તારી એક ઝલક - ૧૫ Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી એક ઝલક - ૧૫

તારી એક ઝલક


કૃણાલ અને તન્વી ઉપરકોટ કિલ્લો જોવાં જતાં હતાં. બંને વચ્ચે ઘણી વાતો થઈ.


ભાગ-૧૫


કૃણાલે ઉપરકોટ પહોંચીને કારને બ્રેક લગાવી. ઉપરકોટ કિલ્લાનો બહારનો નજારો જ એટલો સુંદર છે, કે માત્ર કિલ્લાના દરવાજા તરફ નજર કરતાં જ તન્વીના ચહેરા પર સ્મિત રમવા લાગ્યું.

કૃણાલે કારને એક જગ્યાએ પાર્ક કરી. પછી બંને કિલ્લાની અંદર ગયાં. વરસાદી માહોલ હોવાથી કુદરતનો સુંદર નજારો જોવા ઘણાં લોકો આવ્યાં હતાં. કૃણાલ તન્વીનો હાથ પકડીને, તેને એક ઝરૂખા પાસે ખેંચી ગયો. ત્યાંથી પહાડો ને તેનાં પર છવાયેલી હરિયાળી જોઈ શકાતી હતી.

તન્વી પાળી પર બેસીને એ હરિયાળી જોવાં લાગી. તેની આંખોમાં અલગ જ પ્રકારની ચમક દેખાતી હતી. કુદરતનાં ખોળે આવીને દરેક વ્યક્તિને શાતિ મળે જ છે. એ વાત આજે તન્વી અનુભવી રહી હતી.

"હવે મૂડ સારો થયો??" કૃણાલે તન્વીને પૂછ્યું.

"હાં,અહીં આવ્યાં પછી એક ગજબની શાંતિ મળી." તન્વીએ સ્માઈલ કરીને કહ્યું.

તન્વીનો જવાબ મળતાં બંને ફરી કુદરતી નજારો જોવામાં વ્યસ્ત થઈ ગયાં. તન્વી આખો ઉપરકોટ કિલ્લો એક જ વારમાં થાક્યાં વગર ફરી વળી. અહીંનું કોતરકામ જોયાં પછી કોઈ પણ વ્યક્તિ મંત્રમુગ્ધ બની જતું.

ઉપરકોટ કિલ્લો જોઈને, તન્વી કિલ્લાની બહાર તળાવ હતું. ત્યાં આવીને બેસી ગઈ. કૃણાલ પણ તેની પાસે બેઠો. ચારે તરફ નાનું નાનું ઘાસ ઉગી નીકળ્યું હતું. કિલ્લાની દિવાલો પર પણ છોડ ઊગી નીકળ્યાં હતાં.

"શું આ વૃક્ષો પોતાનો રસ્તો કરી શકે છે, એમ માણસ પણ પોતાનો રસ્તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી કાઢી નાં શકે??" તન્વીએ દિવાલ પર ઉગેલા છોડ પર મીટ માંડીને પૂછ્યું.

"માણસ ધારે, તો કાંઈ પણ કરી શકે. બસ હિંમતની જરૂર પડે. એ હિંમત તારી પાસે છે. તેજસ ભલે અંકલથી નારાજ હોય,ગુસ્સે હોય. પણ,છે તો એ તેમનો જ દીકરો!! એક દિવસ બધું સરખું થઈ જાશે." કૃણાલે તન્વી સામે જોઈને કહ્યું.

તન્વીની નજર હજી પણ એ છોડ પર જ હતી. એમાં જાણે તન્વી ખુદને શોધી રહી હતી.

મોનાલીસા અમદાવાદમાં પોતાના બી.બી.એના ક્લાસમાં બેસીને, ઝલકનો લેક્ચર અટેન્ડ કરી રહી હતી. ઝલક મોનાલીસા તરફ કંઈક અલગ જ નજરોથી જોઈ રહી હતી. ઝલકે મોનાલીસા અને શ્વેતા વચ્ચે થતી વાતો સાંભળી લીધી હતી. મોનાલીસાને પહેલીવાર જોયાં પછી ઝલકની નજરમાં તેની જેવી તસ્વીર બની હતી. મોનાલીસા બિલકુલ એવી જ હતી. પણ,આજે કેયુરની વાત આવતાં જ મોનાલીસાના બદલાતાં હાવભાવ જોઈને, ઝલકને દાળમાં કંઈક કાળું દેખાયું હતું.

ઝલકની એક નજર ભણાવવામાં ને બીજી નજર મોનાલીસા પર હતી. ઝલકે હવે મોનાલીસાની એક એક હરકત નોટિસ કરવાનું ચાલું કરી દીધું હતું.

ઝલક પોતાનો લેક્ચર પૂરો કરીને, બહાર કેન્ટીનમા બેઠી. કોલેજ પૂરી થતાં જ મોનાલીસા બહાર આવી. તેની સાથે શ્વેતા અને મીરાં પણ હતી. મોનાલીસાને કાંઈ પૂછવાથી તે સરખાં જવાબ આપે એવું ઝલકને લાગતું નહોતું.

મોનાલીસા એક છોકરાંની બાઈક પાછળ બેસીને જતી રહી. મીરાં અને શ્વેતા ત્યાં જ ઉભી હતી. ઝલકે તે બંને પાસેથી મોનાલીસા વિશે માહિતી કઢાવવાનું વિચાર્યું. ઝલક શ્વેતા અને મીરાં ઉભી હતી. એ તરફ ચાલવા લાગી.

"આપણાં ક્લાસમાં એક છોકરો નથી આવતો. મેં રજીસ્ટર ચેક કર્યું હતું. કોઈ કેયુર નામનો છોકરો ઘણાં સમયથી નથી આવતો. તમે મને તેનાં વિશે કોઈ જાણકારી આપી શકો??" ઝલકે શ્વેતા અને મીરાંને પૂછ્યું.

"કેયુર....એ છોકરો તો સાવ પાગલ અને બેવકૂફ છે. તેને આટલી મોટી કોલેજમાં ખબર નહીં કેમ એડમિશન મળી ગયું. પણ,એ આ કોલેજને લાયક જ નહોતો. કદાચ એટલે જ એ જાતે આ કોલેજ છોડીને જતો રહ્યો હશે." મીરાંએ મોઢું બગાડીને કહ્યું.

ઝલકને મીરાંની વાતો સાંભળીને ખૂબ જ ગુસ્સો આવ્યો. પણ,હાલ પૂરતો તેને પોતાની જાત પર કાબુ મેળવી લીધો. ગુસ્સો કરવાથી કોઈ પણ પ્રકારની જાણકારી મેળવવી અસંભવ હતું.

"મેં એ છોકરો કેવો હતો. એ વિશે જાણકારી નથી માંગી. એ છોકરો કોલેજે કેમ નથી આવતો. એ તમે જાણતાં હોય,તો મને જણાવો." ઝલકે થોડી ગંભીરતાથી પૂછ્યું.

મીરાં અને શ્વેતા ઝલકની સ્ટુડન્ટ હતી. તો ઝલક તેમની સાથે થોડી સખ્તાઈથી વાત કરી શકે. એટલું તો મીરાં અને શ્વેતા પણ સમજતી હતી. શ્વેતાએ એક નજર મીરાં તરફ કરી. મીરાં થોડી ગુસ્સામાં હતી.

શ્વેતા ઝલકને સ્કેન કરતી હોય,એમ તેની સામે જોવાં લાગી. પાંચ મિનિટ સુધી ઝલકને જોયાં પછી તેણે એક નજર કોલેજના દરવાજા તરફ ઘુમાવી.

"કેયુર અચાનક કોલેજે આવતો કેમ બંધ થઈ ગયો. એ વાતની ખાસ જાણકારી તો અમને પણ નથી. પણ,કદાચ એ વિશે તમને માનવ જરૂર જણાવી શકશે." શ્વેતાએ શાંત અવાજે કહ્યું.

"માનવ મને ક્યાં મળશે??" ઝલકે શ્વેતાને પૂછ્યું.

"માનવ અમારો સિનિયર છે. એ તમને કોલેજની લાયબ્રેરીમાં મળી જાશે. તમે ત્યાં જઈને માનવ દવે વિશે પૂછશો,એટલે કોઈ પણ સ્ટુડન્ટ તમને તેની પાસે લઈ જાશે." શ્વેતાએ માનવ વિશેની બધી માહિતી વિગતવાર આપતાં કહ્યું.

ઝલક શ્વેતાની વાત પૂરી થતાં જ કોલેજની લાયબ્રેરી તરફ ગઈ. લાયબ્રેરી એકદમ ખાલી હતી. બે થી ત્રણ છોકરીઓ જ બેઠી હતી. ઝલકે આખી લાયબ્રેરીમાં નજર ફેરવી. પણ,તેને એકેય છોકરો દેખાયો નહીં.

"માનવ દવે અત્યારે ક્યાં હશે??" ઝલકે લાયબ્રેરીમાં આગળની તરફ બેઠેલી છોકરીને પૂછ્યું.

એ છોકરીએ પાછળની તરફ આંગળી કરી. ઝલક લાયબ્રેરીમાં પાછળની તરફ એક ખાંચો પડતો હતો. એ તરફ જવા લાગી. ત્યાં એક છોકરો મોંઢા પર બુક મૂકીને બેઠો હતો. બુકનું ટાઈટલ હતું, 'ધ હોન્ટેડ હાઉસ'

"ભૂતોની દુનિયામાં સફર કરી લીધી હોય. તો હું થોડાં સવાલ પૂછી શકું??" ઝલકે અદબ વાળીને પૂછ્યું.

ઝલકનો અવાજ સાંભળતાં જ એ છોકરાએ ચહેરા પરથી બુક હટાવીને નીચે મૂકી. કથ્થઈ રંગની આંખો, વ્હાઈટ ટી-શર્ટ ને બ્લૂ ફંકી જીન્સમા એ છોકરો ગજબનો લાગતો હતો.

"ઝલક મેડમને મારી સાથે એવાં તો વળી શું સવાલો કરવાં છે,કે મને શોધતાં શોધતાં અહીં આવવું પડ્યું??"

"માનવ દવે તું જ છે??" ઝલકે પૂછ્યું.

"હાં, માનવ દવે હું જ છું. બસ આટલું જ જાણવાં તમે અહીં સુધી આવ્યાં??" માનવે નેણ નચાવતાં પૂછ્યું.

"નહીં,સવાલો તો ઘણાં છે. પણ,મારે બધાં જવાબ સીધાં અને કોઈ પણ પ્રકારની રકઝક વગર જોઈએ." ઝલકે માનવની સામે બેસીને કહ્યું.

"હાં,જે પૂછવું હોય. એ પૂછવા માંડો. એક કલાક પછી હું એક પણ સવાલનો જવાબ નહીં આપું." માનવે પગ પર પગ ચડાવીને, દિવાલને ટેકો આપીને કહ્યું.

"બી.બી.એ ડિપાર્ટમેન્ટમા તારો જુનિયર કેયુર છે. એ કોલેજે નથી આવતો. એનાં વિશે મારે જાણકારી જોઈએ છે."

"ઓહ,તો કેયુરની બહેન આખરે કોલેજમાં આવી જ પહોંચી એમ ને!! તો જઈને કહી દેજો તમારાં ભાઈને, કે કાયરની જેમ કોલેજ છોડી ભાગી જવાથી કરિયર તો બરબાદ થશે જ..પણ,તેની ઉપર જે આરોપ લાગ્યાં છે. એ ક્યાંય ભાગશે નહીં. એ તો તેનાં માથાં ઉપર રોજ તાંડવ કરશે." માનવ અચાનક જ ગુસ્સે થઈને બોલ્યો.

"આરોપ?? કેવાં આરોપ?? સીધી વાત કર...મને આ રીતે ફેરવી ફેરવીને વાતો કરવાવાળા લોકો પસંદ નથી."

"એ જ બોલવાની સ્ટાઇલ, એ જ ગુસ્સો ને એ જ ડર... બધું કેયુર જેવું જ છે. કેયુર તમારાં જેવો જ છે, એમ કહું તો પણ ચાલે!!" માનવે ઉભાં થઈને ઝલકની નજીક આવીને કહ્યું.

ઝલક ડગલેને પગલે માનવનાં બદલાતાં સ્વભાવથી પરેશાન થઈ ગઈ હતી. માનવ બધું જાણવાં છતાંય વાતને ફેરવવા સિવાય કાંઈ કરી રહ્યો નહોતો.

(ક્રમશઃ)