કૂબો સ્નેહનો - 58 Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂબો સ્નેહનો - 58

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 58

સાવચેતી રાખીને ફૂંકી ફૂંકીને પગલાં ભરવા માટેની જાત જાતની સલાહ સૂચનો વિરાજ ઉપર ફટાકડાની લૂમની જેમ અમ્મા અને દિક્ષાની ફૂટી રહી હતી. એમને તો જાણે નતાશાના ઝેરી ફુંફાડા દેખાઈ રહ્યાં હતાં. સઘડી સંઘર્ષની.....

❣️કૂબો સ્નેહનો❣️

દિક્ષાને 'શૌતન' કહેવાથી વિરાજનું હૈયું તારતાર થઈ ગયું હતું. એ શૌતન શબ્દની વિરાજના હૈયે કળ હજુ વળી નહોતી ત્યાં તો નતાશાએ 'ટ્વિન્સ્' નામનો બોમ્બ એમના માથે ફોડ્યો હતો. અમ્મા અને દિક્ષા જે વિરાજની મજબૂત ઢાલ હતી એમનાં ઉપર જ તરાપ મારી હતી. વિરાજે સમજીને જાણી જોઈને સ્વસ્થતા જાળવી હોઠ પર મૌન સીવી લીધું હતું કેમકે, નતાશા સામે જીભાજોડી કરવામાં કોઈ સાર નહોતો. અમ્મા અને દિક્ષાનું હિંમત નામનું કવચ તૂટી જવાના ડરથી અત્યારે ન બોલવામાં નવ ગુણ છે એ જાણતો હતો. 'એમણે મારા માટે કેટકેટલું સહ્યું છે. નતાશા નામનો કાંટો દૂર કરવો જ રહ્યો.'

વિરાજે દિક્ષાનો હાથ પકડી લીધો.
"દિક્ષુ હું સમજી શકું છું કે તારા માટે આ શબ્દો સાંભળવા કેટલાં મુશ્કેલ થઈ પડ્યાં હશે. પણ તું બને તો મારા પર વિશ્વાસ રાખજે. તારો હક્ક પાછો અપાવવા હું આકાશ પાતાળ એક કરીશ." એના અવાજમાં અને હાથમાં ભારોભાર ધ્રુજારી દિક્ષાને વર્તાઈ રહી હતી.

હૈયે સળગતા દાવાનળ ઉપર છમ્મ કરતું પાણી રેડાય અને ભારેલો અગ્નિ ઓલવાય એમ દિક્ષાના કાળજે ટાઢક ફરી વળી. વિરાજને ગુમાવ્યાની ડરની ફાંસ એના મનમાં ખૂંચતી હતી એ નીકળી ગઈ. અમ્માનું પીઠબળ તો હતું જ પણ હવે વિરાજના શબ્દો એના હૈયાને શીતળ કરવા માટે કાફી હતાં. નતાશા સામે જવાબો વાળતી દિક્ષાના આખાય શરીરમાં સિંહરન સાથે આજે હવે એક નવો જોમ અને જુસ્સો ફરી વળ્યો હતો.

"દિક્ષુ અમ્મા હવે જલ્દી નીકળો તમે અહીંથી, નતાશા ફ્રૂટ લેવા નીકળી છે થોડીવારમાં એ આવતી જ હશે. એના નાક ઉપર સોડાની જેમ ઉભરો તૈયાર જ હોય છે."

"વિરુ દીકરા, વ્હાલા કાન્હાજી સૌ સારા વાના કરશે. અને નતાશાથી શા માટે આટલાં બધાં ગભરાવાનું? રાવણની બહેન સુરપંખાએ રામ-લક્ષ્મણ સાથે જ લગ્ન કરવાની જીદ કરી ત્યારે એનું નાક કપાયું હતું અને રાવણના મૃત્યુ પાછળ પણ એ નિમિત્ત બની હતી. ચિંતા ના કર. ચિંતા તો માણસની વેરી છે. પંપાળીને પોષણ આપીએ તો ફોલી ખાય છે !"

"જાણે અજાણે થયેલા અપરાધને અત્યારે તક મળી છે એ તારે જ સુધારવાની છે. નવો કોઈ અપરાધ ન થાય એની તારે ખાસ કાળજી રાખવાની." અમ્મા બધીયે ઘટનાઓને સાવ જ સ્વાભાવિક લેતા હોય બોલ્યાં અને દસે આંગળીએ વિરાજના ઓવારણાં લીધાં.
"મનોમન મહા મૃત્યુંજયના જાપ કરતો રહેજે. તારા સ્વાસ્થ્યનું અને તારું રક્ષણ થતું રહેશે."
દિક્ષાએ અમ્માની પાછળ રહીને જ એમને દેખાય નહીં એમ ફ્લાઇંગ કીસની ચેષ્ટા કરી પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં શુ કર્યો પણ પછી તો શરમ જાણે લાલઘૂમ થઈને દિક્ષાના ચહેરે વીંટળાઈ વળી. ભમરો જઈને ફુલને આલિંગે એવી રીતે એને દિક્ષાને વળગી પડવાનું મન થઈ આવ્યું.

થોડીવાર માટે કોઈક અજાયબ શાંતિએ સૌના મન મસ્તિષ્કને ભીંસમાં લઈ લીધાં હતાં. ઘડીક થોડોક સમય વોર્ડમાં અને વિરાજના અંતરમાં પણ એક સૂનકાર છવાઈ ગયો. કાન્હાના મેઘધનુષી રંગોના મોરપીંછ વડે અમ્માએ એ ગુમસૂધા સફેદીને રંગી દીધી.

ફરી એકવાર શ્યામ બંસી બજાવ..
ભટકેલા અમોને મારગ બતાવ..
વ્હાલો વસે કણકણમાં..હર ધડકનમાં.
તને શોધું હર ધડકનમાં..હર શ્વસનમાં..
છુપાયો વાંસળીના સૂરમાં..મોર પીછમાં..
તું કદી ન સમજાયો એક જનમમાં
ફરી એકવાર શ્યામ બંસી બજાવ..
ભટકેલા અમોને તું મારગ બતાવ..
કરું સ્મરણ..ઝરમર પ્રેમ વરસાવ..
ના માગું વધાર..તારા હૈયે છુપાવ..
આંખો ભીંજાય..ડૂસકું સંભળાય..
પ્રેમાશ્રુ હવે ન છલકાવ..કર ઉદ્ધાર..
ફરી એકવાર શ્યામ બંસી બજાવ..
ભટકેલા અમોને તું મારગ બતાવ.. -©રુહાના

ગાઢ કોઈ જંગલમાં આવનારી અવનવી આફતોનો સામનો કેવી રીતે થશે એ કોઈ નહોતું જાણતું. ત્રિભેટે એકબીજાને વળગીને ત્રણેયથી રડી પડાયું હતું. મજબૂત મનોબળ રાખી અમ્મા અને દિક્ષાએ વિરાજ જોડેથી અદ્ધર શ્વાસે ત્યાંથી વિદાય લઈને નીકળી ગયાં.

પ્રગતિની હોડમાં પોતાની ભૂલ ન સ્વિકારીને આગળ જતાં એ વ્યક્તિ ક્યાંય પાછળ રહી જાય અથવા વર્ષો પછી પણ તે હોય ત્યાંને ત્યાં જ હોય. પણ વિરાજે પોતાની ભૂલનો સ્વીકાર કરી આનંદ અને સંતોષ સાથે અત્યારથી જ પ્રતિષ્ઠા મેળવી લીધી હતી.

વિરાજ મગજ કસીને આગળનું બધું યાદ કરવા મથ્યો. દિક્ષાને શૌતન કહીને નતાશા એવું કહેવા માંગતી હતી કે મેં એની સાથે લગ્ન કર્યા છે? પણ ક્યારે? કંઈક ધુંધળુ યાદ આવી રહ્યું હતું. માથે કંઈક વજનદાર વસ્તુનો જોરદાર ફટકો વાગવો, બેભાન થઈ પડી જવું, હૉસ્પિટલમાં ભાનમાં આવવું, નતાશાનું કોઈની સાથે ત્યાં ગુસુર પુસુર કરીને ઝગડવું, 'એ કોણ હશે? કોણ હતું એ યાદ નથી આવી રહ્યું.' પોતાને હૉસ્પિટલમાં જોઈને ચીસ પાડી ઉઠવું, 'કોણ છું?, ક્યાં છું? શું થયું મને?, ને અહીં કંઈ રીતે આવ્યો?', નતાશાનું નજીક દોડી આવવું અને કહેવું કે, 'ડીયર આપ હૉસ્પિટલ મે હો. આરામ કરો. મેં હૂંના આપકે સાથ, અબ સો જાઓ. કુછ યાદ કરને કી કોશિશ મત કરો. તુમ્હે ધક્કા દેકર આપકી બીવીને ઘર સે નિકાલ દિયા હૈ. એસેહી છોડ દીયા તો ક્યા હુઆ! મેં આપકા સાથ દૂંગી. અબ મેરે સાથ હી આપ રહેના.' ત્યારબાદ કૉર્ટમાં મેરેજ.. વિરાજ બધું માથું પકડીને યાદ કરવા મથતો રહ્યો પણ યાદશક્તિને જાણે કોઈએ તાળું વાસી દીધું હતું. બારણાંની તીરાડમાંથી આછુંપાતળું દેખાય એમ થોડું કંઈક સમજાઈ રહ્યું હતું.

વળી પાછો દિક્ષાનો ચહેરો આંખો સમક્ષ તરવરી ઉઠતા મોઢું મલકાઈ ઉઠ્યું.
'દિક્ષાના અવાજમાં કેવો કલરવ કરતો ટહૂકતો ટંકાર છે! મધુર હાસ્ય રેલાવતો ફૂલજડી જેવો ચહેરો. જાણે ગુલાબની પાંખડીઓ ખીલી. પ્રેમ છલકાવતી આંખો. હૈયું તો પ્રેમ અને લાગણીઓથી તરબતર. મીણ જેવું મુલાયમ.' લાગણીઓના ઘોડાની લગામ આજે ખેંચે ખેચાય એમ નહોતી. કંઈક અવાજ સંભળાતા વિચાર વેગ અટક્યો. સામે નતાશા ઊભી હતી.

"હેલો.. મેરે લકી ચામ! હમ આ ગયે.. આપકે લિયે ગરમાગરમ કડક મીઠી ચૉકો લાટે ઔર યે ફ્રૂટ્સ!"

વિરાજના વિચારોની ડમરી ઓચિંતી બેસી ગઈ. પહેલા તો એને થોડું અડવું ફીલ થયું પણ પછી યાદ આવ્યું, 'તારે એને મીઠી મધુરી વાતોમાં ફસાયેલી જ રાખવાની.'

"થેંક્સ નતાશા. આઇ લાઇક લાટે." નતાશાને વધારે બટર ચોપડાવતા બોલ્યો,
"વાઉ.. ડ્રેગન ફ્રૂટ? ઇટ્સ માય ફેવરિટ.. તુમ કિતની અચ્છી હો."

"હમે પતા હૈ વિરાજ, આપકો ડ્રેગન ફ્રૂટ બહોત પસંદ હૈ. ચલો ઉઠો પહેલે યે કૉફી પી લો ઠંડી હો જાયેગી." વિરાજ પોતાને નતાશા સાથે વાતાવરણમાં ખુદને ઢાળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
'પણ આ મેરેજ ક્યારે અને કયા સંજોગોમાં કર્યા હશે? જેની સાથે એક કલાક પસાર કરવો મુશ્કેલ છે, ને એની સાથે લગ્ન? મારી મેમરી લૉસ થઈ ગઈ હતી એનો ફાયદો ઊઠાવી, નતાશાએ મને પ્રેમભરી વાતોમાં ફોસલાવીને કૉર્ટ મેરેજ કરી લીધા હશે." આવો ક્યાસ કાઢીને વિરાજ ક્યાંય સુધી પોતાને ભીતરથી વલોવતો રહ્યો. 'પણ હવે એના જોડેથી ડિવોર્સ લેવા કઈ રીતે? એની ચુંગાલમાંથી નીકળવાનો રસ્તો શોધવો જ પડશે. હું બહુ વધારે સમય એની સાથે નહીં વિતાવી શકું.' વિરાજ પોતાનું મગજ ખોતરવા લાગ્યો હતો.

આ જીવન રણના સંગ્રામમાં કોઈનાય સાથ વિના એણે એકલાએ જ લડવાનું હતું. 'અમ્માએ અહીંથી એ તરફ પાછા ફરવાના બધાં માર્ગ મારા માટે બંધ કરી દીધા છે. મારું કરેલું મારે જ સુધારવાનું છે. એને ખોખલી અને નાટકિય સહાનુભૂતિ બતાવવાની છે જે મને પોતાનેય ખોખલી કરી રહી છે.'

હૉસ્પિટલમાં નતાશા વારંવાર વિરાજને પુછતી રહી, "અમ્મા ઔર દિક્ષાકી આને જાનેકી એન્ટ્રી ક્યુ બંધ હો ગઈ. કુછ હુઆ હૈ ક્યા?"

"અમ્માને સ્ટ્રોક આવ્યો હોવાથી, દિક્ષા એમની દેખભાળમાં લાગી ગઈ છે." વિરાજ અવાજમાં હિમ જેવી ઠંડક ભરીને બોલ્યો.

"કહાઁ! યે હૉસ્પિટલ મેહી હૈ દોનોં? કોનસે વોર્ડ મે હૈ. ઉન્હે દેખ આઉં જરા. બતાઓ મુજે." એકસાથે સવાલોનો મારો કરીને નતાશાએ બળજબરી પૂર્વક બધું જાણવાની કોશિશ કરી હતી.

"જાને દો કોઈ જરુરત નહીં હૈ મિલને કી. બહોત જોરોકી ભૂખ લગી હૈ નતાશા. ફ્રુટ્સ કટ કરોના જલ્દી."
વિરાજ જાણતો હતો કે નતાશા ગમે ત્યારે ગમે તે કરી શકે છે. એ વિચારથી એણે એ વાત ઉપર ત્યાંજ પૂર્ણ વિરામ મૂકીને વાત વાળી લીધી.©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 59 માં વિરાજ નતાશાની જાળમાંથી નીકળવા શું કરશે..?

-આરતીસોની©