આગમ યાત્રા નિગમ ધામ - 4 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

શ્રેણી
શેયર કરો

આગમ યાત્રા નિગમ ધામ - 4

સ્વામી અભેદાનંદજી ની કેટલીક વાતો ખૂબ જ અચરજ પમાડે તેવી હતી. પણ ઘણા બધા પ્રશ્નોનું સમાધાન પણ થયુ હતું. સ્વામીજી સૂક્ષ્મ જગત માં કેવી રીતે વિહાર કરી શકતા હતા અને અનેક આત્માઓ સાથે કેવી રીતે એમણે વાતચીત કરી હશે એ એક કુતૂહલનો વિષય હતો.

" હરિ ૐ....સ્વામીજી ઘણા બધા લોકો મૃત્યુ પછીના જીવન વિશે જાણવા માટે ઉત્સુક હોય છે અને ઘણા લોકો પ્લાંચેટ કે મીડીયમ દ્વારા કોઈને કોઈ આત્માનો સંપર્ક કરવા કોશિશ કરતા હોય છે. જ્યારે આપશ્રી એ તો સૂક્ષ્મ જગત માં યાત્રા કરી છે. અને વિવિધ પ્રકારના આત્માઓની પણ મુલાકાત કરી છે. તો એ આપના માટે કેવી રીતે શક્ય બન્યું એ જાણવાની મને તીવ્ર ઈચ્છા છે" મારાથી પૂછાઈ ગયું.

" હા સ્વામીજી રાવલભાઈ નો પ્રશ્ન સાચો છે. મને પણ આ પ્રશ્ન પેદા થયો છે. " પુષ્કરભાઈ બોલ્યા.

" હરિ ૐ... હું નાનો હતો ત્યારે મારા કુટુંબમાં ઘણા બધા મૃત્યુ થયાં હતાં એટલે નાનપણમાં જ મૃત્યુ વિશે ખૂબ જ કુતૂહલ મારા મનમાં જાગેલું. જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એ દિશામાં મારા વિચારો બળવાન થતા ગયા. જે લોકોના શરીરમાં કોઈ દેવ કે માતાજી આવતા હોય એવા ભુવા લોકોને પણ મેં પૂછી જોયું. કેટલાક તંત્ર સાધકોને પણ મળ્યો. પરંતુ કોઈની પાસે મૃત્યુ પછીના જીવન વિશે જવાબ ન હતો.

નાનપણથી જ અગમ-નિગમ માં મને રસ હતો અને ઈશ્વરને પ્રાપ્ત કરવાની મારી ખૂબ જ ઈચ્છા હતી. બાર તેર વર્ષની ઉંમરે પણ હું બે-ત્રણ કલાક સુધી ધ્યાનમાં બેસી શકતો. મહાઅવતારી બાબા, લાહિરી મહાશય, રામકૃષ્ણ પરમહંસ વગેરે મારા આદર્શ હતા. પોંડીચેરી પણ હું જઈ આવેલો. મેં છેવટે સંસાર છોડીને કોઈ આશ્રમમાં ચાલ્યા જવાનું નક્કી કર્યું. તીવ્ર ઇચ્છા શક્તિ હોય તો કોઈ પણ કામ સિદ્ધ થઈ શકે છે."

" અને બીજી એક વાત કે હું નાનપણથી જ ક્યારેક-ક્યારેક હરતા-ફરતા પ્રેતાત્માઓ ને નરી આંખે જોઇ શકતો. મારા ઘરમાં પણ મારા એક સ્વજનને એક વાર જોયેલા. પણ આ બધું હંમેશા નહોતું બનતું. એટલે સૂક્ષ્મ જગત વિશે મારું કુતૂહલ વધી ગયું. હું ઈશ્વરને રોજ એ જ પ્રાર્થના કરતો કે મારે સૂક્ષ્મ જગત ના અનુભવ કરવા છે. મેં ચોવીસમા વર્ષે ઘર છોડી દીધું અને ઈશ્વરની શોધમાં હરિદ્વાર ઋષિકેશ તરફ પ્રયાણ કર્યું. મારી ઈચ્છા શક્તિ મને એક ગુરુ પાસે લઈ ગઈ જેમની મુલાકાત મને ઋષિકેશમાં થઈ. "

" એ એક મોટા સિદ્ધ મહાત્મા હતા. એમનો કોઈ જ આશ્રમ નહોતો. હિમાલય બાજુ ગંગાકિનારે હંમેશા ફરતા જ રહેતા અને તેથી એમને બધા ગંગા સ્વામી તરીકે ઓળખતા. ઘણી બધી સિદ્ધિઓ તેમણે પ્રાપ્ત કરી હતી. તેઓ સૂર્ય ની સાધના કરતા હતા. અચાનક એક જંગલમાં એ મને મળી ગયા અને મને જ મળવા આવ્યા હોય એ રીતે તેમણે મને વાત કરી."

"તું ગાયત્રીના ચોવીસ લાખ મંત્રોનું એક પૂરશ્ચરણ પૂરું કર. સાવિત્રી સાધના બધા રહસ્યો તને ખોલી આપશે. એ પછી ચંડીપાઠ ના રાત્રિ સુકતના સવા લાખ પાઠ પૂરા કર. યોગમાયા ના આવરણને કારણે આપણી દ્રષ્ટિની એક મર્યાદા હોય છે અને તેથી સમસ્ત વિશ્વને આપણે જોઈ શકતા નથી. મોહરાત્રિ માંથી મુક્ત કરવાનું કામ રાત્રિ ની અધિષ્ઠાત્રી સંધ્યાદેવી એટલે કે જગદંબા કરે છે. દિવસની અધિષ્ઠાત્રી ઉષા દેવી છે જેને સાવિત્રી પણ આપણે કહીએ છીએ. એટલે મને સાવિત્રી અને સંધ્યાદેવી ની આ બે સાધનાઓ કરવાનું કહેવામાં આવ્યું. "

" ગાયત્રીના પુરશ્ચરણથી તારો આત્મા પવિત્ર થઈ જશે. કેટલાક કર્મના બંધનો દૂર થઈ જશે. ઘણી બધી વસ્તુ તારી સામે આપોઆપ પ્રગટ થશે. જગતમાં બનનારી ઘટનાઓ તું અગાઉથી જોઈ શકીશ. રાત્રિસૂક્ત તારી કુંડલિની જાગૃત કરી સમાધિ અવસ્થા સુધી લઈ જશે અને સૂક્ષ્મ જગતમાં પ્રવેશવાનો અધિકાર તને મળશે. કોઈ દિવ્ય આત્મા તારો ભોમિયો બનશે. મારા આશીર્વાદ તારી સાથે છે- બસ આટલું કહીને તે ચાલવા લાગ્યા. એ પછી મને ફરી ક્યાંય આજ સુધી મળ્યા નથી. "

" મેં ઋષિકેશ પાસે જ જંગલમાં એક કુટિર બાંધી મારી સાધના ચાલુ કરી. રોજ વહેલી સવારે 4 થી 7 ધ્યાન કરતો અને પછી 50 માળા ગાયત્રીની કરતો. દોઢ વર્ષે પુરશ્ચરણ પૂરું થયું એ પછી ચાર મહિનામાં સવાલક્ષ રાત્રિ સૂક્તના પાઠ પણ મેં પૂરા કર્યા. "

" આ સાધનાને પૂરી કર્યા પછી બે મહિના બાદ ગુરુપૂર્ણિમા ના દિવસે સાચા હૃદયથી અને ભાવથી મેં ગંગાસ્વામીની માનસ પૂજા કરી. એ દિવસે ધ્યાનમાં મને એમનાં દર્શન થયાં અને તરત મને સમાધિ અવસ્થા પ્રાપ્ત થઇ. મેં એ અવસ્થામાં પ્રકાશમય છતાં ભગવાં વસ્ત્રધારી એક દિવ્ય મહાત્માને મારા તરફ આવતા જોયા. એકદમ સૌમ્ય અને કરુણાદ્રષ્ટિ વાળો ચહેરો આજે પણ મને યાદ છે. તેઓ હવામાં જ ચાલતા હતા. "

" અમારી વચ્ચે શું વાતચીત થઈ.... હું ક્યાં ક્યાં ગયો..... કેવી રીતે ગયો.... ત્યાં શું શું જોયું.... એ બધું કહેવાની મને સ્પષ્ટ મનાઇ છે એટલે આગળનું વર્ણન હું નહીં કરી શકું. બસ એ યાત્રા પછી ધ્યાનમાં બેસીને હું કેટલીક મર્યાદા માં હવે ધારું ત્યાં જઈ શકું છું. મહાત્માજી સાથે ગુરુપૂર્ણિમાના દિવસે માત્ર એક જ વાર ચોથા મહહ્ લોક સુધી હું જઈ આવ્યો પણ પછી મને પરમિશન નથી. ત્રીજા લોક સુધી પણ ક્યારેક ક્યારેક જ જઈ શકું છું. પ્રથમ બે લોક સુધી હું ઈચ્છું ત્યારે જઈ શકું છું."

" મારે મારી આ સિદ્ધિને ચાલુ રાખવા માટે રોજ ગાયત્રી મંત્રની સાધના ચાલુ રાખવી પડે છે અને એક કલાક સૂર્યનું ધ્યાન પણ કરવું જ પડે છે. "

" અદભુત સ્વામીજી અદભુત !! ખરેખર આપ ધન્ય છો. ઈશ્વરની કૃપા વગર આવું કઠોર તપ શક્ય જ નથી. " પુષ્કરભાઈએ કહ્યું.

" સ્વામીજી તમે હમણાં કહ્યું કે ઉપર સૂક્ષ્મ લોકમાં જળાશયો પણ છે, બગીચા પણ છે, ફળફૂલ પણ થાય છે. પાણી પીવાની ઈચ્છા થાય તો તરત પાણી પણ મળી જાય છે તો શરીર છૂટી ગયા પછી ભૂખ-તરસ વગેરે આત્માને કેવી રીતે હોય અને આત્મા કેવી રીતે જમી શકે ? "

"જુઓ આપણે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર હયાત છીએ ત્યાં સુધી આપણું શરીર પંચ મહાભૂત નું એટલે કે પાંચ તત્વોનું બનેલું છે. અગ્નિ એટલે કે તેજ અથવા પ્રકાશ, પૃથ્વી વાયુ જળ અને આકાશ. માણસનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે પૃથ્વી તત્વ અને જળ તત્વ છૂટી જાય છે અને સૂક્ષ્મ શરીર અથવા એસ્ટ્રલ બોડી તેજતત્વ વાયુતત્વ અને આકાશતત્વ સાથે સૂક્ષ્મ જગત માં ગતિ કરે છે."

" જ્યાં સુધી કર્મોનો સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી મન બુદ્ધિ અહંકાર વગેરે સુક્ષ્મ શરીરની સાથે જોડાયેલા જ રહે છે. સૂક્ષ્મ શરીર વિચારી પણ શકે છે, જોઈ પણ શકે છે, બોલી પણ શકે છે . મતલબ એની પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો કામ કરતી રહે છે. એને શરીર નથી એટલે કર્મેન્દ્રિયો નથી પણ સુગંધનો અનુભવ, ભૂખનો અનુભવ, તરસ નો અનુભવ, જોવાનો અનુભવ, બોલવાનો અનુભવ, વાસના ભોગવવાનો અનુભવ વગેરે માનસિક રીતે તો ચાલુ જ રહે છે. એટલે જ્યાં સુધી કારણ શરીર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બધું જ ચાલુ રહે છે. "

" એટલે આ સૂક્ષ્મ શરીરના પોષણ માટે ફળો પણ છે અને જળ પણ છે. એટલું જ નહીં પણ તમને જે ખાવાની ઈચ્છા થાય તે ચોથા લોક માં વિચાર માત્રથી પ્રાપ્ત થાય છે. ત્રીજા લોકમાં પાપ કર્મોના કારણે કેટલાક આત્માઓને થોડા બંધનો હોય છે જ્યારે પાંચમા અને છઠ્ઠા લોકમાં તો સિદ્ધ મહાત્માઓ ભૂખ-તરસથી લગભગ પર થઈ ગયા હોય છે. એટલે આમ જોવા જઈએ તો ચોથા લોકને સ્વર્ગ જેવો કહી શકાય. અને આ બધું એટલું બધું અલૌકિક છે કે હું તમને શબ્દોમાં સમજાવી શકતો નથી. "

" દરેક લોકમાં સૂર્યનું ખૂબ જ મહત્વ છે. સૂર્ય સાક્ષાત નારાયણ છે એમ કહું તો પણ ખોટું નથી. દરેક લોકમાં સૂર્ય ચોવીસ કલાક દિવ્ય પ્રકાશ આપે છે. તમામ સૂક્ષ્મ શરીરો પણ સૂર્યમાંથી ઊર્જા મેળવે છે. સૂર્યમાંથી જળાશયો બને છે. સૂર્યમાંથી જ ફળ ફૂલ અને બગીચાનું નિર્માણ થાય છે. અને આ દિવ્ય ભોજન જમીને સૂક્ષ્મ શરીરો સૂર્યની ઊર્જા મેળવે છે. એટલે સૂર્યનું પ્રાણતત્વ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલું છે. અને તેથી જ સૂર્યના ગાયત્રીમંત્રનું આટલું બધું મહત્વ વેદોમાં ગાયું છે. " સ્વામીજી બોલ્યા.

" હવે તમને બીજી એક વાત વિસ્તારપૂર્વક સમજાવવા માગું છું કે દરેક લોક ખુબજ વિશાળ એટલે કે લાખો કરોડો માઈલો ના વિસ્તારમાં ફેલાયેલો હોય છે અને દરેક લોકમાં ધર્મ પ્રમાણે જુદા જુદા મંડલો આવેલાં હોય છે. જેમ પૃથ્વી ઉપર દરિયામાં અનેક પ્રકારના ટાપુઓ અને બેટ આવેલા છે તેમ દરેક લોકમાં પણ જુદાં જુદાં સૂક્ષ્મ મંડલો હોય છે. આ મંડલો જુદા જુદા ધર્મો સાથે સંકળાયેલા હોય છે."

" ઉદાહરણ તરીકે આપણે જૈન શાસન કે જૈન પરંપરા ની વાત કરીએ તો જૈન ધર્મ પાળનારા શ્રાવકો મૃત્યુ પછી જૈન શાસન તરફ જ ગતિ કરે છે કે જેમના જૈન મંડલો દરેક લોકમાં હોય છે. તેવું જ દરેક ધર્મનું સમજવું. બૌદ્ધ અનુયાયીઓ બૌદ્ધ મંડલમાં ગતિ કરે. કોઈ પણ દિવ્ય અવતારી પુરુષ પૃથ્વી પર જઈને ઈશ્વરનો પ્રચાર કરે અને પોતાનો નવો ધર્મ સ્થાપે અને એના અનુયાયીઓ વધવા લાગે એટલે એ ધર્મનું સૂક્ષ્મ લોકમાં નવુ મંડળ રચાઈ જાય અને એ ધર્મને માનનારા તમામ જીવો પોતાના કર્મો ભોગવવા દરેક લોકમાં એ જ મંડલમાં જતા હોય છે."

"યાદ રાખો કે આ મંડલો ચોથા લોક સુધી જ હોય છે. જીવ જ્યારે ધર્મના વાડામાંથી મુક્ત થાય અને પોતાને આત્મા સ્વરૂપે જ જુએ ત્યારે જ પાંચમા લોક માં પ્રવેશ થાય છે અને ત્યાં કોઈ ધર્મ હોતો નથી. માત્ર પરમ તત્વની સાધના થાય છે. એટલે દરેક ધર્મનું છેલ્લું સ્ટેશન ચોથો લોક છે. દરેક જીવે કોઈ ધર્મમાં રહીને જે પણ સાધના કરી હોય કે સારા કર્મો કર્યા હોય તો તે પ્રમાણે જે તે લોકમાં એના પોતાના ધર્મ મંડલમાં પ્રવેશ મળે છે. જેમકે તમે ગુજરાતી છો અને દિલ્હી કે કલકત્તા પ્રવાસે જાવ છો તો તમે કોઈ ગુજરાતી ભવન કે ગુજરાતી વિસ્તાર જ રહેવા જમવા માટે શોધો છો. બસ આ એના જેવું જ સમજો. "

"તમારા ધર્મ અને તમારી માન્યતા પ્રમાણે ઉપર સૂક્ષ્મ લોકમાં તમારી ગતિ થાય છે. પુષ્ટિમાર્ગીઓનું પુષ્ટિમાર્ગ મંડળ તો સ્વામિનારાયણ ધર્મનું સ્વામિનારાયણ મંડલ હોય છે !! ટૂંકમાં પૃથ્વી ઉપર તમે જેના અનુયાયી હો અથવા જે ચેતનાને તમે માનતા હો એ પ્રમાણે જ તમને જે તે મંડળમાં કે સમુદાયમાં મોકલવામાં આવે છે. પછી એ પ્રથમ લોક હોય બીજો લોક હોય ત્રીજો હોય કે ચોથો હોય. "

" તમને જાણીને આશ્ચર્ય થશે પણ દરેક લોકમાં સૂક્ષ્મ મંદિરો પણ છે અને જે તે ધર્મમાંથી આવેલા આત્માઓ પોતાના મંડલમાં મંદિરોમાં દર્શન કરવા અને જ્ઞાન મેળવવા પણ જતા હોય છે. સૂક્ષ્મ જગતમાં મેં શિવ મંદિરો, શ્રીરામ મંદિરો, શ્રી કૃષ્ણ મંદિરો ની સાથે સાથે જૈન મંદિરો, સ્વામિનારાયણ મંદિરો, સાઈબાબાના મંદિરો, ચર્ચ, મસ્જિદ વગેરે પણ જોયાં છે. પણ હું આ બધું કોઈ ને સમજાવી શકતો નથી. તમે ખૂબ શ્રદ્ધા અને જિજ્ઞાસાથી મારી પાસે આવ્યા છો તો હું તમને આ સનાતન સત્ય બતાવી રહ્યો છું. માનવું ન માનવું તમારા મનની વાત છે. "

" મુસ્લિમો માટે પણ ઈસ્લામ ધર્મની ચેતનાનું બહુ મોટું મંડલ છે તો ખ્રિસ્તી ધર્મ માટે પણ એવું જ મોટું મંડલ દરેક લોકમાં છે. ઈશ્વર અથવા પ્રભુ પરમાત્મા એક જ છે અને એને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી એટલે ચોથા લોકમાં આ દિવ્યજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આત્મા કોઈપણ ધર્મના વાડા માંથી મુક્ત થઈ જાય છે અને માત્ર આત્મા સ્વરૂપે એ પાંચમા લોકમાં જઈ શકે છે. "

"જ્યાં સુધી ધર્મની માન્યતા છે ત્યાં સુધી એને પાંચમા લોકમાં પ્રવેશ મળતો નથી. જેમ સન્યાસી બન્યા પછી કોઈ જ્ઞાતિ એટલે કે નાત જાત રહેતી નથી એવી જ રીતે પાંચમા અને છઠ્ઠા લોકમાં કોઈ ધર્મ રહેતો નથી. એક માત્ર સચ્ચિદાનંદ પરમ તત્વ !! "

" વાહ સ્વામીજી વાહ..... આજે અમે ધન્ય થઈ ગયા. જાણે સાક્ષાત ઈશ્વરની વાણી સાંભળી રહ્યા છીએ !!!" પુષ્કરભાઈ બોલ્યા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)