Featured Books
શ્રેણી
શેયર કરો

હમેં તુમસે પ્યાર ઇતના - 15 - છેલ્લો ભાગ

અંતિમ પ્રકરણ- પંદરમું/૧૫


તમે આરામથી આ વીડીઓ કલીપ જોઈ લો. એ પછી હું આવું છું. ત્યાર બાદ આપણે નિરાંતે ડિસ્કશન કરીશું. એમ કહીને તે રૂમની બહાર જતો રહ્યો અને.. મેઘના અને અંતરા જેમ જેમ એ વીડીઓ ક્લીપ જોતા ગયા તેમ તેમ વધુ ને વધુ પરસેવો છૂટતો ગયો....

એકવાર.. બીજી વાર.. અને ત્રીજી વાર મેઘના અને અંતરાએ વીડીઓ કલીપ જોઈ લીધાં પછી પણ વાત ગળે ઉતરે તેવી બંધ બેસતી કોઈ કડી જડતી નહતી. પહેલાં અંતરાના કહેવાતા અપહરણનો તમાશો, પછી તે જ દિવસે ફરી લલિતનું રહસ્યમય સંજોગોમાં કીડનેપીંગ અને એ પછી... જે રીતે...કોઈ અજાણ્યો છતાં જાણભેદુ મેઘનાના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની ધમકીના રૂપમાં સચોટ આગાહી કરીને ચતુરાઈથી મેઘનાને આજીવન અભિમન્યુના કોઠામાં કૈદ કરવાના મનસુબાના ષડ્યંત્રના શ્રુંખલાની કડી અહીં તૂટતી હતી. અંતરાના નાટકીય અપહરણનું કેન્દ્રબિંદુ હતું સોહમ. એટલે મેઘનાએ અંતરાને કહ્યું કે, સોહમને કોલ કરીને જાણ કર કે શક્ય એટલો જલ્દી શિવાજી સર્કલ પોલીસ સ્ટેશન આવે. એટલે તરત જ અંતરાએ કોલ કરી સોહમને જાણ કરી.

સોહમ આવે ત્યાં સુધી ફરી એકવાર મેઘનાએ વીડીઓ કલીપ પ્લે કરી...

વીડીઓ ક્લીપમાં લલિતનું તેના મૃત્યુ પહેલાનું અકલ્પિત નિવેદન હતું.. જે સ્થળેથી લલિતનો મૃતદેહ મળ્યો એ જ સ્થળે ચણાઈ રહેલી બહુમાળી બિલ્ડીંગની ખાસ્સી ઉંચાઈ પર આ વીડીઓ શૂટ કરવામાં આવ્યો હતો. લલિતને ઘરેથી ઉઠાવી ગયા એ જ વસ્ત્રો લલિતે પહેર્યા હતા.

ક્લોઝઅપ વિઝ્યુલમાં શૂટ કરેલાં વીડીઓની શરૂઆત....

‘સ્પષ્ટ પણે સ્વીકાર કરું છું કે, હું....’

આટલું બોલીને લલિત અટકી ગયો. નજરો નીચી ઢાળી દીધી. બે-પાંચ સેકંડ પછી એક ગહન શ્વાસ ભરીને કેમેરાની સામે જોઈને આગળ બોલ્યો..

‘આ મનમરજીનું કબુલાતનામું ફક્ત મેઘના માટે છે. કારણ કે મેઘના જ લલિતના પ્રથમ અને અંતિમ બિંદુનું નિમિત છે. જયારે મને લાગ્યું કે મેઘનાને જીવનસાથી બનાવવાની મારી એકમાત્ર ઈચ્છા કોઇકાળે પરિપૂર્ણ થાય તેમ નથી એટલે જવાહરલાલને માધ્યમ બનાવી બેંક કૌભાડ આચરીને આર્થિક રીતે મેઘનાને સકંજામાં લીધી અને મને ગળા સુધી ખાતરી હતી કે મારા સિવાય ચોવીસ કલાકમાં મેઘના આવડી મોટી રકમની જોગવાઈ નહીં જ કરી શકે. રકમની અવેજીમાં હું આડકતરી રીતે લગ્નનો વિચાર રજુ કરું એ પહેલાં મેઘનાએ જ પ્રસ્તાવ મુકતા બે ઘડી ખુલ્લી આંખે જોઈ રહેલો એ સત્યનું સપનું મને પણ માન્યામાં નહતું આવતું. પણ મને શું ખબર કે..સરવાળે આ સોદો જ મારા ગળાનો ફંદો બની જશે. મારી રગે રગના રક્તકણમાં ભળી ગયેલા એક હળહળતા જુત્ઠાણાના ઝેર એ મારી એવી દુર્દશા કરી કે આજે મને અહીં આ દુર્ગતિના અંતિમ સુધી લઇ આવ્યું.’

‘હા......અને અંતરાના અપહરણ માટે પણ હું જવાબદાર અને નિમિત છું. છેલ્લાં બે-પાંચ વર્ષો દરમિયાન મારી માનસિક અસ્વસ્થતાના કારણે અને મેં મારા સ્વતંત્ર સ્વભાવને આધીન ત્રુટીઓને અવગણતા એક મોટી રકમના દેવાના ડુંગર તળે હું દટાતો ગયો.
તે ચક્કર માંથી બહાર નીકળવા હું ફંસાયો વ્યાજના વિષચક્રમાં. અને ..એ દેવાના દૈત્યએ મને એવો ભરડો લીધો કે.. આજે મારે શરમને પણ શરમ આવે તેવા પાપનું ભાગીદાર બનવું પડ્યું. મને ખબર છે હતી કે જો હું મારા પરિવાર સામે મારી અવદશાનું સાચું ચિત્ર રજુ કરત તો.. હું ઉગરી ગયો હોત...પણ મેઘનાની સામે ઝુકવું મને હરગીઝ મંજૂર નહતું. જેણે ખુદ અશ્રમ્ય ભૂલ કરી હોય તેવી સ્ત્રી સામે ઝૂકવાનું ?
પણ હવે...મારી ઘોર નિષ્ફળતા અને વિપરીત સંજોગો સામે સ્વૈચ્છિક શરણાગતિ સાથે પરાજયનો સ્વીકાર કરીને હું....અત્યારે જ મારું આયુષ્ય ટૂંકાવું છું....’

આટલું બોલીને...આશરે ૨૫૦૦ ફૂટની ઉંચાઈ એ થી લલિતે છલાંગ મારી.

લલિતના સ્પષ્ટ અને અર્થપૂર્ણ નીવેદન સાથેના વીડીઓમાં શંકા ઉપજે એવું એક કારણ મેઘનાના દિમાગમાં તેજ ગતિમાં આવતાં તીરની માફક ખુપી ગયું પણ.. જ્યાં સુધી સોહમ સાથે ચર્ચા ન કરી લે ત્યાં સુધી ચુપ રહેવું બહેતર લાગ્યું.

સોહમ આવ્યો.. મેઘના એ તેને વીડીઓ કલીપ બતાવી.. એ જોઇને સોહમ આશ્ચર્યાઘાત સાથે સ્તબ્ધ થઇ ગયો..
પછી અંતરાના નાટકીય રહસ્યમય અપહરણ પાછળનું શું સત્ય છે એ પૂછતાં સોહમને જે જાણકારી હતી એ શબ્દશ કહી સંભળાવી...

સૌ પહેલાં સોહમે રમણીકલાલે જીમમાં અંતરા વિષે કરેલી અભદ્ર ટીપ્પણીની વાત કરી. એ પછી તેની જાણકારી કુંદન કોઠારીને આપી. એ પછી કુંદનના સાગરીતો એ રમણીકલાલની પહેલાં પ્યારથી અને પછી વારથી મરમ્મત કરતાં તેણે કબુલ્યું કે, શંકરની મદદથી અંતરાના અપહરણનું કાવતરું પાર પાડીને સોહમની અંતરા પ્રત્યેની લાગણીને રોકડા કરવાની ગણતરીને ધ્યાનમાં રાખીને ઘડેલું કારસ્તાન શંકરની જાણ બહાર રમણીકલાલ પોપટ જેમ પઢી ગયો. હવે સૌને રંગે હાથ પકડવા કુંદને સોહમને કહ્યું કે અંતરાને અપહરણનો ભાગ બનવા દે. જેવા અપહરણકારો એ અંતરાનું અપહરણ કર્યું ત્યાં .. કુંદનના શાતિર સાગરીતો અને પોલીસએ ગણતરીના કલાકમાં શંકર અને તેની ટીમને ઝડપી લીધા અને અંતરાને સહીસલામત તેના ઘરે પરત મોકલી આપી. પંદર મિનીટ પોલીસે તેની આગવી અદાથી શંકરની મસાજ કર્યા પછી રમણીકલાલને તેની સમક્ષ હાજર કરતાં શંકર થરથરતા પોલીસ સામે હાથ જોડી, પગે પડીને કરગરતા કડકડાટ કારસ્તાનની કહાની બોલવા લાગ્યો.. લલિતને શંકરે ચોવીસ થી અડતાલીસ કલાક અંતરાના અપહરણની કોઈ પોલીસ ફરિયાદ ન કરવા માટે ધમકી સાથે અગાઉથી જાણકારી આપીને અપહરણનો રાઝદાર બનાવ્યો હતો.

થોડીવાર ચુપકીદી છવાઈ ગઈ...

વીડીઓમાં દ્રઢ શંકા ઉપજાવે તેવી ખટકતી હરકતથી આહત મેઘનાએ ઇન્સ્પેક્ટર સૂર્યદેવસિંહ જાડેજા પાસે જઈને પૂછ્યું કે...
‘આ વીડીઓ કલીપ તમારી પાસે ક્યાંથી અને કઈ રીતે આવી તેની જાણકારી આપશો ?
બે-પાંચ સેકંડ ઇન્સ્પેક્ટર મેઘના સામે જોઇને બોલ્યા..
‘એક મિનીટ... આવો મારી સાથે... પણ આપ એકલાં જ આવજો. કારણ કે કોન્ફીડેન્સીયલ મેટર છે એટલે.’

એક કોર્નર તરફ લઇ જઈને હળવેકથી ઇન્સ્પેકટર બોલ્યા.

‘સાંભળો મેડમ.. કુંદન કોઠારીએ તમને અને તમારી પુત્રીને જે રીતે આ જીવલેણ ઘટનામાંથી નિસ્વાર્થ આબાદ બચાવ્યા છે એ પછી તમારે હવે શું જાણવું છે ? તમારા પતિ એ જે નિવેદન આપ્યું તેના પર તમને કોઈ શંકા છે ? અને હોય તો પણ હવે તે હયાતી જ નથી પછી શું ? અને રહી વાત વીડીઓની તો હું એમ કહી શકું કે કયો વીડીઓ ? આ તો ફક્ત તમારી આંખ ઉઘાડવા લલિતનું અંતિમ સત્ય તમને બતાવ્યું. અને આથી આગળ વધીને હજુ તમને જો વધુ સત્યની તળ સુધી જવું હોય તો.. ભવિષ્યમાં તેના છાંટા તમને અને તમારી પુત્રીને ઉડશે એટલી મને ખબર છે. તમારા બન્નેના ભવિષ્યને દાવ પર લગાવીને સાબિત કરેલા સત્યથી લલિત તો ફરી જીવિત નહીં જ થાય પણ તમે શાંતિથી નહીં જીવી શકો એ સનાતન સત્યની ભવિષ્યવાણી અત્યારે હું તમને કહી દઉં.’

એકી શ્વાસે બોલીને ઈન્સ્પેકટરે મેઘનાની ઉટપટાંગ હરકત કરતી બુદ્ધિને સજ્જડ રીતે ચોંટાડી દીધી. હજુ એવો કયો ગુઢ અને ગુપ્ત ભેદ છે કે જેના આધારે આ ઈન્સ્પેક્ટર આટલી મક્કમતાથી વાત કરે છે. અને મહદ્દઅંશે તેની વાત સકારાત્મક પણ હતી. જે લલિતએ આખી જિંદગી જીવતે જીવ મને મૃતક જ સમજી છે. એ મૃતક લલિતએ મૃત્યુની ઘડીએ પણ નફફટાઈ જેવું નિવેદન આપ્યા પછી તેના માટે આટલો જીવ બાળવો કેટલુ યોગ્ય છે. ? હજુ મેઘના તર્ક-વિતર્કમાં અટવાઈ જાય એ પહેલાં ઇન્સ્પેકટર બોલ્યા.

‘અંતરાનું અપહરણ અને લલિતને આર્થિક ભીંસના ભરડામાં લઈને છેક આત્મહત્યા કરવાં માટે મજબુર કરનાર આ આખા ષડ્યંતના બે મુખ્ય ભેજાબાજ શંકર અને રમણીકલાલ અહીં મારા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં જ છે. તમે કહેતા હોય તો તમને રૂબરૂ કરાવી આપું, અને.. શંકર અને લલિત વચ્ચેની સંપૂર્ણ કોલ ડીટેઇલ પણ મારી પાસે છે. અને સૌથી છેલ્લી અને અગત્યની વાત...આ બધું મારી ફરજમાં નથી આવતું પણ જે કંઈ પણ થયુ કે થશે અથવા હું જે કરી રહ્યો છું, એ ફક્ત અને ફક્ત કુંદન કોઠારીને આભારી છે એટલું સમજી લે જો.’

એમ કહીને ઇન્સ્પેકટર તેના કામે વળગી ગયો.. અને મીરાં વળી મનનના વન તરફ.

લક્ષ્યવેધ કરીને તીર આરપાર નીકળી જાય તેવા સૂર્યદેવસિંહના ઉત્તર પરથી મેઘનાને હવે ઠોસ ખાતરી થઇ ગઈ કે....પડદા પાછળ સંતાઈને તેની આંગળીઓ ઇલ્મથી આ કઠપૂતળીનો ખેલ કરનાર પેલો અજાણ્યો જાણભેદુ બીજું કોઈ નહીં પણ...
કુંદન કોઠારી જ છે. હવે અજાણ્યા થઈને જ બાકીનું અર્ધસત્ય તેની પાસે જ જાણવું રહ્યું. અને એ માસ્ટર માઈન્ડ કુંદન કોઠારી મારા જેવી મામુલી સ્ત્રી સામે તેની ગર્ભિત ચાલનું ચિત્ર આસાનીથી રજુ એ અશક્ય છે. આ કાવતરાની અંતિમ કડી ખુદ કુંદન કોઠારી જ છે. મેઘના એક જ સેકન્ડમાં ફાલતું ફિકરને ફંગોળી, સ્વસ્થ થઈને અંતરા અને સોહમને લઈને ત્યાંથી બહાર નીકળ્યાની થોડીવાર પછી ચર્ચાનો ટોપીક ચેન્જ કરીને ઔપચારિક વાતચીતનો દોર ચાલુ કરતાં મેઘનાએ પૂછ્યું.

‘સોહમ, તારું રેસીડેન્સ ક્યાં છે ?
એટલે સોહમે તેના વોલેટ માંથી કાર્ડ કાઢીને મેઘનાના હાથમાં આપતાં બોલ્યો,
‘તમારે ઘરે આવવું પડશે, એ શરતે કાર્ડ આપું છું.’ એમ બોલીને સોહમ હસવાં લાગ્યો
‘પપ્પાની અપોઇન્ટમેન્ટ ક્યારે મળે ? મેઘનાએ પૂછ્યું
‘અરે.. અપોઇન્ટમેન્ટ અને તમારે ? કેવી મજાક કરો છો ? વેલકમ એની ટાઈમ.’
સોહમે જવાબ આપ્યો.
ત્યારબાદ થોડીવાર પછી સોહમ છૂટો પડ્યો..


રાત્રે...
ગુમસુમ મેઘનાની પાસે બેડમાં પડેલી અંતરા અચનાક મેઘનાને વળગીને રડતા રડતાં બોલી..

‘મમ્મી.... પપ્પાએ આવું કેમ કર્યું ? તારા પ્રત્યે દુશ્મનને શરમાવે એટલી નફરત કેમ મમ્મી ?
ચુપચાપ આંસું સારતાં મેઘના બોલી..

‘ના, દીકરા, તારા પપ્પાનો કોઈ દોષ નથી. હું ભાન ભૂલીને વિધિનું વિધાન ભૂંસવા ગઈ અને કાયમ માટે જીવનપથ પર ભૂલી પડી ગઈ. અમે મળ્યા પણ અમારા પ્રારબ્ધ ન મળ્યા. બધા નિર્દોષ હોવાં છતાં પણ બધા વગર ગુન્હાની સજા ભોગવી રહ્યા છીએ. આ છે અકળ કુદરતના કર્મગતિની આંટી ઘૂંટી.’


મોડી રાત્રે સૂતા પહેલાં... મેઘનાએ સોહમ વિષે પૂછતાં, અંતરાએ તેની અને સોહમ સાથેની પ્રથમ મુલાકાતથી લઈને આજ સુધી કઈ સીમાની સંવેદના સાથે સંલગ્ન છીએ એ બધું જ મેઘના સામે ખુલ્લાદિલ સાથે ખુલાસો કરતાં કહ્યું...

પણ..એ પછી અંતરા જે એક વાક્ય બોલી...ત્યાં જ મેઘનાને એવું લાગ્યું કે બધું જ ચકરાવે ચડી ગયું હોય. અતિ ગતિમાં ઉંચે, નીચે, આડી, અવળી દોડતી કોઈ રાઇડ અચનાક શ્વાસ અદ્ધર થઇ જાય એટલી ઉંચાઈ એ થી જે રીતે નીચે પટકે એમ મેઘના પછડાઈ હોય એવા અનુભવ સાથે જે રીતે સફાળી બેડ પરથી ઊભી થઇ ગઈ તે જોઇને આશ્ચર્ય અંતરાએ પુછ્યું.

‘શું થયું મમ્મી.. અચનાક ?

‘ના.. કંઈ નહીં.. તું સુઈ જા. હું થોડીવાર ટેરેસ પર ચક્કર મારીશ એટલે મન હળવું થઇ જશે.’

આટલું કહી પાણી પી ને મેઘના આવી ટેરેસ પર... ભેજામાં જાતજાતની ભાંગજળ ચાલતી હતી...

સમય જોયો..તો રાત્રિના ૧૧: ૧૦. સોહમને કોલ લગાવ્યો..પાંચ થી દસ મિનીટ વાત કરીને નીચે આવીને જોયું તો અંતરા સુઈ ગઈ હતી.

ઉપલા માળેથી નીચે આવીને મેઈન ડોર ક્લોઝ કરીને ટેક્ષી કરીને પહોંચી સોહમના ઘરે. હવે સમય થયો ૧૨:૧૫.

સોહમ સાથે ફોન પર શરતી વાતચીત થયા મુજબ સોહમ મેઘનાને ડ્રોઈંગરૂમમાં લાવતાં
બોલ્યો.. .
‘બેસો.. બે મિનીટ. હું ડેડને બોલવું, હમણાં.’

મેઘના ઉભાં ઉભાં બંગલાની ભવ્યતા સાથે વોલ પર મુકેલી આલિશાન તસ્વીરો નિહાળી રહી. ત્યાં મેઘનાની પીઠ પાછળથી અવાજ આવ્યો.

‘જી, આપ કોણ ?

આટલું સાંભળતા જ પાછળ ફરીને સોહમની હાજરીમાં જ સોહમના ડેડને ઉપરાઉપરી એકી સાથે સડસડાટ કરતાં એક..બે..ને ત્રણ લાફા ઠોકી દીઘા પછી પૂછ્યું...

‘હવે કહો, આપ કોણ ? કુંદન કોઠારી..સરફરાઝ કે... રાજન નાયક.’

અત્યાર સુધી મગજની નસો સાથે ફાટફાટ થતો રુદનબાંધ જે રીતે મેઘનાના ચિત્કાર સાથે તૂટી પડ્યો એ જોઇને સોહમ આશ્ચર્યાઘાત સાથે પુતળું બનીને જોતો જ રહ્યો.

સોહમને થયું કે જ્યાં સુધી તેના ડેડ કોઈ પ્રતિભાવ કે પ્રત્યુતર ન આપે ત્યાં સુધી તેને એક શબ્દ બોલવું કે કોઈ પ્રતિકાર કરવો યોગ્ય નથી.

મેઘના સોફા પર ફસડાઈને તેની બંને હથેળીઓમાં મોઢું રાખી હીબકાં ભરતી બસ રડ્યા જ કરી. સોહમને ઈશારો કરીને પાણી લાવવાનું કહેતા... સોહમ પાણી લાવ્યો.

થોડીવાર પછી શાંત પડતાં સોહમે મેઘનાને પાણી આપ્યું. સોહમ હજુ પણ કુતુહલના કુંડાળામાં આંટા મારતો હતો.

કયાંય સુધી જોયાં કર્યા પછી.. સરકતાં આંસુ સાથે મેઘના બોલી..
‘તને કાયમ તમાચા ચોડ્યા પછી પણ કેમ કોઈ અસર નથી થતી રાજન..?

‘બે દાયકા પછી રાજનના નયનોમાંથી નીર વહી રહ્યા હતા.. ગણતરીના કલાકોમાં બેઠા બેઠા આંગળીઓના ટેરવે દુનિયાના કોઇપણ ખૂણે, કોઈને પણ નિશ્ચિત પરાજિત કરનાર રાજન આજે.... જેની પાસે સાહજિક રીતે રાજન નાયકના આજીવન અબાધિત અધિકાર હતા તેની સામે પરાજિત થઇ ગયો. પોતાની જાતને સંભાળતા ઊભો થઈને મેઘના પાસે આવ્યો એટલે મેઘના રાજનના પગ પાસે નત મસ્તક થઈને રડતાં રડતાં.. બોલી...’ રારારારારા...........રાજન મને માફ કરી દે,’

રાજનને મેઘનનાને ઊભી કરતાં બે સેકન્ડ ઝળઝળિયાં ભરી નજરોથી રાજનની આંખમાં જોયા પછી... ભરપુર ભાવાવેશમાં આવેલાં ઊર્મિના ઉમળકાથી મેઘનાએ રાજનને તેની બાહુપાશમાં જંગલીની જેમ જકડીને ભીંસી દીધો. આ જોઇને સોહમને થયું કે અત્યારે તેની ઉપસ્થિતિ અયોગ્ય એટલે તરત જ ત્યાંથી સરકી ગયો.


એ પછી ક્યાંય સુધી મેઘના રાજનની હથેળી તેની બંને હથેળી વચ્ચે ગર્મજોશી સાથે દબાવીને ચુપચાપ અવિરત મટકું માર્યા વગર ભીની આંખે બસ રાજનને જોયા જ કરી..

થોડીવાર પછી મેઘના બોલી..

‘રાજન...બે દાયકા પહેલાં મરી ગયેલી મેઘનાના પ્રેમને તે મન, વચન અને કર્મથી નિભાવીને આજે તેમાં પ્રાણ ફૂંકીને ફરી જીવિત કરી છે. પણ હવે તારી જુદાઈ મારા મૃત્યુનું નિમિત બનશે. તારાથી દુર તને જીવવા, ભાગ્ય સાથે બાથ ભીડીને હવે હું થકી ગઈ છું. હવે કદાચને એક પળનું પણ આયુષ્ય મને મંજૂર છે પણ તારી બાહોમાં.’
‘પણ રાજન....મારી ભાળ તને ક્યાંથી અને કેવી રીતે મળી અને આ અંતરાનું..’

બે મિનીટ ચુપ રહીને રાજન બોલ્યો...
‘મેઘના આજે હું જે કંઈપણ છું એ આપણી અંતિમ મુલાકાતમાં તે મારા કાનમાં ધગધગતા સીસા જેવા રેડેલા તારા શબ્દોના કારણે...’

‘રાજન... આ.. આ.. આપણી આખરી મુલાકાત છે. આજ પછી તું કે હું આપણે બંને એકબીજાને કોઈપણ સંજોગોમાં નહીં મળીયે. અ... અને... તું મને કશું જ નહીં પૂછે.
સમજી લે, આ દુનિયામાં ફક્ત એક તું જ એવો અપવાદ છે કે જેના માટે મેઘના વોરાના અધિકાર અને અસ્તિત્વ બન્ને હમેંશ માટે ખત્મ થઇ ગયા.’

તારા આ શબ્દોના ઘાવ ને મેં ક્યારેય રુજાવા નથી દીધા. જેમ જેમ પીડા વધતી ગઈ તેમ તમે દુનિયા માટે હું નિષ્ઠુર થતો ગયો. અને રહી વાત તારી ભાળ મેળવવાની..તો તું નહીં માને...’

‘તારુ એ અંતિમ વચન નિભાવવા મેં ભૂતકાળના ભૂતાવળને પલીતો ચાંપીને કરેલા ભડકામાં મેં મારી જાતને એટલી જલાવી દીધી કે આપણા અતીતનો લેશમાત્ર અંશ પણ મારા ચિતની ચિતામાં બળીને ખાખ થઇ જાય. તો પછી તારી ભાળ મેળવવાની તો વાત જ કયા હતી.’

‘તો પછી..આ બધું.. અને કુંદન કોઠારીનું કીરદાર ક્યારથી..... ?

પાણી પીધા પછી... સોફા પરથી ઉભાં થતાં રાજન બોલ્યો....

‘જે રાત્રે પ્રેમના તોહફામાં તું તારા જેવા લાઈફટાઈમ મેમોરેબલ તમાચા ચોપડી ગઈ ગઈ તેની વ્હેલી સવારે સરફરાઝે તને જણાવેલી ચીત્ઠીમાંની વિગત લખીને હું ચુપચાપ નીકળી ગયો. તન અને મન બન્ને દિશાશૂન્ય હતા. સીધો ગયો રેલ્વે સ્ટેશન. થોડીવાર પ્લેટફોર્મની બેન્ચ પર આંખો મીંચીને બેસી રહ્યો. અચનાક યાદ આવ્યો દિલ્હી સ્થિત બાળપણનો જીગરી યાર અનંત શર્મા. રવાના થયો દિલ્હી, અમે મળ્યા પણ અનંતે સચ્ચાઈથી અને હાલની પરિસ્થિતિથી વાકેફ કરતાં મને કહ્યું કે, રાજન સંજોગોવસાત હું સ્મગલિંગ ને મની લોન્ડરિંગ જેવા ક્રિમીનલ બીઝનેસ સાથે સંકળાયેલો છું. અને આ ગુનાહિત દુનિયા વન વે જેવી છે. એન્ટ્રી છે એક્ઝીટ નથી. મેં કહ્યું, મારે એક્ઝીટ લેવી પણ નથી. અને આમ પણ એક નામાંકિત હેકર બનવાનું મારું સપનું હતું. કદાચને આ અપરાધ જગતમાં એ ખ્વાબ વહેલું સાકાર થઇ જશે એવું મેં માન્યું. અનંતની મહેરબાનીથી રાજન નાયકનું નામોનિશાન મિટાવીને દરેક સરકારી દસ્તાવેજ સાથે ઓન પેપર મારી એક નવી ઓળખ ઊભી થઇ કુંદન કોઠારી તરીકે.’

‘થોડા સમય પછી વિપરીત સંજોગો ઊભા થતાં કાયદાનો ગાળિયો અનંતના ગળામાં આવે એ પહેલાં એ પત્ની અને પુત્ર સાથે સાઉથ આફ્રિકા જતો રહ્યો. અને અહીં દિલ્હીમાં તેના તમામ બે નંબરના કામકાજની કમાન મેં સંભાળી લીધી. બે જ વર્ષમાં મારા અલગ સ્વતંત્ર મિજાજ અને માત્ર નફરતની રાજનીતિથી અપરાધની અંધારી આલમમાં કુંદન કોઠારીના નામના સિક્કા પડવા લાગ્યા. અનંતે ત્યાં તેના એક મિત્રની સહાયથી નવો બીઝનેસ શરુ કર્યો અને આઠથી દસ વર્ષમાં તે મલ્ટી મીલીઓનાર બની ગયો.. મને અનંતે અનેકોવાર કહ્યું કે અહીં સેટ થઇ જા પણ... આ દેશના માટીની ખુશ્બુ એ મને પરદેશી થવા જ ન દીધો.

દસ વર્ષ પછી એક જીવલેણ કાર એક્સિડન્ટમાં તેનું અને તેની પત્નીનું મૃત્યુ થયું. અને સોહમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. તે દિવસે એમ થયું કે આજે મારો એક હાથ કપાઈ ગયો હોય એવું દુઃખ થયું.
હું ત્યાં ગયો. અનંતે તેની બધી જ મિલકત મારા નામે કરી નાખી હતી. બસ.. એ પછી બધું પેપર વર્ક ખતમ કરી, સોહમને લઈને હું ફરી આ શહેરમાં આવ્યો. હવે ફક્ત હું રાજકારણીઓ કાળા નાણાનું વિદેશોમાં સેટિંગ અને મની લોન્ડરિંગનું કામકાજ સંભાળું છું.. આજે આ કુંદન કોઠારી પાસે જે કંઈ પણ છે, નામ સુદ્ધાં એ પણ મેઘનાની નફરતને આભારી છે. જેમ રેસ જીતવા માટે દોડમાં સ્હેજ ગતિ ધીમી પડતાં જે ચમચમાટી કરતી ઘોડાને ચાબુક પડે એટલે એ ઘોડો તેજ ગતિ એ દોડે.... બસ હું એ રીતે આ રેસ જીત્યો છું...પણ મને ચાબુક પડતી મેઘનાના નામની.

‘દુનિયાનું ભરનું ઐશ્વર્ય જોઈ અને માણી લીધું. અંતે..આઈનાની સામે જોઈને ખુદને સવાલ કરતો કે... આજે શું નથી આજે કુંદન કોઠારી પાસે ? અને ત્યારે મારું પ્રતિબિંબ પ્રત્યુતરના રૂપમાં અટ્ટહાસ્ય સાથે મારો પરિહાસ કરતાં... શબ્દો પડઘાતા....

‘મેઘના.... મેઘના.... મેઘના....’
‘ત્યારે એમ થતું કે.. આ દુનિયાનો સૌથી મોટો કંગાળ...કુંદન કોઠારી....’

રાજનનું ભૂતકાલીન વૃતાંત અને મેઘના પ્રત્યેના અકલ્પિત અસીમિત ઈબાદત જેવા ઈશ્કની ઉંચાઈ અનુભૂતિથી અભિભૂત થતાં મેઘનાની આંખે જાણે હર્ષનું ચોમાસું બેઠું.

‘ઓ રાજન.. રાજન,.. રાજન.. પ્લીઝ સ્ટોપ.’
આટલું બોલીને મેઘનાએ રાજનની પીઠ પર તેનું માથું ઢાળી દીધું.....

હવે સમય થયો..રાત્રિના ૧:૪૫નો..
ફરી બંને સોફા પર બેસતાં મેઘનાએ પૂછ્યું.... ‘આ અંતરાનું અપહરણ..’
આખો ઘટનાક્રમ સમજાવતા રાજન બોલ્યો..

‘જે દીવસે સોહમે રમણીકલાલ સાથેના અણબનાવની મને વાત કરી ત્યારે રમણીકલાલની કોમેન્ટ પર મને શંકા ગઈ. રમણીકલાલ મારી હેસિયતથી ખુબ સારી રીતે વાકેફ પણ તેણે સોહમએ આપેલી ધમકીનો બદલો લેવા શંકરને હાથો બનાવ્યો.. પણ શંકર મારી પહોંચથી અજાણ અને એ રમણીકલાલ ના કહેવાથી ફંસાઈ ગયો પણ એ પહેલાં મારા માણસો એ રમણીકલાલની પૂજા વગરનો પ્રસાદ આપીને શંકર અને લલિતની વાત ઓકાવી લીધી.. ત્યારે રમણીકલાલની વાત પરથી પગેરું પહોંચ્યું તારા ઘર સુધી. પછી કુંડળી કાઢી લલિતના કારસ્તાનની.’

‘ઓહ્હ...પછી.’ મેઘનાએ પૂછ્યું

‘પછી... સાચું કહું.. ?’ રાજન બોલ્યો...
‘હાસ્તો...’ સ્મિત સાથે મેઘના બોલી.
‘તને યાદ છે, પેલી બુલેટ પર.. તું મને કિડનેપ કરીને લઇ ગઈ હતી હાઈવે પર.. અને પછી મારી બેફામ ફીરકી ઉતારીને ખડખડાટ હસી હતી..... યાદ છે ?

‘રાજન.... તને હજુ એ બધું જ યાદ છે ? માય ગોડ. હા.. હા.. યાદ છે..આગળ બોલ જલ્દી.’

‘થોડીવાર મને એમ થયું કે થોડો ટાઈમ બુલેટ વગર તને લોંગ ડ્રાઈવ પર લઇ જાઉં. ‘

‘ઓહ.. માય ગોડ.. તો એ જાણભેદુ તું હતો સાલા.’ અને પાછો મને પૂછે છે.. રાજન ક્યાં છે.. ? પણ રાજન તે કોલમાં તો અવાજ કંઇક અલગ જ આવતો હતો... અલગ અલગ નંબર પરથી...તો ? નવાઈ સાથે મેઘનાએ પૂછ્યું.

‘અરે.. પાગલ..આ સવાલ મેં અપરાધ જગતનું પી.એ.ચડી. કરી લીધું પછી મને પૂછે છે ? એ તો હું ફિલ્ટર યુઝ કરીને વાત કરતો હતો એટલે અવાજનો અંદાજો ન આવે.’

‘પણ.. તો લલિતને ઉઠાવી ગયા એ..’ મેઘનાએ પૂછ્યું.
‘એ મારા જ માણસો હતા.. એટલા માટે કે લલિતનું નામ મારે પોલીસના ચોપડે નહતું ચડવા દેવું. એટલે તેને સરકારી સાક્ષી બનાવી, શંકર સાથેની સાંઠગાંઠ માંથી નિર્દોષ સાબિત કરી દેવાની ગોઠવણ કરી હતી પણ.....’

‘પણ શું લલિત ?’ અધીરાઈથી મેઘનાના એ પૂછ્યું,

‘લલિતને ઉઠાવી લાવવાનો એક જ ઉદ્દેશ હતો કે, તેના અસલી ચહેરાનો પરિચય તે ખુદ જ બયાન કરે. તેણે કર્યું પણ ખરું.. પણ અંતે તે આવું ઘાતકી પગલું ભરીને આત્મહત્યા કરશે એવો તો અંદાજો કોઈને પણ ન હોય ને. જેવું તેનું નિવેદન પૂરું થયું ત્યાં તો બીજી જ સેકન્ડે હજુ કોઈ કશું વિચારે એ પહેલાં તો તેણે છલાંગ મારી દીધી...’

થોડીવાર ચુપ રહીને મેઘનાએ પૂછ્યું.

‘પણ પેલો ઇન્સ્પેક્ટર તો એમ કહેતો હતો કે.. આગળ જાણશો તો તમને અને તમારી પુત્રીને તેના છાંટા ઉડશે. એ કંઈ ન સમજાયું, રાજન ?

થોડીવાર મેઘનાની સામે જોઈને રાજન બોલ્યો...

‘મેઘના...તું એવું ઈચ્છે છે કે....આટલાં વર્ષોથી અંતરા અને લલિત જે રહસ્યથી અજાણ છે તે સ્ફોટક સસ્પેન્સ સાર્વજનિક થઇ જાય. ??’

આટલું સાંભળતા તો મેઘના અચંબા સાથે ડઘાઈ જતાં મનોમન બોલી
‘શું લલિત એ.. ? ઓહ માય ગોડ...પણ લલિતને તો.. ?’
વિચિત્ર વિલક્ષણતા સાથેના વિસ્મિત ભાવ સાથે મેઘનાએ પૂછ્યું.

‘રાજન આ ભેદ તને..?

‘ઈન્સ્પેક્ટર એ તને જે વીડિઓ બતાવ્યો તે અધુરો છે. તે પછીના પાર્ટમાં લલિતે એવું કબુલ્યું કે સુહાગરાતે જે ભૂલનો તે સ્વીકાર કર્યો હતો એ વાતની સાથે સાથે આજીવન તારો પણ અસ્વીકાર કરીને તને લલિતે લજ્જિત કરતો રહ્યો.’

‘મેઘના...લલિત જે વાત વીસ વર્ષમાં જાણી કે સ્વીકારી ન શક્યો એ હું વીસ સેકન્ડમાં સમજી ગયો. બસ, આજે ખુશી એ વાતની છે કે લલિતએ બધું કળથી મેળવીને કશું પામી ન શક્યો અને તે અને મેં બધું જ ગુમાવ્યા પછી પણ બધુ જ મેળવી લીધું. તું એ વાતથી સારી રીતે વાકેફ હતી કે મારા પ્રેમ અંશના અવતરણ અવસરને અવકાશ આપવાં માટે તારે જીવનપર્યંત ઝેરના ઘૂંટડા પીવા પડશે છતાં તે મારા પ્રેમને આજીવન જીવંત રાખવા માટે જે સીમાંતે જઈને તે સર્વોપરી સમર્પણ આપ્યું તે પછી હું એવી ધન્યતા અનુભવું છું કે સમગ્રસૃષ્ટીમાં રહેલી સ્નેહની સર્વશ્રેષ્ઠ સોગાત મને મળી ગઈ.’

વર્ષો પછી આજે વેદનાનો બાંધ તૂટતાં રાજનના સંવેદનાની સરિતામાં લાગણીનું ઘોડાપુર ઉમટ્યું હતું. એ પછી રાજને લલિતના એ વીડીઓ ક્લીપનો બાકીનો હિસ્સો બતાવ્યો.... એ જોઈને મેઘનાને અત્યંત આઘાતજનક આંચકા સાથે લલિત પ્રત્યેનો નિસ્વાર્થ આંશિક આદર અને આંખની શરમ બન્ને ઉતરી ગયા. બે દાયકાથી નાણાવટી ખાનદાનીની લાખ રૂપિયા જેવી આબરૂ મેઘનાએ બંધ મુઠ્ઠીમાં દબાવી રાખી હતી તે લલિતે આર્થિકગતિ અને ભ્રષ્ટમતિને કારણે રાજનસામે રજુ કરીને ખાક કરી નાખી હતી.

‘ રાજન આ વીડીઓ...’ મેઘના એ પૂછ્યું.
‘ડોન્ટ વરી. ફક્તને ફક્ત રાજન પાસે જ છે. પેલો વીડીઓ તો આખા કાવતરાને તેની જોબની જવાબદારીના જોખમે પાર પડતાં તેની સેફટી માટે પોલીસ ખાતાની જાણ બહાર ઈન્સ્પેક્ટરે તેની પાસે રાખ્યો છે.’

‘મેઘના...’ આટલું બોલીને રાજન અટકી જતા મેઘના એ પૂછ્યું,
‘હા .. બોલ રાજન કેમ અટકી ગયો. ?’
‘મારાં વ્હાલના દરિયા સાથે ક્યારે મુલાકાત કરાવીશ ?
રાજનને ભેટીને સજળનેત્રે મેઘના બોલી..
‘હમણાં જ ‘
‘અરે..મેઘના... આર યુ ગોન મેડ ? સમય તો જો રાત્રીના ત્રણ વાગ્યા છે.’
‘રાજન...એક રાત એ હતી જયારે હું અને અંતરા... તારાથી છુટ્ટા પડ્યા હતાં.. આજે પણ રાત છે. અને આજે હું અંતરાને બાપ અને બાપની પરિભાષા બન્નેથી પરિચિત કરાવીશ. પ્લીઝ સોહમને બોલાવીશ ?

સોહમને બોલાવતાં નિંદ્રાની અસરમાં જ સોહમે પૂછ્યું,
‘જી.’
‘સોહમ પ્લીઝ ઘરે જઈને અંતરાને લઈએ આવ. અને કંઈ પૂછે તો તારી રીતે જવાબ આપી દેજે. બટ પ્લીઝ સેફ ડ્રાઈવ.’ સોહમને સમજાવતાં મેઘનાના બોલી.

‘જી’ કહીને સોહમ નીકળી ગયો..

‘અરે.. હા, મેઘના..તે મારું પગેરું ક્યાંથી મેળવ્યું એ તો કહે ? રાજને આતુરતાથી પૂછ્યું.

સૂતા પહેલાં હું અંતરા સાથે સોહમ અને તારી વાતો કરતાં હતાં... ત્યાં અંતરા એક વાક્ય બોલી...કે
‘મમ્મી તારા અને સોહમના ડેડ વચ્ચે એક જોરદાર સામ્ય છે. તેને પણ બુલેટનો ગઝબ ક્રેઝ છે અને તેનું પણ ડ્રીમ ડેસ્ટીનેશન વેનિસ છે.’

બસ..... આ એક જ વાક્ય એ સાબિત કરી દીધું કે આટલા બેધડક જીગર વાળો જાણભેદુ બીજો કોઈ નહીં પણ મારા ધબકારનો ધણી છે.’

અડધી રાત્રે સોહમે અંતરાને કોલ કરતાં સફાળી જાગીને આંખો ચોળતાં ડોર ઓપન કર્યું અને સાથે આવવાની વાત કરતાં પહેલાં તો અંતરા ગભરાઈ ગઈ. પછી સોહમે વાત કરતાં અંતરા કારમાં બેઠી.

‘પણ.. મમ્મી આટલી મોડી રાત્રે તારા ઘરે શું કરે છે ? આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. મમ્મી પાગલ થઇ ગઈ છે કે શું ? ‘
આ સાંભળીને હસતાં હસતાં સોહમ બોલ્યો..
‘ત્યાંની સિચ્યુએશન જોઇને તું પણ પાગલ થઇ જઈશ.’ સોહમ બોલ્યો
‘કેમ.. એવું શું થયું છે ? આશ્ચર્ય સાથે બગાસું ખાતા અંતરાએ પૂછ્યું
‘અપહરણ થયું છે.’ ફરી હસતાં સોહમ બોલ્યો..
‘ઓહ માય ગોડ.. આ અપહરણ.. અપહરણ.. હવે બહુ થયું હો.’
માથું પકડતાં અંતરા બોલી.

‘કુંદન કોઠારી એ મેઘના નાણાવટીનું અપહરણ કર્યું છે એ મારી સગી આંખે જોયેલા ઓફિસિયલ ન્યુઝ છે.’ સોહમ એ ચાલુ રાખ્યું..

‘તું કોઈ નશો કરીને તો નથી આવ્યો ને સોહમ ?
આટલું પૂછતાં બન્ને આવી પહોંચ્યા સોહમનના બંગલે.

‘બન્ને આવ્યાં ડ્રોઈંગરૂમમાં. આવતાં જ મેઘના અંતરાને ભેટી પડી..અને રાજને આંખોની કોર પર ટેકવી રાખેલા આંસુ સરી પડ્યા...
સોહમ રાજનનો પરિચય કરવાતા બોલ્યો.
‘માય ડેડ.’
એટલે અંતરા બોલી બે હાથ જોડીને બોલી.
‘નમસ્તે.’

‘અડધી રાત્રે અડધેથી શરુ થયેલી આ આર્ટ ફિલ્મ જેવી વિચિત્ર વેબ સીરીઝ વિષે તમને બંનેને કંઈ ખ્યાલ આવે છે ?
એક સોફામાં બેસેલાં સોહમ અને અંતરાને મેઘના એ પૂછ્યું.’

બન્ને એક બીજાની સામું જોવા લાગ્યાં.
‘કદાચ... કોઈ પુરાણી પહેચાન ? સોહમે જવાબ આપ્યો.
‘અંતરા.. તે આજે મને પૂછ્યું ને કે.. પપ્પા મને કેમ આટલી નફરત કરે છે... તો હવે સાંભળ... એ પછી ટૂંકમાં વાત કરી.. મેઘના લલિતના નફ્ફટાઈ પાર કરીને આપેલા સ્ટેઈટમેન્ટની બીજી વીડીઓ કલીપ અંતરાને બતાવ્યા પછી બોલી..

‘જે નામ જાણવા લલિતે મારા પર તન, મન અને ધનથી અત્યાચાર કરવામાં પાછુ વાળીને નહતું જોયું. મારી ચુપકીદીનો ચિત્કાર સાંભળીને હું સહેમી જતી. બસ એક જીદ માટે કે મારી અમી ના અંશને આંચ નહીં આવવા દઉં. બાપ બનવાનું કે બાપનો કિરદાર નિભાવવાનું સૌભાગ્ય લલિતના લલાટે નહતું લખાયું.’

અંતરાને સંબોધતા મેઘનાના બોલી..

તારા અપહરણનો માસ્ટર માઈન્ડ.. લલિતનું અસલી ચરિત્ર ચિત્રનો ચિત્રકાર..આ શહેરનાનો નામાંકિત ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ....સોહમ ના ડેડ...કુંદન કોઠારી ઉર્ફે... રાજન નાયક... ઉર્ફે...મેઘના વોરાના પ્રેમનો એકાધિકારી ... અને તારા રીયલ ડેડ...

