કેરાલા પ્રવાસ 1997
હું મારા 24 વર્ષ પહેલાંના પ્રવાસની વાત કરીશ. સ્થળો એ નાં એ છે પણ વાતાવરણ અને અમુક ઐતિહાસિક વાતો આજે બદલાઈ ગઈ છે.
એ વખતે કોંકણ રેલવે ન હતી. એ 2000 થી થઈ. કેરાલા જવા એર્નાકુલમ કોચીનની ટ્રેઇન બેંગ્લોર થઈને જતી. કોમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન ચાલુ થઈ ગયેલાં પણ લાઈનો ખૂબ લાંબી. અને દક્ષિણની ટ્રેઇનો માટે તો લોકો રાતથી કાલુપુર સ્ટેશનની ફૂટપાથે લાઈનમાં સુવે. ગાંધીગ્રામમાં એજન્ટો અને બ્લેકમેઈલિયાઓનું ઓછું ચાલતું એટલે ત્યાં સવારે સાડા છ વાગે લાઈનમાં ઉભી નાગરકોઈલ એક્સપ્રેસ માટે બુકીંગ કરાવ્યું.
એ વખતે જેમ ક્યારેક જિંગલ હતું કે 'ઠંડા મતલબ કોકાકોલા' તેમ એલટીસી મતલબ જીરાવાલા કે પછી થયેલી નવભારત ટ્રાવેલ્સ. તેમની 2x3 બસ મોટે ભાગે હોય, સ્લીપરમાં એક સીટ પર ત્રણ બેસે ત્યાં ચાર એડજસ્ટ કરવા પડે એ પણ લાંબી મુસાફરીમાં. બાકી તેમની બસ, કોમન રૂમો માં આખી બસે રહેવાનું અને ક્યારેક રેલવેના નળોની પાઈપ ખેંચી નહાવાનું. અને ભાડું ફર્સ્ટક્લાસ ફેરની નજીકનું કેમ કે એ લોકોને ખ્યાલ હતો કે કર્મચારીઓને ફર્સ્ટક્લાસ ફેર મળે. એટલે જ મોટા ભાગના લોકો ડમી ટ્રાવેલ બિલ પર જ એલટીસી લેતા. કેટલાક શિક્ષકોની આખીને આખી શાળાઓના સમૂહ એમ પકડાએલ. મારે તો પ્લેન ફેર પણ મળે પણ મારી બહેન સાથે હતી તેને ફર્સ્ટ કલાસ ફેર મળે તેથી મહા મહેનતે ફર્સ્ટકલાસ ની ટિકિટો બુક કરાવેલી અને એક્ચ્યુઅલ ફર્સ્ટક્લાસમાં થાય તેટલું દૂર જવાનું રાખેલ જેથી સંતાનોને સારી રીતે ફરવા જાણવા મળે.
તો નાગરકોઈલ એક્સપ્રેસ દરેક એ વખતની દક્ષિણ તરફ જતી ટ્રેનોની જેમ સવારે 10 ને બદલે સાડાબારે અમદાવાદ આવી. ચડીને વડોદરા સુધી તો ઊંઘ ખેંચી કાઢી. કલ્યાણ જાય પછી વેસ્ટર્ન રેલવે પુરી એટલે ભગવાન ભરોસે. પુના, સોલાપુર, ગુંટકલ બેંગ્લોર થઈ ટ્રેન કન્યાકુમારી તરફ બે રાત અને ત્રીજો આખો દિવસ વટાવી આગળ વધી. બપોરે ત્રણ વાગ્યા પછી તો બેય બાજુ રબર પકવતાં લીસા થડ વાળાં ઊંચાં વૃક્ષો આવવા લાગ્યાં જેની ઉપર દીવડાના આકારની કાળી વાટકીઓ ચીપકાવેલી હતી, રબરનો રસ એકઠો કરવા. ઉપર તીક્ષ્ણ છરા ખૂંપાવેલા. નીલગીરી અને એ પ્રકારનાં સાવ સીધાં અને પાતળા થડો વાળાં વૃક્ષો આવતાં ગયાં. પશ્ચિમ ઘાટના ભોંયરાંઓ વટાવી હવે દૂરથી સમુદ્રની ખારી હવા શ્વાસમાં લેતા હતા. લાલ માટીના ઊંચા ખડકો વચ્ચેથી ટ્રેન જતી હતી.
