મારી વ્હાલી માતૃભાષા Bakul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી વ્હાલી માતૃભાષા

મારી વ્હાલી માતૃભાષા...
મારી ગુજરાતી ભાષા તને ચાહું છું. કેમ છે તું? હા અહીં ગુજરાત માં તો તું મજામાં જ હોય.. તને તો હું માં ના ખોળા માં જ બોલતા શીખ્યો છું. બહુ જ વાતોડિયો હતો. નાનો હતો ત્રણેક વર્ષ નો ત્યારે એક મિનિટ પણ ચૂપ ના બેસતો.. ગામડે મારા દાદા પ્રેમજીબાપા ના નાના ભાઈ રવજીબાપા મને રમાડવા એમના ઘેર લઇ જતા અને હું મારી વાતો થી સહુ નો વ્હાલો થઇ જતો. રવજીબાપા મારી વાતો સાંભળી કહેતા.. "આપણા કુટુંબ માં આ છોકરો મોટો થઇ ને ગામ નો સરપંચ થાશે." રવજીબાપા તો નથી એમના બે દીકરા એટલે કે મારા બે કાકા ઓ ય આજે હયાત નથી ... પણ એમના વાક્યો આજે આખું કુટુંબ યાદ કરે છે ..
અરે આપણે તો માતૃભાષા ની વાત કરવી છે.. હા તો મિત્રો મને બહુ જ વ્હાલી છે મારી માતૃભાષા..લખતા અને વાંચતા તો સરકારી નિશાળ માં શીખ્યો. અને પ્રિય વિષય આપણો કયો કહું ? ☺️... ગુજરાતી જ હોય ને.... શું તમેય લેખક મિત્રો.. સમજી જાવ નહિ ને.. મને બધું બોલાવડાવો છો.મને નાનપણ થી જ વાર્તાઓ વાંચવાનો બહુ જ શોખ. ઈતર પ્રવૃત્તિ માં આપણે અવનવા પુસ્તકો લઇ લઇ ને વાંચી નાખતા .. પણ સાલું લેસન કરવાનું આવે એટલે એવો કંટાળી જતો કે ના પૂછો વાત .. અને હા મિત્રો એક વાત જણાવી દઉં કે આપણી નોટ કોરી કટાક જ હોય.. માંડ થોડું ઘણું લખ્યું હોય બસ.. બહુ લખી ને ય શું.. ખોટી મજૂરી કરવી એવુ લાગતું. શિક્ષકો ના બધા જ પનિશમેન્ટ ભોગવ્યા છે.. પછી લખ્યું એક વસ્તુ દસ દસ વાર લખવાં આપે ત્યારે બાપા ના માર ની બીકે કર્યા છે બધા લેસન ના ઢસરડા.. પણ પછી શું ફાયદો?
પછી થોડાક મોટા થયાં પછી નવલકથા ઓ માં રસ જાગ્યો ને આપણો વાંચન નો શોખ ભભૂકી ઉઠ્યો.. છાપા, મેગેઝીન વગેરે બધા માં જે વાર્તાઓ છપાય એ બધી જ વાંચી કાઢવાની.. અમારે અમદાવાદ માં હું આશ્રમરોડ પર ની H K Commerce College માં ભણું. ત્યારે કોલેજ ની લાઇબેરી માં થી પુસ્તકો ઘેર લાવી ને વાંચતો. પછી એલિસબ્રિજ આગળ શેઠ મંગળદાસ ટાઉન હોલ પાસે આવેલી એમ. જે. લાઈબ્રેરી માં સભ્ય બની ગયો. એ લાઈબ્રેરી માં હજીય મોટા મોટા સાહિત્યકાર લેખક લેખિકા ઓ ની તસવીરો લગાડેલી છે. જુના અમદાવાદ ના ફોટાઓ થી પણ ભીંતો શોભે છે.. મને એ લાઈબ્રેરી બહુ જ ગમતી.. વાંચનાલય માં બેસી શાંતિ થી વાંચતો.
આ બધું જ.. મને માતૃભાષા બહુ જ વ્હાલી અને ગુજરાતી સાહિત્ય માં મને બહુ જ રસ એટલે થયું હતું.. ગુજરાત માં તો માતૃભાષા નો દબદબો હોય જ પણ સમગ્ર વિશ્વ ના ફલક પર આપણી ગુજરાતી ભાષા નો ડંકો વાગે એમ હું ઈચ્છું છું. એટલે જ કવિ એ કીધું છે "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત"...વાહ.. જય હો
અહીં પ્રતિલિપિ ની ચાર લેખિકા મિત્રો મલ્લિકા "મીરા", ડોલી મોદી "ઉર્જા", પીના પટેલ "પિન્કી"અને શીતલ માલાણી "સહજ" એ you tube પર ચેનલ "શબ્દ ધારા" શરુ કરી છે. આપણી માતૃભાષા ને અને આપણા ગુજરાતી સાહિત્ય ને વિશ્વ ના ફલક પર ઉજાગર કરવાનો જે ભગીરથ પ્રયાસ કર્યોં છે તે ખરેખર વંદનીય છે. હું કહીશ આપણે સહુ લેખક-લેખિકા મિત્રો આ ચેનલ "શબ્દધારા"ને સહકાર આપીએ તો જ આજના માતૃભાષા દિવસ ની સાચી ઉજવણી કરી ગણાશે. અને આપણે આપણી ગુજરાતી ભાષા ને ગૌરવાન્વીત કરી ગણાશે એવુ હું માનું છું. જોકે મને ઈંગ્લીશ ભાષા ય બહુ ગમે છે . પણ આતો માતૃભાષા.. માં ના ખોળા માં બેસી બોલતા શીખેલા એ ભાષા તો લોહી માં વહી રહી હોય.. સાચું ને મિત્રો..
તો મારી પ્યારી ગુજરાતી ભાષા તને હું ખુબ ખુબ ચાહું છું.. તારા શબ્દો ને સથવારે કંઈક લખુ છું. તારા વિના હું કાંઈજ નથી કદાચ મારું સાહિત્યપ્રેમી તરીકે નું અસ્તિત્વ જ ના હોત. તો આજના માતૃભાષા દિવસ નિમિતે તારા ઉપાસક અને આ "મહોબ્બત ના આશક" ના તને લાખ લાખ વંદન છે.🙏🌹💐❤️
બસ એજ લી. તારો ઉપાસક "બકુલ" ના વંદન 🙏🙏🙏

-બકુલ ની કલમે...✍️
માતૃભાષા ને પત્ર
21-02-2021
21.56