Resolution - the unbreakble bond - 16 books and stories free download online pdf in Gujarati

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 16 (અંતિમ ભાગ)

એ લોકો હજુ પણ ડાઇનિંગ એરિયામાં જ બેઠા હતા. બહાર વરસાદ પડી રહ્યો હતો અને ઠંડકનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. કદાચ ઠંડીનો પારો 5℃ જેટલો થઈ ગયો હતો.
એ લોકો આ ટેનશનભર્યા માહોલમાં ત્યાં બેઠા હતા એવામાં જ મેનેજર ધ્યાન હટાવવા અચાનક બોલ્યા, "અહીં સવારે ઉપરના પહાડો તરફ જોઈએ તો નજારો ખૂબ સુંદર હોય છે. એવું લાગે જાણે માનસરોવર પર આવી ગયા હોઈએ. જો તમે લોકો 3 વાગ્યે ઉઠો તો એક વખત બહાર નજર કરી લેજો, બદ્રીનાથ મંદિરની પાછળના પહાડો તરફ..."
"જો એવું હોય તો હું ચોક્કસ એલાર્મ મૂકીને જ ઉંઘીશ." શ્રુતિ ખુશ થતા બોલી. એના પિતા હજુ હાથ ઊંચો રાખીને બેઠા હતા. હજી પણ એમનો હાથ જ્યારે નીચે કરવામાં આવે ત્યારે લોહીનું વહેણ વધી જતું હોય એમ એમને લાગ્યું. છેવટે એ ત્રણેય ત્યાંથી ઉભા થઇ પોતપોતાના રૂમમાં જતા રહ્યા. જતા પહેલા શ્રુતિએ 'એના પિતાને કોઈ પણ સમસ્યા થાય તો એને બોલાવવાનું કહ્યું'.
એના પિતાને એમના રૂમમાં ગરમ ધાબળો ઓઢાડી એ એના રૂમમાં આવી અને સુઈ ગઈ. અહીં ઊંઘતા એને ખૂબ વાર લાગી. બહાર વરસાદ અને અંદર રૂમ ઠંડો થઈ ગયો હતો. ત્યાં મુકેલ બેડ અને ગરમ ધાબળો બંને ઠંડા હતા. કોઈ વસ્તુને કે કપડાને હાથ લગાવવામાં આવે તો એ બધી જ વસ્તુઓ ઠંડી લાગી રહી હતી. શ્રુતિને લાગે જ નહીં કે એણે કઈ ઓઢયું છે. એ બરફ પર ઊંઘી છે એમ એને ભણકારા થઈ રહ્યા હતા. માંડ આ બધું ગોઠવી એ એલાર્મ મૂકીને ઊંઘી.
શ્રુતિ રાત્રે 3 વાગ્યે ઉઠીને બારી પાસે ગઈ. બહાર પહાડો પર અજવાળું તો હતું પણ વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે જે દ્રશ્યની એણે કલ્પના કરી હતી એ એને ત્યાં ન દેખાયું. અને નિરાશ થઈ એ પાછી બેડ પર સુઈ ગઈ. એ થોડા-થોડા સમયે બારી પાસે જઈ રહી હતી પણ તેમ છતાં તેને નિરાશા જ મળી. સવારે 5 વાગ્યે ઉઠીને જ્યારે એને ફરી નિરાશા હાથ લાગી ત્યારે એ પછી એ નહાવા જ જતી રહી.
6 વાગ્યે એ તૈયાર થઈને એના પપ્પાના રૂમમાં એમનો હલચાલ પૂછવા ગઈ. ત્યારે એને ખ્યાલ આવ્યો કે એના પિતા આખી રાત જાગતા જ હતા અને એ દરમિયાન એમની આંગળીમાંથી લોહી નીકળવાનું ચાલુ જ હતું. છેવટે એણે પાટો બદલ્યો અને હવે પાટો અને રૂ પણ પતી ગયું.
8 વાગ્યે ચા-નાસ્તો પતાવી એ લોકો બદ્રીનાથથી નીકળ્યા અને એ બધાએ છેલ્લી વખત દૂરથી જ મંદિરને જોઈ પ્રણામ કર્યા. એ પછી બધા બસમાં બેસી ગયા.

