Rajkumar books and stories free download online pdf in Gujarati

રાજકુમાર

રાજકુમાર

દીવાને અજવાળે લાભશંકરે, આંખ ઠેરવીને, સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. દોરીને થૂંકથી ભીની કરીને છેડે વળ ચઢાવ્યો, ઘણા પ્રયત્નો કર્યા પણ સોયનું નાકું દેખાય તો ને! એટલામાં પોળના દીવા આગળ રમતા એક કિશોરની એ તરફ નજર ગઈ. થોડી વાર સુધી તો એણે લાભશંકરના નિષ્ફળ પ્રયત્નોને કુતૂહલથી જોયા કર્યા. પછી એ પાસે આવીને બેઠો અને દીવાલના પોપડા ઊખેડતો લાભશંકરના પ્રયત્નોને જોઈ રહ્યો. લાભશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે કહ્યું: કોણ છો બેટા? શંભુભાઇનો અરૂણ કે?’ પેલા કિશોરે કહ્યું.

હા, દાદા.

કિશોરના માનવાચક સમ્બોધનથી પ્રોત્સાહન પામીને લાભશંકરે કહ્યું: ભાઈ, મને જરા આ સોયમાં દોરો પરોવી આપ. અરૂણે કહ્યું: દાદા, એક શરત. તમારે વાર્તા કહેવી પડશે. લાભશંકર હસીને બોલ્યા. બેટા, વાતો તો તારાં દાદીને કહેતાં આવડતી, હું તો એમને વચ્ચેથી જ અટકાવીને અરૂણબોલ્યો: ના દાદા, એમ બહાનું કાઢો તે નહિ ચાલે, દાદીએ તમને તો ઘણી બધી વાતો સંભળાવી હશે. એમાંથી એક તો કહો. લાભશંકર હાર્યા. એમણે કહ્યું: સારુ, તું દોરો પરોવી આપ, એટલે હું વાર્તા કહું. અરૂણે ઝટ દોરો પરોવી આપ્યો. લાભશંકરે પેલા કપડાનો ટુકડો જોડીને જેવા સૂઝે તેવા બખિયા ભરવા માંડ્યા. અરૂણ તેમની પાસે કુતૂહલથી વિસ્ફારિત નજરે એમની પાસે બેઠો.

લાભશંકરે વાર્તા શરૂ કરી ઘણાં ઘણાં વરસ પહેલાંની વાત છે. અરૂણેપૂછ્યું: કેટલાં વર્ષ પહેલાંની ? સો, બસો…’ લાભશંકરે કહ્યું: ના, હજારેક વરસ પહેલાંની વાત છે. ત્યારે એક રાજા હતો. તેમનો એક રાજકુમાર. એનું નામ ચિરાગ.

બાળપણથી જ એ ભારે દેખાવડો. જે એને જુએ તે એના પર વારી જાય. એ મોટો થતો ગયો તેમ વધારે ને વધારે દેખાવડો થતો ગયો. એને જોઈજોઈને રાજા અને રાણીની આંખમાંથી આંસુ વહી જાય અરૂણે પૂછ્યું. એ તે કેવી નવાઈની વાત? આવા રૂપાળા રાજકુમારને જોઈને ખુશ થવાને બદલે રાજારાણી આંસુ પાડે! લાભશંકરે કહ્યું: હા બેટા, એ આવો રૂપાળો હતો તેથી જ એને જોઈને રાજારાણીને એમ થાય કે આવી કંચન સરખી કાયા એક દિવસ તો કરમાઈ જ જશે ને! આથી એમને દુ:ખ થાય ને આંસુ આવે.મનુએ હોંકારો પૂરતા કહ્યું’ હં, પછી ? લાભકરે વાત આગળ ચલાવી. આમ મહિના વીતતા જાય છે, વરસ વીતતાં જાય છે. અને રાજકુમાર સોળ વરસનો થયો. તેના જન્મદિવસનો ઉત્સવ આખા રાજ્યમાં ધામધૂમથી ઉજવાય. એ જ વખતે રાજાને કાને વાત પહોંચી કે રાજધાનીમાં કોઈ મોટા ચમત્કારી સાધુ મહાત્મા આવ્યા છે. નગરની બહાર, મોટા વડની છાયામાં, તેધૂણી ધખાવીને બેઠા હતા. રાજા અને રાણી તો એમની પાસે ગયાં. સોનાના થાળમાં ફળ ધરીને કહ્યું: મહારાજ, અમારી એક ઇચ્છા પૂરી કરશો?’

