My Better Half
Part – 10
Story By Mer Mehul
“ગુડ મોર્નિંગ..” અંજલીએ સસ્મિત કહ્યું.
“આઈ ડોન્ટ લાઈક ફોર્મલિટીઝ” મેં કહ્યું, “ચુપચાપ આવીને બેસી જા”
“વેરી ગુડ મોર્નિંગ બોલ, નહીંતર મારે પેલાં વીડિયો વિશે બોસને વાત કરવી પડશે” તેણે હસીને કહ્યું. હું પણ હસી પડ્યો. મારે એ જ જોઈતું હતું. કાલની ઘટનાંથી અંજલીનું વર્તન ન બદલાય એવું હું ઇચ્છતો હતો.
“વેરી ગુડ મોર્નિંગ” મેં મોઢું બગાડીને કહ્યું. એ મારી બાજુમાં બેસી ગઈ.
“ઇફ યુ ડોન્ટ માઈન્ડ…” મેં અચકાતાં અચકાતાં કહ્યું, “મને થોડાં સવાલનાં જવાબ આપીશ”
પ્રણવ હજી બીજા એમ્પ્લોય સાથે ગપ્પા મારવામાં વ્યસ્ત હતો.
“હું જાણું છું તું શું પુછવા માંગે છે” તેણે કહ્યું, “ઓફિસેથી છૂટીને વાત કરીશ”
ઓફિસેથી છૂટીને તો મારે વૈભવીને મળવાનું હતું. મને અંજલીની સ્ટૉરી સાંભળવાની પણ ઈચ્છા હતી..!, બંનેમાંથી કોને પ્રાયોરિટી આપવી એ હું નક્કી નહોતો કરી શકતો. ઓફિસેથી છૂટીને મૂડ આધારે કોને મળવું એવું નક્કી કરી મેં વિચારવાનું છોડી દીધું.
“એટલું બધું શું વિચારે છે ?” અંજલીએ મને પૂછ્યું.
“ઘણીવાર મારી સામે એવી ઘટનાં બને છે જેનાં વિશે મેં સ્વપ્નેય વિચારું નહિ હોય” મેં કહ્યું.
“મારાં ઘરની વાત કરે છે..!” અંજલીએ કહ્યું.
હું એ જ વાત કરતો હતો પણ મારે એ વાત અંજલીને નહોતી જણાવવી.
“એવું જ કંઈક” મેં કહ્યું, “તને ત્યાં કેમ ફાવે છે ?”
“એવી જગ્યાએ રહેવું કોઈને પસંદ ના હોય અનિરુદ્ધ..” તેણે કહ્યું, “પરિસ્થિતિ મજબૂર કરી દે છે”
“હું સમજી શકું છું” મેં કહ્યું, “બધું બરાબર થઈ જશે”
તેણે સ્મિત કર્યું. એ જ્યારે સ્મિત કરતી ત્યારે તેનાં ગાલ પરનાં ખંજન વધુ સ્પષ્ટ દેખાતાં. મેં આ વાતને નોટિસ કરી. પ્રણવ આવ્યો એટલે અમે વાતો કરવાનું બંધ કરી દીધું અને કામમાં ધ્યાન આપ્યું.
સાડા અગિયાર થયાં એટલે અમે ત્રણેય બહાર નીકળ્યાં. મેં સિગરેટ સળગાવી અને અંજલીએ એક સમોસું લીધું.
“આજે કદાચ મારી ટ્રેનિંગનો છેલ્લો દિવસ છે” અંજલીએ કહ્યું.
“તને ફાવી તો ગયું છે ને…!” મેં પૂછ્યું.
“ન ફાવ્યું હોય તો મને કહેજે” પ્રણવ દોઢ ડાહ્યો થયો, “હું તને શીખવી દઈશ”
મેં પ્રણવ સામે જોઇને આંખો મોટી કરી.
“ના… એની કોઈ જરૂર નથી” અંજલીએ કહ્યું, “મને ફાવી ગયું છે. પણ ઓફિસમાં તમારાં બંને સિવાય હું કોઈને ઓળખતી નથી તો જો બીજા કોઈની પાસે મને ડેસ્ક મળશે તો મજા નહિ આવે”
“જોઈએ…જો બીજે ક્યાંય મળે તો આપણે ફેરવી લેશું” મેં કહ્યું.
“હું આવું થોડીવારમાં” પ્રણવે મારી તરફ ટચલી આંગળી ઊંચી કરીને કહ્યું.
“પેલાં લોકો ક્યારે આવે છે ?” પ્રણવ ગયો એટલે મેં પુછ્યું.
“મેં બપોરે એક વાગ્યે આવવા કહ્યું હતું” તેણે કહ્યું.
“ઠીક…” મેં કહ્યું, “હવે એ લોકો તને હેરાન નહિ કરે”
અંજલી મૌન બનીને ઉભી રહી. પ્રણવ આવ્યો એટલે અમે ઓફીસ તરફ ચાલ્યાં.
બરોબર એક વાગ્યે અંજલીનો ફોન રણક્યો. તેણે કૉલ રિસીવ કરીને વાત કરી.
“એ લોકો બહાર છે” અંજલીએ કહ્યું.
હું ઉભો થયો,
“ચાલ…” મેં કહ્યું.
અમે બંને બહાર આવ્યા. બહાર એક મોટો, કાળો, ભદ્દો આદમી સફેદ બુલેટ પર બેઠો હતો. તેનાં ગળામાં મોટો સોનાનો ચેઇન હતો, શર્ટનાં ઉપરનાં બે બટન ખુલ્લાં હતાં. હું અને અંજલી તેની પાસે ગયાં.
“રૂપિયા લાવી છો ને છોકરી” તેણે બુલેટ પરથી ઉતરીને કહ્યું.
“હા..” મેં કહ્યું અને સિત્તેર હજાર ગણીને દીધાં. તેણે રૂપિયા પર હાથ માર્યો (રૂપિયા ગણ્યા).
“આજ પછી હવે એને હેરાન ન કરતાં” મેં કહ્યું.
“હું ક્યાં એને હેરાન કરું છું” તેણે હસીને કહ્યું, “ઉછીનાં રૂપિયા લઈ જાય અને સમય પર ન આપે તો થોડી ધમકી તો આપવી પડે ને..!, બાકી પૂછી જો છોકરીને, મેં એને હાથ પણ નથી લગાવ્યો અને હું એવો માણસ પણ નથી. શકલ ભલે ગુંડા જેવી હોય પણ હું ખાનદાની છું”
“ક્યારેક માણસની પરિસ્થિતિ પણ જોવાય, રૂપિયા જ બધુ નથી હોતું” મેં કહ્યું.
“બે વર્ષ પહેલાં ‘છ મહિનામાં વ્યાજ સાથે રૂપિયા પાછા આપી દઈશ’ એમ કહીને એનો બાપ વિસ હજાર લઈ ગયો હતો. દોઢ વર્ષથી એની પરિસ્થિતિ જોઈને ચૂપ બેઠો હતો” તેણે કહ્યું.
“ચાલ અનિરુદ્ધ…” અંજલીએ મારી તરફ જોઈને કહ્યું. અમે બંને ઓફીસ તરફ ફર્યા.
“એક મિનિટ છોકરી….” પેલાં વ્યક્તિએ અમને રોક્યા. હું અને અંજલી તેની તરફ ફર્યા. તેણે ગણીને વિસ હજાર અંજલીને પાછા આપ્યાં.
“હું એટલો બધો પણ લાલચુ નથી” તેણે કહ્યું, “તારી મમ્મીની દવા માટે આપું છું, રહેમ ના સમજતી. તારી મમ્મીએ મને એકવાર ભાઈ કહીને રાખડી બાંધી હતી અને હું કોઈનો કરજ માથે નથી રાખતો”
એ માણસને જોઈને કોઈ કહી ના શકે કે એ એટલો ભલો આદમી હશે. મેં તેની સાથે હાથ મેળવીને થેંક્યું કહ્યું. એ ત્યાંથી જતો રહ્યો.
“આ રૂપિયા…” અંજલીએ વિસ હજાર મારાં તરફ ધર્યા.
મેં ગજવામાંથી બીજા ત્રીસ હજાર કાઢીને તેનાં તરફ ધર્યા,
“મારાં પપ્પાએ તને આપવા કહ્યું હતું” મેં કહ્યું.
“અનિરુદ્ધ…” તેણે કહ્યું, “હું આ કેવી રીતે લઉં ?”
“આવી રીતે..” મેં તેનો હાથ પકડીને રૂપિયા તેનાં હાથમાં રાખ્યાં.
“પણ…”
“પણ..બણ.. કંઈ નહીં” મેં કહ્યું, “કહ્યુંને રાખી લે”
“હું સમય આવ્યે તને પાછા આપી દઈશ” તેણે કહ્યું.
મેં હકારમાં ડોકું ધુણાવ્યું. અમે બંને ઑફિસ તરફ ચાલ્યાં. જમીને હું ડેસ્ક પર આવ્યો. અંજલી કોમ્પ્યુટરમાં વ્યસ્ત હતી. પ્રણવ તેનાં કોમ્પ્યુટરમાં. મેં મોબાઈલ હાથમાં લઈને વોટ્સએપ ખોલ્યું. વૈભવીનો મૅસેજ હતો,
‘સાંજે એક સરપ્રાઈઝ માટે રેડી રહેજે’ સાથે આંખ મારતાં ત્રણ ઇમોજી હતાં. એ ઓફલાઇન હતી એટલે મેં તેને જવાબ આપ્યાં વિના વોટ્સએપ બંધ કરી દીધું.
સાંજનાં સાડા છ થયાં હતાં. અમે શટલમાં બેઠાં હતાં. હું અને અંજલી. મેં ઘણું વિચાર્યું પછી અંજલી સાથે વાત કરવાનું નક્કી કર્યું હતું. વૈભવીને મેં મળવાની ના નહોતી કહી. અંજલીની વાતો સાંભળીને વૈભવીને મળવા જવું એવું મેં નક્કી કર્યું હતું. વૈભવીને મૅસેજ કરીને મેં સાડા સાત વાગ્યે મળવાનું કહ્યું હતું. અમે અંજલીનાં ઘરે પહોંચ્યા ત્યાં જ સાત વાગી ચુક્યા હતાં.
સામે ચાલીને ચૂલા પાસેની પાટલી સરકાવીને હું તેનાં પર બેસી ગયો. અંજલી મારાં માટે પાણી લઈ આવી.
“ખાલી પાણીથી નહિ ચાલે, ચા પણ જોઈશે” મેં કહ્યું.
“બેસ તું, હું બનાવી આપું” તેણે કહ્યું.
“તું બેસ..હું ચા બનાવું” મેં કહ્યું, “મને ચા બનવતાં આવડે છે”
“પણ ચૂલા પર…” તેણે કહ્યું.
“ચૂલા પર ચા બનાવવી એક એડવેન્ચર જેવું છે” મેં કહ્યું, “મજા આવશે”
“ચાલ તો…” તેણે કહ્યું અને અમે બંને ચૂલા પાસે પહોંચી ગયાં. અંજલીએ ચા અને ખાંડનાં ડબ્બા એકઠા કર્યા. એ સમય દરમિયાન મેં ચૂલો સળગાવવાની કોશિશ કરી. એમ ચૂલો સળગી જાય તો નારી જાતનું અપમાન થઈ જાયને…!, ચૂલો ના સળગ્યો.
“વેઇટ…હું સળગાવી આપું” અંજલીએ કહ્યું અને થોડાં પાતળા લાકડાં ચૂલામાં રાખ્યાં. પ્લાસ્ટિકની થેલી સળગાવી તેણે ચૂલામાં રાખી. બે મિનિટ પછી જ્યોત મોટી થઈ ગઈ.
“શરૂઆતમાં પાણી ઉકાળવાનું હોય” મેં ચા બનાવવાની રીત કહી, “ત્યારબાદ ચા અને ખાંડ નાંખી, ઉભરો આવે એટલે દૂધ નાંખી દેવાનું”
“કોશિશ કર…” અંજલીએ હસીને કહ્યું. મેં પા ભાગનાં ગ્લાસનું પાણી તપેલીમાં રેડ્યું. ત્યારબાદ જ્યારે પાણી ઉકળી ગયું એટલે માપસરની ચા અને ખાંડ ઉમેરી. ખાંડ ઓગળી ગઈ અને ચાનો ઉભરો આવ્યો એટલે મેં દૂધ રેડી દીધું. ફરી એક ઉભરો આવ્યો એટલે ચિપિયા વડે તપેલીને પકડીને મેં તપેલી ચૂલા પરથી ઉતારી લીધી.
“અરે વાહ..તને તો સાચે ચા બનાવતાં આવડે છે” અંજલીએ કહ્યું. મેં ચા સ્ટીલની કિટલીમાં રેડી, ત્યારબાદ બે રકાબીમાં.
“અહા…” એક ઘૂંટ ભરીને મેં કહ્યું, “ચા વિના જિંદગી અધૂરી લાગે”
“કડક ચા બનાવે છે..” અંજલીએ કહ્યું, “તારી પત્નીને માથું દુઃખે ત્યારે બનાવી આપજે”
પત્નીનું નામ સાંભળીને મને વૈભવી યાદ આવી ગઇ. મેં ઘડિયાળમાં સમય જોયો. સવા સાત થઈ ગયાં હતાં. સાડા સાત વાગ્યે CCDમાં આવવાની હતી અને હું સમયસર નહોતો પહોંચી શકવાનો. હજી તો અંજલીએ વાત પણ શરૂ નહોતી કરી, એની વાતો કેટલી લાંબી હશે એની પણ મને ખબર નહોતી. વૈભવી રાહ જોઇને થાકી જશે એટલે મને કૉલ કરશે એમ વિચારીને મેં ફોન સાયલન્ટ કરી દીધો.
“તું કંઇક કહેવાની હતી” ચા પુરી કરીને મેં કહ્યું.
“મારાં ઘરની પરિસ્થિતિ વિશે” અંજલીએ કહ્યું. મેં પાટલી પર બેઠક લીધી. અંજલી નીચે પલાંઠી વાળીને બેસી ગઈ.
“આ મારું ઘર નથી..” અંજલીએ વાત શરૂ કરી, “અહીં અમે ભાડે રહીએ છીએ, મારું ઘર તો નજીક ત્રણ ગલી છોડીને છે”
“રિસ્યુમમાં જે એડ્રેસ છે એ..” મેં વચ્ચેથી કહ્યું.
“હા, એ જ મારું ઘર છે” તેણે કહ્યું, “અહીં અમે બે વર્ષથી રહીએ છીએ. બે વર્ષ પહેલાં એવી ઘટનાં બની જેને કારણે અમારે અહીં રહેવા માટે આવવું પડ્યું. મારાં પપ્પાને માણેકચોકમાં જ્વેલરીની દુકાન હતી. હું એકની એક દીકરી હતી એટલે તેઓએ મને ખૂબ જ લાડથી ઉછેરી છે. બધું બરોબર જ હતું પણ ચાર વર્ષ પહેલાં આવેલી મંદીને કારણે ધંધો ઠપ થઈ ગયો. લેણદારોને રૂપિયા ચૂકવવા પપ્પાએ દુકાન વેચી નાંખી. મારાં પપ્પા ત્યારે શૂન્યમાંથી સર્જન કરી શક્યા હોત પણ સંગત બદલાવવાને કારણે તેઓ જુગાર અને દારૂની લતે ચડી ગયાં.
તેઓ રોજ દારૂ પીને ઘરે આવતાં. એ સમય દરમિયાન મમ્મી પણ બીમાર પડ્યા. તેઓને લીવરની પ્રોબ્લેમ છે, માત્ર 20% જ લીવર કામ કરે છે. શરૂઆતમાં મમ્મીને પૂરાં શરીરે ખંજવાળ આવવા લાગી, ત્યારબાદ પગમાં સોજા ચડવા લાગ્યાં. અમે રિપોર્ટ કરાવ્યા તો લીવર ડેમેજ નીકળ્યો. એકબાજુ પપ્પા કશું કમાતા નહોતાં અને બીજી બાજુ મમ્મીની દવાનો ખર્ચો. પપ્પાએ ઘર ગિરવે રાખીને વિસ લાખની લોન લીધી. એ વિસ લાખ પપ્પાએ ક્યાં નાંખ્યા એની કોઈ જ જાણકારી મને નથી. હું પપ્પાને પૂછતી તો ‘હજી રૂપિયા આવ્યાં જ નથી’ એવો તેઓ જવાબ આપતા.
એક સમયે પપ્પાને પણ લીવરની તકલીફ થઈ. વધુ દારુ પીવાને કારણે બે જ વર્ષમાં તેઓનો લીવર ફેઈલ થઈ ગયો હતો. હું ત્યારે કોલેજનાં છેલ્લાં વર્ષમાં હતી. પપ્પાએ ઈલાજ માટે ઘણાં લોકો પાસેથી રૂપિયા ઉછીનાં લીધાં, રૂપિયા ખૂટી ગયાં તો અમે સિવિલમાં પણ ઈલાજ કરાવ્યો. પણ પપ્પાની સ્થિતિ ન સુધરી અને તેઓ…..”
અંજલીએ ડૂસકું ભર્યું. એ વાત કરશે ત્યારે રડી પડશે એ વાતનો મને અંદાજો હતો જ. મેં પહેલેથી મૌન રહેવાનું નક્કી કર્યું હતું.
“પપ્પાનાં મૃત્યુ બાદ, જે કંપની પાસેથી લોન લીધી હતી તેઓએ અમારી પાસેથી ઘર પડાવી લીધું અને ઘર સિલ કરી દીધું. મારી પાસે ત્યારે રૂપિયા નહોતાં. મમ્મી કામ કરી શકે એવી હાલતમાં નહોતાં, એટલે મેં જોબ કરવાનું શરૂ કરી દીધું.
મારાં પપ્પાએ તેનાં અંતિમ સમયમાં કહેલું કે તેઓને સાચે લોનનાં રૂપિયા નહોતાં મળ્યાં. નશાની હાલતમાં તેઓની પાસેથી ડોક્યુમેન્ટમાં સિગ્નેચર કરાવી લીધી હતી. મેં એ કંપની સામે કેસ કર્યો પણ કોઈ વકીલે મને જવાબ ન આપ્યો. હજી એ કેસ ચાલે છે. જ્યાં સુધી કેસનું પરિણામ ન આવે કંપનીવાળાએ અમારું ઘર ભાડે રહેવા માટે આપી દીધું. જો અમે કેસ જીત્યા તો નુકસાન ભરપાઈનાં દસ લાખ અને બે વર્ષનાં ભાડા સહિત તેઓએ અમને રકમ આપવી પડશે.
છેલ્લાં બે વર્ષથી હું જુદી જુદી કંપનીમાં જોબ કરું છું. ક્યાંક આર્થિક શોષણનાં ડરથી તો ક્યાંક મારી આર્થિક પરિસ્થિતિની જાણ થવાથી મારે જોબ ચેન્જ કરતી રહેવી પડે છે”
અંજલીએ વાત પૂરી કરી તયારે તેની આંખો છલકાઈ ગઇ હતી.
“મમ્મીને કેમ છે હવે ?” મેં ધીમેથી પૂછ્યું.
“દવાની અસર રહે ત્યાં સુધી સારું રહે છે” તેણે કહ્યું, “દિવસમાં એકવાર એ બહાર નીકળે છે, બાકીનો સમય એ સુતા જ રહે છે”
“બધું ઠીક થઈ જશે” મેં કહ્યું, “આપણે સારા વકીલને મળીશું, કેસ રીઓપન કરાવીશું. જેટલો ખર્ચો થાય એટલો હું કરવા તૈયાર છું. મારી સામે જો અંજલિ” મેં તેની હડપચી પકડીને તેનો ચહેરો ઊંચો કર્યો, “હું તારા પર કોઈ મહેરબાની નથી કરતો, કેસ જીતી જા અને જે રકમ મળે તેમાંથી મને રૂપિયા પાછા આપી દેજે પણ તમારું એ ઘર પાછું મેળવીને જ હું જંપીશ”
તેણે ગરદન ઝુકાવી,
“અંજલી…” મારું હૈયું પણ ભરાઈ ગયું હતું, “તું રડ નહિ પ્લીઝ. અત્યારે તારી પાસે જે રૂપિયા છે તેમાંથી મમ્મીનો ઈલાજ કરાવ, વધુ જરૂર પડે તો બેજીજક મને કહેજે”
એ મૌન હતી. મેં ઘડિયાળ પર નજર કરી, આઠ વાગવામાં દસ મિનિટની વાર હતી. વૈભવી શું વિચારશે તેનો મને કોઈ ડર નહોતો. અંજલીને મારી જરૂર હતી, એક દોસ્તને દોસ્તની જરૂર હતી.
“તારે કોઈ બોયફ્રેન્ડ નહોતો ?” મેં વાતાવરણ બદલવાની મનશાથી કહ્યું.
“ના..” તેણે નકારમાં માથું ધુણાવ્યું.
“આટલી ક્યૂટ છોકરી પર કેમ કોઈની નજર ના પડી” મેં હસીને કહ્યું, “પ્રણવ વિશે શું ખ્યાલ છે ?, એ તારાં પર ફિદા છે”
“મને ખબર છે” અંજલીએ કહ્યું, “છોકરી ગમે તેવી હોય. બધી જોબ પર એક છોકરો તો એવો હોય જ જે એ છોકરી પર ફિદા છે…પ્રણવને મારી પાસે શું જોઈએ છે એ પણ મને ખબર છે”
“અચ્છા…બધી ઓફિસમાં મારી જેવા છોકરા હોય છે કે અહીં જ મળ્યો ?” મેં પૂછ્યું.
“ના…તારી પહેલાં આવો દોસ્ત મને કોઈ દિવસ નથી મળ્યો” તેણે સ્માઈલ સાથે કહ્યું.
“થોડો અકડું પણ દિલનો સારો” મેં પોતાનાં જ વખાણ કર્યા.
“હા…” કહેતાં તેનાં ચહેરા પરની સ્માઈલ કાન સુધી ખેંચાઈ ગઈ.
(ક્રમશઃ)