તારી એક ઝલક
તેજસ અનિકેતભાઈના કહેવાથી લંડન ગયો હતો. ઝલક એ વાતથી અજાણ હતી.
ભાગ-૧૧
ઝલક અમદાવાદ પહોંચીને તરત જ નિગમ નગર, ચાંદખેડાના સિંધુ એપાર્ટમેન્ટ પર આવી પહોંચી. જ્યાં રામજીકાકા રહેતાં હતાં. એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર પાંચ પર પહોંચીને ઝલકે ડોર બેલ વગાડી. એકવાર જ ડોર બેલ વગાડતાં તરત જ દરવાજો ખુલ્યો. ઝલક દરવાજો ખુલતાં જ દોડીને અંદર હોલ પાસે ડાબી તરફ રહેલાં રૂમમાં જતી રહી.
એ રૂમમાં એક છોકરો બેડ પર સૂતો હતો. તેની આંખો ફરતે કાળાં ચક્કર બની ગયાં હતાં. આંખો નિસ્તેજ થઈને ઉંડી જતી રહી હતી.
"કાકા, આ શું થઈ ગયું મારાં કેયુર ને??"
"સતત પાંચ દિવસથી તાવ આવે છે. કેટલાં હોસ્પિટલમાં બતાવ્યું. પણ શું થયું છે, એ સમજાતું જ નથી."
ઝલકનો અવાજ સંભળાતાં જ કેયુર ઉભો થયો. તે સીધો જ ઝલકને ગળે વળગી ગયો. ઝલક તેનાં માથામાં હાથ ફેરવીને રડવા લાગી.
"શાંત થઈ જા બેટા!! હવે તું આવી ગઈ છે ને!! તો તારો ભાઈ જલ્દી સાજો થઈ જાશે." રામજીકાકાની વાતો પરથી કેયુર ઝલકનો ભાઈ હતો. એવું જણાતું હતું.
કેયુરની દવાનો સમય થઈ ગયો હોવાથી રામજીકાકાએ તેને દવા આપી સુવડાવી દીધો. ઝલક હજું પણ રડતી હતી. રામજીકાકા તેને શાંત કરવા રૂમની બહાર લઈ ગયાં.
"કાકા, સાવ સાચું કહો. કેયુરને શું થયું છે??"
"કાંઈ નહીં બેટા, તેણે તને મળવાની જીદ પકડી હતી. એક દિવસ તે ભણીને ઘરે આવ્યો, ત્યારે બહું હતાશ હતો. મેં કારણ પૂછ્યું, પણ તેણે જણાવ્યું નહીં. ને અચાનક ઝલકદીદી ને બોલાવો એવી જીદ પકડી."
"તો તમારે મને ત્યારે જ બોલાવી લેવાય ને!!"
"હાં, પણ મને થયું, થોડીવાર પછી તે એ વાત ભૂલી જાશે. પણ એવું નાં થયું. તેણે કોલેજે જવાનું બંધ કરી દીધું. તેની તબિયત ખરાબ થવા લાગી. મેં તેનાં મિત્રોને પણ પૂછ્યું, કે તેઓ કેયુરના એવાં વર્તન વિશે કાંઈ જાણે છે?? પણ એ લોકો પાસેથી કાંઈ જાણવાં મળ્યું નહીં."
"હવે હું કોલેજે જઈને જ જાણકારી મેળવીશ."
તેજસના મિત્રો પરેશાન થઈને તેજસની ઘરે આવી પહોંચ્યા હતાં. ઘરનાં દરવાજે જ બધાં મિત્રોની તન્વી સાથે મુલાકાત થઈ ગઈ.
"તન્વી દીદી, તેજસની કોઈ ખબર મળી??"
"હાં, તમે લોકો ચિંતા નાં કરો. તેજસ મારાં પપ્પાના મિત્રનો એક પ્રોજેક્ટ પૂરો કરવા લંડન ગયો છે."
તેજસની પ્રોજેક્ટ માટે લંડન જવા વાળી વાત તેનાં મિત્રોની સમજમાં પણ નાં આવી. પણ એ અંગે તેજસ સિવાય કોઈ કાંઈ સમજાવી શકે એમ નહોતું. બધાં મિત્રો કાંઈ પણ બોલ્યાં વગર જતાં રહ્યાં.
"અરે યાર, તેજાભાઈ આમ કહ્યાં વગર છેક લંડન જતાં રહ્યાં. આ વાત કાંઈ જામતી નથી." કાળું તેજસની લંડન જવાવાળી વાત પર અસમંજસમાં હતો.
"ભાઈએ આપણને પણ નાં જણાવ્યું. મતલબ કોઈ મોટી ગડબડ હોય એવો અંદાજ છે, મને તો!!" બધાં મિત્રો લખનની ઘરે પહોંચી જાદવ ખાટલા પર બેસીને બોલ્યો.
બધાં મિત્રો પરેશાન હતાં. ત્યારે જાદવને એક મેસેજ આવ્યો. એ વાંચીને જાદવ અસમંજસમાં મૂકાઈ ગયો. તેનાં ચહેરાનાં હાવભાવ તરત જ બદલાઈ ગયાં.
"અરે જાદવ, શું થયું તને??"
"નાં, કાંઈ નથી થયું. પેલો મારાં મામાનો છોકરો જૂનાગઢ રહે છે ને!! એના લગ્ન નક્કી થયાં છે. તો ત્યાં જવાનું છે."
"તો એમાં આમ કોઈકે તેને જેલમાં પૂર્યો હોય, એમ શું હાંફળો ફાંફળો થઈ ગયો. હાં માન્યું, કે લગ્ન એ એક પ્રકારની કેદ જ છે. પણ તારાં લગ્ન થોડી થાય છે. તારે તો એનાં લગ્ન એન્જોય કરવાનાં છે. તો જરાં પણ ચિંતા નાં કર. આરામથી લગ્ન કરી આવ."
કાળુંની વાત સાંભળી જાદવ ચાલતો થઈ ગયો. ઘરે જઈને તરત જ તેણે બે મોટી બેગ પેક કરી. એક માં જાદવે પોતાનો સામાન પેક કર્યો. જ્યારે બીજી બેગમાં તેજસની જરૂરી વસ્તુઓ પેક કરી. ને એ બધી વસ્તુઓ અનિકેતભાઈ જાદવને આપી ગયાં હતાં.
હવે ચોંકાવનારી વાત તો એ હતી, કે તેજસ પછી અનિકેતભાઈ જાદવને ક્યાં મોકલી રહ્યાં હતાં!!
ઝલક કેયુરને શું થયું છે, એ જાણવાં કેયુરની કોલેજે પહોંચી ગઈ. કોલેજનું બહારનું વાતાવરણ તો એકદમ શાંત અને સુંદર લાગી રહ્યું હતું. પણ અહીં કંઈક તો એવું હતું. જે કેયુરને પરેશાન કરતું હતું. પણ રામજીકાકાના કહ્યાં મુજબ કેયુરના કોઈ મિત્રો પણ કાંઈ જણાવી રહ્યાં નહોતાં. એટલે એ વાત જાણવી થોડી અઘરી હતી. પણ અહીં વાત ઝલકના લાડકા ભાઈ કેયુરની હતી. તો ઝલક માટે બધી વાતો ઓછાં સમયમાં જ જાણવી જરૂરી હતી.
ઝલક કોલેજની અંદર ગઈ. કેયુરના બધાં મિત્રો બહાર લોબીમાં જ હતાં. તેમને જોતાં કાંઈ ખાસ એવું લાગી નહોતું રહ્યું, કે એ લોકોનાં લીધે કેયુર પરેશાન હોય. બધાંએ કોલેજમાં પ્રવેશ મેળવ્યો, એને હજું એક અઠવાડિયું જ થયું હતું. જેનાં લીધે ઝલકે કેયુરના મિત્રો સાથે કોઈ પૂછપરછ કર્યા વગર જ બધાં પર ધ્યાન રાખવાનું નક્કી કરી લીધું. જે કોલેજ અંદર રહ્યાં વગર શક્ય નહોતું. ઝલક કંઈક વિચારીને સીધી કોલેજના પ્રોફેસરની ઓફિસમાં ગઈ.
પ્રોફેસર પોતાનાં કામમાં વ્યસ્ત હતાં. ઝલક તેમની અંદર આવવાં માટે રજા લઈને ઓફિસની અંદર ગઈ.
"સર, હું લંડનની યુનિવર્સિટીમાં વિધાર્થીઓને ભણાવતી. પણ હાલ મારે ઈન્ડિયામાં જરૂરી કામ હોવાથી અહીં આવી છું. મારી તમારી કોલેજમાં પહેલાં વર્ષમાં બી.બી.એ કરી રહેલાં વિધાર્થીઓને ભણાવવાની ઈચ્છા છે. જો તમારી મંજૂરી હોય તો-"
"અરે, કેમ નહીં!! તમે લંડનની યુનિવર્સિટીમાં ભણાવતાં હોય, તો તમે અહીંના વિધાર્થીઓને સારી રીતે ભણાવી શકો. અમારું અહો ભાગ્ય, કે તમે સામેથી અમારી કોલેજના વિદ્યાર્થીઓને ભણાવવા માંગો છો. આમ પણ બી.બી.એ માં માર્કેટિંગ મેનેજમેન્ટનો વિષય ખાલી જ છે. તમે એ વિષય ભણાવી શકો."
ઝલકને તો જે વિષય પસંદ હતો. એ વિષય જ ભણાવવા માટે મળી ગયો. બસ હવે કેયુર સાથે માત્ર બે દિવસમાં જ એવું તો શું થઈ ગયું, કે એ એટલો બિમાર થઈ ગયો. એ જ જાણવાનું બાકી હતું. ઝલક કાલથી લેક્ચર આપશે, એમ કહીને ઘરે જવા નીકળી.
ઘરે આવતાં સુધીમાં સાંજ પડી ગઈ હતી. ઝલકે ઘરે પહોંચીને એકવાર કેયુરના રૂમમાં આંટો માર્યો. પછી રસોઈ બનાવવામાં લાગી ગઈ. રામજીકાકા કેયુરની દવાઓ શોધીને ટેબલ પર મૂકી, ઝલક પાસે ગયાં.
"કંઈ જાણવાં મળ્યું??"
"આજ તો નથી મળ્યું. પણ થોડાં જ સમયમાં મળી જાશે. કાલથી હું અમદાવાદ યુનિવર્સિટીમાં કેયુરના ક્લાસના વિધાર્થીઓને ભણાવવા જવાની છું. ત્યાં કોલેજની અંદર રહીશ, તો કેયુર સાથે શું થયું, એ જલ્દી જાણી શકીશ."
"જેમ તને ઠીક લાગે એમ!! હું તારી સાથે જ છું. જરૂર પડે ત્યારે મને જાણ કરજે."
"જરૂર, કાકા!!"
ઝલક રસોઈ બનાવીને તેને એક ડીશમા પરોસી કેયુરના રૂમમાં ગઈ. કેયુરને પોતાનાં હાથે જમાડીને, દવાઓ આપી તેને સુવડાવી દીધો. કેયુરના સૂઈ ગયાં બાદ ઝલક અને રામજીકાકાએ સાથે ભોજન લીધું.
જમીને બધું કામ આટોપી ઝલક સોફા પર જ લાંબી થઈ. આખો દિવસ મોબાઈલ હાથમાં લેવાનો સમય જ નાં મળ્યો હોવાથી ઝલક મોબાઈલ ખોલીને મેસેજીસ ચેક કરવા લાગી. ઘણાં લોકોનાં મેસેજ હતાં. અર્પિતાએ પણ મેસેજ કર્યો હતો. પણ અત્યાર સુધીમાં તેજસનો એક પણ મેસેજ કે કોલ આવ્યો નહોતો. ઝલકે તેજસનો નંબર કાઢી ડાયલ કર્યો. મોબાઈલ હજું બંધ આવતો હતો.
ઝલકે શાંત થઈને થોડીવાર મોબાઈલ હાથમાં રાખીને આંખો બંધ કરી. ત્યાં જ તેને તેજસની ડાયરી યાદ આવી. ઝલક તરત જ કેયુરના રૂમમાં રાખેલ બેગ લેવાં દોડી. બેગમાંથી ડાયરી કાઢી ફરી આવીને સોફા પર બેઠી. સોફા પર પડેલ ઓશીકું ખોળામાં મૂકી, એનાં પર ડાયરી રાખીને ઝલક ડાયરી વાંચવા લાગી. ડાયરીનુ ટાઈટલ હતું, 'મારા જીવનનાં અમુક પ્રસંગો' ટાઈટલ વાંચતા ઝલકને ખ્યાલ આવી ગયો, કે આ ડાયરી તેજસ રોજ નાં લખતો. બસ અમુક એવાં યાદગાર પ્રસંગો હતાં, જે તેણે યાદી સ્વરૂપે ડાયરીમાં લખ્યાં હતાં.
૧૭ જાન્યુઆરી, ૨૦૧૫
જીવનમાં ઉંચા આકાશમાં વિહરવા જેવું એક સપનું જોઈને કોલેજની શરૂઆત કરી છે. ઘણી મજા આવે છે. જીવન માત્ર જીવતો નથી. જીવનને માણું છું. મારું સપનું!! એડવોકેટ બનવાનું છે. એનાં માટે મહેનત પણ ખૂબ કરું છું. પણ આ કોલેજ સમય જ એવો છે, કે ક્યારેક ઘણો ખરો સમય એન્જોય કરવામાં જ વીતી જાય છે.
મેં આજથી એક નિયમ બનાવી લીધો છે. જ્યારે દિવસ રખડવામાં પસાર થાય, ત્યારે રાત્રે ચોપડીઓને સમય આપવાનો!! મેં બહું મોટું સપનું જોઈ લીધું છે. તો પૂરું કરવા માટે મહેનત તો કરવી જ પડશે.
મહેનત કરવાથી હું ડરતો પણ નથી. મારી સાથે મારાં મિત્રો છે ને!! એ મને હંમેશાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે. બસ આમ જ જીવનની દરેક પળ ખુલીને માણી લઉં છું.
આ ડાયરી આજથી મારાં જીવનની દરેક સારી, ખરાબ ક્ષણ અને મારાં નીતિનિયમોની સાક્ષી રહેશે. જે મને હંમેશાં બધી વાતો યાદ કરાવશે.
જીવન એક મસ્તીનો દરિયો છે, જેમાં રોજ ડૂબું છું, તરુ છું, બસ આમ જ આગળ વધ્યાં કરું છું.
પ્રિય ડાયરી....
(ક્રમશઃ)