My Better Half - 18 books and stories free download online pdf in Gujarati

My Better Half - 18

My Better Half

Part – 18

Story By Mer Mehul

“તું આવું કેમ કહે છે ?” મેં પૂછ્યું.

“વિચારીને પ્રેમ ના થાય ડિયર…પ્રેમ તો વિચારોને પણ વંટોળે ચડાવી દે જે. મગજ તેનાં વિશે વિચારવાની મનાઈ ફરમાવે તો પણ એનાં જ વિચારો આવ્યાં કરે..તને મારા માટે જ્યારે આવા વિચારો આવે ત્યારે સમજી જજે”

“પણ મારું મગજ તારાં વિશે વિચારવાની મનાઈ કેમ ફરમાવે” મેં કહ્યું, “છેલ્લા ત્રણ અઠવાડિયાથી તારાં વિશે જ વિચારું છું. લગ્ન માટે અઠવાડિયા પછી જવાબ આપવાનો છે તો ત્યારે સાથે જ જવાબ આપવાનું મેં વિચાર્યું હતું”

“અરે પાગલ…મેં એક્ઝામ્પલ આપ્યું હતું” તેણે કહ્યું.

“ઓહ…” મેં કહ્યું, “તો ઠીક છે”

“આજે તું વધારે પડતું જ વિચારે છે એવું નથી લાગતું ?” તેણે પૂછ્યું.

“ના..હવે નથી વિચારતો..મારે જે પૂછવું હતું એ મેં પૂછી લીધું”

“સારું…અંજલીને કૉલ કર્યો હતો ?” તેણે પૂછ્યું.

“હા…” મેં કહ્યું, “હું નહોતો તો તેણે પ્રણવ સાથે વાતો કરી હતી…હવે એ સ્વસ્થ જણાય છે”

“સરસ..મને પણ એની ચિંતા હતી” તેણે કહ્યું. અમે બંનેએ મોડી રાત સુધી વાતો કરી.

બીજો દિવસ, ત્રીજો દિવસ…અઠવાડિયાનાં બાકી બધા દિવસ એક સરખા જ પસાર થયા હતા. સવારે ઉઠીને ધરમશીભાઈ સાથે ઓફિસે જવાનું, ત્યાં બધું શીખવાનું, ઓફિસેથી આવીને અંજલીને કૉલ કરવાનો, તેનાં હાલચાલ પૂછવાના..ત્યારબાદ જમીને વૈભવી સાથે વાતો કરવાની અને પછી સુઈ જવાનું.

શનિવાર સુધીમાં હું કોઈ ટાઇમટેબલમાં ફસાઈ ગયો હોઉં એવું મને મહેસુસ થવા લાગ્યું. શનિવાર બપોર પછી ચાર વાગ્યે ધરમશીભાઈ કહીને હું વહેલાં નીકળી ગયો, સાથે ઘરે મોડો આવીશ એ પણ જણાવી દીધું.

મારે ઘણાં લોકોને મળવાનું હતું, તેમાં વૈભબી, અંજલી અને સચિન શામેલ હતાં. પહેલા મેં વૈભવીને કૉલ કરીને CDDમાં બોલાવી. અમે મળ્યા ત્યારે સૌની સામે તેણે મને હગ કરી લીધો હતો. પુરી દોઢ કલાક અમે બંનેએ વાતો કરી જેમાં, હું તે દિવસે શા માટે એવું પૂછતો હતો એ મુખ્ય મુદ્દો હતો. મેં સિફતથી તેની વાતોનાં જવાબ આપ્યાં હતાં. પોણા છએ હું અને વૈભવી સાથે અંજલીને મળવા ગયા હતાં. અમે ત્રણેય ‘ડીલક્સ પાન’ પાસે જ મળ્યા હતાં. અંજલી પણ મને જોઈને ખુશ થઈ ગઈ હતી. તેની સાથે પણ અમે લોકોએ એક કલાક જેટલી ચર્ચા કરી, જેમાં છેલ્લું અઠવાડિયું કેવી રીતે પસાર થયું, આ અઠવાડિયાની કહી શકાય એવી ઘટનાઓ તેણે કહી સંભળાવી હતી. મારા ડેસ્ક પર કોઈ ‘મીનલ’ નામની છોકરી આવી ગઈ હતી. અંજલીને તેની સાથે ફાવી ગયું હતું. મેં અને વૈભવીએ પણ પોતાની બધી વાતો કહી સંભળાવી હતી જેમાં અંજલી વિશેની વાતો અને મને ઓફિસમાં કેબિન મળી ગયું એ વાત મુખ્ય હતી.

