A glimpse of you - 17 books and stories free download online pdf in Gujarati

તારી એક ઝલક - ૧૭

તારી એક ઝલક

કેયુરને બેગુનાહ સાબિત કરવા અને મોનાલીસાને તેની ભૂલનો અહેસાસ કરાવવાં માનવ ઝલકની મદદ કરી રહ્યો હતો.

ભાગ-૧૭

તેજસ જાદવ સાથે લંડનની ધ હોર્સગાર્ડસ્ હોટેલનાં રૂમમાં બેઠો હતો. ત્યારે તેને એક મેસેજ આવતાં જ તે જાદવ સાથે હોટેલની બહાર નીકળી ગયો હતો. વિચારમાં ને વિચારમાં એક રાત વીતી ગઈ હતી. વહેલી સવારે તેજસે મેસેજમા સૂચવેલી જગ્યાએ જવાનું વિચારી લીધું. તેજસ જાદવ સાથે લંડનની વ્હાઈટ સીટીમા જવાં નીકળી પડ્યો.

તેજસ અને જાદવ લંડનનાં વ્હાઈટ સીટીમા ઉભાં ઉભાં કોઈની રાહ જોઈ રહ્યાં હતાં. વ્હાઈટ સીટી એક નામ છે, જેમાં એક સ્ટેડિયમ આવેલું છે. આ સ્ટેડિયમ ઈંગ્લેન્ડના લંડનમાં આવેલ વ્હાઈટ સીટીની અંદર આવેલું છે. જે સ્ટેડિયમની અંદર ૧૯૦૮મા સમર ઓલિમ્પિક્સ બનેલી, અને તેમાં પ્રથમ આધુનિક મેરેથોન, અને સ્વિમિંગ, સ્પીડવે, બોક્સિંગ, શો જમ્પિંગ, એથ્લેટિક્સ, સ્ટોર કાર રેસિંગ, કોન્સર્ટ અને ૧૯૬૬ની વર્લ્ડ કપ મેચ પણ યોજવામાં આવી હતી.

આ સ્ટેડિયમને એન્જિનિયર જે.જે. વેબસ્ટર દ્વારા બનાવવામાં આવ્યું, અને જ્યોર્જ વિમ્પેએ તેને દશ મહિનામાં પૂર્ણ કર્યું હતું. ફ્રાન્કો બ્રિટિશ એક્ઝિબિશનની સાઈટના ભાગ રૂપે ૬૮,૦૦૦ની બેઠક ક્ષમતા સાથેનું આ સ્ટેડિયમ ૨૭ એપ્રિલ,૧૯૦૮ના રોજ કિંગ એડવર્ડ સાતમે ખોલ્યું હતું. આ સ્ટેડિયમની અંદર સાઈકલ ટ્રેક અને ઈનફિલ્ડમા સ્વિમિંગ અને ડાઇવિંગ પુલ પણ શામેલ છે. જે ૧૦૦ મીટર પહોળું છે. વ્હાઈટ સીટી આખું સફેદ રંગથી બનેલું છે. રાત્રે તો ઝગમગાટ કરતી રોશની વચ્ચે વ્હાઈટ સીટીનો નજારો અદભૂત હોય છે.

જાદવ અને તેજસ વ્હાઈટ સીટીના સ્વિમિંગ પુલ પાસે ઉભાં રહીને કોઈની રાહ જોતાં હતાં. તેજસ વારંવાર પોતાનાં હાથની રિસ્ટ વોચમા સમય જોઈ રહ્યો હતો. આખરે અડધી કલાક પછી તેજસને સામેની તરફથી કોઈ આવતું દેખાયું.

બ્લેક લોંગ સુટ, બ્લેક શૂઝ, બ્લેક ગોગલ્સ અને હાથમાં બ્લેક થેલો લઈને એક સાડા છ ફુટ ઉંચો બોડી બિલ્ડર વ્યક્તિ તેજસની તરફ જ અાવી રહ્યો હતો. તે એકદમ તેજસની સામે આવીને ઉભો રહી ગયો.

"હેલ્લો મિ.તેજસ...હાઉ આર યુ??" એ વ્યક્તિએ પોતાનાં આગવા અંદાજમાં તેજસના હાલચાલ પૂછ્યાં. જાદવ તેજસની બાજુમાં ચૂપચાપ ઉભો હતો.

"આઈ એમ ફાઈન મિ.તિવારી... લેટ્સ સાઈન અ ડીલ નાઉ..." તેજસે પણ અંગ્રેજીમાં જ વાતને આગળ ધપાવી.

"ઓકે...નો પ્રોબ્લેમ..."

તેજસે મિ.તિવારીનો જવાબ મળતાં જ પોતાનાં હાથમાં રહેલ ફાઈલ મિ.તિવારીને આપી. મિ.તિવારી થોડીવાર ફાઈલ તરફ તો થોડીવાર તેજસ તરફ જોવાં લાગ્યાં.

"વ્હોટ હેપન્ડ મિ.તિવારી??" તેજસે મિ.તિવારીને એ રીતે જોતાં જોઈને પૂછી લીધું.

"ધ ડીલ પેપર આઈ વોઝ અબાઉટ ટૂ બ્રિંગ...સો વ્હાય ડીડ યૂ બ્રિંગ ઈટ??" મિ.તિવારીએ પોતાનાં મનની વાત તેજસને કહી દીધી.

"ધ ડીલ વીલ બી સાઈન્ડ ઈન ધ પેપર આઈ મેડ....અધરવાઈઝ ધ ડીલ ઈઝ કેન્સલ્ડ..." તેજસનો જવાબ સાંભળી મિ.તિવારીએ ડીલના પેપર સાઈન કરી દીધાં. તેજસના એક વાક્યથી મિ.તિવારીના કપાળે પરસેવો વળી ગયો હતો. જે સાફ સાફ બયાન કરતો હતો, કે તેમનાં માટે એ ડીલ કેટલી જરૂરી હતી.

મિ.તિવારી ડીલ સાઈન કરીને જતાં રહ્યાં. તેજસ અને જાદવ વ્હાઈટ સીટીનો વ્હાઈટ નજારો માણતાં માણતાં ફરી ધ હોર્સગાર્ડસ્ હોટેલે પહોંચી ગયાં. તેજસના ચહેરા પર પહેલું કામ સફળ થયાની ખુશી ઝલકતી હતી.

તેજસને જે મુજબ મેસેજ આવ્યો હતો. એ મુજબ તેજસ ડીલના પેપર સાઈન કરે, એટલે તેને લંડન આવવા પાછળ શું કારણ છે. એ અંગેની એક કડી જાણવાં મળે એમ હતી.

તેજસ ડીલના પેપર હોટેલ રૂમનાં કબાટમાં મૂકીને જાદવ સાથે રૂમની બહાર ગયો. તેજસ બહાર નીકળીને આમતેમ જોવાં લાગ્યો. તેજસ શું શોધી રહ્યો હતો. એ જાદવ નાં જાણી શક્યો.

"તું શું શોધે છે??" જાદવે જાતે વિચારવાને બદલે તેજસને જ સીધું પૂછી લીધું.

"અહીં નોટ્સ કોફી રોસ્ટરસ્ એન્ડ બાર કંઈ જગ્યાએ આવ્યું હશે??" તેજસે જાદવને ચારેબાજુ નજર ઘુમાવીને પૂછ્યું.

જાદવે તેજસ દ્વારા જણાવેલી જગ્યા શોધવા માટે ગુગલ મેપ ચાલું કર્યું. તેજસ દ્વારા જણાવેલી જગ્યાનું નામ ગુગલ મેપ પર નાંખતા જ બધી માહિતી અને રસ્તો બંને મળી ગયું. "ચેરિંગ ક્રોસ તરફ આ જગ્યા આવેલી છે." જાદવે તેજસ તરફ મોબાઈલની સ્ક્રીન કરીને કહ્યું.

તેજસે જગ્યા ક્યાં આવી, એ જાણ થતાં જ હોટેલની બહાર ઊભેલી કારનો દરવાજો ખોલ્યો. આ કાર તેજસ માટે જ રાખવામાં આવી હતી. હોટેલનાં સ્ટાફને તેજસને ક્યારે કંઈ વસ્તુ જોશે. એ બધી જાણ અગાઉ જ કરી દેવામાં આવી હતી. આથી તેજસને બધી વસ્તુ સમયસર મળી જતી.

તેજસ અને જાદવ કારમાં બેસીને ચેરિંગ ક્રોસ તરફ જવા નીકળી ગયાં. તેજસ ત્યાં કેમ જતો હતો. એ વાતની જાદવને જાણ નહોતી. છતાંય તેજસ ખુદ પણ બીજાનાં ઈન્ટ્રક્શન ફોલો કરી રહ્યો હતો. એનાં લીધે જાદવ તેને નાની-નાની વાતો પૂછવાનું ટાળતો હતો.

તેજસે નોટ્સ કોફી રોસ્ટરસ્ એન્ડ બાર નામ દેખાતાં જ કારને બ્રેક લગાવી. કાર પાર્કિંગમા પાર્ક કરીને તેજસ અને જાદવ બારની અંદર ગયાં.

બારનો દરવાજો પારદર્શક કાચથી બનેલો હતો. બારની અંદર વસ્તુઓ મૂકવાની અને બેસવાની વ્યવસ્થા લાકડાંની કોતરણીથી બનાવવામાં આવી હતી. બારની અંદર બનતી વેરાયટીની બધી વસ્તુઓ મૂકવાં માટેની ગોઠવણી પણ લાકડાંની કોતરણીવાળી જોરદાર હતી. તેજસ થોડે આગળ જઈને એક ટેબલ પર બેસી ગયો. જાદવ પણ‌ તેજસ સાથે બેઠો. તેજસે મેનૂ જોવાનું શરૂ કર્યું.

"એપલ જ્યૂસ મંગાવીએ??" કોફી તો તેજસને પહેલેથી જ પસંદ નહોતી.‌ એટલે તેજસે જાદવને એપલ જ્યૂસ મંગાવવા પૂછ્યું.

"ડ્રાય ડ્રેગન મંગાવીએ તો...?? જાદવે મેનૂ તરફ નજર કરીને સામે સવાલ કર્યો. ડ્રાય ડ્રેગન નામ સાંભળી તેજસે ફરી એક વખત મેનૂની બધી વેરાયટી ઉપર નજર ઘુમાવી.

"મને એવું બધું નહીં ફાવે...એક તો નામ જ એવાં અજીબ છે, કે ક્યારેય સાંભળ્યાં પણ નથી. હવે ભેંસાણમાં આવું બધું ક્યાં મળે છે!? મારે તો એપલ જ્યૂસ જ જોશે." તેજસે નક્કી કરી લીધું. "બીજાં ફ્લેવર્સના રવાડે મારે નથી ચડવું. નકામો મૂડ શાં માટે ખરાબ કરવો!?"

તેજસની વાત સાંભળી જાદવે બે એપલ જ્યૂસનો ઓર્ડર આપી દીધો. બંને જ્યૂસની રાહ જોવા લાગ્યાં. તેજસને તો જ્યૂસ કરતાં પોતાને લંડન આવવાં પાછળના મકસદની પહેલી કડી ક્યારે મળશે. એ વાત જાણવાની જ ઉતાવળ હતી.

"અલ્યા, અહીં તો ચા પણ મળે છે. જો તો... દાર્જિલિંગની ચાનું નામ લખેલ છે. આસામ અને ફ્રેશ મીન્ટ પણ લખેલ છે. આ ફ્રેશ મીન્ટની ચા કેવી હશે??" જાદવ એક પછી એક નામ બોલીને તેજસને સવાલ કર્યે જતો હતો. પણ તેજસની નજર તો બારના દરવાજા પર જ અટકી હતી.

"મળતી હશે... એમાં નવું શું છે!? તું ટ્રાય કરી લે. બહું પૂછ પૂછ નાં કર." તેજસે ફીક્કો જવાબ આપ્યો. તેજસનો જવાબ સાંભળી જાદવે મેનૂને સાઈડમાં મૂકી દીધું. ત્યાં સુધીમાં બંનેએ મંગાવેલ એપલ જ્યૂસ આવી ગયું. જાદવે એપલ જ્યૂસના ગ્લાસમાંથી એક ઘૂંટ જ્યૂસ પીધું. તેજસ હજું પણ જ્યૂસનો ગ્લાસ હાથમાં રાખીને દરવાજા તરફ મીટ માંડીને બેઠો હતો.

"તું કોની રાહ જુએ છે?? કંઈક તો જણાવ." જાદવ કંટાળીને બોલ્યો. હવે તેનાંથી વધું રાહ જોવી શક્ય ન હતી. જાદવ આગળ કાંઈ બોલે, એ પહેલાં જ કોઈ આવીને તેજસને એક ચીઠ્ઠી આપી ગયું. એ કોઈ છોકરી હતી. પણ તેનાં મોંઢે દુપટ્ટો બાંધેલ હોવાથી, ને આંખો પર બ્લેક ગોગલ્સ લગાવેલ હોવાથી તેજસ તેનો ચહેરો જોઈ નાં શક્યો. એ છોકરી તેજસને ચીઠ્ઠી આપીને, બારનો દરવાજો ખોલીને, એક કારમાં બેસીને જતી રહી.

તેજસ ચીઠ્ઠી તરફ એકીટશે જોતો હતો. જાદવની નજર પણ ચીઠ્ઠી પર જ હતી. પણ તેજસ ચીઠ્ઠી ખોલતો જ ન હતો.

"હવે આ શું નવો ખેલ છે?? એ છોકરી કોણ હતી?? આ ચીઠ્ઠીમાં શું છે??" જાદવે એકસાથે કેટલાંય સવાલો પૂછી લીધાં. તેજસ હવે દરવાજા તરફથી નજર હટાવી ચીઠ્ઠી પર નજર કેન્દ્રિત કરીને બેઠો હતો.

"આમાં આપણને લંડન શાં માટે મોકલવામાં આવ્યાં છે. એ અંગેની કડી વિશે લખેલ છે." તેજસે ફટાફટ ચીઠ્ઠી પોતાનાં જીન્સના પોકેટમાં મૂકીને કહ્યું. તેજસ જ્યૂસ ટેબલ પર મૂકીને જ બારની બહાર નીકળી ગયો. જાદવ પણ તેની પાછળ પાછળ ગયો.

(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED