કેરાલા પ્રવાસ 1997 - ભાગ 3 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કેરાલા પ્રવાસ 1997 - ભાગ 3

ભાગ 3

દિવસ 3

રસ્તે પઝામુધીર અને કુડડલ અલાગાર મંદિર આવ્યાં. પઝામુધીર મંદિર સૂર્ય નંદિર છે તે ઊંચી ટેકરી પર છે.

એક સ્ટેશન પર ટેકરી ઉપરનું મંદિર આવતાં સહુ પ્રવાસીઓએ નમન કર્યાં અને છાતી, મસ્તકે હાથ લગાવ્યા. સહ પ્રવાસી સમજાવી શક્યા નહીં કે તે કયા દેવનું મંદિર હતું. કદાચ કોઈ માતાજીનું. અત્યારે ગૂગલ કરતાં પણ નામ ન મળ્યું તેથી એ કયું સ્થળ હતું તે કહી શકતો નથી.

સાંજે પાંચ આસપાસ મદુરાઈ આવ્યું.  ઉતરતાં રિક્ષાવાળાઓ ઘેરી વળ્યા. એમને મેં તામિલનાડુ ટુરિઝમની હોટેલ લઈ જવા કહ્યું તો તેઓ જાણતા નથી એમ કહેવા લાગ્યા અને પોતાની હોટલે લઈ જવા કહેવા લાગ્યા. હું રસ્તો કાઢી ચાલવા લાગ્યો. પાછળ નાના પુત્રો લઈ શ્રીમતી અને યુવાન, ગોરી બહેનની પાછળ પાછળ વિકૃત દેખાતો રિક્ષાવાળો પડ્યો. અમે ફાસ્ટ ચાલતાં એક દુકાનમાં ટીટીડીસી હોટેલ નું એડ્રેસ બતાવી રસ્તો પૂછ્યો. એ રિક્ષાવાળા ઉપર હું ગુસ્સે થયો એ કારણે કે બહેનને જોઈ એ છેક ટુરિસ્ટ હોટેલ સુધી પાછળ આવ્યો. ટુરિસ્ટ હોટેલના રિસેપ્શનીસ્ટે એને કોઈ રીતે એની ભાષામાં દબડાવી કાઢ્યો. મને કહે અહીં કોઈ સાથે ઝઘડો ન કરવો. ઉત્તર ભારતીય દેખાય એણે તો નહીં જ. એની હોટેલ ફૂલ હતી એટલે એણે નજીકની પ્રાઇવેટ સારી હોટેલ અશોકા કે સત્યાનું નામ આપ્યું જ્યાં અમે ચાલતા ગયા.

એ વખતે ભારત અખંડ દેશ કહો પણ દક્ષિણનાં રાજ્યમાં જવું તે કરતાં આજે શ્રીલંકા જવું સરળ છે. ઉત્તરના લોકો પ્રત્યે દક્ષિણના સામાન્ય અભણ લોકોને તિરસ્કાર હતો. તામિલનાડુના સામાન્ય નીચલા વર્ગના લોકોને ઉત્તર ભારતીયો ન ગમતા   એવું લાગેલું.

હશે. અમે તૈયાર થઈ મીનાક્ષી મંદિરે ગયાં. મોટું ગોપુરમ, રંગબેરંગી દેવદેવીઓ, પ્રાણીઓ અને મનુષ્યાકૃતિઓ સાથેનો ઊંચો ઘુમ્મટ, લાંબી પરસાળ અને વચ્ચે મોટું તળાવ. મંદિર ફરતાં દોઢેક કલાક થયો. હોટેલ આવ્યા પણ વરસાદ એવો તો તુટી પડ્યો કે બહાર જઈ શકાય નહીં. હોટેલને પોતાનું રેસ્ટોરાં ન હતું પણ વેઈટર વરસાદમાં અમારે માટે એલ્યુ. ફોઈલમાં ગરમ ઢોસા ને સાંબાર લઈ આવ્યો.

 

બીજે દિવસે સવારે રામેશ્વરમ જવાનું બુકીંગ ત્યાંથી જ કર્યું. સવારે સાડાસાતે તેમની બસ ઉપડી અને બે ચાર બીજી હોટેલના પ્રવાસીઓ લીધા.

દિવસ 4

સવારે રામેશ્વરેમ જવા નીકળ્યા. કદાચ તુતીકોરિન. એક મોટા શહેર પર થોડું રોકાઈ રામેશ્વરમ પહોંચ્યા. એક જગ્યાએ નહાવાનો બીચ હતો પણ સ્મશાનની રાખ જેવું પડેલું. થોડે દુર જઈ નહાયા અને રામેશ્વરમ મંદિરમાં દર્શન કરવા ગયા. વિશ્વની સહુથી મોટી પરસાળમાંથી પસાર થઈ એ શિવલિંગનાં દર્શન કર્યાં. નજીક સીધો  એકદમ લીલો ભુરો સમુદ્ર અને કહેવાયું કે સામે શ્રીલંકા છે.

રામ નામે તરતા પથ્થરો જોયા. ઉપર લાકડી મારો એટલે સંગીત વાગે એવા  સ્તંભો એક મંદિરમાં જોયા.

નાની જગ્યાઓ જેવી કે ધનુષકોડી, ઘાટ વગેરે જોયાં. ત્યાં જમીને વળતાં પંબન બ્રિજ પર ફૂંફાડા મારતા પવન વચ્ચે બસ ઉભી રહી. સામે જે બ્રિજ હતો એ રેલવે માટે દરિયા વચ્ચે હતો જેની પછી ઘણી ડોક્યુમેન્ટ્રીઝ જોઈ છે. એ બ્રિજ જરૂર પડ્યે ઊંચો પણ થઈ શકે છે. રેલવેમાં રામેશ્વરમ જવાની મઝા અલગ જ હોવી જોઈએ. આવો ચમત્કાર ભારતમાં જ શક્ય છે, અફાટ દરિયા વચ્ચે  ખાસ્સો લાંબો બ્રિજ.

વચ્ચે  ફરી એ શહેરમાં ચા પાણી માટે ઉભા. ત્યાં ચિકન મટન સામાન્ય ખોરાક લાગ્યો. એક છોકરો મરઘીઓને એક હાથમાં ઝાલી ઢાબામાં લઈ ગયો અને હાથમાંના છરાથી એના પગ કાપી નાખ્યા. મરઘીઓને પગે કોઈ દ્રવ્ય લગાવ્યું હશે એટલે એને પગ કપાયાની ખબર ન પડી. એમ જ એક જાળી વાળાં ખોખામાં મૂકી દીધી. ગ્રાહક આવે ત્યારે રાંધવા!

રાત્રે મદુરાઈની  ડાર્ક કલર અને સોનેરી બોર્ડર વાળી કોટન સાડીઓ ખરીદી.

દિવસ 5

મદુરાઈમાં ત્રીજે દિવસે વળી મીનાક્ષી મંદિર શાંતિથી જોવા ગયાં. એ ઉપરાંત એક લાંબા, પથ્થરના થાંભલાઓ વાળા રસ્તે ઉભી બ્રાસની દીવીઓ લીધી. એટલી તો ચળકાટ ભરી કે આજે 24 વર્ષ પછી પણ એવી જ છે. જાણે સોનું! એવો બ્રાસનો મોર લીધો. દરેક સાઈઝની અને કિંમતની વસ્તુઓ.

એક મંદિરમાં આખા વિશાળ સ્તંભની નીચેથી કપડું આખું બહાર કાઢે તે કરામત જોઈ. ત્યાં ક્યાંય તડ દેખાતી ન હતી. ચમત્કાર.

વેસ્ટ માસી સ્ટ્રીટમાંથી ત્યાંની મીઠાઈઓ ખાધી. દક્ષિણી શીરો ખૂબ સરસ હોય છે. બહાર નીકળ્યા ત્યાં ફરી ધોધમાર વરસાદ! એક છોકરો ઓઢવાનાં પ્લાસ્ટિક શીટ લઈ આવ્યો. નાના 7વર્ષના બાબા માટે નાની સાઈઝનું શીટ પણ. છત્રીની ગરજ સારે એવું અને માથા પાસે ત્રિકોણ બનાવતું. પોસ્ટ ઓફિસનો ફોલ્ડ ડબો જોઈ લો! એ શીટ દસ રૂ. ની એક હતી. એમ જ શીટ ઓઢી હોટેલ પહોંચી ગયા. મદુરાઈનું ખટમીઠું ચવાણું વખણાય છે તે લીધું.

રાત્રે મદુરાઈથી 12 વાગે ઉપડતી ટ્રેનમાં બેસી સવારે 7 વાગે ત્રિવેન્દ્રમ કે થિરુવનંતપુરમ.

રેટ કરો અને રિવ્યુ આપો

Parul

Parul માતૃભારતી ચકાસાયેલ 11 માસ પહેલા

અક્ષય આહિર

અક્ષય આહિર 11 માસ પહેલા