"આ જ્યોર્જ અને પીટર ક્યાં રહી ગયા કલાક ઉપર સમય થઈ ગયો છતાં હજુ સુધી આવ્યા નહીં.' રોકી ધીમેથી બબડ્યો.
બપોરનું જમવાનું ક્રેટી અને એન્જેલાએ તૈયાર કરી નાખ્યું હતું. બધા જમવા માટે જ્યોર્જ અને પીટરની વાટ જોઈ રહ્યા હતા. જ્યોર્જ અને પીટર એક કલાક પહેલા માછલીઓ પકડવા ગયા હતા પણ હજુ સુધી પાછા ફર્યા નહોતા.
"મને બહુજ ભૂખ લાગી છે ચાલો આપણે તો ખાઈ લઈએ એ બન્ને પછી આવીને ખાઈ લેશે.' પ્રોફેસર બધા સામે જોતાં બોલ્યા.
"હા ચાલો ખાઈ લઈએ મારાથી પણ હવે ભૂખ સહન થતી નથી.' કેપ્ટ્ન હેરી બન્ને હાથ પેટ ઉપર મુકતા બોલ્યા.
"તમે બધા ખાઈ લો હું અને એન્જેલા તો જ્યોર્જ અને પીટરના આવ્યા બાદ જમી લઇશું.' ક્રેટીએ પ્રોફેસરને કહ્યું.
રોકી, ફિડલ,કેપ્ટ્ન તથા પ્રોફેસર જમવા બેઠા. એન્જેલા અને ક્રેટી આ ચારેય જણને જમવાનું પીરસવા લાગી. ક્રેટી તો પીરસતા પીરસતા પણ જ્યોર્જ અને પીટરનો વિચાર કરી રહી હતી. કારણ કે આ ચારેય જણ જમી રહેવા આવ્યા હતા છતાં જ્યોર્જ અને પીટર હજુ આવ્યા નહોતા.
*********
બપોરનો સમય થઈ ચુક્યો હતો. શિયાળાની ઋતુ હતી એટલે ગરમીનો તો કોઈ પ્રશ્ન જ નહોંતો ઉદ્દભવતો.
કુંડાળાકાર રીતે સમુદ્રના કિનારા પાસે આવેલા ખડકો તરફ પીટર આગળ વધી રહ્યો હતો. પીટરની પાછળ જ્યોર્જ પણ એક હાથમાં એણે શિકાર કરેલી માછલીને પકડીને આ ખડકો તરફ જઈ રહ્યો. કુંડાળાકાર ખડકોની વચ્ચે શું હશે ? આ પ્રશ્ન જ્યોર્જ અને પીટરને મુંઝવી રહ્યો હતો.
થોડીવારમાં જ્યોર્જ અને પીટર એ કુંડાળાકાર ખડકોની પાસે પહોંચી ગયા. દરિયા કિનારા પાસેના પાણીમાં આવેલા કુંડાળાકાર રીતે ગોઠવાયેલા આ બધા ખડકો એકબીજાની આસપાસ એવી રીતે ગોઠવાયેલા હતા કે અંદરની તરફ જોઈ શકાતું નહોતું.
"જોરદાર રચના છે આ ખડકોની. બધા ખડકો કેટલી ચુસ્તબધ્ધ રીતે એકબીજા સાથે ગોઠવાયેલા છે.' પીટર નવાઈ પામતા ખડકોને જોઈને ધીમેથી બબડ્યો.
"પીટર તને કંઈ અવાજ સંભળાય છે ? જ્યોર્જ ખડકો તરફ કાન માંડતા બોલ્યો.
"હા પાણી ઘસારા સાથે કોઈ ઊંડા ખાડામાં પડી રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે.' પીટરે કુંડાળાકાર ખડકોમાંથી આવી રહેલા પાણીના અવાજનું અનુમાન લગાવતા ખડકો તરફ જોઈને જ્યોર્જને કહ્યું.
"અવાજ આ ખડકોની વચ્ચેથી જ આવી રહ્યો છે તપાસ કરવી પડશે આવી રીતે ગોઠવાયેલા ખડકોની વચ્ચે છે શું.!' જ્યોર્જ પોતાના હાથમાં રહેલી માછલી અને ભાલાને કિનારે મુકતા બોલ્યો.
"જ્યોર્જ મને ભૂખ લાગી છે ચાલને પહેલા આ માછલીને શેકીને ખાઈ જઈએ પછી આપણે આ ખડકોને ચારેય તરફથી સરખી રીતે તપાસી લઈએ.' કિનારાના પાણીમાંથી બહાર આવી પીટરે જ્યોર્જને કહ્યું.
"હા મને પણ ભૂખ તો લાગી છે. ચાલ હું થોડાંક લાકડા લઈ આવું તું બે સારા પથ્થર શોધી લાવ એટલે આગ સળગાવીને માછલી શેકી દઈએ.' પીટરને આટલું કહીને જ્યોર્જે જે તરફ વૃક્ષો હતા એ તરફ લાકડા લાવવા માટે પગ ઉપાડ્યા.
જ્યોર્જ લાકડા લેવા ચાલ્યો ગયો. પીટર આજુબાજુ પથ્થર શોધવા માટે નજર દોડાવવા લાગ્યો પણ એને ક્યાંય પથ્થરનો એક નાનો ટુકડો પણ દેખાયો નહિ. ત્યાં તો એની નજર કુંડાળાકાર ખડકો ઉપર પડી. એ ફરીથી દરિયાના પાણીમાં ઉતર્યો. આ કુંડાળાકાર ખડકો જ્યાં ઉભા હતા ત્યાં પાણી વધારે ઊંડું હતું નહિ એટલે પીટરે પાણીમાં નીચે બેસીને ત્યાં પાણીમાંથી પથ્થર શોધવા માટે આમતેમ હાથ ફેરવવા માંડ્યો. થોડીવારમાં એક પથ્થર તો મળી ગયો હવે એક જ પથ્થર શોધવાનો હતો એ પીટરને મળતો નહોંતો. પીટર હવે બન્ને હાથે પાણીમાંથી પથ્થર શોધવા લાગ્યો. પીટર આવીરીતે પાણીમાં પથ્થર શોધતો હતો ત્યાં એનો હાથ કોઈક વસ્તુને અડક્યો. એ વસ્તુ સાથે હાથ અડક્યો ત્યારે એ મજબૂત પટ્ટી જેવી વસ્તુ હોય એવો અહેસાસ પીટરને થયો.
પીટરે તાકાત લગાવીને એ પટ્ટીને પાણીની બહાર ખેંચવાનો પ્રયત્ન કરવા માંડ્યો. પણ પટ્ટી અડધો ભાગ પેલા ખડકની નીચે ઘૂસેલો હતો એટલે પીટર પુરી તાકાતથી એ પટ્ટીને ખેંચી રહ્યો હતો છતાં એ પટ્ટી પાણીમાંથી બહાર આવી રહી નહોતી.
"પીટર શું ખેંચી રહ્યો છે આવીરીતે ? પાણીમાંથી ખડક નીચે ફસાયેલી પટ્ટી ખેંચી રહેલા પીટરને પાછળથી જ્યોર્જનો અવાજ સંભળાયો. અવાજ સાંભળતાની સાથે જ પીટરે એક હાથે પેલી પટ્ટીને પકડી રાખી દરિયા કિનારે ઉભેલા સામે જ્યોર્જ સામે જોયું.
"અરે જ્યોર્જ અહીંયા આવને.' કપાળ ઉપર જામેલા પ્રસ્વેદબિંદુઓને લૂછતાં પીટરે જ્યોર્જને કહ્યું.
"અરે પણ છે શું એ તો કહે.! આમ વાંકા વળીને તે પાણીમાં શું પકડી રાખ્યું છે ? જ્યોર્જે કિનારા ઉપર ઉભા ઉભા જ ફરીથી પૂછ્યું.
"તું અહીંયા આવને પછી જોઈ લેજે.' પીટર ગુસ્સાથી બરાડી ઉઠતાં બોલ્યો.
જ્યોર્જને વધારે પૂછવું ઠીક લાગ્યું નહિ. કારણે કે એ હવે વધારે પૂછે તો પીટર છેડાઈ પડે એમ હતો. જ્યોર્જ જલ્દી પાણીમાં ઉતર્યો અને પીટર પાસે આવ્યો. અને પીટરે હાથ વડે પાણીમાં જે વસ્તુ પકડી રાખી હતી એને જોવા લાગ્યો.
"જોઈ શું રહ્યો છે હવે ખેંચાવ આને.' પીટર ઉતાવળા અવાજે બોલી ઉઠ્યો. કારણ કે એ ઘણા સમયથી પટ્ટીને આવી જ રીતે પકડીને વાંકો વળીને ઉભો હતો. એટલે એની કમરમાં દુખાવો થતો હતો.
જ્યાં પીટરનો હાથ હતો ત્યાં જ્યોર્જે પણ પોતાનો હાથ નાખ્યો. એના હાથમાં પીટરે પકડી રાખેલી પટ્ટી આવી એટલે બન્ને એકસામટું જોર લગાવીને એ પટ્ટીને ખેંચવા લાગ્યા. એકસામટું જોર લગાવ્યું એટલે પેલી પટ્ટી એકદમ આંચકા સાથે ખડક નીચેથી ખેંચાઈ આવી. પીટર અને જ્યોર્જ પાણીમાં ઉથલી પડ્યા. જ્યોર્જ ઉભો થઈને હસી પડ્યો. પીટર પણ હળવેકથી ઉભો થયો. અને પેલી પટ્ટીને ફેરવીને ચારેય બાજુથી જોવા લાગ્યો.
"આ વળી શાની પટ્ટી હશે ? પીટર બબડ્યો.