છેવટે 4 કલાક પછી 115 કિલોમીટર દૂર કર્ણપ્રયાગ પાસે પહોંચ્યા. આ એ જ જગ્યા જ્યાંથી અલકનંદા અને ભાગીરથી નદી મળીને ગંગા નદી બનાવે છે. અને ત્યાંથી થાય છે આપણી સંસ્કૃતિની સૌથી પવિત્ર નદી ગંગાની શરૂઆત.
કર્ણપ્રયાગ પહેલા જ એક મેડિકલ સ્ટોરમાં શ્રુતિએ એના પિતાની તપાસ કરાવી. અહીં ઉત્તરાખંડમાં મેડિકલ સ્ટોર ચલાવનાર વ્યક્તિ મોટેભાગે ડોકટરની પ્રેક્ટિસ કરે છે. સામાન્ય દર્દ અને ચોટ પર એ જાતે જ દવા આપે છે. શ્રુતિના પપ્પાએ તે ડોકટરને બતાવ્યું. જોકે ઘા મોટો હતો પણ એની પર ટાંકા લેવાની જરૂર ડોક્ટરને ન વર્તાઈ. આ ઘા માટે એમણે જ ધનુરનું ઈન્જેકશન અને ડ્રેસિંગ કરી આપ્યું. અને સુકાવા માટેની ગોળીઓ આપી દીધી.

નીચે આવતા એ લોકો શ્રીનગર પહેલા ધારીદેવીના મંદિર પાસે રોકાયા. માન્યતા અનુસાર, "જો ધારીદેવીના મંદિરને નુકસાન પહોંચાડવામાં આવે તો ચારધામ પર કોઈ મુસીબત જરૂર આવે છે. અને 2013 પહેલા ધારીદેવીના મંદિરને ખસેડવાની વાત ચાલી રહી હતી. અને એ માટે મંદિરનો કેટલોક ભાગ તોડવામાં આવ્યો હતો. જેના કારણે કેદારનાથમાં પુર આવ્યું." માન્યતાઓના પુરાવા નથી હોતા. એ ફક્ત માનવામાં આવે છે. એટલે આ બાબતમાં વધુ ન પડતા એ લોકો આગળ વધ્યા.
ઉત્તરાખંડમાં પણ એક શ્રીનગર છે અને સવા બસ્સો કિલોમીટર બદ્રીનાથથી દુર આ જગ્યાએ એ લોકો રાત્રે એક હોટેલમાં રોકાયા. બીજે દિવસે સવારે અહીંથી 6 વાગ્યે નીકળીને એ લોકો 11 વાગ્યા જેવા 110 કિલોમીટર દૂર ઋષિકેશ પહોંચ્યા. અહીં જ ઘણોખરો પહાડી રસ્તો પૂરો થતો હતો.
ચારધામની આ યાત્રાનો અંતિમ પડાવ આમ તો હરિદ્વાર હોય છે. પણ અહીંથી હરિદ્વારનું અંતર ખૂબ ઓછું થતું હતું. અને એ રસ્તો પણ સરળ હતો. કઠિન રસ્તો અને અણધાર્યું વાતાવરણ ઋષિકેશમાં જ પુરા થતા હતા. બસસ્ટેન્ડ પર બપોરના ભોજન માટે બસ રોકવામાં આવી. અને સૌ પહોંચ્યા અંદર રામઝુલા, લક્ષ્મણ ઝુલા અને અસંખ્ય મંદિરોના દર્શન કરવા માટે.

મોટા ને પ્રખ્યાત મંદિરો ગંગાની બીજી તરફ હતા. અહીંથી જ ગંગાનો પટ મેદાની પ્રદેશમાં પ્રવેશવાની શરૂઆત કરતો હતો. આ જગ્યા ખૂબ સુંદર લાગી રહી હતી. દૂર પહાડો નજરે આવી રહ્યા હતા અને ક્યાંક-કયાંક વળી નાનકડો રસ્તે નજરો પડી રહ્યો હતો. જેમાં કયારેક ચાલતી ગાડીઓ દેખાઈ જતી હતી.
એ લોકો ફટાફટ બોટમાં બેસી નદીના બીજા કિનારે આવી ત્યાંના બિરલા મંદિર, શિવજીનું મંદિર, લક્ષ્મીજીનું મંદિર બધે જ ફરી લીધું. રામ ઝુલા અને લક્ષ્મણ ઝુલા થોડા દૂર હતા અહીંથી. એટલે વધુ ચાલવું ન પડે એ માટે એમણે બોટ લીધી.
બધા મંદિરોમાં દર્શન કર્યા બાદ શ્રુતિ અને એના મમ્મી-પપ્પા બોટમાં જવા માટે બિરલા મંદિર પાસેના ઘાટ પર આવ્યા. શ્રુતિ બોટથી થોડે દુર એના પપ્પાને નદીની પાસેના કિનારાના ભાગમાં લઈ ગઈ. અહીંના કિનારા ખુલ્લા અને પહોળા હતા. કિનારા વચ્ચેનું અંતર પણ ખાસ્સું હતું. એટલે જ અહીં આ જગ્યા શાંતિનું અંતિમ ધામ હતી. પહાડોમાંથી નીકળતી અસંખ્ય નદીઓ, ઉછળતી-કુદતી, પથ્થરોને તોડતી, ધુધવાટ કરતી નદીઓ અહીં આવી એક વિશાળ અને શાંત નદીનું સ્વરૂપ ધારણ કરી લેતી હતી. પણ અહીંથી જ શરૂ થતી માનવવસ્તી પોતાનું અસલી સ્વરૂપ એ નદીને બતાવતી હતી. આ પવિત્ર નદીને ખરાબ અને પ્રદુષિત કરતી હતી.

શ્રુતિએ પહાડો તરફ પોતાનો હાથ લાંબો કર્યો અને એના પપ્પાને એ જગ્યા બતાવી અને પૂછ્યું, "આપણે ત્યાંથી આવ્યા ને પપ્પા????"
એના પપ્પાના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ. એમને કંઈક યાદ આવી ગયું અચાનક અને બોલ્યા, "હા આપણે ત્યાંથી આવ્યા.. વર્ષો પહેલા જે દૂર બહુ જ દૂર ફરવાનું કહ્યું હતું ને.... કયારેક જઈશું ત્યાં એમ વાયદો કર્યો હતો ને.... યાદ છે તને????"
શ્રુતિ પણ એક મુસ્કાન સાથે વહેતી ગંગા અને પહાડો તરફ જોઈને બોલી, "હા, એ બાબત કઈ રીતે ભૂલી શકું? વર્ષો પહેલા કહ્યું હતું તમે. અને આટલા વર્ષો વીત્યા બાદ એ વાયદો પૂરો કર્યો. શાંતિ અને સુકુન અહીં મળશે એમ માની તમે અમને આજથી 14 વર્ષ પહેલાં અહીં લઈ આવ્યા હતા. ત્યારે ખ્યાલ નહતો કે અસલી જીવન અને અસલી પ્રવાસ તો આપણો ઋષિકેશ પછી છે. ઉડતા વાદળો અને વહેતી નદીની જેમ મારી ઈચ્છા હતી ત્યાં જવાની. અને વર્ષો બાદ આજે વાયદો નિભાવવા તમે મને અહીં લઈ આવ્યા. આથી વિશેષ શુ હોઈ શકે?"

"હા આથી વિશેષ શુ હોઈ શકે? એક બાપે પોતાની દીકરીને વાયદો કર્યો હતો અહીં લાવવાનો. પૂરો તો થવાનો જ હતો....." શ્રુતિના પિતા પોતાની આ સફળતા પર ખૂબ ગર્વ અનુભવી રહ્યા હતા. વર્ષો બાદ બીજી વખત શ્રુતિએ એના પિતાને આ રીતે ખુશ જોયા. અહીં જ આ જગ્યાએ આવી એ બીજી વખત આટલા ખુશ હતા.
એટલામાં પાછળથી અવાજ આવ્યો, "ઓ બાપ-દીકરી... બધા નીકળી ગયા છે. આપણે જ બચ્યા છીએ. જલ્દી કરો. આ અર્થસભર વાતો બોટમાં કે બસમાં કરજો....."
અને એ બંને ખુશ થઈને ત્યાંથી નીકળી ગયા.

હવે હું જ અહીં બચી છું, હું એકલી... નીરવ શાંતિમાં, ખળખળાટ કરતી નદીની પાસે... વહેતા પવનના અવાજ સાથે. એ પવન જે એ પહાડો પરથી આવે છે જ્યાં જવાની લોકોની કલ્પના માત્ર હોય છે. અહીં હું છું વર્ષોના જુના 'સંકલ્પ' સાથે. આંખો બંધ કરું ત્યારે એ બાળકી યાદ આવી જાય. એના પિતા યાદ આવી જાય. એ વાયદો યાદ આવી જાય જે એક બાપ-દીકરી વચ્ચે વર્ષો પહેલા આ નદીના કિનારે લેવાયો હતો. કેમ પૂરો થયો એ વાયદો? કેટલી અડચણો આવી હશે એમાં? વર્ષોથી ચારધામ જવા માટે ઉત્સુકતા અને તૈયારી ધરાવતા લોકોની મનની મુરાદ જવલ્લે જ પુરી થાય છે. પણ અહીં સવાલ હતો, એક વિશ્વાસનો. એક અતૂટ બંધન વચ્ચેના કરારનો. એવા વાયદાનો જે એવા લોકો વચ્ચે થયો હતો જે એક અતૂટ સબંધ સાથે બંધાયેલા છે. ગંગા નદીને કિનારે થયેલ આ વાયદાના સાક્ષી આ નદી, આ મોટા પર્વત, અહીંની ઠંડી હવાઓ, અહીંના પાવન મંદિરો હતા. કઈ રીતે તૂટી શકે એ વાયદો? જે નિભાવવા માટે આ કુદરત કામ કરી રહી હોય... કોણ હતી એ છોકરી અને એના પિતા? કોણ જાણે... પણ હું જાણું છું એને... હું જ તો છું એ... જેના પિતાએ એને દૂર બહુ દૂર લઈ જવાનો વાયદો કર્યો હતો. અને એ નિભાવ્યો પણ..... મારુ શરીર તો અમદાવાદ આવી ગયું પણ આત્મા ત્યાં જ રહી ગઈ....


એક સંકલ્પ - કુદરત માટે
એક સંકલ્પ - એ સબંધ માટે
એક સંકલ્પ - એ અતૂટ જોડાણ માટે, જેને દુનિયા આખી પૂજે.
એક સંકલ્પ - ચારધામના આ માહાત્મ્ય માટે, જેની મહત્વતા આપણે સમજીએ છીએ.
એક સંકલ્પ - એ કુદરત માટે, જે દૂર રહીને પણ આપણી નજીક છે, અને અનેક સમસ્યાઓ છતાં આપણને આકર્ષે છે........


(મિત્રો, જો તમે આખી વાર્તા વાંચી હશે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ચારધામ મોટી ઉંમરે જવાની જગ્યા નથી. ત્યાના અણધાર્યા વાતાવરણમાં નવજુવાનો સારી રીતે ઢળી શકે. એટલે વહેલી તકે આર્થિક પરિસ્થિતિ સધ્ધર થતા જ હું તમને ત્યાં જવાની સલાહ આપીશ.
એ સિવાય જયારે તમે ત્યાં જશો ત્યારે તમને અવનવા કિસ્સા અને કહાનીઓ મળશે. જે આખા જીવન દરમિયાન યાદ રહેશે. જે બાબત મુસીબત આવતા આપણને અસામાન્ય લાગે અને આપણે તૂટી જઈએ, મુસીબત જતા જ એ ખૂબ સામાન્ય લાગે અને એની પર હસવું આવે. બસ એવું જ કંઇક ચારધામ સાથે છે. જો એને મંદિર સાથે સાંકળશો તો પોતાને વૃદ્ધ સમજવા લાગશો. એને માત્ર એક એડવેન્ચર સમજો અને આંનદ માણો એ અસામાન્ય પરિસ્થિતિઓનું...)

(આ સાથે આપણો આ "સંકલ્પ" અહીં પૂરો થાય છે. આશા કરું છું આપ સૌને આ નવલકથા ગમી હશે. તમારા પ્રતિભાવોની રાહમાં.....)


સાઈનિંગ ઓફ "પ્રિયાંશી સથવારા"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED