કેરાલા પ્રવાસ 1997 - ભાગ 2 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કેરાલા પ્રવાસ 1997 - ભાગ 2

ભાગ 2

દિવસ 2

એ વખતે બ્રન્ચ ને એવી પ્રથા ન હતી. હોટેલમાં રેસ્ટોરાંમાં કોફી મંગાવી તેઓ નજીકથી ઈડલી અને બીજો નાસ્તો લઈ આવ્યા. તેમનું જમવાનું મોડું શરૂ થતું હતું.

અમે હું લોનલી પ્લેનેટ બુક અને જ્યાં ત્યાંથી વિગતો લઈ આવેલો એ મુજબ પહેલાં સુશીન્દ્રમ અને વિવેકાનંદ પુરમ જવા નીકળ્યાં. એ જ નાગરકોવિલ ને રસ્તે. કન્યાકુમારી ગામના બસસ્ટેન્ડથી.

સુશીન્દ્રમ ખાતે હનુમાનજીનું મોટું મંદિર છે. ખૂબ ઊંચી મૂર્તિ છે. લોકવાયકા છે કે હનુમાનજી દર વર્ષે એકાદ ઇંચ જેવું વધતા જાય છે ને ક્યારેક આકાશને એમનો મુગટ અડકશે! મૂર્તિ ભવ્ય અને ઊંચી હતી. મંદિર આસપાસ અન્ય દેવી દેવતાઓની દક્ષિણી શૈલીની મૂર્તિઓ હતી. કિલ્લા ની જેમ જાળીથી હનુમાન મંદિર કવર કરેલું. ઊંચી મૂર્તિ ખુલ્લી જગ્યામાં હતી.

નજીકમાં કેળાંવડાં અને મિર્ચી વડાં સરસ મળતાં હતાં તે ખાધાં અને ઊંઘી બસ પકડી ગયા વિવેકાનંદ પુરમ.

એ જગ્યાએ જેમને તપ કરવું હોય કે હોલીડે રિસોર્ટ ની જેમ અગાઉથી બુકીંગ કરાવી  ચાર પાંચ દિવસ રહેવું હોય તેમને માટે કોટેજીસ હતી. બેઠા ઘાટના એક સરખાં શ્વેત મકાનો. તેમની વિશાળ ભોજન શાળા, મંદિર અને પાછળ પડતો લાંબો સમુદ્ર કાંઠો જોયો.  અમને.ખ્યાલ ન હતો પણ રહેવું હોય તેમને માટે આ જગ્યા ગામથી દૂર અને સસ્તા રિસોર્ટ જેવી છે. પોસ્ટથી બુકીંગ તે વખતે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા કરતા. ત્યાંથી કન્યાકુમારી જવા તેમની ફ્રી બસ ચાલે છે.

વચ્ચે એકાદ સ્થળ પણ એમ જ બસમાંથી ઉતરી ફરી કન્યાકુમારી ગામ ના સ્ટોપે ઉતર્યા. દોઢ બે થયા હશે. જમીને એકાદ કલાક ખૂબ જરૂરી ઊંઘ ખેંચી સાડા ત્રણે પહોંચ્યા કન્યાકુમારી બીચ લાસ્ટ સ્ટોપ. સામે વિવેકાનંદ રોક લઈ જતી સ્ટીમર બપોરે ત્રણ વાગે છેલ્લી ટિકિટ આપી પોણા ચાર પછી ટ્રીપ બંધ કરતી હતી. પછી ત્યાંથી લોકોને પરત લાવવાના. અમે મોડા હતા! તે સ્થાનિક લોકોએ અમને બીચ, કન્યાકુમારી મંદિર અને થોડું ચાલી ઢાળ પર આવેલ ટુરિસ્ટ બંગલો જોવા સૂચવ્યું. ટાઈમ જ પાસ કરવાનો હતો!

કન્યાકુમારી મંદિર પાછળનો ઇતિહાસ એમ કહે છે કે પાર્વતી સ્વરૂપ કન્યા હાર લઈ શિવજીની જાનની પ્રતીક્ષા કરતી ઉભી રહી, જાન આવી શકી નહીં એટલે સૌભાગ્યકાંક્ષીણી સ્વરૂપે ન કુંવારી ન ફેરા ફરેલી પરિણીતા એ સ્વરૂપે જ રહી ગઈ. દેવીની હાથમાં હાર અને આતુર, મીટ માંડેલી આંખો સાથેની મૂર્તિ દર્શનીય છે.

બીચ પર ત્રણ રંગની રેતી પણ જોઈ. લાલ, લીલાશ પડતી અને એકદમ રાખોડી. ત્રણ સમુદ્રનાં મિલનથી ત્રણ રંગની રેતી અને એ ભાતનાં શંખ છીપલાં જોયાં, વીણ્યાં. લારીઓમાં મોટા જબરા શંખો વેંચાતા હતા. વાગે એવા પણ. મને ન ફાવ્યું. ફેરિયણ બાઈએ સમજાવ્યું કે ફૂંક મારવાની નથી પણ હોઠથી પુચકારા જેવું કરવાનું. તો પણ મને ન ફાવ્યું. મારા પુત્રને ફાવ્યું. બંગાળીઓ અને મંદિરમાં પૂજારીઓ આ રીતે શંખ ફૂંકે છે.

ત્યાં જ ગાંધીસ્મૃતિ જોયું, ફર્યા. સંગમ પર અદભુત સૂર્યાસ્ત જોયો જે ત્રણ સમુદ્રના સંગમ પર દૂર સુધી ડૂબતો દેખાતો હતો. ભેજ કે વાદલમાં ડૂબી ફરી સમુદ્રમાં ડૂબતો દેખાતાં બે વખત ડૂબ્યો હોય એવું લાગ્યું. અત્યારે સુદ ચોથ કે પાંચમ હતી પણ પૂનમે એક બાજુ સૂર્યાસ્ત અને બીજી બાજુ ચન્દ્રોદય જોવાની મઝા અલગ જ છે.

રાત્રે હોટેલમાંથી દરિયાની ગર્જના સાંભળતા સુઈ ગયા. સવારે પાંચ વાગે હોટલવાળો ઉઠાડવા આવ્યો, કહે અગાશીમાંથી સૂર્યોદય જોવો હોય તો. અમે સમુદ્રમાંથી ઉગતો સૂર્ય જોવા નજીકના એક ખડકે હોડી કરી ગયા. સાડાપાંચ કે પોણા છ વાગે સૂર્યોદય થયો. પછી તો તાજાં ફૂલોની વેણીઓ વેંચતી બાઈઓ, તાડી ને નીરો વેંચતા ફેરિયાઓ અને માછલી પકડી પરત આવતા માછીમારો મળ્યા. હોટેલ જઈ ફટાફટ નહાઈ બ્રેકફાસ્ટ કરી ફરી, હવે હાથરીક્ષામાં (ગામથી બીચ એકાદ કિલોમીટર દૂર છે) ગયા. લાઈનમાં ટિકિટ લઈ ખૂબ ધીમે આગળ વધતી લાઈનમાં ઉભી નવ વાગ્યાની બોટમાં સામે કાંઠે વિવેકાનંદ રોક ગયા. એ બોટ્સ સવારે સાત થી 11 અને બપોરે 1 થી 3 કે 3.30 ચાલે છે. અર્ધો કલાક, એટલીસ્ટ 20 મિનિટ તો સામે જવા લે જ. લગભગ 50 થી 70 લોકો એક ટ્રીપમાં લેતા હતા.

વિવેકાનંદ રોક પર કવિ તિરુવલ્લુવર નું સ્ટેચ્યુ, લાલ પથ્થરનું બંગાળી શૈલીથી બનેલું વિવેકાનંદ મેમોરિયલ અને નીચે ધ્યાન મંડપ જોયાં. પ્રખ્યાત  મેમોરિયલ ના ઘુમ્મટનો ઢાળ એટલો પહોળો ને સરસ હતો કે મારો નવમાં ધોરણમાં ભણતો પુત્ર દોડીને ટોચ સુધી ચડી પાછો  આવ્યો! એ જગ્યાએ ભીડ હોય છે પણ બેસવાની જગ્યા પણ ઘણી છે. ત્યાંથી જ અફાટ ત્રણેય સમુદ્રો સ્પષ્ટપણે ત્રણ રંગના જોઈ શકો. ઉઠવાનું મન ન થાય તેવું. મેં મંડપમાં જઈ અન્યો સાથે દસ પંદર મિનિટ ધ્યાન પણ કર્યું.

ત્યાંથી ઠંડી લહેરો વચ્ચે એકદમ ભૂરું આકાશ અને દરિયાઓ જોતાં ઉઠવાનું મન જ ન થાય. આખરે સાડા અગિયારની રીટર્ન બોટ માટે ફરી લાઈનમાં ઉભા. હૈયું દળાતી ભીડમાં વારો આવતાં સવા બારે પરત આવ્યા અને જમીને સાચે જ આરામ કર્યો. સાંજે પેલા ટુરિસ્ટ બંગલો પાસેનો ઢાળ ચડી બસસ્ટેન્ડે જઈ મદુરાઈની બસનું બુકીંગ કરાવ્યું, બેસવાનું સ્થળ કન્યાકુમારી ગામ. એ બંગલો, નજીક ચર્ચ અને બઝાર જોઈ ટાઈમ પાસ કર્યો. બીજે દિવસે વહેલા જમીને બપોરની બાર આસપાસની બસ પકડી મદુરાઈ જવા નીકળ્યા.

રેટ કરો અને રિવ્યુ આપો

Navin soni

Navin soni 1 વર્ષ પહેલા

Sonal Mehta

Sonal Mehta 1 વર્ષ પહેલા

Vilas Dosi

Vilas Dosi 1 વર્ષ પહેલા

Jasi ben Patel

Jasi ben Patel 1 વર્ષ પહેલા

Paresh Desai

Paresh Desai 1 વર્ષ પહેલા

saral and vigatvar lakhan