"પટ્ટી તો કોઈક મિશ્રધાતુની છે પણ અહીંયા કેવીરીતે આવી ? પીટરના હાથમાંથી પટ્ટી લઈને જ્યોર્જ એ પટ્ટીને સરખી રીતે જોતા બોલ્યો.
"હા.. આની પાછળ પણ કંઈક રહસ્ય છુપાયેલું છે.' પીટર પટ્ટી જોયા બાદ પેલા ખડકો તરફ જોતા બોલ્યો.
"એ રહસ્યને પછી શોધીએ પહેલા પેલી માછલીને પુરી કરીએ નહિતર કોઈ પશુ-પક્ષી એની ચટણી કરી નાખશે. પછી આપણે લબડતા રહી જઈશું.' આટલું બોલીને જ્યોર્જે મોટા અવાજે હસી પડ્યો.
"અરેરે આ પટ્ટીની લાયમાં મને એક પથ્થર મળ્યો એ પણ ખોવાઈ ગયો.' આમ કહીને પીટર ખોવાયેલા પથ્થરને ફરીથી પાણીમાંથી શોધવા લાગ્યો. પીટરની આ હરકત પર જ્યોર્જ ફરીથી હસી પડ્યો અને એ પેલી પટ્ટીને લઈને કિનારા તરફ જવા લાગ્યો.
મહેનત કરીને પીટરે થોડીવારમાં પેલા ખડકોની આજુબાજુથી બે પથ્થરો શોધી કાઢ્યા. પથ્થર મળ્યા એટલે તરત જ પીટર પાણીમાંથી બહાર નીકળ્યો. પછી એણે પથ્થરને સુકાવા માટે કિનારાની થોડેક દૂર સૂકી રેતી પડી હતી એમાં નાખ્યા. પીટરના કપડાં પણ સંપૂર્ણ રીતે ભીંજાઈ ગયા હતા એટલે એ તડકે ઉભો રહીને કપડાં નિચોવવા લાગ્યો.
જ્યોર્જ પેલા પથ્થર ઉઠાવીને લાકડા સળગાવવા લાગ્યો. પથ્થરને થોડીકવાર ઘસ્યા એટલે એમાંથી તણખા ઝર્યા એ તણખાઓ વડે આગ સળગાવી. આગ સળગાવ્યા બાદ જ્યોર્જ કિનારે પડેલી પેલી માછલીને લેવા ગયો. જ્યોર્જ હજુ પેલી માછલીને લેવા માટે જતો હતો ત્યાં એની નજર માછલીને મોંઢામાં ઉઠાવી લઈ જઈ રહેલા એક જંગલી કુતરા ઉપર પડી. કુતરાના મોંઢામાં રહેલી માછલી જોતાં જ જ્યોર્જના પેટમાં ફાળ પડી. એ તરત પેલી પટ્ટી ઉઠાવીને પેલા કુતરાની પાછળ દોડ્યો. કૂતરો માછલી મળી એના આનંદમાં પાછળ જોયા વિના જ આગળ તરફ જઈ રહ્યો હતો. પાછળ જ્યોર્જ આવ્યો એની ખબર કુતરાને પડી નહીં. જ્યોર્જે કુતરાની નજીક જઈને કુતરાના પાછળના બન્ને પગ ઉપર પટ્ટીનો ઘા કર્યો. ઓચિંતો પગ ઉપર આવીરીતે ફટકો પડ્યો એટલે કુતરાના મોંઢામાં રહેલી માછલી દૂર જઈ પડી. પટ્ટીનો ફટકો એટલો જોરદાર હતો કે પેલા કુતરાના બન્ને પગ તૂટી ગયા. અને કૂતરો વેદનાના ભરી ચીસો નાખતો ત્યાં જ ફસડાઈ પડ્યો.
કુતરાના મોંઢામાંથી પોતાનો શિકાર બચાવીને જ્યોર્જ પીટર પાસે પાછો ફર્યો. પીટર તો દૂરથી જ્યોર્જે કુતરાને આવીરીતે ફટકાર્યો એટલે હસી રહ્યો હતો. જ્યોર્જે માછલીને ફરીથી દરિયાના પાણીમાં સાફ સાફ ધોઈ લીધી અને આગને સરખી રીતે સળગાવી એના ઉપર માછલી શેકવા મૂકી.
"જ્યોર્જ આ ખડકો તરફ જોઉં છું ત્યારે મારું મગજ મને વિચિત્ર ઇસારાઓ કરતું રહે છે. કોઈક મને એ ખડકોની અંદર બોલાવતું હોય એવું લાગ્યા કરે છે.' દરિયાના પાણીમાં ચારેય તરફથી કુંડાળાકાર રીતે ઉભેલા ખડકો તરફ જોઈને પીટરે જ્યોર્જને કહ્યું
"તું અને તારું મગજ બન્ને વિચિત્ર માયા છો.' આગ ઉપરથી શેકાયેલી માછલીને બે લાકડાઓ વડે નીચે ઉતારી હસી પડતા જ્યોર્જ બોલ્યો.
(ક્રમશ)