વેધ ભરમ - 36 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેધ ભરમ - 36

રિષભની જીપ રાજકોટ તરફ ફૂલ સ્પીડમાં જઇ રહી હતી. રિષભ પાછલી સીટ પર આંખ બંધ કરીને વિચારોમાં ખોવાયેલો હતો. ડ્રાઇવર સાહેબનો મૂડ જાણતો હતો એટલે કોઇ પણ જાતના ખોટા અવાજ વિના જીપને પાણીના રેલાની જેમ સ્પીડમાં જવા દેતો હતો. રિષભના વિચારો જીપની સ્પીડ કરતા અનેક ગણી સ્પીડે ચાલી રહ્યા હતા. તે દિવસે વિદ્યાનગરમાં ત્રણેય મિત્રો સોડા પી લીધા પછી રૂમ પર ગયા અને કપડા ચેન્જ કરી બેડ પર લાંબા થયા એટલે કપિલે કહ્યું :એલા હવે કહો કે બર્થ ડેમાં તમે શું ખેલ કરતા હતા?” આ સાંભળી રિષભ ગૌતમ સામે જોઇને હસી પડ્યો અને બોલ્યો “એમા એવુ છે કે અમે અહી આવ્યા પછી મારો જન્મદિવસ આવ્યો ત્યારે તો દિવાળી વેકેશન હતુ પણ પછી 31મી ડીસેમ્બરે ગૌતમનો જન્મદિવસ આવ્યો ત્યારે અમે અહી હતા. મે બધા જ મિત્રોને આગળના દિવસે વાત કરી દીધી હતી કે આપણે 30 તારીખે રાત્રે ગૌતમનો જન્મદિવસ ઉજવશુ. જો કે ઉજવણીમાં કંઇ ખાસ નહોતુ રાત્રે બાર વાગે તેને વિશ કરવાનુ જ હતુ. પણ ત્યાં અહી જમણી બાજુ છેલ્લો રુમ છે તેમા એક છોકરો રહેતો હતો જયેશ પણ અમે બધા જેને જગો કહેતા. તેણે કહ્યું કે મારી પાસે ગીટાર છે તેના પર હું બર્થડે સોંગ વગાડીશ અને આપણે બધા એકસાથે ગાઇને વિશ કરીશું. આ વાત મને પણ ગમી એટલે અમે તે ફાઇનલ કર્યુ. પછી જ્યારે રાત્રે બાર વાગ્યા ત્યારે મે ગૌતમને લોબીમાં બોલાવ્યો અને પછી બધાએ ગીટાર સાથે ગીત ગાઇને વિશ કર્યુ એજ સમયે મારા મનમાં એક તુક્કો સુજ્યો એટલે હું ઝડપથી રુમમાં ગયો અને એક પાણીની ડોલ ભરી લાવ્યો અને પાછળથી ગૌતમની માથી રેડી દીધી. પણ પછી આ મજાકે તો જાણે ચિંગારી ચાપી દીધી હોય તેમ બધા મજાકે ચડ્યા અને એક બીજાને પાણી ઉડાડવા લાગ્યા. તેમાં એક છોકરો પ્રતિક જે અમારા ડાબી બાજુના ત્રીજા રુમમાં હતો તે બોલ્યો “એલા આમ ના ચાલે બર્થડે બમ્પ્સ તો બાકી જ રહી ગયા.” આ સાંભળતા જ બધાએ ગૌતમને બે હાથ અને બે પગ પકડી ટીંગટોળી કરી ઉંચો કર્યો અને નીચેથી પાટા મારવાનું ચાલુ કર્યુ. ત્યાં સુધીમા તો દશ પંદર જણા ભેગા થઇ ગયા હતા. બે મિનિટમાં તો બધાએ ગૌતમને સારો એવો મેથીપાક ચખાડી દીધો. પછી મે વચ્ચે પડી માંડ તેને છોડાવ્યો અને ઊભો કર્યો. આ બર્થડે બમ્પ્સનો રીવાજ ચાલુ થયો તે થયો પછી તો બધાના બર્થડે પર આ રીતે ધોલાઇ થતી. છેલ્લે જ્યારે પ્રતિકનો બર્થડે આવ્યો ત્યારે તો બધાએ તેને જોરદાર ધોયો કેમકે આ બર્થડે બમ્પ્સની પ્રથા તેણે જ ચાલુ કરી હતી.”

