તારી એક ઝલક - ૧૩ Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી એક ઝલક - ૧૩

તારી એક ઝલક

તેજસ લંડન પહોંચી ગયો હતો. અનિકેતભાઈ કોઈ વાત પર બહું ખુશ દેખાતાં હતાં. એ વાત સુલક્ષણા એ અનિકેત ભાઈના પત્ની અનુપમાબેનને જણાવી.

ભાગ-૧૩

ઝલક સવાર પડતાં કેયુરને મળીને કોલેજ જવા નીકળી ગઈ. અમદાવાદ યુનિવર્સિટી!! આ એ જ યુનિવર્સિટી હતી, જેણે કેયુર ની એવી હાલત કરી હતી. બહારથી દેખાતી વિશાળ યુનિવર્સિટી કેયુરની જીંદગીનું વિશાળ રાઝ પોતાની અંદર સમાવીને બેઠી હતી. જે કદાચ હવે ઝલકના હાથે‌ ખુલવા જઈ રહ્યું હતું.

"હેલ્લો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ!! હું તમારાં માર્કેટિંગ મેનેજમેન્ટના વિષયની મેડમ છું." ઝલકના અવાજમાં એક અનેરો આત્મવિશ્વાસ છલકતો હતો.

"ગુડ મોર્નિંગ મેડમ." બી.બી.એ નાં ક્લાસના બધાં સ્ટુડન્ટ્સ એકસાથે બોલી ઉઠ્યાં.

કોલેજના સ્ટુડન્ટ્સને ભણાવવા એ કાંઈ સરળ કામ નહોતું. તેમની એક અલગ જ દુનિયા હોય છે. જેમાં વધું મસ્તી મજાકને જ સ્થાન હોય છે. પણ ઝલક એક અનોખાં આત્મવિશ્વાસ સાથે ક્લાસરૂમમાં આવી હતી. કેયુર ને શું થયું, એ જાણવું જ ઝલકનો એકમાત્ર ધ્યેય નહોતો. પણ જે વિશ્વાસ સાથે કોલેજના પ્રોફેસરે‌ તેને અહીં ભણાવવાની પરવાનગી આપી, એ પણ સિદ્ધ કરવાની હતી.

ઝલકે એક ઉંડો શ્વાસ લઈને ભણાવવાનું શરૂ કર્યું. પાંચેક મિનિટ થતાં જ ઝલકને કોઈકના આવવાનો અવાજ સંભળાયો. ઝલકે તરત પાછળ ફરીને જોયું. ઝલકની સામે એક છોકરી ઉભી હતી. જે કોલેજે મોડાં પહોંચવાના કારણે દબાયેલા પગે અંદર આવવાની કોશિશ કરી રહી હતી. પણ તેની પેન્સિલ હિલ્સ નાં અવાજે ઝલકને જાણ કરી જ દીધી.

મોનાલીસા ગેવરીયા!! એકદમ ચંચળ અને ઘમંડી છોકરી!! વાંકડિયા લાંબા વાળ, એકદમ કાળી મોટી આંખો, નાભિ દેખાય એટલું શોર્ટ પિંક ટી-શર્ટ, ને નીચે બ્લુ કલરનુ જીન્સ શોર્ટ્સ પહેરીને એ ઝલકની સામે ઉભી રહી ગઈ.

"સોરી મેડમ, રસ્તામાં ટ્રાફિક હતો. તો આવવામાં મોડું થઈ ગયું." મોનાલીસા એક કાતિલ સ્માઈલ કરતાં બોલી. કદાચ ઝલકની જગ્યાએ કોઈ છોકરો હોત, તો એ અત્યારે મોનાલીસા સામે લપસી જ પડ્યો હોત. પણ આ ઝલક હતી. એક છોકરી બીજી છોકરીને સારી રીતે સમજી શકે. ઝલકે મોનાલીસા નાં તેવર જોઈને તેને પોતાની જગ્યાએ બેસવા ઈશારો કર્યો.

અનુપમાબેન પોતાની સહેલીઓ સાથે પાર્ટી કરી રહ્યાં હતાં. એક એક અંગના વળાંકો ને ઉભાર દેખાય એવું એકદમ ચપોચપ ઢીંચણ સુધીનું રેડ ફ્રોક પહેરેલાં અનુપમાબેન તેમની બધી સહેલીઓ કરતાં સુંદર દેખાતાં હતાં.

"આજ પાર્ટી કંઈ ખુશીમાં રાખી છે?? તે છેલ્લી પાર્ટી આપ્યાં ને એક વર્ષ થઈ ગયું. એક વર્ષ પછી આમ અચાનક પાર્ટી!!" હાથમાં બિયરનો ગ્લાસ લઈને મરક મરક હસતાં ખુશ્બુ બેને પૂછ્યું.

"હવે મહિનામાં એકવાર આવી જ પાર્ટી થશે. જે કારણથી પાર્ટી કરવાનું મૂક્યું હતું. એ કારણનો હવે અંત થવાનો છે." અનુપમાબેને એક કોયડાની માફક ખુશ્બુ બેનનાં સવાલનો જવાબ આપ્યો. જેનાં લીધે તેઓ વધું વિચારોમાં પડી ગયાં.

અનુપમાબેન આજની પાર્ટીમાં બહું ખુશ નજર આવતાં હતાં. એ તેમની બધી સહેલીઓએ નોટિસ કર્યું હતું. પાર્ટી પૂરી થતાં ઘર પહેલાં જેવું જ ખાલીખમ થઈ ગયું. અનુપમાબેને બિયરનો‌ ગ્લાસ ખાલી કરીને પોતાનાં રૂમમાં જઈને બેડ પર લંબાવ્યું. આંખો બંધ કરતાં જ તેમની સામે એક વર્ષ પહેલાંના દ્રશ્યો તરવરવા લાગ્યાં.

"અનિ, જે થવાનું હતું, એ થઈ ગયું. હવે દુઃખી થવાને બદલે એ બધું સુધારવું કંઈ રીતે, એ વિચાર મહત્વનો છે."

"અનુ, તું સમજે છે, એટલું સરળ કશું જ નથી. આજે જે થયું, તેનો બદલો તો હું લઈને જ રહીશ. પણ એ માટે ખાસ વ્યક્તિની જરૂર પડશે."

"તો એ ખાસ વ્યક્તિ જ્યાં સુધી નાં મળે. ત્યાં સુધી આપણે બંને અલગ રહીશું. આ કામનો ગમે તેવો અંજામ આવે, પણ કામ તો‌ કરવું જ છે."

"ઠીક છે, તો હવે જ્યારે બધું પહેલાં જેવું થઈ જાશે. ત્યારે જ આપણે મળીશું."

અનિકેતભાઈ પોતાનું બેગ લઈને ઘરની બહાર નીકળી ગયાં. અનુપમાબેન એમ જ બેજાન વ્યક્તિની માફક તેમને જતાં જોઈ રહ્યાં.

અચાનક જ વર્ષો જૂનો એ દિવસ યાદ કરતાં અનુપમાબેનની આંખમાંથી એક આંસુ સરકી પડ્યું. એ સાથે જ તેમની આંખો ખુલી ગઈ. એક વર્ષ!! અનિકેતભાઈ આ ઘર છોડીને ગયાં. તેને આજે એક વર્ષ થઈ ગયું હતું. એક વર્ષ પછી ફરી આ ઘરમાં પાર્ટી કરવામાં આવી હતી. એક વર્ષ પહેલાં જે શોધ ચાલું કરી હતી. એ શોધ આજ પૂરી થઈ હતી. પણ કામની હજી શરૂઆત જ થઈ હતી. એ કામને તેનાં અંજામ સુધી પહોંચાડવા બહું સમય લાગવાનો હતો.

ઝલક કોલેજેથી ઘરે આવી ગઈ. રામજીકાકા તેની રાહ જોઈને દરવાજે જ બેઠાં હતાં. એક વર્ષથી ઝલક આ ઘર કેયુર અને રામજીકાકાથી દૂર હતી. આ એક વર્ષમાં ઘણું બદલાયું હતું. ઝલકના પપ્પાનું એક્સિડન્ટ, મમ્મીની આત્મહત્યા ને લંડનથી અમદાવાદની સફર!! બધું બહું ઝડપથી થઈ ગયું હતું. કોઈ વિચાર કે પ્લાન કરવાનો સમય જ ક્યાં હતો!! એક પછી એક ઘટના બનતી ગઈ, ને ઝલક એ મુજબ ઘડાતી ગઈ.

"કાંઈ જાણવાં મળ્યું??" રામજીકાકાએ ફરી એ જ સવાલ કર્યો.

"ખાસ કંઈ નહીં. બસ આજ એક છોકરી સાથે મુલાકાત થઈ. એને જોતાં થોડું અજીબ લાગ્યું. ખબર નહીં કેમ, પણ એમાં કંઈક તો ખાસ હતું."

ઝલક કંઈક વિચારતાં વિચારતાં બોલતી હતી. રામજીકાકાને કાંઈ સમજાયું નહીં. તે ઝલકના માથાં પર હાથ મૂકીને કેયુર પાસે જતાં રહ્યાં. નવરાશનો સમય મળતાં ઝલક કેયુર ને મળીને ફરી ડાયરી વાંચવા બેસી ગઈ.

૨૯ જાન્યુઆરી, ૨૦૧૫

આજે જીવનમાં દોસ્તોની જીદ્દના લીધે પહેલીવાર સિગારેટ ફૂંકી. જેમ જેમ ક્રશ ખેંચતો હતો, એમ એમ અલગ જ પ્રકારનો અનુભવ થતો હતો. પણ આ વસ્તુ મારી આદત નહોતી. હું તેને મારી આદત બનવા પણ નહીં દઉં. બસ અમુક વખતે કોઈ વાત કોઈને કહી નહીં શકું, ત્યારે આ સિગારેટ સાથે બધી વાતો કરી લઈશ. એનાંથી કોઈ મારાં ઘાવને વધું રગદોળી પણ નહીં શકે, ને મારું મન પણ હળવું થઈ જાશે.

કોલેજમાં બધાંને પ્રેમ હતો. પણ એમાં સાચો તો અમુક નો જ હતો. કોલેજમાં આવ્યાને વધું સમય નહોતો થયો. છતાંય એટલું તો જાણી જ ગયો હતો, કે પ્રેમ નામનો કીડો અહીં બધાંને ડંખ્યો હતો. પણ મેં તો આજથી આ સિગારેટને જ મારો પ્રેમ માની લીધી હતી. એ મને દગો નહીં આપે, અમારું ક્યારેય બ્રેક અપ નહીં થાય. એ વાતે હું નિશ્ચિત હતો. આમ પણ એવો પ્રેમ જ શું કામનો, જ્યાં તમે ખુદને કેદમાં રાખો, કે અસુરક્ષિત મહેસૂસ કરો!! એટલે જ મારો પ્રેમ મારી સિગારેટ હતી. જ્યાં મને કોઈ જાતની સમસ્યા ન થતી.

મારે મન પ્રેમ વ્હેમ નથી. પણ જે સાચાં દિલથી થાય, એ જ સાચો પ્રેમ!! ને અહીં તો કોઈ ડાચાં જોઈને, તો કોઈ છોકરાની પોકેટના રૂપિયા જોઈને એકબીજાની પાછળ લાગ્યાં હતાં. અત્યારની પેઢીનો આ જ મોટો વાંધો હતો. બસ આ વાત મારાથી પચતી નહીં. પણ હવે આખી કોલેજને તો સુધારી નાં શકાય. તો મેં શરૂઆત મારાથી જ કરી હતી. આપણે પ્રેમનાં ચક્કરમાં પડવું નથી.

સિગારેટને પ્રેમ કરું છું, એની સાથે સુખ દુઃખની વાતો કરું છું, બસ આમ જ હળવો ફુલ રહું છું.

પ્રિય ડાયરી.....

તેર દિવસ પછી લખાયેલી આ ડાયરી ના રંગ રૂપ જ કંઈક અલગ હતાં. એક જ ધ્યેય સાથે જીવતો માણસ વ્યસની પણ હોઈ શકે, એ વાત હવે ઝલકને પચતી નહોતી. એ પણ સિગારેટ સાથે પ્રેમ!! આ વાત તો બહું જ અલગ હતી. એડવોકેટ બન્યાં પહેલાં જ દુનિયાને સુધારવી હતી. એ પણ પ્રેમ વિશે ભાષણો આપીને!!

વાત એકદમ સરળ હતી. તેજસ ને પ્રેમથી એલર્જી હતી. પણ સિગારેટ પ્રેમી!! એ કંઈક વધારે પડતું જ હતું. ચા પ્રેમી હોય, કોફી લવર હોય, આઈસ્ક્રીમ લવર હોય, પણ આ તો સિગારેટ પ્રેમી નીકળ્યો. જે વસ્તુ વ્યક્તિને નુકશાન પહોંચાડે, એની જ સાથે પ્રેમ કેવી રીતે થઈ શકે!! ડાયરી એક જ હતી. પણ એનાં બંને પાનાં પર સાવ વિપરીત લખાણ લખેલ હતું. એક માં સપનાંની વાત હતી. તો બીજાં માં પ્રેમની!! એ પણ સિગારેટના પ્રેમની!!

ડાયરી નો આજનો પ્રસંગ વાંચીને ઝલક ઉંડા વિચારોમાં પડી ગઈ હતી.


(ક્રમશઃ)