મારી પાસે આજે બાઇક નહોતી એટલે કોઈને ઘરે છોડવા જવાની તકલીફ મારે ન વેઠવી પડી, જો બાઈક હોત તો પણ હું કોઈને ઘરે છોડવા ન જાત. તેનાં માટે પણ બે કારણ હતાં, જેમાં પહેલું કારણ એ હતું કે બંનેમાંથી હું કોઈને દુઃખી કરવા નહોતો ઇચ્છતો અને બીજું મુખ્ય કારણ, મારે સચિનને મલાવનું હતું. જેનાં માટે જ હું બપોર પછી વહેલાં નીકળી ગયો હતો. બંનેને વળાવીને મેં સચિનને કૉલ લગાવ્યો. દસ મિનિટમાં બાઇક લઈને એ પહોંચી ગયો. અમે બંને રિવરફ્રન્ટ તરફ ચાલ્યાં.

આઠ વાગી ગયાં હતાં, અંધારું થઈ ગયું હતું. અમે બંને હાથમાં સિગરેટ લઈને પાળી પર બેઠાં હતાં.

“એવી તો કંઈ જરૂરી વાત હતી કે તે મને તાત્કાલિક ધોરણે મને અહીં બોલાવી લીધો” સચિને પૂછ્યું.

“વાત જ એવી છે.. તું સાંભળીશ તો તું પણ ધૂમરી ખાય જઈશ” મેં કહ્યું.

“જલ્દી બોલ..મારાથી રહેવાતું નથી હવે…”સચિને ઉત્સાહિત થઈને કહ્યું.

“અંજલી અને વૈભવી બંનેમાંથી કોને પસંદ કરવી તેની દુવિધામાં હું ફસાય ગયો છું”

“શું…” એ હસ્યો, “કોને પસંદ કરવાની છે ?”

“અંજલી અને વૈભવી બંનેમાંથી એકને..” મેં કહ્યું.

“તું તો વૈભવીને જોવા ગયો હતોને…” તેણે કહ્યું, “આ અંજલી ક્યાંથી વચ્ચે આવી ?”

“વાત એમ છે કે…” મેં તેને પુરી વાત કહી સંભળાવી…

“એ મને પસંદ કરે છે…મેં તેનાં વિશે કોઈ દિવસ વિચાર્યું નહોતું પણ તેણે કહ્યું પછી મેં ઘણાં દિવસ વિચાર કર્યા, બંનેની સરખામણી પણ કરી છતાં હું નિર્ણય પર આવી શકતો નથી. કાલે મારે વૈભવીને જવાબ આપવાનો છે. હું શું કરું..?”

“એ જ કર..જે હંમેશા તું કરતો આવે છે” તેણે કહ્યું, “તારું દિલ જે કહે છે જ કર”

“અહીં દિલનો જ સવાલ છે ભાઈ…બીજી કોઈ બાબત હોય તો હું જાતે જ નિર્ણય ના કરી લઉં…!” મેં કહ્યું.

તેણે બે મિનિટ સુધી વિચાર કર્યો. મારા ચહેરાનું નિરીક્ષણ કર્યું અને પછી જવાબ આપ્યો,

“વૈભવી…”

“શું વૈભવી…?” મેં પૂછ્યું.

“અંજલી….” તેણે કહ્યું.

“સાલા..તું શું બકે છે..?” ગુસ્સે થતાં મેં કહ્યું.

“મને ખબર પડી ગઈ છે…તું કોને પસંદ કરીશ” તેણે કહ્યું.

“કોને ?” મેં પૂછ્યું.

“એ હું નહિ જણાવું.. તું જ્યારે બંનેમાંથી એકને પસંદ કરીશ ત્યારે હું તને જણાવીશ” તેણે કહ્યું.

“તું મજા લે છે ?” મેં ફરી ગુસ્સામાં પૂછ્યું.

“ના બે…મેં પહેલાં વૈભવીનું નામ લીધું અને તારો ચહેરો વાંચ્યો, પછી અંજલીનું નામ લીધું અને તારો ચહેરો વાંચ્યો..બંને નામ સાંભળી તારા ચહેરા પર જે એક્સપ્રેશન આવ્યાં એ જોઈને મને ખબર પડી ગઈ”

“ખબર પડી ગઈ હોય તો ભોંકને…પહેલી શું બુજાવે છે ?”

“એ હું નહિ કહું…તું જાતે જ સમજી લે”

“તારી સાથે વાત કરવી જ બેકાર છે” મેં કહ્યું.

અમે બંને થોડીવાર માટે ત્યાં બેઠાં. બંનેમાંથી કોને પસંદ કરવી એ હું સમજી નહોતો શકતો. કાલે મને મળેલો એક મહિનાનો સમય પણ પૂરો થતો હતો.

ત્યાંથી નીકળી હું સીધો ઘરે આવ્યો. હું ઘરે આવ્યો ત્યારે બધા મારી રાહ જોઇને બેઠાં હતાં.

“તમને લોકોને કહ્યું તો હતું કે મારે મોડું થશે..” મેં કહ્યું.

“કાલે કયો દિવસ છે એ ખબર છે ને..” મમ્મીએ કહ્યું.

“હા.. કાલે મારે જવાબ આપવાનો છે..” ને કહ્યું, “પણ કાલ તો થવા દે મમ્મી”

“એક રાતમાં તારો નિર્ણય બદલાય નહિ જાય…કાલે જવાબ આપ કે આજે..શું ફર્ક પડવાનો છે ?”

“ફર્ક પડે મમ્મી…આજે હું બધી વાતો ધ્યાનમાં રાખીને વિચારીશ.. સવારે હું તમને જવાબ આપી દઈશ” મેં કહ્યું અને મારાં રૂમ તરફ ચાલ્યો.

“જમી તો લે..” મમ્મીએ મને રોક્યો.

“મને ભૂખ નથી..તમે લોકો જમી લો..” કહીને હું દાદરા ચડી ગયો.

રૂમ આવ્યો તો પણ મને ક્યાંય ચેન નહોતું પડતું. શા માટે મેં અંજલી સાથે દોસ્તી કરી ?, શા માટે મેં વૈભવી પાસે એક મહિનાનો સમય માંગ્યો ?, શા માટે મેં ધરમશીભાઈને છોકરી જોવા જવા માટે હા પાડી ?, હું પોતાનાં નિર્ણયો પર વિચાર કરતો હતો. જો આમાંથી એક નિર્ણય મેં જુદો લીધો હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત.

મેં એક નોટ્સ કાઢી અને બંને પેજ પર વૈભવી અને અંજલીનું નામ લખ્યું. મારાં મગજમાં બંને વિશે જેટલાં વિચાર હતાં એ મેં તેમાં ઉતારી લીધાં. પછી બંને પર વિશ્લેષણ કરીને મેં નિર્ણય લીધો. મેં સાચો નિર્ણય લીધો હતો કે ખોટો એ હું નહોતો જાણતો પણ મેં નિર્ણય લઈ લીધો હતો. હવે કાલે સવારે જાગીને મારે પોતાનો નિર્ણય મારી ફેમેલીને જણાવી દેવાનો હતો. નોટ્સ બેડ ટેબલનાં ડ્રોવરમાં રાખીને હું સીધો સુઈ જ ગયો.

*

“મમ્મી મેં નિર્ણય લઈ લીધો છે” મેં કહ્યું, અમે બધાં શિરામણ કરતાં હતાં, “હું વૈભવીને પસંદ કરું છું”

મમ્મીએ ઊભા થઈને મારાં માથે હાથ રાખીને દુઃખણાં લીધાં.

“મને ખબર હતી..તું હા જ પાડીશ” મમ્મીએ કહ્યું. મેં બનાવટી સ્મિત કર્યુ.