અંતિમ સ્ટેશન નાગરકોઈલ હતું જ્યાંથી કન્યાકુમારી બસમાં 32 કીમી દૂર હતું. વરકલ્લા તે પહેલાં એક કલાકે આવે. ત્યાં જનાર્દન મંદિર અને લાલ રેતીનો બીચ છે જે અમે પછીથી જોએલ.
વરકલ્લા રાત્રે આઠેક વાગે ઘોર અંધારામાં ગયું અને નાગરકોઈલ આવે તે પહેલાં તો તે નવેમ્બર પહેલા વીકમાં ત્યાં શિયાળુ ચોમાસું હોઈ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. એ જ વરસતા વરસાદમાં અંતિમ સ્ટેશન નાગરકોવિલ આવ્યું અને સહુ ઉતર્યા.
સ્ટેશને જો રિટાયરિંગ રૂમ હોય તો પૂછ્યું પણ માત્ર વેઇટિંગ રૂમ જ હતા. અર્ધો કલાક તો સ્ટેશને જ બેઠા રહ્યા કેમ જે ધોધમાર વરસાદ હતો. એ તરફ ગુજરાત કરતાં ઘણો જોરથી અને મોટી ધારે વરસાદ પડતો લાગ્યો. દસ વાગવા આવ્યા. સ્ટેશન માસ્ટર કહે કન્યાકુમારી જવા બસો અર્ધો કિલોમીટર આગળથી મળશે. સાડાદસ પછી નહીં મળે. તેથી એ લોકોના પ્રમાણમાં ધીમા અને મારા પ્રમાણે ભારે વરસાદમાં બેગો સહિત બહાર નીકળ્યા. બસો ક્યાંથી મળે તે હિન્દીમાં પૂછવું શરૂ કર્યું, ખાસ કોઈ હિન્દી સમજે નહીં. તમિલમાં જવાબ દે.
મેં બેગ અને થેલા લઈ આગળ ગયે રાખ્યું. પાછળ શ્રીમતીજી અને પુત્રો, બહેન. ઘોડાગાડી વાળાં તો કહે 30 કે 40 રૂ. માં ગાડી કરો તો બતાવીએ. આખરે હાંફળા ફાંફળા જતાં એક અવ્યવસ્થિત, સફેદ ધોતી અને અર્ધી બાંયનું ચોળાયેલું શર્ટ પહેરેલ વ્યક્તિએ ઈશારો કર્યો કે મારી પાછળ આવો.એ ઝડપથી જવા લાગ્યો. શ્રીમતીએ બે લેડીઝ સાથે એની પાછળ જવાની ના પાડી. એ સમજી ગયો. એટલું જ બોલ્યો- 'નો વરી. ટીચર.' હું તેની પાછળ દોડતો ચાલ્યો. એણે બસડીપો માં લઇ જઈ કન્યાકુમારી ની બસ પકડાવી. કહે એ સમજી ગયો અમે અજાણ્યા છીએ અને એ પબ્લિક પૂરો લાભ લેત. જોખમ પણ હતું. એની ઉપર પણ રસ્તો બતાવવા બદલ એનજ લોકો ગુસ્સે થશે. એટલે એક વણ કલ્પેલા જોખમમાંથી બચ્યા. બસ કંડક્ટરને કન્યાકુમારી ની ટિકિટ માગતાં તેણે પહેલું કે બીજું સ્ટોપ કે વિવેકાનંદ નગર એમ પૂછ્યું. મેં મને કોઈ સ્ટોપની ખબર નથી, સારી હોટલો હોય ત્યાં ઉભાડો એમ કહ્યું જે બસમાંથી કોઈએ તેને ટ્રાન્સલેટ કરી આપ્યું. કંડકટરે ફરીથી વરસતા જોરદાર વરસાદ વચ્ચે કન્યાકુમારી ગામ ના સ્ટેન્ડ પર હોટેલ વિવેકાની બહાર જ ઉભી રાખી અમને ત્યાં જવા કહ્યું. ત્યાં સ્ટેન્ડ ન હતું પણ એટલો અજાણ્યા જોઈ સહકાર આપ્યો. હોટેલ સારી અને રિઝનેબલ ભાડું હતું. અમે ભીના કપડાં બદલી ગરમ પાણી મંગાવી કેમ કે હીટરમાં તો વાર લાગે, રાતે પોણા અગિયારે નહાઈ તેમની પાસે જ નજીકથી કોઈ ખાવાનું મંગાવી ચાર દિવસનો થાક ઉતારતા સુઈ ગયા.