My Better Half - 17 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

My Better Half - 17

My Better Half

Part – 17

Story By Mer Mehul

અંજલી શું કહેવા માંગતી હતી એ મને ન સમજાયું. મેં તેનાં જવાબ ન આપ્યો, હું જવાબ પણ શું આપું, ખુદ મારી પાસે જ તેનાં સવાલનો જવાબ નહોતો.

“હાહા..આપણે સાથે જ રહેવાના છીએને…તું ક્યાં ભાગી જવાની છે..” મેં વાત હસીમાં ઉડાવી દીધી. એ પણ હળવું હસી. ત્યારબાદ અમારી વચ્ચે કોઈ વાતચીત ના થઇ. પૂરો દિવસ કામ પૂરતી વાત અને નજરોની આપ-લે સાથે અમે દિવસ પસાર કર્યો.

અંજલી છૂટીને બહાર આવીને અને રોડ ક્રોસ કરવા જઈ રહી હતી ત્યાં મેં તેની પાસે બાઇક ઉભી રાખી દીધી.

“ચાલ..તને ઘરે ડ્રોપ કરી જાઉં” મેં કહ્યું.

“ના..હું ઓટો કરી લઈશ” તેણે કહ્યું.

“આજે મને તારાં હાથની બનેલી ચા પીવાની ઈચ્છા થઈ છે, તું નહિ બનાવે ?” મેં પૂછ્યું. તેણે હળવી સ્માઈલ કરીને બાઇક પાછળ બેસી ગઈ. મેં તેનાં ઘર તરફ બાઇક ચલાવી.

અંજલીએ મારાં માટે ચા બનાવી. અમે બંને સામસામે બેઠાં હતાં.

“બોલ હવે…સવારે તું શું કહેતી હતી ?” મેં પૂછ્યું. તેણે થોડી સેકેન્ડ જવાબ ન આપ્યો, ત્યારબાદ મારી સામે જોઇને તેણે જવાબ આપ્યો, “તું જોબ છોડે એ મને નથી ગમતું”

“મેં તને પહેલાં કહ્યું હતું કે નહીં એ મને યાદ નથી પણ હું પ્રેક્ટિસ માટે જોબ કરતો હતો. મારાં પપ્પાને પોતાનો બિઝનેસ છે અને હું તેમાં એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સંભાળવાનો છું. હું તારી વાતને સમજી શકું છું પણ તમે ગમે કે ના ગમે મારે જોબ છોડવી જ પડશે” મેં તેને વાસ્તવિકથી વાકેફ કરી.

“તું જોબ છોડે એનાથી મને પ્રોબ્લેમ નથી. તું દુર જાય છે એનાથી પ્રોબ્લેમ છે..તને ખબર છે હું તારી સાથે રહેવા ટેવાઈ ગઈ છું. તું જઈશ પછી હું ફરી એ દુનિયામાં ધકેલાઇ જઈશ જ્યાંથી તું જ મને બહાર લાવી શક્યો હતો” તેણે કહ્યું.

“તું શું કહેવા માંગે છે એ હું સમજી શકતો નથી. હું તારાથી દૂર ક્યાં જઉં છું. જોબમાં જ સાથે નથીને…તારે જ્યારે મને મળવું હોય ત્યારે મને કહેજે..” મેં તેને સમજાવી.

“તું સમજતો નથી અનિરુદ્ધ.. તું મારી સાથે હોય ત્યારે હું પોતાને મોકળાશ આપી શકું છું, મન ખોલીને વાતો કરી શકું છું. તું મારી આસપાસ હોય તો વાતવરણ ખુશનુમા રહે છે અને તું નથી હોતો ત્યારે ગમગીન..” તેણે કહ્યું, “હું તને પસંદ કરવા લાગી છું, આઈ નો.. આપણું મળવું શક્ય નથી. તારી સગાઈ થવાની છે તો પણ મારાં દિલની વાત હું તને જણાવું છું. તું પણ સામે એવું જ રિએક્શન આપ એવું હું નથી કહેતી, પણ તું જેવી રીતે મારી સાથે રહે છે એ પરથી હું નહિ કોઈપણ છોકરી તને પસંદ કરવા લાગે”

હું સ્તબ્ધ થઈ ગયો. અંજલી શું કહી રહી હતી. મેં તેનાં વિશે એવું કોઈ દિવસ વિચાર્યું જ નહોતું. હું તેને સારી દોસ્ત સમજતો હતો, તેનાથી આગળ કશું નહી.

“હું શું કરું એ બોલ…” મેં કહ્યું, “પપ્પા સાથે ના રહીને તારી સાથે જોબ કરું..એવું કહે છે તું ?”

“ના..હું તને કશું કરવાનું નથી કહેતી..તું તારી ઈચ્છા મુજબ જે કરવું હોય એ કર..મારું શું છે ?, હું તો….”

“ઇમોશનલ બ્લેકમેલ ના કર..” મેં તેની વાત કાપી નાંખી, “મને નથી પસંદ. તું પોતાની જાતને સંભાળી લઈશ, બધું ભૂલીને આગળ વધી જઈશ એ બધી મને ખબર છે..પણ તું દુઃખી ના થાય અને આપણાં સંબંધ જળવાઈ રહે એ માટે હું શું કરું ?”

“હું કૉલ કરું ત્યારે મને મળવા આવીશને ?” તેણે પૂછ્યું.

મેં હકારમાં માથું ધુણાવ્યું.

“મને ભૂલી તો નહીં જાય ને..!”

“કેવી વાતો કરે છે તું…હું શા માટે તને ભૂલી જાઉં ?”

“આ મારાં સવાલનો જવાબ ન થયો..”

“નહિ ભૂલું બસ..” મેં કહ્યું. તેણે સ્માઈલ કરી.

“વૈભવી ખુશનસીબ છોકરી છે..” તેણે કહ્યું, “તારાં જેવો છોકરો મળવો મુશ્કેલ છે”

“મારા જેવો છોકરો દીવો લઈને શોધીશ તો પણ નહીં મળે..” મેં કહ્યું, “પણ તને મારાં કરતા પણ સારો છોકરો મળશે”

“તું તો નહી જ મળે ને..!” તેણે હસીને કહ્યું.

“સંભાવના સાવ ઓછી છે…” મેં કહ્યું, “એક મહિના પહેલા આપણે મળ્યા હોત તો કદાચ મળવાની સંભાવના વધુ હતી”

“મજાક કરું છું.. તમારી બંનેની જોડી જામે છે” તેણે કહ્યું.

“તું રોજ અહીં આવી જાય છે…વૈભવી કંઈ કહેતી નથી ?” તેણે પૂછ્યું.

“એણે જ મને થોડા દિવસ તારી સાથે રહેવાની સલાહ આપી છે” મેં કહ્યું.

“ઓહ…સમજદાર છોકરી છે વૈભવી”

“હા.. એ તો છે..” મેં કહ્યું.

ત્યારબાદ થોડીવાર વાત કરીને હું તેનાં ઘરેથી નીકળી ગયો. રાત્રે જમીને હું અગાસી પર આંટા મારતો હતો. આજે અંજલી સાથે વાત નહોતી થવાની. બાજુમાં પાડોશીને ત્યાં કોઈ પ્રસંગ હતો એટલે એ તેમાં વ્યસ્ત રહેવાની હતી. હું અંજલી વિશે વિચાર કરતો હતો.

એ મને પસંદ કરવા લાગી હતી. જો ભૂલ એની પણ નહોતી. હું જે રીતે તેને ટ્રીટ કરતો હતો તેનાં પરથી આ ઘટનાં બનવાની સંભાવના વધુ હતી. પણ હું તેને શા માટે એવી રીતે ટ્રીટ કરતો હતો.

મેં ઊંડાણપૂર્વક વિચાર કર્યો. વૈભવી અને અંજલીનો ચહેરો મારી નજર સામે હતો. જેવી રીતે બે બાબતનાં તફાવત માટે વચ્ચે રેખા આવી જાય તેમ વારાફરતી બંને પક્ષનાં મુદ્દા મારી નજર સામે આવતાં હતાં.

- વૈભવી સુંદર હતી, તો સામે અંજલી પણ તેનાં જેટલી જ સુંદર હતી.

- વૈભવી સાથે જેટલું મારું બોન્ડિંગ હતું એટલું જ બોન્ડિંગ મારે અંજલી સાથે પણ હતું.

- વૈભવીનાં પપ્પા ધરમશીભાઈનાં દોસ્ત હતાં જ્યારે ધરમશીભાઈએ અંજલીને જોઈ પણ નહોતી.

- વૈભવીની તુલનાએ મેં અંજલી સાથે વધુ સમય પસાર કર્યો હતો. હું એનાં સ્વભાવથી સંપૂર્ણપણે વાકેફ હતો.

- વૈભવી સાથે ઝઘડો થયો ત્યારે અંજલીએ મને મદદ કરી હતી તો અંજલીનાં મમ્મીનાં મૃત્યુ સમયે વૈભવીએ પણ પોતાનો રોલ નિભાવ્યો હતો.

- વૈભવીનાં માતા-પિતા હતાં, અંજલી અનાથ હતી.

- કદાચ હું વૈભવીને ના કહું તો તેનાં મમ્મી-પપ્પા તેને બીજુ કોઈ પાત્ર શોધી આપે. અંજલીનાં કિસ્સામાં એવું નહોતું.

- વૈભવી સાથે મેં સ્પર્શની વાતો કરી હતી જ્યારે અંજલીને મેં એવી રીતે ટ્રીટ જ નહોતી કરી.

હું શું કરી રહ્યો હતો, એકસાથે બે છોકરીનાં ભવિષ્ય સાથે રમત ?, વૈભવી સાથે બધું બરોબર ચાલતું હતું તો હું અંજલી વિશે શા માટે વિચારતો હતો. અંજલી મારાં મગજમાંથી હટતી નહોતી. બંનેનાં તફાવતને જોઈને મને કોનાં વિશે વિચારવું એ નહોતું સમજાતું.

મેં વિચારવાનું જ બંધ કરી દીધું. કાનમાં ઈયરફોન ચડાવ્યાં અને ફોનમાં સોંગ શરૂ કરીને વોલ્યુમ ફૂલ કરી દીધું. જો વોલ્યુમ ફૂલ કરે વિચારો પર કાબુ મળી શકતો હોય તો બધાં એ જ કરે, પણ એવું કશું થતું નથી. વારંવાર મારું મગજ બંને પક્ષ વિશે વિચારો કરતું રહ્યું.

આખરે કંટાળીને મેં સોંગ બંધ કર્યા, મારાં રૂમમાં આવ્યો અને બેડ પર આડો પડીને આંખો બંધ કરી દીધી. વિચારો તો હજુ પણ આવતાં જ હતાં પણ વિચારવામાંને વિચારવામાં મને ઊંઘ આવી ગઈ.

*

બીજા દિવસે હું ધરમશીભાઈ સાથે પોતાની ઓફિસે ગયો. અમારા સિનિયર એકાઉન્ટન્ટ નીચે મારે તૈયાર થવાનું હતું. ત્યારબાદ પૂરો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ મારે જ સંભાળવાનો હતો. મારો પૂરો દિવસ ધંધાની પ્રાથમિક માહિતી મેળવવામાં જ પસાર થયો. સાંજે સાડા સાત વાગ્યે અમે ઘરે આવ્યાં. હું માનસિક રીતે થાકી ગયો હતો. ફ્રેશ થઈને મેં અંજલીને કૉલ લગાવ્યો.

“શું કરે ?” તેણે કૉલ રિસીવ કર્યો એટલે મેં પૂછ્યું.

“રસોઈ બનાવું છું” તેણે કહ્યું, “કેવો રહ્યો પહેલો દિવસ ?”

“અંકલે આજે મને બધી પ્રાથમિક માહિતી આપી, થોડા દિવસોમાં હું બધું શીખી લઉં એટલે મને એક કેબિન આપવામાં આવશે એવું કહેતાં હતાં” મેં કહ્યું, “તારો દિવસ કેવો રહ્યો ?”

“આજે મેં પ્રણવ સાથે વાત કરી હતી..દિલનો સારો માણસ છે. અમે બંને તારી જ વાતો કરતાં હતાં. પ્રણવે તારાં પીસીમાંથી બધા વીડિયો ડીલીટ મારી દીધાં છે. ખબર મળી છે કે થોડા દિવસમાં તારાં ડેસ્ક પર કોઈ છોકરી આવવાની છે”

“ઓહ..તો તો પ્રણવને જલસો પડી જશે” મેં હસીને કહ્યું.

“હા..એ તો છે..પણ તું હવે બોસ બની ગયો એટલે તારે વધુ જલસો પડશે. હવે તું પૂરું પીસી વીડિયોનું ભરી શકીશ અને ધ્યાન રાખવાવાળું પણ કોઈ નહિ હોય” તેણે હસીને કહ્યું.

“અહીં એવું કંઈ નહીં હા…પપ્પાને ખબર પડી તો વારો પડી જશે” મેં કહ્યું.

“આજે એક છોકરો પણ ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો, એ બહાર નીકળ્યો ત્યારે મને ઘુરી ઘુરીને જોતો હતો”તેણે કહ્યું, “તું હોત તો બરાબરની રિમાન્ડ લેવાની હતી એની”

“લોકો શું કરે છે એ આપણે નથી જોવાનું…એ તારી છેડતી કરે તો મને કહેજે…બીજીવાર છોકરી સામે નજર ઉઠાવીને ના જુવે એવી હાલત કરી દઈશ એની..”

“પણ એ મને પસંદ છે…” અંજલી હસી, “હેન્ડસમ હતો એ…”

“એટલે તું મને જેલેસ ફિલ કરાવવા કહે છે ?” મેં કહ્યું, “જો એનાં માટે કહેતી હોય તો તું ભૂલ કરે છે.. તું જો એની સાથે ખુશ હોય તો હું તારાથી વધુ ખુશ થઈશ”

“મજાક કરતી હતી..” તેણે કહ્યું, થોડીવાર કુકરની સીટી ફોનમાં સંભળાય. મેં ફોન કાનથી દૂર કરી દીધો.

“તું વાતને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડે છે…” કુકરની સીટી બંધ થઈ એટલે અંજલીએ વાત પૂરી કરી.

“મને એવું લાગ્યું એટલે..” મેં કહ્યું.

“ના..એવું કશું નથી અને હું તને થોડીવારમાં રસોઈ કરીને ફોન કરું..” તેણે કહ્યું.

“ના..હવે કાલે જ વાત કરીશું. મેં બસ તારાં હાલચાલ પુછવા જ ફોન કરેલો” મેં કહ્યું.

“સારું.. બાય” તેનો ઉદાસ થઈ ગયેલો અવાજ મને સંભળાયો.

‘બાય’ કહીને મેં કૉલ કટ કરી દીધો. જમીને મેં વૈભવીને કૉલ કર્યો. તેણે પણ મને પુરા દિવસની દિનચર્યા પૂછી. મેં જે અંજલીને જવાબ આપ્યાં હતાં એ જ પેસ્ટ કરીને વૈભવીને જવાબ આપ્યાં.

“એક અઠવાડિયા પછી આપણે જવાબ આપવાનો છે..” તેણે વાત બદલીને કહ્યું, “કંઈ વિચાર્યું છે તે ?”

“ ‘હા’ પણ અને ‘ના’ પણ” મેં કહ્યું, “હજી સાત દિવસ છે ને આપણી જોડે…સમય આવવા દે..ત્યારે વિચારી લેશું”

“અચ્છા એક વાત પૂછું, વિચારીને જવાબ આપજે” મેં કહ્યું, “આપણે લગ્ન કરીએ તો એ લવ મેરેજ કહેવાય કે એરેન્જડ ?”

“ઓબ્વીયસલી એરેન્જડ મૅરેજ…” તેણે કહ્યું, “અંકલે મને જોયેલી અને તારાં માટે હું તેઓને રાઈટ લાગી એટલે તેઓએ મારા પપ્પા સાથે વાત કરી અને પછી તમે લોકો મને જોવા આવ્યાં, તો એરેન્જડ જ ગણાય ને..”

“તો આપણે એકબીજાને પ્રેમ નહોતાં કરતા પણ લગ્ન કરવાનાં છે એટલે પ્રેમ કરવો પડશે એવું કહેવાયને..” મેં કહ્યું.

“અની..તું ઠીક છે ને..” તેણે કહ્યું, “કેમ આવી વાતો કરે છે ?”

“તું જ વિચારને…આપણે એક રીતે ફોર્મલિટી જ પુરી કરીએ છીએ. આપણને થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું છે જેને આપણે આરોગવાનું છે, જાતે રસોઈ બનાવીને જે સ્વાદ આવે એ આમાં ન આવે” મેં સીરીયસ થઈને કહ્યું.

“તું આવા સમયે પણ આવા ઉદાહરણ આપી શકે છે..” એ હસી, “તું દુવિધામાં હોય તો ‘ના’ કહી શકે છે. તારે ‘હા’ જ કહેવી એવું કોણે કહ્યું ?”

“ના…હું એવું નથી કહેતો..” મેં કહ્યું, “હું તો જસ્ટ વાત કરું છું”

“તું જસ્ટ આવી વાતો ના કર..” વૈભબીએ કહ્યું, “અહીં મારી હાલત ખરાબ થઈ જાય છે”

“હું તો આવી જ વાતો કરીશ” મેં હસીને કહ્યું, “અને તારે જવાબ પણ આપવા પડશે”

“ઓહ..તો ઇન્ટરવ્યૂ ચાલે છે એમને…”એ ફરી હસી, “ચાલો ચાલો પૂછો સવાલ…”

“તું પ્રેમ થાય પછી લગ્ન થાય એમાં બિલિવ કરે છે કે લગ્ન થાય પછી પ્રેમ થાય એમાં ?” મેં પૂછ્યું.

“હું પ્રેમ થાય એમાં બિલિવ કરું છું, લગ્ન થાય કે ન થાય એ મહત્વનું નથી..” તેણે કહ્યું.

“તો પણ.. કોઈ એકમાંથી પસંદ કરવાનું હોય તો… ?”

“પ્રેમ થાય પછી લગ્ન થાય એમાં..” તેણે કહ્યું, “કારણ કે પ્રેમ પછી લગ્ન થાય તો આગળ જતાં પ્રોબ્લેમ નથી આવતી પણ લગ્ન થાય પછી પ્રેમ ન થાય તો પ્રોબ્લેમ વધી જાય છે અને આપણે એટલે જ એક મહિનાનો સમય માંગ્યો હતોને…”

“અને જો પહેલા લગ્ન નક્કી થયા હોય અને પછી કોઈ બીજા વ્યક્તિ જોડે પ્રેમ થાય તો…?”

“તું બીજી કોઈ છોકરીને પસંદ નથી કરતો ને…” વૈભવીએ કહ્યું, “જો એવું હોય તો પહેલા જ કહી દેજે..હું તારી ખુશીમાં જ ખુશ છું”

“ના..એવું કશું નથી…” મેં કહ્યું, “હું તો જસ્ટ…”

“પૂછતો હતો..” તેણે કહ્યું.

“હા…”

“બીજો કોઈ સવાલ ?” તેણે પૂછ્યું.

“હા…” મેં કહ્યું, “લગ્ન કરવા માટે સૌથી મહત્વની વાત કંઈ ધ્યાનમાં લેવી જોઈએ ?”

“મને પૂછે તો હું સ્વભાવ કહીશ” તેણે કહ્યું, “રૂપ તો સમય સાથે ઓસરી જાય છે પણ સ્વભાવ પુરી જિંદગી સાથે રહે છે”

“બસ…” મેં કહ્યું, “મારા સવાલ પૂરા થઈ ગયા. તારે કંઈ પૂછવું હોય તો તું પૂછી શકે છે..”

“હું તારી જેવા ડીપ મિનિંગવાળા સવાલ તો નહીં પૂછી શકું પણ મારી બુદ્ધિમત્તા મુજબ પૂછું છું” તેણે કહ્યું, “પ્રેમ અને લગ્ન એકબીજા સાથે સંકળાયેલા છે ?”

“હા…પ્રેમ વીનાનું લગ્નજીવન શક્ય જ નથી” મેં કહ્યું.

“ઑકે.. આગળનો સવાલ” તેણે કહ્યું, “લગ્નજીવન સફળ બનાવવા માટે સૌથી મહત્વની વાત ?”

“વિશ્વાસ..” મેં કહ્યું, “પ્રેમમાં પણ વિશ્વાસ હોવો જોઈએ..નહીંતર પાત્ર બદલાતાં રહે છે પણ પ્રેમ કોઈની સાથે નથી થતો..”

“બરોબર…હવે છેલ્લો સવાલ” તેણે કહ્યું, “તું મને પ્રેમ કરે છે ?”

વૈભવીનો સવાલ સાંભળીને હું વિચારમાં પડી ગયો. હું એને પ્રેમ કરું છું કે નહીં એનાં વિશે મેં કોઈ દિવસ વિચાર્યું જ નહિં. વૈભવી મારાં માટે રાઈટ છે કે નહીં એ વિચારવામાં મુખ્ય વાત જ મેં ના વિચારી.

“સાત દિવસ પછી જવાબ આપું તો ચાલશે ?” મેં પૂછ્યું.

“ના આપ તો પણ ચાલશે..” તેણે હસીને કહ્યું.

“ના, અઠવાડિયામાં હું વિચારીને જવાબ આપીશ” મેં કહ્યું.

“તું મને પ્રેમ નથી કરતો અનિરુદ્ધ..” વૈભવીએ બેરુખીથી કહ્યું. તેની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. એ શા માટે આવું કહેતી હતી. શું અંજલી અને વૈભબી વચ્ચે કોઈ વાતચીત થઈ હતી ?

(ક્રમશઃ)