સંકલ્પ - એક અતૂટ જોડાણ - 15 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 15

જેમ-જેમ એ લોકો પગથિયાં ચઢતા ગયા, તેમ-તેમ એમને જોનાર લોકોની નકારાત્મકતા વધી ગઈ. "આંટી ક્યારેય આગળ નહિ જઈ શકે." "ઉપર ચઢાણ બહુ ખરાબ છે" એ વાતો વચ્ચે શ્રુતિના પપ્પાના ભાઈબંધના ધર્મપત્ની શીલાકાકી ત્યાં જ બાજુમાં પગથિયાંની બેઠક પર બેસી ગયા. "હવે હું ઉપર નહિ જ ચઢી શકું." એ બાબત એમના મનમાં ઘર કરી ગઈ. એ ખૂબ જ ખરાબ અનુભવી રહ્યા હતા. એમની શ્રુતિ સાથે ઉપર જવાની જીદને કારણે હવે બધાને મોડું થયું.
શીલાકાકીએ બધાને કહ્યું, "તમે બધા જઈ આવો. હું અહી જ બેસીસ."
શ્રુતિએ એની મમ્મી સામે જોયું, એની મમ્મી શીલાકાકી પાસે આવી. એમના ખભા પર હાથ મૂકીને બોલ્યા, "જુઓ, આપણે અહીં સુધી તો આવી જ ગયા છીએ, હવે અહીં બેસી રહેવાનો કોઈ જ મતલબ નથી. અહીંથી આગળ થોડું જઈએ. જો તમને આગળ એવું લાગે કે તમે નહિ આવી શકો તો તમે ત્યાં બેસી જજો."
એટલામાં શ્રુતિના પપ્પા પણ સામે આવ્યા અને બોલ્યા, "જુઓ, અહીં હવા પાતળી છે. એટલે ધીમે ચાલવું પડશે. તો આપણે ધીમે-ધીમે ડગલાં ભરશું અને જઈને આવશું. એમપણ બસ આપણી વગર થોડી જતી રહેવાની! બહુ ચિંતા ન કરો અને લોકોની વાતોનું ધ્યાન ન આપો."
એમણે આટલું સમજાવ્યું કે માસીમાં નવો જુસ્સો ભરાયો અને એમણે તરત શ્રુતિનો હાથ પકડી ચાલવા માટે કહ્યું. ધીમે-ધીમે એ લોકો ચાલવા લાગ્યા. એ પછી કોઈપણ કઈ બોલે તો એની અસર પણ એમની પર ન થઈ. એ લોકો બસ પોતાની ધૂનમાં ચાલવા લાગ્યા. હવે તો એ પારંપારિક સંગીતનો અવાજ પણ મોટો થયો હતો. એ સંગીત જુસ્સો ભરનાર અને પગ થિરકાવનાર લાગી રહ્યું હતું. જેમ-જેમ એ લોકો ગણેશ અને વ્યાસ ગુફા તરફ આગળ જવા લાગ્યા. ત્યાં જ વચ્ચે એક મેદાન જેવી જગ્યા આવી. ત્યાં આગળ મોટો સ્ટેજ બનેલો હતો અને 300-400 વ્યક્તિ એ સ્ટેજની આગળના ભાગમાં બેઠા હતા.

અહીં કોઈ સંગીતનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. પ્રેક્ષકો જ્યાં બેઠા હતા એ જગ્યા પગથિયાંવાળી હતી. આ જગ્યા એક સભાગૃહ લાગી રહી હતી. પ્રેક્ષકોની આગળ પરંપરાગત પોશાકમાં સ્ત્રીઓ બેઠી હતી. જે ત્યાંના ગીતની મુખ્ય કડી આવતા જ કૂદીને નાચવા લાગે અને જેવી અંતરું આવે કે પાછી નીચે બેસીને હાથ હલાવે. આ જોઈ શ્રુતિના મમ્મી અને પપ્પા પણ ડાન્સ કરવા લાગ્યા. અને બધા એમને જ જોઈ રહ્યા. શ્રુતિ પણ એમની જોડે જઈને નાચવા લાગી. એવા-એવા મ્યુઝિક ઇન્સ્ટુમેન્ટ વાગી રહ્યા હતા, જેના નામ પણ ખબર ન હોય. એ લોકો ઉભા રહ્યા ત્યાં સુધી તો કુદયા જ પણ આગળ જતાં જ્યાં સુધી સંગીતનો અવાજ આવ્યો ત્યાં સુધી પણ ડાન્સ કરતા રહ્યા.
પગનો થાક, ઊંચાઈ, દુખાવો, શ્વાસ લેવાની તકલીફ બધું જ બાજુમાં મૂકી એમણે રસ્તામાં ખૂબ મજા કરી. આગળ જતાં વ્યાસ ગુફા અને છેલ્લી ચાની દુકાન તરફ બે રસ્તાના ફાંટા પડ્યા. વ્યાસ ગુફા જવા માટે ઉપર તરફ ચઢાણ હતું. જ્યારે બીજો રસ્તો સમાંતર હતો. એમણે સમાંતર રસ્તે જવાનું નક્કી કર્યું. થોડાક આગળ ગયા કે રસ્તામાં એક બહેન મળ્યા.
એની મમ્મી ન સાંભળે એમ શ્રુતિના પપ્પાએ પૂછ્યું, "આગે ઔર કિતની દૂર હૈ?"
એ બેહેન શ્રુતિની મમ્મી તરફ જોઈને જોરથી બોલ્યા, "અરે બસ આ હી ગયા. જા કે આઓ મજા આયેગા."
આવું કહ્યું કે શીલાકાકી અને શ્રુતિની મમ્મી બંનેને શાંતિ થઈ. એ લોકો ખુશ થઈ ગયા. અને આગળ ચાલતા થયા. જોકે રસ્તો આગળ લાંબો હતો, પણ એ બહેનના કારણે એમને જે જુસ્સો આવ્યો. એને કારણે એ લોકો આગળ પહોંચી ગયા. આગળ સરસ્વતી નદીનું મુખ આવ્યું.

આ જગ્યા આવી કે એમણે જોયું. પહાડોમાંથી નીકળી સરસ્વતી 1 કિલોમીટર પણ ન નીકળતા અલકનંદા નદીમાં ભળી જતી હતી.
કથા અનુસાર, "વેદ વ્યાસ જ્યારે અહીં મહાભારત ગ્રંથનું લખાણ ગણેશજી પાસે આ જગ્યાએ કરાવી રહ્યા હતા, ત્યારે સરસ્વતી નદી પહાડમાંથી નીકળી ખૂબ અવાજ કરી રહી હતી. ગણેશજીને વેદવ્યાસની વાત ન સંભળાતા એમણે સરસ્વતીને શાંત રહેવાની પ્રાર્થના કરી. પણ એમણે પોતાની ચંચળતા ન છોડી. ત્યારે ગણેશજીએ એમને શ્રાપ આપ્યો કે એમનું કોઈ અસ્તિત્વ નહિ હોય. એ બીજી નદીમાં સમાવિષ્ટ થઈ જશે."
આ જ માન્યતા અનુસાર સરસ્વતી નદી પણ આગળ અલકનંદામાં સમાવેશ પામી જાય છે. અહીં ખરેખર ખૂબ જ અવાજ હતો.

નદી પહાડમાંથી નીકળે છે ત્યાં આગળની કેડીમાં ઉતરાણ હતું, અને ત્યારબાદ થોડીક ચડાઈ. ત્યારબાદ આવે છે ભારતની છેલ્લી ચાની દુકાન. અહીં પહોંચ્યા કે એમને ચાની ખુશ્બુ આવવા લાગી. ચાની ખુશ્બુ સાથે જ ગરમાગરમ પકોડાની સુગંધ. એ પાંચેય અહીં આવ્યા અને સાથે પ્રવાસમાં શામેલ અન્ય 4-5 જણ આવ્યા. અને અહીં જ બધાએ ચા અને પકોડાનો આંનદ માણ્યો.

અહીંથી આગળ જ એમણે 'સ્વર્ગરોહિણી'નો રસ્તો જોયો. એ જ રસ્તો જ્યાંથી પાંડવો સ્વર્ગના રસ્તા પર ગયા હતા, સતોપંથનો રસ્તો. જ્યાંથી યુધિષ્ઠિર અને એમની સાથેના કૂતરાએ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું.
ચાની દુકાનથી એ તરફનો રસ્તો ઊંચાઈએ હતો. ત્યાં થોડુંક ચઢાણ હતું. સાંજનો સમય થયો હતો, અને એ રસ્તા પર સૂરજ આથમી રહ્યો હતો. ત્યાં ગયા વગર જ સ્વર્ગ અહીં મળી ગયું છે એમ એમણે અનુભવ્યુ. સોનેરી કિરણો એમને એક અનોખો અનુભવ કરાવી રહ્યા હતા.

ત્યાં જ એમણે એ ટેબલ પર ચા-પકોડા સાથે અડધો કલાકનો સમય વિતાવ્યો. ચાની દુકાનથી પાછા આવતા રસ્તામાં સરસ્વતીના મુખ આગળ એમણે પહાડના એક મોટા હિસ્સા પર હાથનો મોટો પંજાનો આકાર જોયો. માન્યતા અનુસાર આ ભીમનો પંજો હતો.

આ જગ્યાથી ધીમે-ધીમે એમણે બસ સ્ટેન્ડ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં પાછા આવતા પાછા એ જ પારંપરિક નૃત્ય અને આ બધાનો ડાન્સ. એ બધા વચ્ચે આવતા એમને કલાક - દોઢ કલાક જેવો સમય થઈ ગયો.
બસ સ્ટેન્ડ પર આવ્યા ત્યારે સાંજના સાડા સાત થઈ ગયા હતા. બસમાં આવતા જ બધા ખૂબ થાકી ગયા. છેક હવે જઈને શ્રુતિએ એના માસીને જોયા અને એણે પોતાની સીટ પર બેસતા માસીને પૂછ્યું, "માસી તમે ક્યાં હતા? આવ્યા નહિ?"
એના માસી બોલ્યા, "તમે લોકો બહુ વાર લગાડી રહ્યા હતા તો હું જ બીજા બધા જોડે જઈ આવી."
શ્રુતિએ એમને પૂછ્યું, "પણ અમને તો તમે રસ્તામાં ક્યાંય દેખાયા નહિ! ક્યાં ગયા હતા તમે?"
માસી ખુશ થઈને બોલ્યા, "અરે હું તો વ્યાસ ગુફા જઈ આવી. બહુ ઉપર હતું એ. મને થાક લાગ્યો, તો પણ ચડી આવી ત્યાં."
"ઓહ, અમે લોકો ચાની દુકાન પર ગયા હતા. ભારતની છેલ્લી ચાની દુકાન." શ્રુતિએ ગર્વભેર કહ્યું.
આ સાંભળી માસી નાખુશ થઈ ગયા, "મને ઘણા લોકોએ ત્યાં જવાનું કહ્યું હતું. પણ હું એ જ જગ્યા ચુકી ગઈ."
શ્રુતિએ માસીને હસતા-હસતા જ કહ્યું, "માસી તમને જ જલ્દી હતી. જોડે રહ્યા હોત તો અમારી સાથે ચા અને પકોડા પણ ખાઈ શકત."
"હા શ્રુતિ હું તો સસલું બની ગઈ. મને લાગ્યું કાચબા જોડે હું આગળ નહિ જઈ શકું. એ ચક્કરમાં કાચબો આગળ જઈ આવ્યો. અને હું ફક્ત વ્યાસ ગુફા જઈને પાછી આવી." માસી આટલું બોલતા તો ખૂબ દુઃખી થઈ ગયા. અને બસ આ જ વાતોમાં એમનું ગેસ્ટહાઉસ ક્યારે આવી ગયું? ખ્યાલ જ ન આવ્યો.
એ લોકો પરત ફર્યા ત્યારે મેનેજર ત્યાં જ હતા. એમણે બધાને ફ્રેશ થઈને જમવા આવવાનું કહ્યું. બાકી બધા તો જમવા બેસી ગયા. પણ શૈલેષભાઈ બસમાંથી નીચે ઉતરી તરત બજાર તરફ જતા રહ્યા. એટલે એમનું જમવાનું બાકી રહી ગયું. બધાનું જમવાનું પૂરું થયું અને એ લોકો રૂમમાં જતા રહ્યા. શ્રુતિ પણ એની મમ્મી અને માસી સાથે રૂમમાં જતી રહી.
અહીં આવ્યા ત્યારથી જ શ્રુતિના મમ્મી-પપ્પાને શરદી થઈ ગઈ હતી. એટલે શ્રુતિ નીચે રસોઈયા પાસે ઉકાળો બનાવવા માટે ગઈ. એ બનાવી રહી હતી એટલામાં એના પપ્પા પણ આવી ગયા. એમને જમવાનું અને ઉકાળો એક કપમાં આપી, એની મમ્મી અને માસીને પણ ઉકાળો આપવા એમના રૂમમાં ગઈ.
બહાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. ઠંડકનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. રાતના દસ વાગ્યા હતા. શ્રુતિ ઉકાળો આપીને જેવી નીચે આવી કે એણે જોયું કે આંગણામાં મુકેલ ડાઇનિંગ એરિયાની એક ખુરશી પર એના પપ્પા બેઠા હતા. એમની આસપાસ જમીન પર લોહીના ડાધા પડ્યા હતા. એના પપ્પાનો ડાબો હાથ પણ લોહીલુહાણ હતો. ડાઇનિંગ ટેબલ પર પણ આમ જ લોહીના ડાઘા પડ્યા હતા. શ્રુતિ નજીક આવી અને એના પપ્પાનો હાથ જોઈને ખૂબ ડરી ગઈ.
"પપ્પા શુ થયું?" એણે એના પપ્પાનો હાથ જોયો, "હું આવું હાલ જ... " આમ કહેતા તો એ ફટાફટ ભાગીને ત્યાંથી જતી રહી.
શ્રુતિ ફટાફટ ઉપરના માળે એના રૂમમાં ગઈ, અને તરત એની ફર્સ્ટ એડ કીટ લઈ આવી. એના પપ્પાની સામે આવીને બેસી ગઈ. એના પપ્પાના હાથની ટચલી આંગલીમાંથી લોહી નીકળવાનું ચાલુ જ હતું. તરત એણે રૂનો મોટો ભાગ લીધો, એણે એના પપ્પાને હાથ ઊંચો રાખવાનું કહ્યું, અને કાંડા પર મજબૂત પકડ બનાવી. રૂથી એણેબધું લોહી સાફ કર્યું. લોહી રોકાવાનું નામ લઈ રહ્યું નહતું,
"પપ્પા તમને આટલું વાગ્યું કઈ રીતે?" શ્રુતિ એમનો હાથ સાફ કરતા જ પૂછવા લાગી.
"અરે આ લોખંડની ખુરશી ખરા ને! એનો ઉપરની બેઠક છૂટી હતી. એ સરખી કરીને હું બેસવા જ ગયો કે આંગળી વચ્ચે આવી ગઈ." એના પપ્પા હજુ ખૂબ દુખાવામાં હતા.
અને એવામાં જેવું શ્રુતિ લોહી સાફ કરતી કે તરત ફરી ખૂબ લોહી વહેવા લાગતું. શ્રુતિએ આંગળી પર બીટાડીન લગાવી ઘોસ્ટ પીસ મૂકીને એક જાડો પાટો એમના હાથ પર બાંધવા લાગી. લોહી ખૂબ જ વહી રહ્યું હતું. પણ એણે ઉતાવળ કરી. અને પાટો બાંધી દીધો. એવામાં મેનેજર પણ આવી ગયા.
એ પણ એટલું લોહી જોઈને ચમકી ગયા, શ્રુતિએ એમને જોતા જ પૂછ્યું, "અહીં કોઈ ડોકટર મળશે?"
"ના હાલ તો નહીં જ..." એમ કહી મેનેજર નજીક આવીને એના પપ્પાનો હાથ જોવા લાગ્યા.
"પપ્પા તમે ધ્યાન નથી રાખી શકતા! હવે શું કરીએ? સમજમાં નથી આવતું..." શ્રુતિ ખૂબ ગભરાઈ ગઈ હતી.
એના પપ્પા એની સામે જોઇને એને સાંત્વના આપવા લાગ્યા, "જો બેટા, ભગવાનના ધામ પર છીએ આપણે. નહિ થાય કઈ મને. તું ચિંતા ન કર."
આ ચિંતા અને ગભરામણની પળો વધી રહી હતી અને જેવો એના પપ્પાએ હાથ નીચો કર્યો કે તરત પાટો લોહીવાળો થઈ ગયો. ખૂબ મુશ્કેલીથી એણે પાટો બાંધ્યો હતો. અને હવે લોહી ચાલુ થતા એણે ફરી એક મોટો પાટો બાંધ્યો.
આ બધામાં ઘણો સમય પસાર થઇ ગયો. છેવટે આ પાટો ખરાબ ન થયો એ જોઈ શ્રુતિને નિરાંત થઈ. અને એ એના પપ્પા માટે સામેની સ્ટોલ પરથી ગરમ ચા લઈ આવી.
આજની રાત એમની માટે મુશ્કેલીવાળી જવાની હતી. એમની ટચલી આંગળી કદાચ એક ઇંચ જેટલી ફાટી ગઈ હતી. સમસ્યા જટિલ હતી અને ઉકેલ સવાર સિવાય મળવાનો નહતો.

(મિત્રો, આપણે આપણા અંતિમ પડાવ તરફ જઈ રહ્યા છીએ. અંતિમ ભાગ આપણી માટે ખૂબ મહત્વનો છે. જોડાઓ આ "સંકલ્પ"ના અંતિમ પડાવમાં....)