ચેપ્ટર - 26
"આ જગ્યા સંબલગઢ નથી." વિક્રમે ઘટસ્ફોટ કર્યો.
ચોંકી ઉઠયા રાજીવ અને ધનંજય. મતલબ રાજીવનો શક સાચો હતો. આ જગ્યા સંબલગઢ નથી.
"તો પછી આપણે અત્યારે ક્યાં છીએ વિક્રમ?" ધનંજયે પુછ્યું.
"આપણે ઇન્દ્રપુર નામના એક નાનકડા ગામમાં ઉભા છીએ."
"ઇન્દ્રપુર!" ધનંજયે પુછ્યું, "આ ઇન્દ્રપુર અહીંયા ક્યાંથી આવ્યું?"
વિક્રમે કહ્યું, "જરૂર સંબલગઢના રાજ્ય ક્ષેત્રમાં આવતું હશે."
"વિક્રમ એક કામ કર ને," રાજીવે કહ્યું, "આ કપડામાં લખેલું બધું જ વાંચીને સંભળાવ."
"તો સાંભળો," કહીને વિક્રમે એ કપડામાં લખેલું વાંચવાની શરૂઆત કરી. ધનંજય અને રાજીવે ધ્યાન આપ્યું.
"આ સંદેશ કદાચ યુવરાજ શુદ્ધોદનને મળે એવી આશા સાથે હું, ઇન્દ્રપુર ગામનો સભા પ્રમુખ આ સંદેશો લખીને એને મારા ઘરના સભાખંડમાં મુકી રહ્યો છું. રાજકુમાર વીરવર્ધન એમના પ્રવાસ પરથી પરત આવી ગયા છે. પણ યુવરાજ શુદ્ધોદન નહી. પણ હવે રાજકુમાર પંચાવતીમાં ફરી જવા માંગતા નથી. એમણે ગામની પ્રજાને એકત્રિત કરીને પુર્વ તરફ પ્રયાણ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાં બધા સાથે એક નવા જીવનની શરૂઆત કરશે. મુખ્ય નગરમાં હવે જવાય એવું નથી. પંચાવતી બહારના માણસો એને સંબલગઢ કહીને બોલાવે છે. પણ હવે એ જ સંબલગઢ પર દેવતાઓનો ક્રોધ વરસ્યો છે. સંબલગઢ શ્રાપિત થઇ ચુક્યું છે. હવે ક્યારેય કોઇ સંબલગઢના મુખ્ય નગરની અંદર ન જઇ શકે એની વ્યવસ્થા રાજકુમારે કરી દીધી છે. કારણ કે જે કોઇ નગરની અંદર જશે એ પણ ત્યાંના રહેવાસીઓની જેમ શ્રાપિત થઇ જશે."
વિક્રમે વાંચન પુરું કરીને ધનંજય સામે જોયું. દુનિયાભરનું આશ્ચર્ય એના મોઢા પર છવાઇ ગયું હતું. રાજીવની પણ એ જ હાલત હતી. ખાસ કરીને આ દેવતાઓનો ક્રોધ અને શ્રાપિત થઇ ગયું છે એ બધું જ એના માથા પરથી જઇ રહ્યું હતું. એક તો વિક્રમે સંભળાવેલી સંબલગઢની કહાની એટલી વિચિત્ર હતી, હવે એ વધારે વિચિત્ર થઇ ગઇ.
સૌથી વધારે આશ્ચર્ય તો વિક્રમને થઇ રહ્યું હતું. એક તો એને નવી વાત જાણવા મળી હતી કે યુવરાજ શુદ્ધોદનનો એક ભાઇ પણ હતો. જરૂર નાનો જ હશે કારણ કે જૂના જમાનામાં રાજ્યના નિયમો પ્રમાણે રાજાના મોટા દિકરાને જ યુવરાજ બનાવવાનો રિવાજ હતો. એટલે શુદ્ધોદન મોટો હતો એમ વિક્રમે માની લીધું હતું. બીજી પણ એક અજીબ વાત હતી કે યુવરાજની જેમ આ વીરવર્ધન પણ રાજ્યની બહાર ગયો હતો. કોઇક પ્રવાસે. પણ ફર્ક એટલો હતો કે વીરવર્ધન પરત ફર્યો હતો જ્યારે શુદ્ધોદન નહી. કારણ કે એ તો જ્યાં જઇ રહ્યો હતો ત્યાં પહોંચે એ પહેલાં જ રાજસ્થાનના રણમાં એનું અવસાન થઇ ગયું હતું. હવે પ્રશ્નો એ ઉભા થાય છે કે આખરે આ બંને ગયા ક્યાં હતાં? યુવરાજ શુદ્ધોદન તો ઉત્તર તરફ ક્યાંક ગયો હતો. તો શું વીરવર્ધન પણ એ તરફ જ ગયો હતો? કે એ બીજી તરફ ગયો હતો? બીજી તરફ તો કઇ તરફ? અને સૌથી મોટો પ્રશ્ન, શું કામ? એવું કયું કામ હતું કે રાજ્યના બંને રાજકુમારો બહાર ગયા હતા? અને એમની પાછળ જ રાજ્યમાં કંઇક એવું ઘટી ગયું કે લોકો રાજ્યને શ્રાપિત માનવા લાગ્યા? અને જો રાજકુમાર વીરવર્ધન પાછા આવ્યા હતા તો એ પોતાના ઘરે પોતાના મહેલમાં કેમ ન ગયા? અને આ ગામના લોકોને લઇને એ પુર્વ તરફ ગયા તો ક્યાં ગયા? અને શું કામ? અને રાજકુમારે એવી કેવી વ્યવસ્થા કરી રાખી છે કે કોઇ સંબલગઢની રાજધાનીમાં નહીં જઇ શકે?
"આ સભા પ્રમુખ એટલે વળી કોણ હશે?" રાજીવે પુછ્યું.
વિક્રમે જવાબ આપ્યો, "ખબર નહીં. હશે કોઇ ગામના સરપંચ જેવો હોદ્દો ધરાવતી વ્યક્તિ હશે કદાચ. એ સમયની ગ્રામ્ય લેવલની વ્યવસ્થા આવી હતી. ગામના કેટલાક વડીલોની એક સભા હોય છે અને ગામ માટેના સારા ખરાબ જે પણ નિર્ણયો લેવાના હોય છે એ આ સભા જ લેતી હતી. એટલે ટુંકમાં પંચાયત જેવું કામકાજ હતું."
"ઓ.કે."
બીજી તરફ ધનંજયના ઉત્સાહના ફુગ્ગામાં વાસ્તવિકતા રૂપી સોયની અણી અડી ગઇ. એને લાગ્યું હતું કે આખરે સંબલગઢ મળી ગયું. હવે એ કમિટીને ઇમ્પ્રેસ કરી શકશે. પણ આ તો એક નાનકડું ગામડું નીકળ્યું. હવે એને વધારે મહેનત કરવી પડશે. પણ એક આશા હતી કે ઇન્દ્રપુર જો સંબલગઢની સીમામાં આવતું હોય તો રાજ્યની રાજધાની એટલે કે મુખ્ય નગર પંચાવતી પણ અહીં જ નજીકમાં જ હશે. એણે તરત જ પોતાનો ઉત્સાહ પાછો લાવીને એણે વિક્રમને કહ્યું, "મતલબ આ સંબલગઢ નથી ને? તો ચાલો જઇએ સંબલગઢ શોધવા." કહીને એ ચાલવા લાગ્યો. એ હજુ ઘરની બહાર જ નીકળ્યો હતો ત્યાં જ એને એક મોટો અવાજ સંભળાયો. અવાજ સાંભળીને એણે ચોંકીને આકાશ તરફ જોયું. વાદળો ગર્જના કરી રહ્યા હતા. "ડેમ ઇટ.." ધનંજયના મોઢામાંથી એક ગાળ નીકળી ગઇ. મંદ મંદ પવન પણ શરૂ થઇ ગયો હતો. મતલબ ફરી વરસાદ આવવાનો હતો. પણ આ વખતે એકવાત સારી હતી કે એ લોકોને ક્યાંય ભટકવું નહીં પડે. આ મકાનો સદીઓથી આવતા તોફાનો અને વરસાદની ઝાપટો સફન કરવા છતાં પણ હજુ અડીખમ ઉભા છે. અહીં જ રોકાઇ જવુ જોઈએ.
ધનંજયે રાજીવને બહાર બોલાવ્યો. રાજીવ સાથે વિક્રમ અને દર્શ પણ બહાર આવ્યા. એમણે પણ અંદરથી વાદળા ગરજવાનો અવાજ સાંભળ્યો હતો. એમને ખબર હતી કે વરસાદ આવવાનો છે. ધનંજયે રાજીવને કહ્યું, "વરસાદ આવવાનો હોય એવું લાગે છે. આગળ સફર કરવી જોખમી રહેશે. તમારા માણસોને ભેગા કરીને કહી દો કે વરસાદથી બચવા માટે અહીંયાં જેટલા ઘરો છે એ માંથી ગમે તે ઘરમાં જઇને આશરો મેળવી લે. વરસાદ થમી જાય ત્યારે આગળ વધીશું."
બોલીને ધનંજય અને દર્શ ફરી અંદર ચાલ્યા ગયા. રાજીવ એની વાત માનીને એના માણસોને ભેગા કરવા લાગ્યો. કામ વધારે અઘરું નહોતું. ગામ નાનકડું હતું એટલે બધા માણસો આજુબાજુમાં જ હશે. એ નીકળ્યો એની સાથે જ એક મકાનમાંથી વનિતા બહાર આવી. વનિતાએ વિક્રમને કહ્યું, "વિક્રમ તારે આ જોવાની જરૂર છે." "શું છે?" વિક્રમે પુછ્યું. વનિતાના ચહેરા પર વિચિત્ર ભાવો તરવરી રહ્યા હતા. એ વિક્રમનો હાથ પકડીને એને એક બીજા મકાનમાં લઇ ગઇ.
અહીંયા પણ બીજા મકાનોની જેમ ખંડેર જેવી હાલત હતી. વનિતાએ વિક્રમને એક જગ્યાએ લઇ જઇને કહ્યું, "આ જો."
વિક્રમે સામે પડેલી વસ્તુઓ પર નજર કરી. એ આશ્ચર્યચકિત થઇ ગયો. જમીન પર કેટલીક તલવારો, કવચ અને ઢાલ પડ્યા હતાં. અને એમની સાથે પડ્યું હતું એક કંકાલ. એક કંકાલ જોઇને જ વનિતાને હશે કે એને આ જોવું જોઇએ. એમ વિક્રમે માની લીધું. એણે વિચાર્યું કે આખા ગામના લોકો તો ગામ છોડીને ચાલ્યા ગયા હતા. તો આ કંકાલ વળી કોનું હશે? એ કંકાલ એક મોટી લાકડાની પેટીને ટેકે બેઠું હતું. પણ જે વસ્તુ વિક્રમને સૌથી વધારે હૈરાન કરી રહી હતી એ હતી એ કંકાલના કપડાં. એના કપડાં વિચિત્ર હતાં. લાંબા બાયનો શર્ટ અને માથે એક કોટ પહેરેલો હતો. આ કપડાં એકેય એંગલથી ભારતીય નહોતાં લાગતા. અને આ ગામ જેટલું જૂનું લાગતું હતું એટલા જૂના પણ નહોતાં. કંકાલ પાસે પડેલી એક ઢાલ પર એક ચિત્ર હતું જે જોઇને વિક્રમને વધારે આશ્ચર્ય થયું. એ ઓળખતો હતો એ ચિત્રને. એ એક સિમ્બોલ હતો.
એક બ્લ્યુ રંગના ચોરસ અને અર્ધવર્તુળના સમન્વયથી બનેલી એ આકૃતિના વચ્ચેના ભાગમાં પણ એવી જ પંચ વર્તુળ ધરાવતી આકૃતિઓ હતી. અને બ્લ્યુ ભાગમાં નાનાં નાનાં કિલ્લાઓ જેવી આકૃતિઓ બનેલી હતી.
વિક્રમ મનોમન બોલ્યો, "આ તો પોર્ટુગલ સામ્રાજ્યનું શાહી ચિહ્ન છે.."
"વનિતા, જા ધનંજયને બોલાવી લાવ.."
* * * * *
"રેશ્મા! રેશ્મા આંખો ખોલ.." વિજય ચિંતિત સ્વરે બોલ્યો. એને કંઇ સમજાય નહોતું રહ્યું. રેશ્મા થોડીવાર પહેલા તો એકદમ ઠીક હતી. એ બંને જંગલમાં ચાલતાં ચાલતાં વિક્રમના પિતા વિશે ચર્ચા કરી રહ્યા હતા અને અચાનક જ રેશ્મા બેભાન થઇ ગઇ હતી. વિજય એને હોશમાં લાવવાનો પ્રયત્ન કરી જ રહ્યો હતો ત્યાં જ ફરી વરસાદ શરૂ થવા લાગ્યો હતો અને નાછૂટકે એને રેશ્માને ઉપાડીને એક મોટા વૃક્ષ નીચે લઇ આવવી પડી. હજુ પણ એને હોશ નહોતો આવ્યો.
વિજયે વરસાદના પડતાં પાણીમાંથી થોડું પાણી ખોબામાં લઇને રેશ્માના ચહેરા પર છાંટ્યું. રેશ્મા થોડી સળવળી. પછી એણે ધીમેથી આંખો ખોલી. વિજયને નિરાંત વળી.
રેશ્માએ આજુબાજુ જોયું. વરસાદ વરસી રહ્યો હતો અને એ અને વિજય એક મોટા ઝાડ નીચે બેઠા હતા. ઝાડની ડાળીઓ વચ્ચેથી ધીમેધીમે પાણીના ટીપાં એ બંને પર પડી રહ્યા હતા.
"શું થયું વિજય?" માથા પર હાથ રાખતા રેશ્મા બોલી. એને માથામાં દુખાવો થઇ રહ્યો હતો.
વિજય બોલ્યો, "થેન્ક ગોડ તને હોશ આવી ગયો. હું તો ગભરાઇ ગયો હતો."
રેશ્માને ધ્રાસ્કો પડ્યો, "શું હું બેભાન થઇ ગઇ હતી?"
"હાં.." વિજય બોલ્યો, "પણ એક વાત જણાવ, તું ચાલતાં ચાલતાં આમ અચાનક કઇ રીતે બેહોશ થઈ ગઈ ?"
રેશ્મા કંઇ ન બોલી. શું બોલે એ? સાચી વાત એ વિજયને જણાવી શકે એમ ન હતી એટલે એણે બહાનું બનાવીને કહ્યું, "નહીં મને આ જંગલના વાતાવરણમાં ગૂંગળામણ થઇ રહી છે એટલે કદાચ બેભાન થઇ ગઇ હતી. કંઇ વાંધો નથી હું ઠીક છું."
વિજય એની તરફ તાકી રહ્યો. એને શંકા જઇ રહી હતી કે રેશ્મા કંઇક છુપાવી રહી છે. પણ એનું કારણ એને પકડાઇ નહોતું રહ્યું. એણે ફરી પુછ્યું, "પાક્કું?"
"હાં. હાં." રેશ્માએ કહ્યું, "હું ઠીક છું. તું ચિંતા ન કર. આપણે અહીંથી નીકળવું જોઈએ."
"ચાલુ વરસાદે ક્યાંય જવા કરતા અહીં જ બેસી રહેવું વધારે બેટર રહેશે. આ ઝાડવું મોટું અને મજબૂત છે. અને આજે તો માત્ર વરસાદ છે કોઇ વાવાઝોડું નથી."
"તારી વાત સાચી છે. આપણે અહીં જ બેસી રહીએ. આપણે અહીંયા સુરક્ષિત રહીશું.
વિજય એની તરફ જ જોઇ રહ્યો હતો. રેશ્માએ પુછ્યું, "શું જુએ છે?"
"કંઇ નહીં." કહીને વિજયે મોં ફેરવી લીધું. કંઇક હતું રેશ્મા વિશે જે એને સમજાય નહોતું રહ્યું. એ જાણતો હતો કે કોઇ વ્યક્તિ આમ અમસ્તા જ બેભાન ન થઇ જાય. રેશ્મા જરૂર કંઇક છુપાવી રહી છે.
* * * * *
થોડીવાર પછી ધનંજય દર્શ સાથે વિક્રમ પાસે આવી પહોંચ્યા હતા. ચાલુ વરસાદમાં આવવાને લીધે એમના ખભા અને વાળ પલળી ગયા હતા. વનિતા પણ એમની પાછળ હતી.
"વિક્રમ શું થયું?" ધનંજયે પુછ્યું.
"આ કંકાલ દેખાય છે અહીંયા?" વિક્રમે કંકાલ તરફ ઇશારો કરીને કહ્યું, "આ એક પોર્ટુગલ સામ્રાજ્યનો સૈનિક હતો.."
ધનંજયની આંખો પહોળી થઈ ગઈ. "પોર્ટુગીઝ?" એણે પુછ્યું, "હવે આ અહીંયા ક્યાંથી આવ્યા?"
"એ તો ખબર નથી. પણ આ તલવારો અને ઢાલની સંખ્યા જો. આ સામાન અને બીજી બધી વસ્તુઓ જોઇને લાગતું નથી કે આ એકમાત્ર પોર્ટુગીઝ હશે જે અહીંયા આવ્યો હશે. જરૂર સૈનિકોનું આખું ટોળું આવ્યું હશે."
"પણ અહીંયા તો માત્ર એક જ લાશ છે. બીજા બધા ક્યાં છે?" ધનંજયે પુછ્યું.
"એ તો ખબર નથી.." વિક્રમે કહ્યું, "આ કંકાલના હાથમાં એક બોક્સ હતું. જેમાં એક કાગળ હતો."
"અને...."
"આ એક પત્ર છે. જે પોર્ટુગીઝ ભાષામાં લખ્યો છે."
"તને આવડે છે પોર્ટુગીઝ..?"
વિક્રમે હકારમાં માથું હલાવ્યું. પછી એણે કાગળમાં નજર નાંખીને વાંચવાનું શરૂ કર્યું.
"15 ઓક્ટોબર, 1511 : લોર્ડ એલ્ફોન્સો-દે-અલ્બુકર્ક, આ સંદેશ તમને એ જણાવવા માટે મોકલવામાં આવી રહ્યો છે કે ખોવાએલા ગુપ્ત શહેરને શોધવાની મુહિમ સફળ થઇ રહી હોય એવું લાગે છે. અમને એક નાનકડા ગામના અવશેષો મળી આવ્યા છે. જરૂર અમે ગુપ્ત શહેર પણ શોધી લઇશું.."
ધનંજય વિક્રમ સામે જોઈ રહ્યો. બંનેની આંખોમાં સરખા ભાવો દેખાય રહ્યા હતા. ઘોર આશ્ચર્યના ભાવો.
"એનો અર્થ એ થયો કે?.." ધનંજય આગળ બોલે એ પહેલા જ વિક્રમ બોલ્યો..
"હાં... પાંચસો વર્ષ પહેલાં પોર્ટુગીઝ લોકો સંબલગઢની શોધમાં અહીંયા આવ્યા હતા..."
(ક્રમશઃ)
* * * * *