“તે વિચારીને નિર્ણય લીધો છે ને..” ધરમશીભાઈએ પૂછ્યું, “હજી થોડો સમય જોતો હોય તો તું લઈ શકે છે”

મમ્મીએ ધરમશીભાઈ તરફ ફરીને આંખો બતાવી.

“ના પપ્પા” મેં પહેલીવાર તેઓને પપ્પા કહીને સંબોધ્યા, “મેં વિચારીને જ નિર્ણય લીધો છે”

તેઓએ મારી સામે જોયું. મેં સ્મિત કર્યું.

“તમે નવનીતભાઈને ફોન કરીને જણાવી દો અને તેઓનો શું નિર્ણય એ જાણી લો” મમ્મીએ કહ્યું.

“સાંજે કૉલ કરીને જાણ કરી દઈશ” ધરમશીભાઈએ કહ્યું. અમે શિરામણ પર ધ્યાન આપ્યું. મેં જે નિર્ણય લીધો હતો એ કેટલી હદ સુધી વાજબી હતો એ મને નથી ખબર પણ મેં બધી પરિસ્થિતિ પર વિચાર કર્યો હતો. મમ્મી-પપ્પાને હું દુઃખી કરવા નહોતો માંગતો. પપ્પાનાં સંબંધો તથા માન-મોભો જળવાઈ રહે એ મારી પહેલી પ્રાયોરિટી હતી અને આમ પણ અંજલી સાથે મારે એવી કોઈ ઘટનાં નહોતી બની જેને કારણે મેં અંજલી સાથે અન્યાય કર્યો હોય એવું સાબિત થાય.

સહસા ધરમશીભાઈનો ફોન રણક્યો.

“નવનીત જ છે..” કહેતાં તોઓએ ફોન રિસીવ કર્યો.

અંકલે તેઓને કંઈ વાત કહી હશે, જવાબમાં ધરમશીભાઈએ કહ્યું,

“અનિરુદ્ધને પણ વૈભવી દીકરી પસંદ આવી ગઈ છે તેની પણ હા છે”

હું સમજી ગયો. વૈભવીએ પણ હા કહી હતી.

“સાંજે મળીએ આપણે” ધરમશીભાઈએ ફોનમાં કહ્યું પછી ફોન કાપી નાખ્યો.

“શું કહ્યું નવનીતભાઈએ ?” મમ્મીએ પૂછ્યું.

“તેઓની પણ હા છે”

“કાનુડા તારો ખૂબ ખૂબ ધન્યવાદ…” મમ્મીએ ખુશ થઈને કહ્યું.

“હું દાદુ પાસે જઈ આવું” કહેતાં હું અડધું શિરામણ છોડીને ઉભો થઇ ગયો.

હું રૂમમાં પહોંચ્યો.

“ઉદાસ કેમ છે ?” દાદુએ પૂછ્યું.

“કંઈ નહીં દાદુ…તમારી ટીકીટ બુક કરાવી લીધી છે” હું પરાણે હળવું હસ્યો, “સામાન પેક કરી લો, થોડાં સમયમાં યમરાજનું તેંડુ આવશે”

“તારો દાદુ એમ નથી મરવાનો” દાદુએ કહ્યું, “જ્યાં સુધી તારાં બાળકને વહાલ નહિ કરું ત્યાં સુધી ખુદ ભગવાન નીચે આવીને કહેશે તો પણ હું નથી જવાનો”

“જેવી તમારી ઈચ્છા દાદુ” કહીને હું ઉભો થયો.

“કોઈ મૂંઝવણ હોય તો અમને જણાવ, અમે તારાં મિત્રો જેવા જ છીએ” દાદુએ કહ્યું.

“જરૂર પડશે તો જણાવીશ” મેં કહ્યું, “ તમે આરામ કરો..હું ઓફિસે જાઉં છું”

આજે રવિવાર હતો પણ સિઝન હોવાને કારણે વર્કલોડ વધુ હતો એટલે અમારે ઓફિસે જવાનું હતું. ઓફિસે જઈને પણ મને ક્યાંય ચેન નહોતું પડતું. મેં પસંદ તો વૈભવીને કરી હતી પણ વિચારો અંજલીનાં આવતાં હતાં. તેની સાથે ફોનમાં વાત કરીને મારો નિર્ણય જણાવવાની મને ઈચ્છા થઈ પણ એ દુઃખી થશે એમ વિચારીને મેં કૉલ ના કર્યો.

સાંજ પડી ત્યાં સુધીમાં મારી ધીરજ જવાબ આપી ગઈ હતી. ઓફિસેથી છૂટીને હું સીધો અંજલીનાં ઘરે પહોંચી ગયો.

“ઓહ..અનિરુદ્ધ..”તેણે ખુશ થઈને કહ્યું, “આવવાનો હતો તો કૉલ કેમ ના કર્યો ?”

“કોઈએ કહ્યું હતું કે છોકરીઓને સરપ્રાઈઝ વધુ ગમે..” મેં કહ્યું.

“જેણે કહ્યું એણે સાચું જ કહ્યું છે” તેણે કહ્યું, “તું આવ્યો એ મને ગમ્યું..અંદર આવને..બહાર કેમ ઉભો છે..?”

હું ઘરમાં પ્રવેશ્યો.

“ચા પીઈશને..!” તેણે પુછ્યું.

“ના..આજે મૂડ નથી..” મેં કહ્યું.

“કેમ શું થયું ?” તેણે કહ્યું, “તું તો ચાનો રસિયો છે”

“કંઈ નહીં થયું…બસ મૂડ નથી” મેં કહ્યું.

“ઓકે…તો વાતો કરીએ..” તેણે કહ્યું, “આજે તારે જવાબ આપવાનો હતો…શું જવાબ આપ્યો ?”

“તને યાદ છે ?” મને આશ્ચર્ય થયું.

“હાસ્તો…યાદ જ હોયને..” તેણે કહ્યું.

“મેં ‘હા’ પાડી.. અને તેણે પણ..”

“કોન્ગ્રેચ્યુલેશન…” તેણે કહ્યું.

“તું ખુશ છે ?” મને આશ્ચર્ય થયું.

“હાસ્તો…મેં તને શું કહ્યું હતું.. તું ખુશ છે તો હું પણ ખુશ છું” તેણે કહ્યું.

“અચ્છા મને થોડાં સવાલનાં જવાબ આપ…” મેં કહ્યું, “તને મારાં માટે ક્યારે ફિલિંગ આવી ?”

“છોડને એ વાતને…ક્યાં અત્યારે એ વાત કરે છે ?” તેણે વાત ટાળવાની મનશાથી કહ્યું.

“ના..જણાવ મને” મેં કહ્યું.

“ફિલિંગ આવવાનો કોઈ સમય નથી હોતો, એનાં કોઈ એંધાણ નથી હોતાં..હું ક્યારે તારાં માટે ફિલ કરવા લાગી એ મને ખુદને ખબર નથી” તેણે જવાબ આપ્યો.

“મેં જે નિર્ણય લીધો છે એ બરાબર જ ને ?” મેં પૂછ્યું, “આઈ મીન તને દુઃખી કરવા હું નથી ઇચ્છતો..!”

“મને કોઈ દુઃખ નથી લાગ્યું, તને પામવાની ઈચ્છા મને કોઈ દિવસ થઈ જ નથી અને આપણી વચ્ચે કોઈ દિવસ એવી વાતો જ નથી થઈ તો તારી ભૂલ જ ના કહેવાયને..” તેણે કહ્યું.

“ખબર નહિ પણ તારાં માટે મને દુઃખ થાય છે” મેં કહ્યું.

“સાચું કહું તો તું મારાં માટે પઝેસિવ થઈ ગયો છે, પહેલાં તો તને મારી પરિસ્થિતિ પર તરસ આવી અને પછી મારી મમ્મીનાં જવાને કારણે તને મારી ચિંતા થાય છે… તું આવું નહિ વિચારતો હોય પણ હકીકત આ જ છે..”

“આઈ ડોન્ટ નૉ…થોડા દિવસથી હું વિચારું છું એ મને પણ ખબર નથી પડતી…” મેં કહ્યું.

“તું વધારે ના વિચાર…હું ઠીક છું. તું મારો દોસ્ત છે એ મારા માટે ઘણું છે” તેણે કહ્યું.

