોશ્વાસની પેટર્ન બદલાઈ જાય છે અને નીચેનું શરીર શાંત થતું જાય છે. એ પછી ત્યાં ભેગી થયેલી ચેતના ઉપરના ચક્રો ભેદીને નાડી માર્ગે જ શરીરની બહાર આવી જાય છે. "
" નાડી એક પ્રકારનો રેલવે ટ્રેક છે જે માર્ગે આત્માનો ગર્ભમાં પ્રવેશ થાય છે અને મૃત્યુ સમયે આત્મા પણ નાડી માર્ગે જ બહાર આવે છે. મોટાભાગે આત્મા આજ્ઞા ચક્ર તોડીને બહાર આવે છે જેથી મૃત્યુ સમયે બંને આંખો ઉપર તરફ ખેંચાઈ જાય છે. માત્ર સિદ્ધપુરુષો માં તે સહસ્ત્રાર ચક્ર ભેદીને બહાર આવે છે. એટલા માટે જ મૃત્યુ સમયે નાડીઓ ખેંચાય છે એવું ઘણા કહેતા હોય છે "
" મૃત્યુના અધિષ્ઠાતા દેવ શિવ પોતે છે એટલા માટે આપણું અપમૃત્યુ કે અકાલ મૃત્યુ ના થાય એના માટે શિવની પ્રાર્થના વેદ મંત્રો માં છે. શિવ અકાલ મૃત્યુ નો યોગ દૂર કરી શકે છે અને એમનો મંત્ર મહામૃત્યુંજય કહેવાય છે જેમાં મૃત્યુ સમયની આ વેદના દૂર કરવાની તાકાત આ મંત્રમાં છે. આપણી એ મોટી ગેરસમજ છે કે આપણે મહામૃત્યુંજય મંત્રને આયુષ્ય માટેનો કે જીવ બચાવવા માટેનો મંત્ર માની બેઠા છીએ. "
" મહામૃત્યુંજય મંત્રનો અર્થ તમને આવડે તો આ મંત્રનું રહસ્ય તમને સમજાય. ત્રણ નેત્રવાળા અને જીવનમાં સુગંધી અને પુષ્ટિ આપનારા હે શિવ અમે તમને હદય પૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે જેમ પાકેલું કોળું વેલાના બંધનમાંથી એકદમ જ ખરી પડે એજ રીતે મૃત્યુ સમયના આ વેદનામય બંધન માંથી તત્કાલ અમને મુક્ત કરો મતલબ કે આત્માને સરળતાથી બહાર ખેંચી લો. એટલું જ નહીં જન્મો જનમના ચક્રમાંથી પણ અમે મુક્ત કરો અને અમૃત તત્વ એટલે કે મુક્તિ આપો. ખૂબ જ વિશાળ અર્થ આ મંત્રમાં છે. "
" જી સ્વામીજી. હવે આત્મા શરીરમાંથી છુટો પડ્યા પછી સૂક્ષ્મ શરીરને શું અનુભવ થાય છે અને કેવી રીતે એ આગળ ગતિ કરે છે એ જાણવાની તીવ્ર ઈચ્છા છે. યમરાજા જીવને લેવા આવે છે એવી પણ વાતો પુરાણોમાં વાંચી છે. આપ તો સૂક્ષ્મ જગત ના અનેક આત્માઓ સાથે ચર્ચા કરી ચૂક્યા છો તો એ વિશે સત્ય હકીકત શું છે તે પણ અમને જણાવવાની કૃપા કરો. "
" જુઓ આ બાબતમાં દરેકના અનુભવ અલગ અલગ છે. યમરાજા પોતે તો નથી આવતા પણ સૂક્ષ્મ જગતનું આખું નેટવર્ક જ અલગ છે. ઘણીવાર તમારા કોઈ સ્વજન જે ઊંચા લેવલ ઉપર પહોંચી ગયા હોય તે આવે છે તો ક્યારેક તમે જે આધ્યાત્મિક માર્ગે હો તે પંથના કે ધર્મ ના કોઈ અનુયાયી આવે. ક્યારેક તમારા અંગત મિત્ર જે ઊંચા લેવલ ઉપર પહોંચી ગયા હોય તે પણ આવે. "
" આ બધાનો આધાર તમારી આધ્યાત્મિક કેટલી પ્રગતિ તમે આ જન્મમાં કરી છે એના ઉપર છે. પાપ કર્મો કર્યા હોય કે દુષ્ટ પ્રવૃત્તિઓ કરી હોય તો હલકા આત્માઓ જ તમને લઈ જવા આવતા હોય છે. એક વસ્તુ એ પણ યાદ રાખો કે દરેકનો મૃત્યુ સમય સૂક્ષ્મ જગત માં ખબર હોય છે એટલે મૃત્યુના થોડા સમય પહેલા આદેશ આપવામાં આવે છે કે આત્મા ને લેવા માટે કોણ જશે. "
" બીજી બાબત એ પણ છે કે દરેક ધર્મની પોતપોતાની માન્યતાઓ છે અને એ પ્રમાણે જ આ બધું ગોઠવાતું હોય છે. દાખલા તરીકે સનાતન ધર્મમાં એટલે કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં પિંડદાન આપીને તેરમા દિવસે મુક્તિ કરાવવામાં આવે છે. એટલે મૃત્યુ પછી તરત સૂક્ષ્મ જગત માં ઉપર ગયેલો આત્મા તેર દિવસ સુધી પોતાના ઘરે પાછો આવી શકે છે."
" જો કે તે એકલો પાછો નથી આવી શકતો પણ તેને એક માર્ગદર્શક આત્માની સાથે પાછો મોકલવામાં આવે છે. તેરમા દિવસે પિંડદાન પછી એના કર્મો પ્રમાણે જે લોકમાં એને જવાનું હોય છે ત્યાં એને એનો માર્ગદર્શક આત્મા લઈ જાય છે. પછી એ વારંવાર પાછો નથી આવી શકતો. "
" બધા ધર્મો માટે આત્માને ઘરમાં રોકાવાની વધુમાં વધુ મર્યાદા તેર દિવસની જ હોય છે. પણ સૂક્ષ્મ લોકમાં ગતિ કરવાની મર્યાદા દરેક ધર્મની અલગ અલગ હોય છે. જે ધર્મમાં પિંડદાન નથી થતું અને માત્ર પૂજા રાખવામાં આવે છે તેને પૂજા પછી તરત જ બોલાવી લેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પણ જ્યાં પિંડદાન વગેરે નથી થતા ત્યાં પણ તેરમો દિવસ છેલ્લો હોય છે. "
" બીજી એક વાત પણ અગત્યની છે. પૃથ્વી ઉપર કેટલાક જીવો એવા હોય છે કે જે પોતાની તીવ્ર માયા અને વાસનાના કારણે ઉર્ધ્વગતિ કરવા માગતા નથી અને પોતાના પરિવાર આસપાસ જ રહેવા માંગતા હોય છે તેમને નીચેનો પ્રેત લોક પ્રાપ્ત થાય છે અને જ્યાં સુધી એ આત્માને આત્મજ્ઞાન ન થાય અથવા બીજા ઉચ્ચ આત્મા એમને સમજાવે નહીં ત્યાં સુધી એ આ પ્રેત અવસ્થામાં જ ભટક્યા કરે છે. અને વર્ષો પછી અનુકુળ સમય આવે ત્યારે ફરી પાછા એના એ જ કુટુંબમાં જન્મ પામે છે "
" સ્વામીજી આપની પાસેથી ઘણી બધી બાબતો જાણવા મળી. આપે હમણાં પ્રેત લોકની વાત કરી તો આવી રીતે સૂક્ષ્મ જગત માં કેટલા લોક હોય છે અને આ લોક ક્યાં આવેલા હોય છે. સ્વર્ગ અને નર્ક ખરેખર છે કે નહીં તે બધું જાણવાની ખૂબ જ જિજ્ઞાસા છે પ્રભુ ! "
સ્વામીજી આગળ કંઈ બોલે તે પહેલાં એમને મળવા બીજા બે-ત્રણ દર્શનાર્થીઓ રૂમમાં આવ્યા એટલે અમારી વાત અધૂરી રહી.
લગભગ અડધો કલાક પછી એ લોકો ગયા એ પછી ફરી અમારો સત્સંગ ચાલુ થયો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)