મેઘનાના અસાધારણ આશ્ચર્યવત સ્ફોટક નિવેદનથી થોડીવાર તો સન્નાટો વ્યાપી ગયો. સ્તબ્ધતા સાથે રોમાંચિત થઈને પિતૃપ્રેમથી વંચિત અંતરા આનંદાક્ર્ન્દ સાથે રાજનને ભેટી પડી. રાજન અને અંતરાના હૈયે અનરાધાર વરસતી રહી હેતની હેલીથી બંનેને એવી અભૂતપૂર્વ અનુભૂતિનો બ્રહ્માનુભાવ થયો જાણે કે.. એક અરસાથી સુક્કા ભટ્ઠ તપતાં રણમાં મમતાનું માવઠું વરસ્યું હોય..

હર્ષાશ્રુને લુંછતા રાજન બોલ્યો...

‘દીકરા..આ કહાનીની શરૂઆત ત્યારે થઇ જયારે તારી મમ્મી એ પહેલીવાર ચેલેન્જ સાથે મારા નકલી અપહરણનું નાટક કર્યું હતું.... આજે વર્ષો બાદ ફરી એકવાર એક નકલી અપહરણના નાટકના અંત સાથે સૌનો અસલી પરિચય થઇ ગયો.’

એ પછી રાજન અને મેઘનાએ વારાફરતે તેની ન ભૂતો ન ભવિષ્ય જેવી વિશિષ્ઠ વિસંગતતા ભરી વિલક્ષણ રોમાંચકારી રોન્માસની વિતકકથા રોમાંચિત થઈને કહી સંભળાવતા ચકિત થઈને અંતરા બોલી...
‘ઓહ્હ.. માય ગોડ.. મમ્મી....તું.... આટલી તોફાની અને મસ્તીખોર હતી...?’ અનબીલીવેબલ...’

‘હતી એટલે ? હજુ પણ છું જ. અત્યારે સુધી તે મમ્મીને ફક્ત જીવતા જોઈ છે હવે જીવંત જોઈશ.’

એ પછી રાજન બોલ્યો..
‘મેઘના સમય તો.. જો..અર્લી મોર્નિંગ ના ૪:૪૫ થયા. થોડી વારમાં સૂર્યોદય થશે.. હવે શું વિચાર છે ?

‘ચલ.. રાજન.... બુલેટ પર એક લોંગ ડ્રાઈવ થઇ જાય..

નવી લાઈફનો પ્રારંભ કંઇક નાવીન્યથી કરીએ....સૂર્યોદયની સાક્ષી અને સાનિધ્યમાં, ઋણાનુંબંધના અનુસંધાનથી ફરી સ્નેહશ્રુંખલાની કડી જોડીને, અનંત પ્રેમસફરની કેડી પર કદમ માંડીને રાજન- મેઘનાના અનેરા ઈશ્કને એક નવો આયામ આપીએ.’

‘સોહમ અને અંતરા તો એક બીજાની સામે વિસ્મયકારક થઈને જોતા જ રહ્યા..

‘ચલો...’ એટલું બોલીને રાજન અને મેઘના બહાર આવ્યા..રાજને મેઘનાને બુલેટની ચાવી આપી.. મેઘનાનો ચહેરો જોઇને રાજનને લાગ્યું કે આજે મેઘનાના મુખમુદ્રાની લાલી સૂર્યની લાલીને ઝાંખી પાડી દેશે.. અને મેઘના રાજન ચહેરો જોઇને બોલી..

‘સાલા..હજુ એવોને એવો જ ચીકનો છે હો.’

‘તો’ય તમાચા જ પડે છે, ને ? ટીખળ કરતાં રાજન બોલ્યો...

‘ઓયે.. સખણો રહેજે જો..નહીં તો સૂર્યોદય પહેલાં હમણાં જ તારી હાલત સુર્યાસ્ત જેવી કરીને ઢાળી દઈશ.. ધ્યાન રાખ જે.. હજુ એ જ મેઘના છું.’

ખડખડાટ હસતાં હસતાં રાજન બોલ્યો...
‘ચલ.. સ્ટાર્ટ કર બુલેટ...’

‘એ.. એક મિનીટ સાંભળને રાજન.... મને એક મસ્ત મજાનો આઈડિયા આવ્યો છે.
વિશ્વની તમામ લવસ્ટોરી અને શેર બજારના અપ્સ એન્ડ ડાઉનને આંટી મારી દે તેવા આપણા પ્રેમપ્રચુર પ્રણયકથા પર એક પુસ્તક લખાવવું છે.

કોણ લખશે ? તું ? બેક સીટ પર બેસતાં રાજને પૂછ્યું...

ના, સાંભળ્યું છે કે અક્ષરયોગની સાધના કરવા એકલવ્યની માફક સાહિત્યની પાશ્ચાત્યભૂમિ અથવા ગુરુ કે કોઈ અભ્યાસ અને અનુભવ વિના એક નવોદિત શબ્દસાધક તેના મૌનરાગથી સરસ્વતીની વંદના કરતાં કલમ ટાંકતાની સાથે સાથે તેની સાહિત્યપ્રતિમાને પણ અક્ષરદેહ આપીને ઘડી છે. એ નવોદિત તેની શબ્દસાધનાથી આપણા પ્રેમને અમરત્વ અપાવશે.



‘ઓહ્હ.. કોણ છે એ ? તું ઓળખે છે તેને ? નવાઈ સાથે રાજને પૂછ્યું...


‘ના હવે એને કોઈ નથી ઓળખતું પણ હવે તેની વિષમ વિષયવસ્તુ પરની વશીકરણ જેવી લેખનશૈલીથી ધીમે ધીમે સૌ પરિચિત થઇ રહ્યા છે.

શું નામ છે ? ફરી રાજને પૂછ્યું

‘હમમ...વિજય રાવલ એવું કંઇક નામ છે.’
બુલેટ સ્ટાર્ટ કરીને ફૂલ સ્પીડથી સનરાઈઝ પોઈન્ટ તરફ હંકારતાં મેઘના બોલી..

એ પછી મનોમન હસતાં રાજન બોલ્યો..

‘પણ... જયારે મને જાણ થઇ કે અપહરણ થયું છે એ અંતરા મારું જ લોહી છે...એ પછી જે હદે મારું લોહી ઉકળ્યું ત્યારે...

ચહેરા પરનું મોહરું ઉતારીને લલિતે પોપટની માફક ઓકેલા ગ્લાનિ ભરેલા પારદર્શક પ્ર્યાસ્ચિત પછી કરેલી આત્મહત્યા... મારા રિવોલ્વરની અણીના ડર પર આધારિત અને પ્રાયોજિત હતું.... એ વાત પેલા ‘વિજય રાવલ’ ને ન કહેવાય.


-સમાપ્ત.


© વિજય રાવલ
'
હમેં તુમસે પ્યાર ઇતના’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.