અંજલી સાથે વાતો કરીને હું હળવો ફૂલ થઈ ગયો હતો. એ કેટલી સુલજેલી વાતો કરતી.

અંજલીને મળીને હું ઘરે પહોંચ્યો. ઘરે પહોંચ્યો તો ગઈ કાલની જેમ બધા મારી રાહ જોઇને બેઠાં હતાં.

“મમ્મી હવે જવાબ તો આપી દીધો…” મેં ઇરીટેટ થઈને કહ્યું, “હવે શું છે ?”

“મારે કામ છે” ધરમશીભાઈ વચ્ચે કુદ્યા, “આવ બેસ અહીં”

હું જઈને તેઓની પાસે બેસી ગયો.

“હું નવનીતને મળ્યો હતો” ધરમશીભાઈએ કહ્યું, “અમે તમારી બંનેની કુંડળી ગોરબાપાને બતાવી હતી”

“શું કહ્યું ગોરબાપાએ ?” મેં પૂછ્યું.

“આગળનાં પંદર દિવસમાં તમારાં બંનેનાં લગ્ન ન થયાં તો આગળનાં ચાર વર્ષ સુધી લગ્ન કરવા યોગ્ય નથી” ધરમશીભાઈએ બૉમ્બ ફોડ્યો, “હું તારો અભિપ્રાય લેવા ઈચ્છું છું…તારું શું કહેવું છે ?”

“પપ્પા…હું આ કુંડળીઓમાં વિશ્વાસ નથી કરતો પણ મારા માટે તમે લોકો જે નિર્ણય લો એ જ મહત્વનો છે..તમે મારાં હિત માટે જ વિચારો છો..”

“અની…શું થયું છે તને ?” ધરમશીભાઈએ પુછ્યું, “કાલ સાંજથી તારું વર્તન બદલાય ગયું છે, ઓફીસે પણ તું ગુમસુમ બેઠો હતો”

“કંઈ નથી થયું પપ્પા…તમે નક્કી કરો ત્યારે હું લગ્ન કરવા તૈયાર છું” મેં કહ્યું.

“તારી પાસે આ જ જવાબની આશા હતી દીકરા” મમ્મીએ કહ્યું, “હું શું કહું છું, આવતાં રવિવારે સગાઈ કરી લઈએ અને એ પછીનાં રવિવારે લગ્ન”

“આટલાં ઓછા દિવસમાં તૈયારી કેવી રીતે થશે ?” મેં પૂછ્યું.

“એ બધું થઈ જશે…તું માનસિક રીતે તૈયાર રહેજે બસ” મમ્મીએ કહ્યું.

“હું તૈયાર છું મમ્મી, તમે કહો તો કાલે જ હું લગ્ન કરી લઈશ” મેં કહ્યું. કોઈએ જવાબ ન આપ્યો. હું પોતાનાં રૂમમાં ચાલ્યો આવ્યો.

મને પોતાનાં પર ગુસ્સો આવી રહ્યો હતો. વૈભવી સવારની મને કૉલ કરતી હતી પણ મેં તેનો એકપણ કૉલ રિસીવ નહોતો કર્યો. અત્યારે પણ તેનાં ફોન આવતાં હતાં. મેં ફોનને બેડ પર ફેંક્યો અને રડવા લાગ્યો.

હું શા માટે રડી રહ્યો હતો એની મને ખુદને જ ખબર નહોતી. આજ પહેલા હું ક્યારેય નહોતો રડ્યો. મારી સાથે એવું તો શું થયું હતું ?, કેમ બધું મારી સમજ બહાર જઈ રહ્યું હતું. મારે વૈભવી વિશે વિચારવું જોઈએ પણ દૂર દૂર સુધી મારા વિચારોમાં વૈભવી ક્યાંય હતી જ નહીં. હું અંજલી વિશે જ વિચારતો હતો.

‘પ્રેમ થઇ ગયો તને અનિરુદ્ધ ?’ અંદરથી અવાજ આવ્યો.

‘ના…કેવી રીતે થાય ?’

‘તો અંજલી માટે તું ફિલ કરે છે એવું વૈભવી માટે કેમ નથી કરતો ?, તું વૈભવી માટે રડ્યો છે કોઈ દિવસ ?, વૈભવી સાથે તો તારે લગ્ન કરવાનાં છે, તો એક મહિના પછી પણ તું કેમ નિર્ણય નહોતો લઈ શક્યો અને અંજલીએ માત્ર તને એની ફીલિંગ્સ કહી ત્યાં તું કેમ આટલો હચમચી ગયો. મારી વાત સાંભળ અનિરુદ્ધ…અંજલી સાચું કહેતી હતી, પ્રેમ થવાનો કોઈ સમય નક્કી નથી હોતો. પ્રેમ કરવા માટે સમયની રાહ નથી જોવી પડતી, પ્રેમ તો ન થવાનાં સમયે જ થાય છે’

‘તો હું શું કરું હવે ?!’

‘લગાવ વૈભવીને કૉલ અને તું લગ્ન નહીં કરી શકે એ વાત જણાવી દે’

‘ના..હું એ ના કરી શકું. મેં ઘરે બધાને હા કહી દીધી અને વૈભવીમાં શું ખરાબી છે ?’

‘ખરાબી કોઈ છોકરીમાં નથી હોતી પણ બધી સાથે લગ્ન કરવા ના બેસવાનું હોય. તું કોનાં વિશે વિચારે તો તને સુકુન મળે છે ?, તું કોની સાથે હોય ત્યારે પોતાને વધુ કમ્ફર્ટેબલ ફિલ કરે છે ?’

‘અંજલી…’ મેં કહ્યું.

‘તો પછી કેમ પોતાનાથી જ બધી વાતો છુપાવે છે ?’

‘મેં કહ્યુંને હું નહિ કરી શકું…હું નહિ કરી શકું…’

રડતાં રડતાં મેં પુરી રાત પસાર કરી. અંજલીએ સાચું જ કહ્યું હતું. રડવા માટે એકાંત જરૂરી છે. કોઈ આસપાસ ના હોય, માત્ર દિલ અને મગજ વચ્ચે જે ધમાસન યુદ્ધ ચાલતું હોય અને આંખો પોતાનાં પ્રિય માટે ભીંજાઈ રહી હોય.

મારો હાથ આપોઆપ પોતાનાં મોબાઈલ તરફ આગળ વધ્યો. મોબાઈલ હાથમાં લઈને મેં અંજલીને કૉલ લગાવ્યો. રિંગ પુરી થવા આવી પહેલાં તેણે કૉલ રિસીવ કરી લીધો.

“આઈ લવ યુ…” રડતાં રડતાં મેં સીધું જ કહી દીધું, “તું મારાં માટે જેટલું ફિલ કરે છે તેનાથી બેગણું હું તારા માટે ફિલ કરું છું. મને લાગણીઓની પરિભાષા ખબર નહોતી, મેં કોઈ દિવસ જાણવાની કોશિશ પણ નહોતી કરી. પણ જ્યારે જ્યારે તારા વિશે વિચારતો ત્યારે હું અલગ જ દુનિયામાં પહોંચી જતો. તારાં ચહેરા પર સ્મિત લાવવા હું કંઈ પણ કરી છૂટવા તૈયાર થઈ જતો કદાચ આ જ લાગણી હશે. મેં વૈભવી સાથે આવી લાગણી કોઈ દિવસ નથી અનુભવી…કોઈ દિવસ નહિ…”

“અનિરુદ્ધ…” તેણે શાંત સ્વરે કહ્યું, “તું ભાવનાઓમાં બહેકી રહ્યો છે…થોડા દિવસ પોતાને સમય આપ…પછી આપોઆપ બધું બરોબર થઈ જશે”

“ભાવનાઓ પણ લાગણીઓનો સમાનાર્થી છે…જો મેં અત્યારે નિર્ણય ના લીધો તો મને જીવનભર પસ્તાવો થશે”

“તું પહેલા રડવાનું બંધ કર…આપણે કાલે મળીને વાત કરીશું” તેણે કહ્યું.

“હું તારા જવાબની રાહ જોઇશ” મેં કહ્યું અને ફોન કટ કરી દીધી.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED