સંકલ્પ - એક અતૂટ જોડાણ - 1 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 1

પ્રકરણ ૧

શુભ સવાર મિત્રો, અગાઉ પ્રેમરંગ (મારી નવલકથા - મારા ઈશ્કનો રંગ)નું વિસ્તૃત વર્ણન કર્યા પછી આધ્યાત્મ મારા લેખન માટે એકદમ નવો જ વિચાર છે. કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખી હું મારી આ કથાને પણ ન્યાય આપવા પ્રયત્ન કરીશ. વાંચકોના પ્રેમ માટેની અને મારી આ નવલકથા સાથેના તેમના જોડાણ સાથેની કલ્પના કરતી હું આ કથા આપની સમક્ષ રજુ કરી રહી છું, ‘સંકલ્પ

૮ ઓગસ્ટ, ૨૦૦૫, ઋષિકેશ, સાંજના ૪ વાગ્યાનો સમય અને રામઝૂલા નજીકના ત્ર્યમ્બકેશ્વર મંદિર નજીકનો ઘાટ.

અત્યંત આહલાદ્ક વાતાવરણ, રમણીય દ્રશ્ય અને નીરવ શાંતિ વચ્ચે ગંગા મૈયાનું ઉછળ-કુદ કરતું પાણી. કોઈ જો ત્યાં બેસે તો કદાચ કલાકો સુધી ત્યાં બેસી રહે. આ વાતાવરણ, આ શાંતિ, માં ગંગા, એનું પાણી. આ બધું ઋષિકેશની ભવ્યતામાં વધારો કરતું હતું. બસ બેસી રહેવાનું મન થાય અહી એવામાં એક અવાજ આવ્યો.

“ચલો ને પપ્પા, આપણે પણ ત્યાં જઈએ. મને જવું છે ત્યાં, જોવું છે ત્યાં.....”

શેની વાત ચાલતી હતી એ કદાચ ન સમજી શકાય એટલે હું કાન લગાવીને સાંભળી રહી આગળનો વાર્તાલાપ.

“બેટા, એ જગ્યાએ હાલ આપણે ન જઈ શકીએ. કદાચ ક્યારેય નહી અથવા કદાચ હાલ પુરતું તો નહી જ”

“પણ કેમ ?”

આટલી માસુમિયત સાથે એ ૧૧ વર્ષની નાની પ્રેમાળ છોકરી બોલતી હતી કે એક પળ માટે જોનારને થઈ આવે, “લાવ ને, હું જ કહું, લઈ જાઓ ને એને જ્યાં જઉં હોય ત્યાં...”

એટલામાં આ સંવાદ આગળ વધતો જતો મેં સાંભળ્યો, “બેટા આપણી ટ્રેનની ટીકીટ નક્કી છે. ૧૦મી તારીખે અમદાવાદ પાછા જવાનું છે અને તું જ્યાં જવાનું કહે છે ત્યાં જવા માટે ઓછામાં ઓછા ૧૫ દિવસ લાગે.”

છોકરીની આંખોમાં આંસુ આવી ગયા અને જે તરફ જવાની એ વાત કરી રહી હતી. એ તરફ જોઈ વિચારવા લાગી. એના પપ્પાને છોકરીની તકલીફ સમજી અને એને વારવા અને સાંત્વના આપવા માટે હજુ પ્રયત્ન કર્યો. “જો દીકરી, તું મોટી થઈશ ને, અને જયારે તને ભણવાની પણ કોઈ ચિંતા નહી હોય ત્યારે હું તને અહી લઈ આવીશ.”

“પાક્કું પપ્પા?”

“પાક્કું બેટા”

અને એના પપ્પા પોતાની દીકરીને ખભે ઊંચકી ત્યાંથી નીકળી ગયા. જે દિશા તરફ એમણે મીટ માંડી હતી, એ હતો ચારધામ તરફ જવાનો રસ્તો. અહી બહુ ઓછા લોકો જઈ શકે છે અને જે લોકો જાય છે એ ઘરસંસારની બધી જ જવાબદારીઓ પૂરી કરીને જાય છે. એક તબક્કો એવો પણ હતો કે જયારે કોઈ વ્યક્તિ ચારધામની યાત્રા સફળતાપુર્વક પસાર કરીને આવે તો સમાજમાં એમનું સન્માન વધી જાય. કેટકેટલા સમારોહ એના સન્માન યોજાય. અને જો એ વ્યક્તિનું મૃત્યુ યાત્રા દરમિયાન થાય ત્યારે એને સ્વર્ગ મળ્યું છે એમ સમજી લોકો ખુશ થાય. ઘણા લોકો માત્ર સ્વર્ગમાં જવાની આસમાં પણ ચારધામ નીકળી જતા. બસ આ તબક્કો જ કઈક એવો હતો. અને એ રસ્તો પણ એટલો જોખમકારક હતો કે ક્યારેક યાત્રાળુઓની બસ ખીણમાં પડી જતી, તો ક્યારેક બસ પર અથવા રસ્તા પર મોટા પહાડો ધસી આવવાથી રસ્તા બંધ થઇ જાય. વરસાદ, વાવાઝોડું, ભૂસ્ખલન, અનિયંત્રિત તાપમાન આ બધાથી બચી જવાય તો પણ ચારધામમાંથી ક્યાંક ને ક્યાંક દર્શન કરવાના રહી જ જાય. અને જો આમાંનું કઈ અસર ન કરે તો છેલ્લે જયારે ચારધામ ગયેલ વ્યક્તિ ઘરે આવે ત્યારે એની તબિયત સાવ બગડવા લાગે. પથ્થરીયાળ પાણી પીને હોજરી સાવ ખરાબ થઈ ગઈ હોય. એટલે જ કદાચ હિંદુધર્મમાં ચારધામને જીવનની સૌથી કઠીન યાત્રા માનવામાં આવે છે. જુના સમયમાં તો આ ચારધામ લોકોએ ગાડાવાટે કે અન્ય રીતે જઈ શકાય તો પણ રસ્તો પસાર કરવામાં બહુ મોટો સમય લાગતો હતો.

ચારધામની યાત્રાની વાત આ નાનકડી છોકરીના મુખે અનોખી લગતી હતી. એ આ બધી મુસીબતોને ન સમજે, એટલે જ એના પપ્પાએ કદાચ વાત કરવાનું ટાળ્યું હોય. ક્યારેક જઈશું એટલે દુર ફરવા એમ વિચારી એ ખુશ થઇ ગઈ. ભગવાનમાં શ્રદ્ધા કે આસ્થા હોય એની તો ખબર નહી પણ બહુ દૂર-દૂર ફરવા મળશે, એમ વિચારીને જ કદાચ એ ખુશ થઇ નીકળી ગઈ. મે એ તરફ જોયું પહાડોમાંથી નીકળતી ગંગા અને બાળપણમાં દોરેલું કુદરતી દ્રશ્ય વચ્ચે ઘણી-બધી સમાનતાઓ દેખાઈ આવે એવું આ દ્રશ્ય હતું. ચારધામ જવાના બે રસ્તામાંથી એક ઋષિકેશથી પસાર થતો હતો. એમ કહીએ કે બદ્રીનાથથી પરત આવવા લોકો આ રસ્તાનો ઉપયોગ કરતા હતા. પહાડો અને એની પાછળ દુર સુધી ફેલાયેલા પહાડો જ્યાં-જ્યાં નજર જાય ત્યાં કુદરતનું રમણીય સ્વરૂપ દેખાય. હિમાલયની આંખોને ઠંડક આપતી પર્વતમાળાઓ, ભલા અહીનો મોહ ક્યાં કોઈને છુટે? ભાગ્યે જ કોઈ માનવા તૈયાર થાય કે આ રમણીય દ્રશ્ય ક્યારેક કોઈ ભયાનક સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.

કોઈ પણ જવા ઈચ્છે એવી આ જગ્યા, ખબર નહી લોકો પોતાના જીવનના અંતિમ વર્ષોમાં જ જવું કેમ પસંદ કરે છે? એ પ્રશ્નએ મારા મનમાં એક જીજ્ઞાસા ઉભી કરી. એ બાળકી પ્રત્યે લગાવ ઉભો થયો. ક્યાંક ને ક્યાંક મારી પણ આ ચારધામ યાત્રામાં જવાની ઈચ્છા થઇ. પણ કદાચ હજુ મારો સમય આવ્યો નહતો, એ બાળકીની જેમ. મારું પણ મન આ પહાડોમાં વિહરવા ઈચ્છતું હતું, મુક્ત બની પહાડોને સ્પર્શતા વાદળોની જેમ મારે પણ એ પહાડ સ્પર્શવો હતો. એ લીલોતરીમાં, શુદ્ધ હવામાં, અણધાર્યા વાતાવરણમાં મુક્ત પંખીની જેમ વિહરવું હતું, પણ મારો સમય આવ્યો નહતો હજુ, એ બાળકીની જેમ કદાચ????

હું ઋષિકેશનો આનંદ માણી અમદાવાદ પરત ફરી, પણ મન તો એ પહાડોમાં જ રોકાઈ ગયું હતું, “ક્યારેક જઈશ પાછી ત્યાં” એમ વિચારી મેં મારા મનને મનાવ્યું.

*****************

૧૭ જુન, ૨૦૧૯. રાત્રે ૧૧ વાગ્યે. રામદેવ ધર્મશાળા.

“પપ્પા તમે આવું કઈ રીતે કરી શકો? સહેજ પણ ધ્યાન રાખતા નથી...” એની આંખોમાં ગભરામણ અને ચિંતા સ્પષ્ટ હતી.

“બેટા, જાણી-જોઇને નથી કર્યું, આ તો બેસવા ગયો ને.......”

“કેટલું લોહી નીકળે છે? અહી ડોક્ટર ક્યાં મળશે? હે ભગવાન.. આટલું લોહી નીકળે છે. આટલો મોટો પાટો બાંધ્યો તો પણ લોહી રોકાઈ નથી રહ્યું. શું કરું હું?”

“ચિંતા ન કર. ભગવાનની ગોદમાં છીએ આપણે. આ બધી જ તક્લીફો એ જોઈ લેશે.”

ચિંતા અને ગભરામણની પળો વધી રહી હતી અને........

*****************

૧૪ જુન, ૨૦૧૯. સાંજનો ૫ વાગ્યાનો સમય. સરકારી હોસ્પિટલ.

“ડોક્ટર સાહેબ, મને શરદી........”

“એક મિનીટ જરા, હું બહાર દર્દીને તપાસીને આવું.” બહારથી ખુબ અવાજ આવી રહ્યો હતો. આમ તો સરકારી હોસ્પિટલ હતી એટલે અન્ય સાથી ડોક્ટર પણ હોવાના જ, પરંતુ આ એક પહાડી વિસ્તાર હતો અને અહી વાતાવરણ હમેશા એમ કહો કે દરરોજ અનુકૂળ રહેતું નથી એટલે એક ડોક્ટર અને કમ્પાઉંડર રહ્યા હતા. હોસ્પિટલની આગળ કેટલાક કોટેજ હતા. ત્યારબાદ હોસ્પિટલનો મેઈન દરવાજો આગળ એકબાજુ ૩ ડોકટરો માટે તપાસનો રૂમ બનાવેલ હતો. અને બીજીબાજુ દર્દીની તાકાલીક સારવાર માટેના સળંગ બેડ હતા. આ રૂમની અંતમાં એક દરવાજો હતો, જ્યાં પાછળની બાજુ દર્દીને અન્ય સુવિધાઓ ટેસ્ટ અને ખાનગી રૂમ હતા. જયારે એ આવી ત્યારે એક નવપરિણીત સ્ત્રી એક બેડ પર બેભાન હતી. અને એની આસપાસ બીજા ૧૫ જણા એના ભાનમાં આવવાની રાહ જોતા ઉભા હતા. તે લોકો વારં-વાર ડોક્ટરને બોલાવી રહ્યા હતા. એ બંને આવ્યા ત્યારે ડોક્ટર ચેક કરીને જ ગયા હતા. પણ એ લોકો એટલી શાંતિ રાખવાના મૂડમાં નહતા. બહારનો અવાજ સાંભળી દર્દીને તપાસ રૂમમાં જ મૂકી ડોક્ટર જેવા ચેકઅપ કરવા જ ગયા કે બહાર ઉભા રહેલા એમાંથી એકનો અવાજ વધુ ઉંચો થઇ ગયો. “સર હજુ સુધી મારી પત્ની ભાનમાં નથી આવી, તમે કેવી દવા કરી રહ્યા છો?”

“જુઓ મેં તમને પહેલા જ કહ્યું હતું કે જે ઇન્જેક્શન મેં એમને આપ્યું છે એની અસર થતા ૩૦ મિનીટ લાગશે. તો તમે બધા શાંતિ રાખો અને બહાર રાહ જુઓ. અહી એક જ વ્યક્તિ રહે એ સારું છે.”

“અરે એ ડોક્ટર, બે તને કઈ આવડે છે કે નહી, સાલા..........” ભીડમાંથી બોલનાર એ વ્યક્તિ એક ગાળ બોલી ગયો. જે સ્ત્રી બેભાન હતી, આ કદાચ એનો ભાઈ હતો. એ બહુ ગુસ્સામાં હતો કે એટલે અપશબ્દો બોલી ગયો.

“કમ્પાઉન્ડર બધાને બહાર નીકાળો, આમને પણ લઈ જાઓ. કોઈ ઈલાજ નહી કરું હું. જઈ શકો છો તમે બધા....” ડોક્ટર પણ હવે આટલી ભીડને જોઈ ગુસ્સામાં આવી ગયા હતા. અને હવે આ અપશબ્દો અસહ્ય હતા. એટલામાં એ સ્ત્રીનો પતિ ડોક્ટરને પગે પડતા “સાહેબ, પ્લીઝ. એની તરફથી હું માફી માંગું છુ. મારી પત્નીનો ઈલાજ કરી આપો.” એ માણસને કરગરતો જોઈ ડોક્ટરને પણ દયા આવી ગઈ.

“ઠીક છે પણ એને ભાનમાં આવતા વાર લાગશે. ત્યાં સુધી અહી કોઈ એક જ રહેશે, બાકી બધા બહાર....”

ડોક્ટર પાછા પોતાના કન્સલ્ટીંગ રૂમમાં આવી ગયા. એ જોયા વગર કે એ લોકો બહાર નીકળ્યા કે નહી. અને એમની પાછળ એ અને એના પપ્પા પણ રૂમમાં આવ્યા. “હા તો બોલો શું તકલીફ છે તમને?”

“સર, મને શરદી-ઉધરસ અને ગળામાં બળતરા થાય છે. તો કઈક દવા...”

“ક્યાંથી આવ્યા છો?”

“સર શહેરનું પૂછો કે.....”

સ્ટેથોસ્કોપ લગાવી પીઠ પર ચેક કરતા-કરતા, “ના.. ના.. મારો મતલબ કે બાબા જોડે જઈને આવ્યા છો કે બાકી?”

“સર હજુ કાલે જવાનું છે. એટલે જ અહીંથી નીકળ્યા અને હોસ્પિટલ જોઈ તો દવા લેવા માટે બસ ઉભી રાખી.”

“ઓહ ઓકે.. તમને ચેક કર્યા પછી તો એવું જ લાગે છે કે તમે ઉપર ન જાઓ તો તમારી તબિયત માટે સારું રહેશે”

“પણ સર બાબાને ત્યાં જ ન જવાય, તો પ્રવાસ પૂરો કેમનો થશે?” એ આ સાંભળીને જ દુખી થઇ ગઈ.

“માનવું હોય તો માનો નહિતર તમારી મરજી. આ જે બહાર સ્ત્રીને જોઈ રહ્યા છો ને? એ લોકો પણ ગઈકાલે ત્યાં જ ગયા હતા, આજે સવારે ત્યાંથી નીચે આવ્યા. અને એની આ હાલત થઇ ગઈ. ઠંડી ચઢી છે એને. ત્યાં ડોક્ટરને બતાવ્યું પણ કઈ ફર્ક ન પડતા અહી લાવ્યા. જે હાલત અત્યારે એની છે એ તમારી પણ થઇ શકે છે અથવા એના કરતા પણ ખરાબ. પછી તો તમારે ફરજીયાત એડમિટ થવું પડે અથવા હાલત વધુ ખરાબ થઇ તો કદાચ આઈ.સી......” થોડા અટકી સામેની છોકરીને જોઇને “એકવાર ત્યાં ઉપર જતા રહ્યા ને બાબાની જોડે અને કઈ તકલીફ ઉભી થઇ તો કોઈ મદદ નહી કરી શકે. ત્યાંથી પાછા આવવામાં પણ કોઈ મદદ નહી કરે. હું તમને દવાઓ આપી દઉં છુ. પણ મારી સલાહ તો એ જ છે કે તમે ઉપર ન જાઓ. બાકી જેવી બાબાની ઈચ્છા.”

“ઓકે સર” દવાઓનું પ્રિસ્ક્રીપ્શન લઈને એ ઉભી થઇ અને અત્યાર સુધી ચુપ બેઠેલા એના પપ્પા આગળ આવ્યા, “સર સાચે જ! એની હાલત આટલી ખરાબ છે?”

“હા સખત કફ જામી ગયો છે છાતીમાં, એવો કે એને શ્વાસ લેવામાં અને ખાવામાં પણ તકલીફ થઈ રહી છે. અને કદાચ ખાશે તો પણ એના પેટમાં ટકશે નહી. જો ઉપર જવાની જીદ કરશે તો કદાચ હાઈપોકસીયા થઇ શકે છે.”

એના પિતા ચિંતિત હતા પણ આ શબ્દ એમની સમજની બહાર હતો, “મતલબ???”

“મતલબ એટલી ઉંચાઈ પર શ્વાસ લેવામાં તકલીફ થાય એ સામાન્ય છે. અને તમારી દિકરીને એટલો કફ જામી ગયો છે કે એ એટલી તાકાતથી શ્વાસ નહી લઇ શકે. એક રીતે ઓક્સિજનની ખોટ પડતા એનું શરીર ધીરે-ધીરે કામ કરતુ બંધ થઇ જશે. હવે એવી હાલતમાં હું તમને જવાનું સૂચન ન કરી શકું. મારા મતે તો એ જગ્યા જ છોડી દો” ડોકટરે આટલું કીધું અને એમના હોશ ઉડી ગયા. “સર તમારી ફી” એટલી ચિંતામાં પણ એ એમની ફરજ ન ચુક્યા.

“ના કઈ જ નહી. આ સરકારી હોસ્પિટલ છે.” એમણે ના પાડી તો એમનો આભાર માની એ બહાર નીકળ્યા.

આ સંવાદ જે સાધી રહ્યા હતા તે કિરદારોમાં ૨૫ વર્ષની શ્રુતિ, અને એની કરતા બેગણીથી વધુ ઉંમર ધરાવતા એના પપ્પા શૈલેષભાઇ અને અગસ્ત્યમુનિ ગામની સરકારી હોસ્પિટલના ડોક્ટર. જવું ન જવું એ અવઢવ જુદી હતી પણ અહી આવ્યા પછી આ તકલીફ કેમની સહન કરી શકાય. આટલે અહી બાબાની ગોદમાં પહોચી એમના દર્શન ન કરી શકાય એ કેટલી વિકટ પરિસ્થિતિ. હવે બંનેને શું કરવું એ વિચારી શકતા નહતા. મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લીધી. સવાર-સાંજની આ દવાઓનો એક ડોઝ તરત શ્રુતિએ લઈ લીધો, “અરે બેટા ખાધા વગર દવા કેમ લીધી?” એના પપ્પા આ જોઈ બોલવા લાગ્યા.

“પપ્પા ખાવાનું ત્યારે જ ટકશે જયારે દવાઓ લઈશ” એણે જવાબ તો આપ્યો પણ એને ખબર હતી કે ખાવાનું તો એમપણ નથી ટકવાનું. અને પાછુ આવી હાલતમાં તો પપ્પા એને જોડે નહી જ લઇ જાય. “હે ભગવાન તારો સહારો” એમ સમજી એ બંને એમની મીનીબસ જે થોડી આગળ ઉભી હતી તે તરફ જવા લાગ્યા.

*****************

૮ જુન, ૨૦૧૯. અમદાવાદ. સવારના ૮ વાગ્યે.

“બેટા બસ હવે, ક્લાસ જવાનું બંધ કર, ક્યાં સુધી તું ક્લાસમાં જઈશ. તારા કારણે હજુ તૈયારીઓ પણ થઈ શકી નથી. જો ક્લાસ સાથે આટલો જ લગાવ હોય ને તો ન આવીશ અમારી સાથે. હું અને તારી મમ્મી એકલા જઈ આવીશું.”

“પપ્પા બસ આજે જઈ આવવા દો. છેલ્લો દિવસ.”

“અરે એમપણ આજે છેલ્લો દિવસ છે. કાલે તો તું ફ્લાઈટમાં જ હોઈશ. એક કામ કર તું અહી જ રહી જા. તને પણ કોઈ ચિંતા નહિ. એમપણ તૈયારીઓ હજુ પૂરી નથી થઇ તારી. એમાં તને કેમનો લઇ જાઉં?”

આ સંવાદ પણ શ્રુતિ અને એના પિતા શૈલેષભાઈ વચ્ચેનો હતો. એ બંને અત્યારે જે વસ્તુ માટે તૈયારીની વાત કરી રહ્યા હતા, એક પ્રવાસની. એક માણસના જીવનમાં પ્રવાસનું શું મહત્વ રહેલું છે? એ કદાચ બધા જાણતા જ હશે. શ્રુતિની ઉંમર આમ તો ૨૫ વર્ષ હતી પણ કરિયરમાં આગળ શું કરવું જોઈએ? એ નક્કી ન કરી શકતા એ ભણ્યા કરતી હતી. એમ.કોમ. કરી એણે બેન્કિંગના કોર્સમાં હાથ અજમાવ્યો. અને બસ એમાં જ ૩ વર્ષ નીકાળી દીધા. એના પિતા શૈલેષભાઈ આમ તો સ્ટેટ ગવર્મેન્ટ ઓફિસર હતા, પણ હાલ રીટાયર્ડ હતા. મમ્મી ચંદ્રિકાબેન ગૃહિણી હતા. ભાઈ-ભાભી-ભત્રીજા, બહેન-જમાઈ-ભાણીયાથી ભરેલું આ ઘર સુખી અને સંપન્ન ઘર કહી શકાય એમ હતું. શ્રુતિના કોર્સના છેલ્લા દિવસો અને પ્રવાસની તૈયારીના દિવસો એકમેકમાં ભેગા થઇ ગયા હતા. આથી એને તૈયારીમાં સમય ખુબ ઓછો મળતો હતો. પપ્પાએ જે અંતિમ ચેતવણી આપી એ જો સ્પષ્ટ રીતે ન સમજી તો એના વગર એના માતા-પિતા જતા રહેશે એ પૂરી સંભાવના હતી. છેવટે જેમ-તેમ એ પોતાનું કામ અને એના કોર્સથી જોડાયેલી અન્ય કામગીરી પૂરી કરીને આવી. અને આવીને સીધી જ બેગ પેક કરવામાં લાગી ગઈ. નાસ્તો, દવાઓ, રોજીંદી ઉપયોગી વસ્તુઓ, રેઈનકોટ, છત્રી, જેકેટ, થર્મલવેર, કપડા બધું જ. એમ કહો કે અડધું ઘર પેક કરીને એણે બેગમાં મુક્યું. પ્રવાસ હતો જ કઈક એવો કે આ બધું જ કરવું પડે એમ હતું. હજુ પણ કઈક તો ખૂટતું હતું પણ શું? એ કદાચ કઈક તો ભૂલી હતી પણ શું????

(પ્રવાસના લગભગ ઘણા-બધા અનુભવો ઘણા લોકોએ ટાંક્યા હશે. મારી આ કથા પણ એક પ્રવાસ આધારિત છે પણ આ કથામાં તમને કઈક નવીન મળશે એ મારી ખાતરી છે. બસ પ્રકરણ ૨નો થોડોક ઈન્તેજાર.....)

(અધ્યાત્મ સાથે જોડાયેલી આ કથાને આપનો ભરપુર પ્રેમ મળશે એવી મને ઉમ્મેદ છે. પ્રેમ, સામજિક, સ્ત્રી-વિષયક, ટૂંકી વાર્તાઓ એમ લેખન-કળાના અનેક પાસા પર અજમાયેશ કર્યા બાદ મારો અધ્યાત્મ તરફનો વળાંક આપ સૌને પસંદ આવશે એ માટે આપના પ્રતિભાવોની રાહમાં.....)