આખી વાત સાંભળીને કપિલ તો હસી હસીને બેવડો વળી ગયો.

“અરે યાર બે દિવસ સુધી પીઠ દુખતી હતી.” ગૌતમે કહ્યું. આ સાંભળી બધા જોરથી હસી પડ્યાં.

“ચાલ ભાઇ હવે બીજી બધી વાત છોડ તારુ સરપ્રાઇઝ શું છે તે કહે?” રિષભે ગૌતમ સામે જોઇને કહ્યું.

આ સાંભળી ગૌતમે કપિલ સામે જોયુ એટલે કપિલે કહ્યું “ભાઇ બરાબરના ફસાયા છે. હવે તુ જ તેમાંથી બહાર કાઢી શકે એમ છે. સરપ્રાઇઝ કરતા તો વધારે તારી હેલ્પ માટે આવ્યા છીએ એમ કહેવાય.”

“હવે ભાઇ જે હોય તે બોલશો તો મદદ કરી શકીશ ને.” રિષભ સરપ્રાઇઝ સાંભળવા આતુર હતો.

“પેલી મિત્તલ સાથે તારે કેવી મિત્રતા છે હજુ?” કપિલે પૂછ્યું.

“કેમ? મિત્રતા હજુ પણ એવી જ છે. હજુ બે દિવસ પહેલા જ તેની સાથે વાત થઇ છે. આવતા વિકમાં તેની સગાઇ છે તેનુ આમંત્રણ આપવા જ ફોન કરેલો.” રિષભે કહ્યું. અને પછી બોલ્યો “પણ મિત્તલનું શું કામ છે?”

“આપણા આ ભાઇ કોલેજથી જ મિત્તલને વન સાઇડેડ લવ કરે છે પણ અત્યાર સુધી કહેવાની હિંમત કરી શક્યો નહોતો. છેક હવે તેણે મિત્તલને પ્રપોઝ કર્યુ છે. પણ મિત્તલે તેને કહ્યું કે તે પ્રપોઝ કરવામાં બહુ મોડુ કરી દીધુ છે હવે મારી સગાઇ નક્કી થઇ ગઇ છે. મે તારી ઘણી રાહ જોઇ પણ તે પ્રપોઝ કર્યુ જ નહી. હવે હું તને હા પાડી શકુ એમ નથી.” આ સાંભળી રિષભ ઊભો થયો અને ગૌતમ પાસે જઇ એક લાફો મારી દીધો. આ જોઇ કપિલ અને ગૌતમ તો સ્તબ્ધ થઇ ગયા. થોડીવાર બાદ રિષભ બોલ્યો “યાર તે દિલ તોડી નાખ્યુ. આવડી મોટી વાત તે મારાથી છુપાવી. હું તો માનતો હતો કે તારી અને મારી વચ્ચે કોઇ સિક્રેટ હોય જ નહીં. આજ ખબર પડી કે તે મને પોતાનો માન્યો જ નથી.” આ સાંભળી ગૌતમની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો “સોરી યાર. આઇ એમ વેરી સોરી. પણ મિત્તલ તારી સાથે એટલી ખુલીને વાતો કરતી કે મારી હિંમત જ નહોતી થતી કે તને કહું. સાચુ કહુ તો મને ડર હતો કે તે ના પાડી દેશે તો મારી આશા જ તુટી જશે.” આ સાંભળી રિષભ ગૌતમને ભેટી પડ્યો અને બોલ્યો “એલા તારે વાત તો કરવી હતી આપણે ગમે તેમ કરીને તેને મનાવી લેત. જો કે ભૂલ મારી જ છે યાર તારી આટલી નજીક રહીને પણ તારી ફીલીંગ્સ હું સમજી શક્યો નહીં. સોરી યાર . આઇ એમ સોરી.”

કપિલ બંને મિત્રોનુ એકબીજા સાથેનુ લાગણીથી તરબતર મિલન જોઇ રહ્યો અને પછી ઊભો થઇ બોલ્યો “ભાઇ હું પણ તમારો મિત્ર છું મને પણ સાથે આવવા દો. અને પછી ત્રણે એકબીજાને ભેટી પડ્યા. થોડીવાર બાદ બધા ફરીથી બેડ પર ગોઠવાયા એટલે વાતની શરુઆત કરતા રિષભે કહ્યું “જો મિત્તલને તારા પ્રત્યે થોડી પણ લાગણી હશે તો હું પ્રોમિશ આપુ છું કે મિત્તલ તારી થઇને રહેશે. પણ પહેલા તમારે બંનેએ એક પ્રોમિશ આપવુ પડશે કે હું તમારી પાસે હોવ કે નહીં પણ તમારે ક્યારેય કોઇ પ્રોબ્લેમ મારાથી છુપાવશો નહીં.” એમ કહી રિષભ હાથ ધર્યો. આ જોઇ ગૌતમ અને કપિલ ઊભા થયા અને રિષભના હાથ પર હાથ મૂકી બોલ્યા “પ્રોમિશ યાર તારાથી ક્યારેય કંઇ નહી છુપાવીએ.”

ત્યારબાદ રિષભે કહ્યું “હવે તમે બંને વાતો કરો. હું મિત્તલને ફોન લગાવી વાત કરુ છું.” એમ કહી રિષભ રુમમાંથી બહાર નીકળી ગયો.

અડધા કલાક પછી રિષભ આવ્યો ત્યારે તેના ચહેરા પર મિશ્ર ભાવ હતા. તે આવીને બેઠો એટલે ગૌતમે કહ્યું “શુ થયું યાર?”

આ સાંભળી રિષભે કહ્યું “યાર તારા માટે એક સારા સમાચાર છે અને એક ખરાબ. બોલ પહેલા ક્યાં સમાચાર સાંભળવા છે?”

આ સાંભળી ગૌતમ બોલ્યો “યાર, પહેલા સારા સમાચાર આપી દે.”

“મિત્તલને પણ તારા પ્રત્યે લાગણી છે તે તેણે સ્વીકાર્યુ છે.” આ સાંભળી ગૌતમ બોલ્યો તો ખરાબ સમાચાર પણ આપી દે હવે.

“ખરાબ સમાચાર એ છે કે તે હવે આ સગાઇ કરી લેવા માંગે છે. તે એવુ માને છે કે તે જો એવુ નહી કરે તો તેના પપ્પાની સમાજમાં બદનામી થશે.” રિષભે સ્પષ્ટતા કરતા કહ્યું.

આ સાંભળી ગૌતમ નીરાશ થઇ ગયો અને બોલ્યો “યાર, જીંદગીની મોટામાં મોટી ભૂલ થઇ ગઇ. પણ હવે શું થઇ શકે?”

આ સાંભળી રિષભ બોલ્યો “જીંદગીમાં કોઇ ભૂલ એવી નથી હોતી કે જે સુધારી ન શકાય. હવે એક જ વસ્તુ થઇ શકે. મારે તેને રુબરુ મળવુ પડશે. જો તે મારી સામે હશે તો મને વિશ્વાસ છે કે હું તેને સમજાવી લઇશ.”

આ સાંભળી ગૌતમ બોલ્યો “તો હવે શું કરવુ છે?”

આ સાંભળી કપિલ બોલ્યો “એક કામ કરીએ કાલે સવારે અહીંથી નીકળી જઇએ. ગૌતમે ઘણુ મોડુ કરી દીધુ છે. હવે સહેજ પણ મોડુ કરીશુ તો મોકો ચૂકી જશું.” આ સાંભળી રિષભ બોલ્યો “ઓકે, કાલે વહેલી સવારે નીકળી જઇશું.”

આ સાંભળી ગૌતમ બોલ્યો “ચાલો ભાઇ આજની રાતે મને તો આમપણ ઊંઘ આવવાની નથી. ચાલો આજે આખીરાત જાગીશું અને વિદ્યાનગરને માણી લઇશું.”

તો હવે ઊભા રહો હું સવારે ડ્રાઇવરને બોલાવી લઉ છું. આખી રાત જાગીશુ તો પછી જીપ ડ્રાઇવ નહી થાય. ત્યારબાદ રિષભે ફોન કર્યો અને વાત કરી પછી બોલ્યો “તો ચાલો 12 વાગવા આવ્યા છે મોટા બજારમાં ચા અને બનબટર ખાઇ આવીએ.”

આ સાંભળી કપિલ બોલ્યો “એલા ભાઇ મારા પેટમાં તો જગ્યા જ નથી તમે બંને ખાજો હું તો માત્ર ચા પીવાનો છું.” ત્યારબાદ ત્રણેય હોસ્ટેલ પરથી નીકળ્યા.

તે મોટા બજારમાં પહોંચ્યા તો પોલીસની જીપ જોઇને લારી વાળો ગભરાઇ ગયો અને લારી બંધ કરવા લાગ્યો. આ જોઇને રિષભે કહ્યું “ગભરાઓ નહીં અમે અહીં ચા નાસ્તો કરવા જ આવ્યા છીએ.” આ સાંભળી લારીવાળાએ કહ્યું “બેસો બેસો સાહેબ હમણાજ તમને મસ્ત બનાવી દઉ છું.” ત્યારબાદ ત્રણેય આખીરાત જાગ્યા અને ફર્યા. વહેલી સવારે ડ્રાઇવર આવી જતા જુનાગઢ જવા નીકળી ગયા. આખી રાતના ઉજાગરાને કારણે જીપ હજુ વિદ્યાનગરની બહાર નીકળે તે પહેલા જ ત્રણેય ઊંઘી ગયા. બે ત્રણ કલાકની ઊંઘ ખેંચી ત્રણેય જાગ્યા ત્યારે જીપ લીંબડી ક્રોસ કરી ગઇ હતી. રિષભે ડ્રાઇવરને કહ્યું “હવે જે પણ સારી હોટલ આવે ત્યાં રોકજો એટલે ફ્રેસ થઇ નાસ્તો કરીએ.” થોડીવારમાં જ દર્શન હોટલ પર કાર રોકાઇ એટલે “બધા ફ્રેસ થયા અને નાસ્તો કર્યો અને ફરીથી ત્યાંથી આગળ નીકળ્યાં. તે લોકો જુનાગઢ પહોંચ્યા ત્યારે બે વાગી ગયા હતા. રિષભે રસ્તામાંથી જ મિત્તલને કહી દીધુ હતુ કે તે ચાર વાગે તેના ઘરે આવે છે. હજુ ચાર વાગવાની વાર હતી અને બધાને ભૂખ લાગી હતી. વચ્ચે ગૌતમે રાજકોટ તેના ઘરે જમવા માટે કહેલુ પણ રિષભ અને કપિલે ના પાડી હતી. જુનાગઢ પહોચી તે લોકો ગીતા લોજમાં જમ્યા. ત્યારબાદ રિષભે ગૌતમ અને કપિલને મોતીબાગ ઉતારી દીધા અને તે વંથલી રોડ પર આવેલ મિત્તલના ઘર તરફ ગયો. મિત્તલનુ ઘર મધુરમ સોસાયટીમાં હતુ. આ એજ સોસાયટી હતી જેમાં તેના મમ્મી રહેતા હતા. પણ પહેલા તે મિત્તલના ઘરે ગયો પછી તે મમ્મીને અચાનક સરપ્રાઇઝ આપવા માંગતો હતો. મિત્તલના ઘરે પહોંચી રિષભે ડોરબેલ વગાડી. થોડીવાર બાદ મિત્તલના મમ્મી શોભનાબેને દરવાજો ખોલ્યો અને રિષભને જોઇને બોલ્યા “અરે રિષભ તું. તુ અહીં ક્યારે આવ્યો.” રિષભ કંઇ જવાબ આપે એ પહેલા જ પાછળથી મિત્તલે કહ્યું “મમ્મી મારે તેનુ થોડુ કામ છે. અમે અંદર મારા રુમમાં બેઠા છીએ.” આ સાંભળી શોભનાબહેનને થોડી નવાઇ લાગી પણ તે કંઇ બોલ્યા નહીં અને બાજુમાં ખસી ગયાં. રિષભ અંદર આવ્યો અને બોલ્યો “માસી પછી મારે તમારુ પણ કામ છે. તમારી સાથે પણ થોડી વાત કરવી છે.” ત્યારબાદ રિષભ મિત્તલના રુમમાં ગયો અને બેઠો. બંને થોડીવાર એમ જ બેઠા કોઇ કંઇ બોલ્યુ નહીં. રિષભ વાતની શરુઆત ક્યાંથી કરવી તે વિચારતો હતો. રિષભની મુશ્કેલી જાણી મિત્તલે કહ્યું “મને ખબર છે તુ શું કહેવા આવ્યો છે પણ તે હવે શક્ય નથી.”

આ સાંભળી રિષભે જે કહ્યું તે સાંભળી મિત્તલ પણ ફરીથી વિચારવા મજબૂર થઇ ગઇ.

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM