પ્રગતિ ભાગ - 34 Kamya Goplani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રગતિ ભાગ - 34

વ્હેલી સવારે બરાબર પોણા ચાર વાગ્યે વિવેકના સેલ પર પ્રગતિનો મૅસેજ આવ્યો, " ઇમરજન્સી.... પ્લીઝ કમ...."

પ્રગતિના આવા મૅસેજથી વિવેક ચિંતિત થઈ ગયો. એ હાંફળો ફાંફળો લૉબીમાં ચાલીને પોતાનાથી બે રૂમ દૂર પ્રગતિના રૂમમાં પહોંચી ગયો. દરવાજો ખુલ્લો જ હતો એટલે વધુ રાહ જોયા વગર એ સીધો જ અંદર ધસી ગયો ત્યારે સામેનું દ્રશ્ય જોઈને એની આંખો ફાટી ગઈ....

આખા રૂમમાં જુદી જુદી જગ્યાએ લવન્ડર કેન્ડલ્સ ચમકતી હતી, બિસ્તરની સફેદ ચાદર પર ગુલાબની પાંખડીઓથી ' લવ ' લખેલું હતું, એકબાજુ ધીમા અવાજે ચાલતા અંગ્રેજી રોમાન્ટિક સોંગ્સ અને બીજીબાજુ લવન્ડર કેન્ડલ્સની સુગંધથી આખા રૂમનું વાતાવરણ કંઈક અલગ જ લાગી રહ્યું હતું. આ બધું જોઈને વિવેકનું મોં ખુલ્લું રહી ગયું....એ પ્રગતિને શોધતો હતો ત્યાં જ રૂમની પાછળની બાજુ રહેલી ખુલ્લી જગ્યામાંથી પ્રગતિ કાચના દરવાજાને સહેજ ખસેડીને અંદર આવી.....

કાચના દરવાજાને ટેકો દઈને ઉભેલી પ્રગતિની આંખોમાં એક અલગ જ પ્રકારનો આનંદ છલકાતો હતો. એણે ઘૂંટણથી એક વેંત ઉંચી, સ્લીવલેસ ગુલાબી રંગની સિલ્કની નાઇટી પહેરી હતી જેમાંથી એના શરીરના વણાકો એકદમ સ્પષ્ટ થતા હતા. એની સામે અકળ નજરે જોઈ રહેલા વિવેકને પ્રગતિના ઘઉંના રંગ કરતા સહેજ વધુ ગોરા, લિસ્સા પગ સ્પષ્ટ દેખાતા હતા. એના ચહેરા પર પારાવાર આશ્ચર્ય હતું. હજુ હમણાં જ ચિંતામાં ઉતાવળે પગે પ્રગતિના રૂમમાં દોડી આવેલા વિવેકને આવી કોઈ કલ્પના પણ નહોતી. એ હજુ કંઈ વિચારે, સમજે એ પહેલા તો પ્રગતિ એકદમ એની નજીક આવી ગઈ. એણે પોતાના બંને હાથ વિવેકના ગળામાં લપેટયા. એ પોતાના પગ સહેજ ઊંચા કરીને એનાથી પાંચ ઇંચ ઊંચા વિવેકના ચહેરાની એકદમ સામે આવી.

પ્રગતિએ વિવેકની આંખોમાં જોયું, " આઈ લવ યુ....." વિવેકની આંખો સહેજ ભીની થઇ ગઇ. એ તરત જ પ્રગતિને ભેટી પડ્યો.....

" એટલીસ્ટ હવે તો કહી દો....." પ્રગતિ વિવેકની પીઠ પર હાથ ફેરવતી હતી.

" લવ યુ ટુ....." વિવેકનો લાગણીભીનો અવાજ સાંભળીને પ્રગતિ એનાથી સહેજ દૂર થઈ. એણે પોતાની બંને હથેળીઓ ની વચ્ચે વિવેકનો ચહેરો લીધો. વિવેકની આંખો હજુ પણ સહેજ ભીની હતી. એના ચહેરા પર એક સોહામણું સ્મિત આવી ગયું હતું. પ્રગતિએ એનો ચહેરો પોતાની નજીક ખેંચ્યો અને વિવેક કોઈ પ્રતિક્રિયા આપે એ પહેલાં જ પ્રગતિએ એના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા......

વિવેકએ પ્રગતિની કમરમાં પોતાના હાથ લપેટીને એને ઊંચકી લીધી અને બિસ્તર પર લઈ ગયો.....એકમેકમાં મગ્ન થયા પછી અચાનક જ પ્રગતિની નાઇટીનો સ્ટ્રેપ ખસેડતી વખતે વિવેકએ પ્રગતિની સામે જોયું, " આર યુ શ્યોર યુ વોન્ટ ધીસ ?" એણે પૂછ્યું. જવાબમાં પ્રગતિએ માત્ર આંખો પલકારી......

સવારે વિવેક નાહીને બહાર આવ્યો ત્યારે પ્રગતિ એના હાથમાં કરેલું ડ્રેસિંગ બદલતી હતી, " ડોંટ ડુ ધીસ અગેઇન....." પ્રગતિએ એક ગુસ્સાભરી નજર વિવેક તરફ કરી.....વિવેકએ પોતાના બીજા હાથ વડે પોતાનો એક કાન પકડ્યો, " સૉરી...."

" પ્રગતિ એક વાત કહું ? " વિવેકએ કહ્યું. પ્રગતિ પોતાનું કામ કરી રહી હતી.

" હમ્મ..." એણે કહ્યું.

" વાગ્યું મને છે ને થાકી તું ગઈ હતી...." વિવેક હસ્યો. પ્રગતિના ચહેરો ગુલાબી થઈ ગયો. એના ચહેરા પર એક શરમાળ સ્મિત આવી ગયું, " શટઅપ....!" વિવેક હજુ પણ જોરજોરથી હસી રહ્યો હતો.......

સાંજે રજત સાબરમતી રિવરફ્રન્ટ પાસે સામે ધીમે ધીમે અદ્રશ્ય થઈ રહેલા સૂર્યને નિહાળતો હતો ત્યારે અચાનક જ પાછળથી શ્રેયાએ એની કમરમાં હાથ નાખીને એના ખભ્ભા પર પોતાનું માંથું ટેકવ્યું પછી પોતાના માથાથી રજતના માથાને જોરથી અથડાવ્યું, " હેલ્લોઓ........."

રજતએ એનો હાથ પોતાની કમરમાંથી હટાવી દીધો, " મારાથી આ બધું નહીં થાય...." એનો અવાજ ઊંચો થઈ ગયો.

" ભલે...." શ્રેયાનો અવાજ સાવ શાંત હતો. એ રજતની બાજુમાં ગોઠવાય, " હું રાહ જોઇશ....." એના ચહેરા પર સામાન્ય સ્મિત હતું.

" પણ તારા પેરેન્ટ્સ...." રજત વધુ કંઈ કહે એ પહેલાં જ શ્રેયાએ કહ્યું, " એ મારો પ્રશ્ન છે....આઈ વિલ હેન્ડલ ઇટ...."

રજતએ એની સામે જોયું, " તું કંઈ જાણતી નથી, મને કંઈ પૂછતી પણ નથી છતાંય આટલી શ્રદ્ધા કેમ છે તને મારા પર...."

" તમારા પર નહીં....મારા પ્રેમ પર....." શ્રેયાનો અવાજ હજુ પણ એટલો જ શાંત, સયંત હતો. રજત એની સામે જોઈ રહ્યો.....દૂધ જેવી સફેદ ગોરી, લિસ્સી ત્વચા, માછલી જેવી તરલ આંખો, નમણું નાક અને એક સરખો આકાર ધરાવતા સહેજ જ ગુલાબી હોઠ. સ્કાય બ્લ્યુ રંગના ડ્રેસ સાથે એણે કપાળ પર સાવ નાનકડો સફેદ રંગનો ચાંદલો કર્યો હતો. સૂર્યના આછા તડકામાં એના સહેજ કથ્થઈ લાગતા વાળ નદીના પવનને કારણે આમતેમ ઉડી રહ્યા હતા.

" કેટલી સરસ છે તું......તને કોઈ પણ મળી રહેશે. " રજતએ મોઢું ફેરવી લીધું, " મારી પાછળ શુ કામ તારો સમય બગાડે છે...."

" બગાડતી નથી. ઇન્વેસ્ટ કરું છું......અને માણસ ઇન્વેસ્ટ ત્યારે જ કરે જ્યારે એને પોતે જેટલું આપ્યું છે એનાથી સહેજ તો વધુ પાછું મળશે જ એવી ખાતરી હોય....." શ્રેયાએ અંગુઠા અને આંગળીની મદદથી ઈશારો કર્યો.

રજત હસ્યો, " આટલો વિશ્વાસ તો મને મારી જાત પર પણ નથી....." એણે કહ્યું. શ્રેયાએ પોતાનો એક હાથ રજતના હાથ પર મુક્યો. એ રજતની થોડી વધુ નજીક આવી, " તો રાખતા શીખી જાવ..." બે સેકેન્ડ રહીને એણે ઉમેર્યું, " એક વણમાંગી સલાહ આપું છું.....પ્રગતિમેમ સાથે વાત કરી જુઓ....તમારા મનને શાતા વળશે.... " એણે પોતાનો હાથ પોતાની તરફ લીધો, " અમમ....." એણે હાથમાં પહેરેલી ઘડિયાળમાં સમય જોયો, " ચાલો હવે મને ઘરે જવામાં મોડું થાય છે.....તમે આવો છો ? " રજત થોડીવાર ચૂપ રહ્યો પછી એણે એક ઊંડો શ્વાસ લીધો, " ચાલ...." એક હળવા ઝાટકા સાથે એ ત્યાંથી ઉભો થઈને ચાલવા લાગ્યો. શ્રેયા કંઈ પણ બોલ્યા વગર એની પાછળ પાછળ ચાલવા લાગી......

પ્રગતિ પોતાના ભીના વાળ લૂછતી લૂછતી બાથરૂમમાંથી કમરામાં દાખલ થઈ ત્યારે વિવેક ટ્રીમર લઈને અરીસાની સામે ઉભો હતો.

એક બેલ વાગી, " રૂમ સર્વિસ...." બેલ વાગ્યા પછી અવાજ પણ આવ્યો. પ્રગતિ અને વિવેકએ મંગાવેલું બ્રેકફાસ્ટ આવ્યું હતું.

" વિવેક....." પ્રગતિએ વિવેકને કહ્યું.

" તું જા ને...." વિવેક પોતાનું કામ કરવામાં વ્યસ્ત હતો.

" વિવેક...." પ્રગતિએ પહેલા કરતા વધુ જોરથી કહ્યું. એણે પોતાના બંને હાથ હવામાં ઉલાળ્યા. ડ્રેસિંગ ટેબલના અરિસામાંથી વિવેકએ પ્રગતિ તરફ એક નજર કરી. પ્રગતિએ કમરથી બે વેંત નીચે સુધી આવતી શોર્ટ્સ અને સફેદ કલરનું સ્પગેટી ટોપ પહેર્યું હતું જે થોડું વધારે જ નીચું હતું ઉપરથી એના ભીના વાળને કારણે એના સફેદ કપડામાં પાણી પડવાથી આરપાર જોઈ શકાતું હતું. પ્રગતિ આવી હાલતમાં બહાર ન જ જાય એવી સમજણ પડતા જ વિવેક ટ્રીમર મૂકીને દરવાજા તરફ ગયો અને પ્રગતિ રૂમની બહારની ખુલ્લી જગ્યામાં આવેલ એક નાનકડા સોફા પર બેસી ગઈ.....

વિવેક પોતાની ચા અને પ્રગતિની ડાર્ક કોફીનો મગ લઈને બહાર આવ્યો. એ પ્રગતિને મગ આપીને પોતે એની સામેની ખુરશીમાં ગોઠવાયો. પ્રગતિ સોફા પર આડી બેઠી હતી. એના પગ સોફાના એક હાથની આગળના ભાગમાં લટકતા હતા તો વાળ બીજી તરફ. એણે ડાર્ક કૉફી મોઢે માંડી એ પહેલાં એમાંથી આવતી સ્ટ્રોંગ કેફેઈનની સુંગધથી જ એનો અડધો થાક ઉતરી ગયો.

પ્રગતિએ એક સિપ લીધી, " હું અને રજત સ્કૂલમાં ભણતા ત્યારે મારી ઉપર બહુ નાની ઉંમરે આવેલી ઘરની જવાબદારીઓથી હું થાકી જતી ત્યારે રજત મને ખુશ કરવા માટે જુદા જુદા જોક્સ સંભળાવતો. શરૂઆતમાં એની નફ્ફટાઈ અને શિક્ષકો સાથે કરાતી શેતાની જોઈને હું એને બિલકુલ પસંદ ન કરતી, પણ જેમ જેમ એને ઓળખતી ગઈ એમ એ મારો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો. " પ્રગતિ જાણે દૂર શૂન્યમાં જોઈને પોતાના ભૂતકાળમાં ડોક્યુ કરતી હોય એમ બોલતી જતી હતી. આમ સાવ અચાનક પ્રગતિ આવુ કંઈક કહેશે એવી વિવેકને કલ્પના નહોતી છતાં એ ચૂપચાપ એને સાંભળી રહ્યો હતો.

" આખો દિવસ અમે સાથે જ ફરતા સિવાય કે કોઈ જગ્યાએ છોકરા - છોકરીઓને અલગ અલગ લઈ જવામાં આવે.....અમે લોકો જેમ મોટા થતા ગયા એમ ધીમે ધીમે ક્લાસમાં બધા અમને મેડ ફોર ઇચ અધર કહેવા લાગ્યા હતા....." પ્રગતિ વિવેક સામે જોઇને સહેજ હસી, " અમે કેવા મેડ ફોર ઇચ અધર હતા એની તો અમને જ ખબર હતી......." પ્રગતિએ પોતાનો ખાલી કપ નીચે જમીન પર મુક્યો. એણે પોતાના વાળમાં હાથ નાખીને વાળ સહેજ જટકાવ્યા અને પછી આગળ ઉમેર્યું, " રજતના મમ્મી પપ્પાના લવ મૅરેજ થયા હતા. સમય જતાં એના પિતા એના મમ્મી પર હાથ ઉપાડવા લાગ્યા હતા. શરૂઆતમાં પ્રેમના નામે આંટી સહી લેતા પણ ધીમે ધીમે એ પણ કંટાળ્યા પછી શું ? સામસામે રોજ રોજનો કંકાસ.....બિચારો ચાર વર્ષનો રજત એક ખૂણામાં પડ્યો રહેતો. રડતો, ડરતો પણ એને કોઈ સહારો ન આપતું. એના માતા પિતા પોતાની મરજીથી પરણ્યા હોવાને કારણે ડાઈવોર્સ કેસમાં આંટીને કોઈ સાથ નહતું આપતું. " પ્રગતિએ પોતાની આંખો લૂછી. એક મિનિટ ચૂપ રહીને એ ફરી પછી પોતાની વાત કહેવા લાગી, " વિવેક, ઘરમાં આટલી હદ સુધીનું ખરાબ વાતાવરણ હોવા છતાં પણ રજતએ પોતાના અંગત જીવન વિશે કોઈને નહતું કહ્યું.....મને પણ નહીં. એ સ્કૂલ પછી મારા ઘરે આવતો, આયુ સાથે રમતો અને મોડે મોડેથી ઘરે જતો...ક્યારેક તો રાતે અમારા ઘરે જ જમીને જતો ને જ્યારે હું એને કહેતી કે મારે તારે ઘેર આવું છે ત્યારે એ કોઈ ને કોઈ બહાનું કાઢીને મને ટાળતો. એક વખત એની એક બુક દેવા હું એને પૂછ્યા વગર જ એના ઘરે જતી રહી ત્યારે દરવાજો ખખડાવતા પહેલા જ મેં ઘરની અંદર ચાલતા ઝઘડાનો અવાજ સાંભળ્યો. હું ચુપચાપ પાછી ઘરે આવતી રહી......એ પછી રજતએ મને બધું જ કહ્યું." પ્રગતિ ચાલતી ચાલતી પાળી પાસે પહોચી ગઈ હતી. જાણે અત્યારે પણ એ પોતાના અંગત મિત્રની લાગણીઓને સ્પર્શતી હોય એમ એની આંખોમાંથી મંદ મંદ આંસુઓ વહેતા હતા. એ કદાચ આ સ્થિતિમાં વિવેકનો સામનો કરવા નહિ માંગતી હોય માટે એ બીજી તરફ જોઈને બોલી રહી હતી, " એ દિવસે મને એ સમજાય ગયું કે બધાને બધું તો નથી જ મળતું......" પ્રગતિએ નિસાસો નાખ્યો. " આઠ વર્ષના કહેવાતા સંબંધ પછી જ્યારે એના માતા પિતાનો ડાઈવોર્સ થયો ત્યારે અમે દસમાં ધોરણમાં હતા. રજતને આંટી પ્રત્યે થોડી વધારે જ લાગણી હતી માટે એ એમની સાથે રહેવા માંગતો હતો પણ એના પિતા એને જબરદસ્તી પોતાની સાથે લઈ ગયા.....બે ત્રણ દિવસ એ સ્કૂલે ન આવ્યો ત્યારે મેં એને કેટલા ફોન કર્યા પણ કોઈ જવાબ નહિ......આખરે કંટાળીને એક દિવસ હું એના ઘરે પહોંચી ગઈ ત્યારે બાજુવાળા બેનએ કહ્યું કે એ લોકો હવે ક્યારેય પાછા નહિ આવે....." પ્રગતિનું ડૂસકું છૂટી ગયું, " રજત ગયો ત્યારે આયુ એકદમ તૂટી ગઈ હતી...." પ્રગતિ ત્યાં જ ફસડાઈ પડી. જમીન પર બેઠા બેઠા એ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. હવે વિવેકથી ન રહેવાયું એ જઈને એની બાજુમાં બેસી ગયો....

" યુ નો વોટ વિવેક આપણા લગ્ન પહેલા રજત જ્યારે પાછો આવ્યો ને ત્યારે એણે મને કહ્યું કે એ હોસ્ટેલમાં રહેવા જતો રહ્યો હતો. એણે તો કેટલાય સમયથી પોતાના મા - બાપ સાથે વાત જ નથી કરી. પોતાના આપસી ઝઘડામાં એ બંને જણ પોતાનો દીકરો ખોઈ બેઠા....." વિવેકએ પ્રગતિના માથા પર હાથ ફેરવ્યો.

" દાદા....? " વિવેકએ પૂછ્યું.

" એમને અંકલે જ રાખ્યા છે....હોસ્ટેલના સમયથી એ રજતનું ધ્યાન રાખે છે પણ રજતને આ વાતની ખબર નથી....તમે...." પ્રગતિએ વિવેકનો હાથ પકડ્યો.

" નહીં કહું....." વિવેકએ પ્રગતિને આશ્વાસન આપ્યું.

" એક નિષ્ફળ અને ક્રૂર સંબંધ જોઈને રજતને હવે પ્રેમ, લગ્ન જેવી બાબતોમાં વિશ્વાસ જ નથી રહ્યો.....છતાંય છતાંય જ્યારે મને જરૂર હતી ત્યારે એ મારી મદદ કરવા તૈયાર હતો. વિવેક, મા જ્યારે મારા ઘરે આવ્યા હતા ને એ પહેલાં રજતએ મને કહ્યું હતું કે તું મારી સાથે લગ્ન કરી લે.....આપણે પછી ડાઈવોર્સ લઈ લઈશું.....અથવા તને ડાઈવોર્સ ન લેવા હોય તો પણ મને વાંધો નથી પણ આમ ગમે તેની સાથે પરણીને જિંદગી નહિ બગાડ.....જ્યારે આપણા લગ્ન નક્કી થયા ત્યારે મને વિશ્વાસ હતો કે હું ગમે તેમ કરીને રજતનો કોન્ટેક્ટ કરીશને તો એ મને મદદ કરવા પહોંચી જ જશે પણ મેં ન કર્યો...." પ્રગતિએ વિવેકની સામે જોયું, " ખબર છે શું કામ ? " વિવેકએ માથું ધુણાવ્યું.

" કારણ કે મને તમારી મારા પ્રત્યેની લાગણીઓ વિશે ખ્યાલ હતો......" વિવેક પ્રગતિની સામે જોઈ રહ્યો, " હા વિવેક.....રજત મારી મદદ ચોક્કસ કરત પણ હું એને ઓળખું છું.....પૂરેપૂરો. એ માણસ બધાની વચ્ચે અત્યંત પીડાતો હોવા છતાં પોતાનું જીવન ખુશીથી જીવી રહ્યો હોવાનો ડોળ કરી રહ્યો છે.....હું જાણતી હતી કે જો એ મારી સાથે કોઈ સંબંધમાં જોડાશે તો મને ખુશ રાખવા માટે એ એમ જ વર્તશે. પોતાની છુપાયેલી લાગણીઓ મને કોઈ પણ જાતનું દુઃખ ન થાય એ માટે ક્યારેય મારી સાથે નહિ વહેંચે......અને હું....અને હું એને ખુશ કરવાના પ્રયત્નમાં મારી અધૂરપ, મારી લાગણીઓ એની સામે વ્યક્ત નહિ થવા દવ......એકબીજાને પુરા કરવાના ચક્કરમાં અમે બંને અધૂરા રહી જાત......" પ્રગતિએ વિવેકના ખોળામાં પોતાનું માથું ઢાળી દીધુ. વિવેક પ્રગતિના વાળમાં હાથ ફેરવતો હતો.....

પ્રગતિ થોડીવાર ચૂપ રહી. એ વિવેકના ખોળામાં ધીમે રહીને સીધી થઈ, " વિવેક, નાની હતી ત્યારે રજતના મસ્તીખોર સ્વભાવને કારણે મને થોડીવાર ખુશ રહેવા, ખુલીને હસવા મળતું....આયુ રજતને ભાઈ માનતી. એણે એક બે વખત એને રાખડી પણ બાંધી હતી એટલે જ્યારે રજત ગયો ત્યારે હું આયુને સાચવવામાં જ એટલી વ્યસ્ત થઈ ગઈ કે મને એની ગેરહાજરી અનુભવવાનો સમય જ ન રહ્યો. એ ઘરે આવ્યો ત્યારે મને એમ હતું કે આયુ એનાથી ગુસ્સે થશે, નારાજ થશે, થોડા નાટક કરશે ને પછી એને મળશે પણ એ તો.....એનિવે...." એણે વિવેકનો બીજો હાથ પોતાના હાથમાં પકડ્યો, " વિવેક, તમને શું કહું મને અત્યારે એટલી શાંતિ મળે છે ને કે....આઈ કાંટ એક્સ્પ્લેઈન......એવું લાગે છે જાણે જીવનના એક સતત ચાલતા રોલરકોસ્ટરમાંથી મને થોડો બ્રેક મળ્યો છે....." એ સહેજ હસી.

" આજે તમારા ઘણા સવાલોના જવાબ તમને મળી ગયા હશે......નહીં..! " પ્રગતિ વિવેકની સામે જોઈ રહી હતી. " હમમ......" વિવેકના ચહેરા પર સ્મિત આવી ગયું. એ હજુ પણ પ્રગતિના માથા પર હાથ ફેરવી રહ્યો હતો એના સ્પર્શથી પ્રગતિ ધીરે ધીરે નિંદ્રાધીન થતી જતી હતી.....

વિવેક પોતાના ખોળામાં સુતેલી માસૂમ પ્રગતિને જોઈ રહયો....એને આજે ફરી સંજયભાઈની કહેલી વાત યાદ આવી ગઈ....લગન પછી બંને દીકરીઓને વળાવતી વખતે આયુ અને પ્રગતિ જ્યારે બા ને ભેટી રહી હતી ત્યારે સંજયભાઈએ ધીમે રહીને વિવેકના કાનમાં માત્ર એને સંભળાય એટલા અવાજથી જ કહ્યું હતું, " ઢીંગલીથી રમવાની ઉંમરે મારી દીકરીએ એક જીવતી જાગતી ઢીંગલીની સંભાળ લીધી છે, જે ઉંમરે દીકરીઓ રસોઈ કરવાના રમકડાઓથી રમે એ ઉંમરે એણે રોટલી વણતા શીખી છે.... એટલું જ નહીં જે ઉંમરે બાળકો મા - બાપના પૈસા ઉડાડીને જલસા કરે ત્યારે એણે આંગળીના વેઢે એક એક પૈસો ગણીને ઘર ચલાવ્યું છે......તમારાથી થાય તો એને અસલમાઈનામાં જીવતા શીખવજો....એને ખુશ રાખજો...." સંજયભાઈએ બધાની સામે હાથ જોડ્યા હતા ત્યારે વિવેકએ એમના હાથ પકડી લીધા હતા......આજે આ ક્ષણે પણ વિવેકને એ વાત યાદ આવતી હતી. એને લાગતું હતું કે પ્રગતિએ આજે શરીર સાથે પોતાનું હ્ર્દય પણ એની સામે ખુલ્લું મૂક્યું હતું જેની માવજત હવે એને જ કરવાની હતી......
To be Continued

- Kamya Goplani