સાધુ મહાત્માએ પૂછ્યું: શી ઇચ્છા છે, બોલો ?’ રાણી બોલી: અમારો એકનો એક રાજકુમાર સદા છે તેવો ને તેવો જુવાન રહે એવી અમારી ઇચ્છા છે.

સાધુ મહાત્માએ કહ્યું: સારુ, એક વાર બરાબર વિચાર કરી લો.

રાજાએ કહ્યું, મહારાજ, અમે તો રાતદિવસ આ જ વાતનું રટણ કર્યાકરીએ છીએ. અમારે હવે ઝાઝો વિચાર કરવાનો છે જ નહિ.સાધુમહાત્માએ કહ્યું સારુ, હું એને માટે એક ચમત્કારી રેશમી વસ્ત્ર આપું છું. તે તેના શરીરથી કદી અળગું નહિ કરવું. એ વસ્ત્ર જ્યાં સુધી એના શરીર પર રહેશે ત્યાં સુધી કાળની એના પર કશી અસર થશે નહિ. એનું શરીર સહેજ પણ કરમાશે નહિ.

રાજા અને રાણી આ સાંભળીને હરખથી ઘેલાં ઘેલાં થઈ ગયાં. એમણે લળીને સિદ્ધ પુરુષની ચરણરજ માથે ચઢાવી.

સાધુ મહાત્માએ પછી કહ્યું. પણ એક વાત છે. જો તમારા બેમાંથી કોઈને એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે. પછી એ મોટું ને મોટું થતું જશે.આ સાંભળીને રાજા અને રાણીનાં મોઢાં પર ચિંતાની છાયા પથરાઈ ગઈ. પછી રાજા બોલ્યા. અમારા વહાલા દીકરાને માટે અમારા મનમાં ખરાબ વિચાર તો નહિ જ આવે, પણ ન કરે નારાયણ–’રાણીએ વાત ઉપાડી લઈને કહ્યું: હા, એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહિ શકાય?’

સાધુ મહાત્મા કહ્યું: સાંધી તો શકાશે, પણ તે ભારે વિકટ કામ છે.

રાજારાણી એકીસાથે પૂછી ઊઠ્યાં: કેમ?’

સાધુ મહાત્મા બોલ્યા: એ સાંધવાને જેટલા ટાંકા ભરવા પડે તેટલાં વરસ કોઈ આપી દેવા તૈયાર થાય તો તે એને સાંધી શકે. પણ એમાં વળી એક બીજી શરત છે. એ બધાં વરસો આપનારે એ વરસો દરમિયાન કશું પાપ ન કર્યું હોવું જોઈએ. એ વરસો કોઇપણ જાતના કલંક વગરનાં હોવાં જોઈએ.

આ સાંભળીને રાજારાણી ઘડીભર તો વિચારમાં પડી ગયા. પણ પછી તરત કહ્યું: ભલે મહારાજ, અમને બધી શરત મંજૂર છે.

સાધુ મહાત્મા એ કહ્યું: હજુ એક વાર વિચાર કરી લો. જો એના વસ્ત્રમાં છિદ્ર પડશે તો એકસાથે બધાં વીતેલાં વરસોની અસર એની કાયા પર થશે; અને જ્યાં સુધી એને સાંધી નહિ લેવાય ત્યાં સુધી એ ધીમે ધીમે ગળાતો જ જશે. પણ જ્યાં સુધી એ વસ્ત્ર એના શરીર પર હશે ત્યાં સુધી એ મરશે નહીં.

રાજારાણીને હવે કશું સાંભળવું જ નથી, એમણે તો આતુરતાપૂર્વક એ રેશમી વસ્ત્ર માંગ્યું સિદ્ધ પુરુષે એ વસ્ત્ર એની બરાબર મધ્યમાં સ્વસ્તિક દોરીને આપ્યું. પછી રાજારાણી તો રાજમહેલમાં આવ્યાં. મોટો દરબાર ભર્યો. એ દરબારમાં ભારે ઠાઠમાઠથી રાજપુરોહિતોને હાથે રાજકુમારને એ રેશમી વસ્ત્ર પહેરાવવાનો વિધિ થયો.

અરૂણે પૂછયું: પછી?’

લાભશંકર બખિયા ભરતા ભરતા બોલ્યા: પછી તો વરસ પછી વરસ વીતતાં જાય છે, રાજા વૃદ્ધ થયા, રાણી વૃદ્ધ થયાં, પણ ચિરા તો એવો ને એવો ફૂટડો સોળ વરસનો રાજકુમાર જ રહ્યો. ચિરાયુ તો ભારે મોજશોખમાં પડી ગયો. એક રાજકુંવરીને પરણે, ને એ મોટી ઉંમરની થાય એટલે એને છોડી દે ને બીજી રાજકુંવરીને પરણે. આનો કાંઈ પાર જ ન રહ્યો.

એક દિવસ રાજા અને રાણી ઝરૂખામાં બેઠાં હતાં. ત્યાં પાસેથી કોઈનું હૈયાફાટ રડવું સંભળાયું. એમણે જોયું તો રાજકુમારે તરછોડેલી રાણી જ રડતી હતી. રાજા એને સમજાવીને છાની રાખવા ગયા ત્યાં એ જીભ કરડીને મરી ગઈ.

રાજારાણી આથી બહુ ઉદાસ થઈ ગયાં. આથી એમનાથી બોલાઈ ગયું: આના કરતાં તો જુવાની નહિ હોય તે સારું.ને તરત જ પેલા સિદ્ધ પુરુષના કહેવા પ્રમાણે થયું. ચિરાના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું, ને કાણું પડતાંની સાથે જ રાજકુમાર એકાએક ફેરવાઈ ગયો. એના શરીર પરની ચામડી ઝૂલી પડી, અને શરીરે પરુ દૂઝતાં ઘારાં ઊભરાઈ ઊઠ્યાં. એને જોઈને લોકો મોં ફેરવી લઈને નાસવા લાગ્યાં.

ચિરા તો પડતો-આથડતો રાજારાણી પાસે આવ્યો ને કરગરી પડ્યો: મને બચાવો, મને બચાવો. રાણીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. એણે એને ખોળે લીધો ને ફાટેલા રેશમી વસ્ત્રને થીગડું દેવા બેઠી. એ બખિયા ભરે, પણ વસ્ત્ર તો સંધાય જ નહિ. પછી રાજાએ સાંધવાનો પ્રયત્ન કર્યો, પણ વસ્ત્ર સંધાય જ નહિ. રાજારાણી પાપમુક્ત થોડા જ હતાં! પછી તો રાજાના દરબારીઓએ પ્રયત્ન કર્યો, પણ ફોકટ! આમ દિવસે દિવસે કાણું તો મોટું થતું ચાલ્યું. એને સાંધવા જેટલાં કલંક વગરનાં વરસ કોની પાસે હોય? રાજા અને રાણી તો કુંવરની આ દશા જોઈ ને મરણશરણ થયાં. પછી ચિરાતો નીકળી પડ્યો.

અરૂણે પૂછયું: પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું?’

લાભશંકર બોલ્યા: એને મનમાં એવો લોભ ખરો ને કે કદાચ કોઈ સાંધનાર મળી જાય તો જુવાની પાછી મળી જાય. લોકો કહે છે કે કોઈક વાર રાતના અંધારામાં લથડતે પગલે કોઈ સાવ ખખડી ગયેલો ડોસો ચીંથરેહાલ દશામાં આવીને આંગણે ઊભો રહે ને બોલે છે: થીગડું મારી આપશો. પછી સહેજ રાહ જોઈને ઊભો રહે છે. જવાબ ન મળતાં આખરે ચાલ્યો જાય છે.

અરૂણ વિચારમાં પડી ગયો. થોડી વાર સુધી એ કશું બોલ્યો નહિ. પછી કંઇક વિચાર આવતાં એની આંખ ચમકી ઊઠી ને એ બોલી ઊઠ્યો: દાદા, તમે તો મોડે સુધી જાગતા ઓટલે બેસી રહો છો. તમને જો એ કોઈ વાર દેખાય તો મને બોલાવજો. આપણે બે મળીને એનું રેશમી વસ્ત્ર ઉતારીને ફેંકી દઈશું. પછી એને રખડવાનું તો મટશે, ખરું ને?’

લાભશંકરે કહ્યું: હા.અરૂણ સંતોષ પામીને ઊભો થઈ ચાલ્યો ગયો. એના તરફ જોઈ રહેલા લાભશંકરે ઘડીભર સ્થિર થઈને બેસી જ રહ્યા. પછી બખિયો ભરતાં સોય આંગળીના ટેરવામાં ખૂંપી ગઈ.

દિપક એમ. ચિટણીસ

dchitnis3@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED