સમર્પણ - 39 - છેલ્લો ભાગ Nidhi_Nanhi_Kalam_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમર્પણ - 39 - છેલ્લો ભાગ



આગળના ભાગમાં આપણે જોયું કે એકાંત અને દિશાના એક થવાનો દિવસ આવી જાય છે, એકાંતને એક એક ક્ષણ જાણે એક વર્ષ સમાન લાગવા લાગે છે, એકાંત મનોમન જ વિચારે છે કે જે શક્ય નહોતું તે હવે શક્ય બનવા જઈ રહ્યું છે, સપનું હવે હકીકતમાં બદલાવવાનું છે. સપનાંની દુનિયામાં રાચી રહેલા એકાંતનું ધ્યાન રુચિનો ફોન આવતા તૂટે છે અને તે વિસામો જવા માટે નીકળે છે, એ દિવસે એકાંત દિશાને કોઈ વોઇસ મેસેજ મોકલતો નથી જેના કારણે દિશા થોડી ચિંતિત બને છે, ઘણા સમયથી જળવાતો ક્રમ આજે તૂટતો દેખાય છે. તેના મનમાં નકારાત્મક વિચારો પણ આવવા લાગે છે, પણ પછી તે પોતાના હૃદયથી જ એ વિચારો ઉપર જીત મેળવી લે છે. વિસામોમાં એનિવર્સરીના પ્રસંગ નિમિત્તે જવાનું હોવાથી દિશા તૈયાર થાય છે. રુચિ અને નિખિલ તેને લેવા માટે આવે છે. શણગારેલા વિસામોને જોઈને દિશા અંદાજો લગાવે છે કે આ કામ એકાંતે જ કર્યું હશે. તે મનમાં એવી ઈચ્છા પણ કરે છે કે એકાંત તેને દેખાઈ જાય. વિસામોમાં કરેલી વ્યવસ્થા જોઈને દિશા અભિભૂત થઈ જાય છે. જેમની એનિવર્સરીની ઉજવણી હોય છે એ ધનજીદાદા અને રંજનબા સ્ટેજ ઉપર રાખેલા વરઘોડિયા માટેના સોફામાં બેઠા હોય છે. મનુભાઈ દિશા, રુચિ અને નિખિલને સ્ટેજ ઉપર બેસવા આમંત્રણ આપે છે, નિખિલ માટે ખુરશી ખૂટી હોવાથી તે જાતે જ નીચેથી ખુરશી લઈ અને રુચિ પાસે બેસી જાય છે, કાર્યક્રમની શરૂઆત થતા મનુભાઈ ધનજીદાદા અને રંજનબાના લવ મેરેજ અને વિસામો સુધીના સફર વિશે જણાવે છે. સરલાબેન પણ એમની વિસમોની સફરયાત્રા વિશે થોડા શબ્દો કહે છે.ધનજીદાદા સાથે નિખિલ થોડી હસી મઝાક કરી લે છે. ધનજીદાદા અને રંજનબાની વાતો માઈક ચાલુ હોવાના કારણે બધા જ સાંભળે છે, અને આ રમુજથી હસવા પણ લાગે છે. ધનજીદાદા માઈક લઈને પોતાના જીવન વિશેની વાતો જણાવે છે. રંજનબાને કેવી રીતે મળ્યા એ વિશેની સફર ખૂબ જ ભાવવાહી શબ્દોમાં વર્ણવે છે. સૌના ચેહરા ઉપર તે સાંભળીને ખુશી ફરી વળે છે. અંતમાં ધનજીદાદા ખરા પ્રસંગની હવે શરૂઆત થઈ હોવાનું જણાવી નિખિલને માઈક આપે છે. નિખિલ પણ કહે છે આ પ્રસંગ અહીંયા પૂરો નથી થતો શરૂ થાય છે.. હવે જોઈએ આગળ...


સમર્પણ - 39

રુચિ : ''આજના આ શુભ દિવસને આપણે કપલ ડે તરીકે ઉજવીશું.''
ત્યાં હાજર રહેલા બધા જ થોડા આશ્ચર્યમાં પડી ગયા. પરંતુ કંઈક નવું જોવા જાણવાની લાલસાએ બધા જ આ સમયની ઉજવણી માટે ઉત્સુક થઈ રહ્યાં હતાં.
નિખિલ : ''આશા કરીએ છીએ કે આ ઉજવણીમાં બધા જ જોડાશો. બેસ્ટ કપલને અમારાં તરફથી ફ્રી હનીમૂન પેકેજ મળશે.''
હાસ્યના ઠહાકાઓમાં બધાએ જ પોતપોતાની ઉંમરને માળીએ ચડાવી દીધી. દિશાને પણ પ્રસંગની ઉજવણીની આ અનોખી રીતમાં મજા પડી ગઈ.
રુચિ : ''તો, આપણું આજનું પહેલું કપલ છે....ધનજીદાદા અને રંજન બા....
નિખિલે માઇક પાસે મોબાઈલ રાખીને ગીત વગાડ્યું,
''જીએ તો જીએ કેસે....બિન આપકે...
લગતા નહીં દિલ કહીં.... બિન આપકે....''
રુચિએ બંનેને કપલ ડાન્સ કરવા સમજાવ્યું, બધા તાળીઓથી એમનો ઉત્સાહ વધારી રહ્યા. ગીત પૂરું થતા જ રંજનબેન પાલવમાં ચહેરો છુપાવી શરમાતા-શરમાતા ફરી બેસી ગયા.
રુચિ : ''બીજું કપલ આવે છે...ગોપાલદાદા અને શીલા બા...''
બધા એકબીજા સામે જોઈ રહ્યા. પણ ગોપાલદાદા કે શીલા બા ઉભા થયા નહીં.
નિખિલ : ''દાદા, અમને ખબર છે કે તમે કપલ નથી, પણ એ ના ભૂલો અહીં હજારો આંખો છે તમારી આંખોને જોવા માટે...આજે કોઈએ શરમાવાનું નથી, બધાએ જ પોતપોતાની લાગણીઓને છૂટી મુકવાની છે. અહીં અત્યારે નાત-જાત, ઉંમર, દેખાવ, સમાજ, રીત-રિવાજો કંઈજ યાદ કરવાનું નથી. બસ શક્ય હોય તો જિંદગીને એક નવો વળાંક આપો.''
રુચિ સ્ટેજ ઉપરથી ઉતરીને શીલા બાને આગળ લઇ આવી. ગોપાલદાદા જાતે જ આવી ગયા.
નિખિલે ફરી ગીત શરૂ કર્યું, ''
''બડે અચ્છે લગતે હેં....
યે ધરતી...યે નદીયાં...યે રૈના...
ઔર ? ઔર તુમ....''
શીલા બા તો જાણે ચોરી પકડાઈ ગઈ હોય એમ ઊંચું પણ જોઈ ના શક્યા, પરંતુ ગોપાલદાદાએ આ ક્ષણની ભરપૂર મજા લીધી.
રુચિ : ''હવેનું કપલ છે...આપણા ''વિસામો''ના ગુલઝાર સાહેબ...વિપુલદાદા, અને એમની પ્રેરણા...ઇલા બા...''
બંને જણાં હાથ પકડીને સાથે જ ઉભા થયા. જાતે જ આગળ આવીને ગીત શરૂ થવાની રાહ જોવા લાગ્યા.
ગીત શરૂ થયું,
''મૈં શાયર તો નહીં...
મગર..એ હસી... જબસે દેખા...
મૈને તુઝકો...મુજકો...શાયરી....આ ગઈ...''
ગીતની છેલ્લી લાઈનમાં વિપુલદાદાએ ઇલાબાને ગોળ ફેરવવાનો પ્રયત્ન કર્યો પણ એમ કરવામાં ઇલાબા સાડીમાં પગ ભરાઈ જવાથી, માંડ માંડ પડતા બચ્યા. એટલે તરત જ વિપુલદાદાની રાહ જોયા વગર જ મોઢું ચડાવી પોતાની જગ્યાએ આવીને બેસી ગયા.
રુચિએ ફરી એક કપલને ડાન્સ માટે આમંત્ર્યા, ''રમેશદાદા અને સુખી બા''
આ શરમાળ જોડાને ડાન્સ માટે બોલાવવામાં રુચિ અને નિખિલને થોડી વધારે મહેનત કરવી પડી. આખરે ઉભા થયા.
ગીતના બોલ સાંભળીને સુખી બા, રામેશદાદાનો હાથ છોડી ફરી પાછા પોતાની જગ્યાએ જવા લાગ્યા, પરંતુ નિખિલ ફરી પાછો એમને પકડી લાવી એમના હાથ પકડાવી ફરી પાછું ગીત શરૂ કર્યું.
''સો સાલ પહેલે...
મુજે તુમસે પ્યાર થા...મુજે તુમસે પ્યાર થા...
આજ ભી હૈ... ઔર... કલ ભી રહેગા...''
ગીત પૂરું થયા પહેલાં જ સુખી બા ફરી પાછા જગ્યાએ આવીને બેસી ગયા. રમેશદાદા થોડીવાર એમને તો થોડીવાર નિખિલ સામે જોઈ રહ્યા. આખરે એમણે પણ પોતાની જગ્યા લઇ લીધી.
વારા-ફરતી આવતાં અને ડાન્સ કરીને જતાં દરેક કપલમાં દિશા પણ મનોમન પોતાને એકાંત સાથે જોઈ રહી, દિશા થોડી-થોડી વારના એકાંતના સાથેના સપનામાં આંટો મારીને પાછી આ પ્રસંગમાં હાજરી આપવા આવી જતી.
ત્યાં જ રુચિએ હવે પછીના કપલના નામનું એનાઉન્સમેન્ટ કર્યું, ''રંગીલા અવધેશભાઈ અને એમની રંગીલી જયાબેન''
દિશા કંઈ વિચારે એ પહેલાં જ નિખિલે ગીત શરૂ કર્યું,
''એ મેરી ઝોહરા ઝબી...તુજે માલૂમ નહીં...
તું અભી તક હૈ હંસી...ઔર મૈં જવાં...
તુજપે કુરબાન, મેરી જાન... મેરી જાન....''
કાળા કલરના પઠાણી વેશમાં અવધેશભાઈ બંને હાથોમાં સિલ્કના પીળા અને કેસરી કલરના રૂમાલને ફિલ્મી અંદાઝમાં ઝટકાવતા-ઝટકાવતા સ્ટેજ સુધી આવી પહોંચ્યા. જયાબેન પણ આસમાની પંજાબીમાં અસલ પંજાબણનો વેશ ધરી ફિલ્મી અદાઓ કરતાં કરતાં ડાન્સમાં સહભાગી થઈ રહ્યા.
દિશા, વેવાઈ-વેવાણને જોઈ ખુશીથી એમને આવકારવા ઉભી થઇ ગઇ. પરંતુ નિખિલે ઝડપથી અવધેશભાઈ અને જયાબેનને બેસવાની વ્યવસ્થા કરી આપી,અને રુચિએ તરત જ બીજા કપલના નામનું એનાઉન્સમેન્ટ કર્યું, ''સદાબહાર જીતુદાદા અને એમની હિરોઇન રેખા બા...''
દિશાને વિચારવાનો વધુ સમય ન આપતાં, નિખિલે ઝડપથી ગીત શરૂ કર્યું,
રેટ્રોલુકમાં તૈયાર થયેલા પોતાના પપ્પા-મમ્મીને દિશા ઘડીભર તો જોઈ જ રહી.
રેખાબેન લાલ કલરની મુમતાઝ સ્ટાઇલમાં વીંટેલી સાડીમાં મુમતાઝને ટક્કર મારે એવા લાગી રહ્યા હતા.
મુમતાઝની જેમજ આંખોને અણિયાળી કરી હતી. ગીતના બોલ હતા,
''પિયા તોસે નૈના લાગે રે... નૈના લાગે રે....
જાને ક્યાં હો અબ આગે રે...''
જીતુભાઇ પણ જીતેન્દ્રની માફક સફેદ જુતા અને સફેદ પેન્ટ શર્ટમાં રીતસરના રમુજી પાત્ર દેખાઈ રહ્યા હતા. ગીતના ધીમા બોલ સાથે માંડ માંડ જીતેન્દ્રના પ્રેકટીસ કરેલા સ્ટેપ્સ જરાય બંધ બેસતા નહોતા. પરંતુ અત્યારે બીજું કાંઈ વિચારાય એમજ નહોતું એટલે એમણે એ સ્ટેપ્સ ચાલુ જ રાખ્યા. રેખાબેન પણ નક્કી કર્યા સિવાયનું બીજું ગીત સાંભળીને જરાક છોભીલા પડ્યા, પણ પોતે પોતાના સ્ટેપ્સ ગીતના બોલ પ્રમાણે સેટ કરી લીધા. વાંક જીતુભાઈનો નહોતો, નિખિલને ખરે સમયે નક્કી કરેલું ગીત ના મળવાથી આખું ગીત જ બદલી નાખ્યું હતું.
દિશાને આ પ્રસંગમાં આ લોકોની હાજરીથી હવે આશ્ચર્ય થઈ રહ્યું હતું, છતાં એણે મન મનાવ્યું કે નિખિલ અને રુચિએ આ ઉજવણી હાથમાં લીધી છે તો બોલાવ્યા હશે, પરંતુ પોતાને આ વાતની જાણ ના હોવાનું થોડું અજુગતું જરૂર લાગ્યું.
નિખિલે એમને પણ અવધેશભાઈ અને જયાબેનની સાથે બેસવાની વ્યવસ્થા કરી આપી. એમની બાજુમાં હજુ એક કપલની ખાલી જગ્યા જોઈ દિશા વિચારમાં પડી.
ત્યાંજ રુચિએ ફરી એક એનાઉન્સમેન્ટ કર્યું, ''હવે આવે છે મારા લાઈફલોન્ગ બોયફ્રેન્ડ...વિનોદદાદા અને....
ત્યાંજ નિખિલે એના હાથમાંથી માઇક ઝૂંટવી લીધું, ''અને મારી લાઈફલોન્ગ ગર્લફ્રેન્ડ...વિજુ ડાર્લિંગ...''
દિશા હવે ખરેખર જ કાઈ સમજી શકતી નહોતી. પોતાના સાસુ-સસરાની આ પ્રસંગમાં હાજરી, એ પણ પોતાની જાણ બહાર છેક લંડનથી આવી પહોંચ્યા ? એ હવે નિખિલ અને રુચિ સાથે આ બાબતે વાત કરવા માંગતી હતી. પરંતુ એ બંને જણા આજે દિશાને અવગણીને પોતાનો કાર્યક્રમ જ આગળ વધારવામાં મગ્ન હતા.
ગીત શરૂ થયું,
''કજરા મહોબત વાલા,
અખિયોંમેં એસા ડાલા...
અખિયોંને લે લી મેરી જાન...
હાય...રે... મૈં તેરે કુરબાન....''
મહેંદી કલરના કુર્તા અને સફેદ લેંઘામાં સજ્જ વિનોદભાઈ, આછા આસમાની રંગની કોટન સાડીમાં તૈયાર થયેલા વિજયાબેનનો હાથ પકડીને આવી રહ્યા હતા. સ્ટેજ સુધી પહોંચ્યા પછી નિખિલને ફરીવાર ગીત વગાડવાનો ઈશારો કરી, અવધેશભાઈ પાસેથી સિલ્કનો પીળો રૂમાલ માંગી લાવ્યા. વિજયાબેનને ઉભા જ રહેવા દઈ પોતે ઘૂંટણે બેસીને પ્રાણની પ્રાણઘાતક અદામાં રૂમાલ ઝટકાવી ડાન્સ શરૂ કર્યો. પણ એમાં લોચો એ પડ્યો કે એમને જ્યારે ઉભા થવાનું હતું ત્યારે પગની તકલીફના લીધે ઉભા થઇ શક્યા નહી એટલે એમણે હાથ ખેંચીને વિજયાબેનને પણ નીચે બેસાડી દીધા. નિખિલ, રુચિ, અવધેશભાઈ, અને જીતુભાઇ એમની પરિસ્થિતિ સમજીને એ બંનેને ઉભા કરવા આવી પહોંચ્યા. વિનોદભાઈને આજે ડાન્સ મગજ ઉપર ચડી ગયો હતો. એમણે ફરી પાછું ગીત શરૂ કરવા ઈશારો કર્યો. આ વખતે એમણે રૂમાલ સાથે વિજયાબેનને કમરેથી પકડીને ડાન્સ કર્યો. એમને જોઈને આગળના બીજા બધા કપલ પણ એમને સાથ આપવા જોડાઈ ગયા. નિખિલે પાંચ-છ વખત આ ગીત રિપીટ કરવું પડ્યું.
એટલી વારમાં રુચિ અને નિખિલે મનુભાઈ અને સરલાબેન સાથે થોડી ચર્ચા કરી લીધી.
અચાનક ગીત બદલાયું,
''જાનમ, દેખ લો મીટ ગઈ દૂરીયાં..
મૈં યહાઁ... હું યહાઁ... હું યહાઁ... હું યહાઁ...
કૈસી સરહદે...કૈસી મજબૂરીયાં...
મૈં યહાઁ... હું યહાઁ...હું યહાઁ... હું યહાઁ...''
ડાન્સ કરતા બધા જ કપલ પાછળ દરવાજા તરફ જોઈ રહ્યા. દિશા પણ યંત્રવત્ ઉભી થઇ ગઇ, અને અનિમેષ નજરે એ તરફ જોઈ રહી. આંખો અવિરત વહી રહી. દરવાજેથી છ-સાત ડાન્સરોની આગેવાની કરતો આવનાર વ્યક્તિ બીજો કોઈ નહીં, ''એકાંત'' હતો. જેની આંખો પણ આસપાસના લોકોને ભૂલીને ફક્ત અને ફક્ત દિશાની આંખોમાં જ જોઈ રહી હતી. એકાંત અડધે સુધી પહોંચ્યો ત્યાંજ નિખિલે ફરી ગીત બદલ્યું, અને પોતે પણ એ બધા સાથે ડાન્સમાં જોડાઈ ગયો.
''હિરીએ સહેરા બાંધ કે મૈ તો આયા રે,
ડોલી બરાત ભી સાથમેં મૈ તો લાયા રે...
અબ ના હોતા હે... એક રોઝ ઇન્તજાર સોણી...
આજ નહીં તો કલ હૈ તુઝકો તો બસ મેરી હોણી રે...
તેનું લે...કે મૈ જાવાંગા...''દિલ દે... કે મૈ જાવાંગા...''
રુચિ અને સરલાબેન દિશાને સ્ટેજ ઉપરથી નીચે ઉતારાવી, એકાંતની સામે લઇ ગયા. રેખાબેન, જયાબેન, વિજયાબેન પણ દિશાની સાથે જોડાયા.
નિખિલ જગ્યા કરીને એકાંત અને દિશાને સામસામે લઇ આવ્યો. બંને જણા હજુ પણ એકબીજાની આંખોમાં જ જોઈ રહ્યા હતા. દિશા પોતે સપનું જોઈ રહી છે કે હકીકત છે એ બધાથી પર થઈને પોતે જીવે પણ છે કે કેમ એ પણ સમજી શકતી નહોતી. એકાંત પોતાની જાતને બરાબર સંભાળીને દિશાને કાયદેસર સંભાળી લેવા માટે તત્પર થઈ રહ્યો હતો.
એકાંતે હાથ લંબાવ્યો, નિખિલે એકાંતના જ અવાજમાં રેકોર્ડ કરાયેલી પંક્તિઓ માઇક પાસે વહેતી કરી.
''તું ધારે છે એટલો પણ જમાનો ક્રૂર નથી....
તું હાથ લંબાવે તો હું લગીરેય દૂર નથી !!!!!
દિશા બધું જ જોઈ સાંભળી રહી હતી. ગળામાંથી અવાજ નીકળી શકતો નહોતો. એનું શરીર સ્થિર થઈ ગયું હતું. રુચિ એને ઢંઢોળીને એ અવસ્થામાંથી બહાર લાવી.
દિશાએ અવિરત વહેતી આંખોની અવગણના કરીને ધીમેથી હાથ લંબાવ્યો. એકાંતે તરતજ એને પોતાના તરફ ખેંચી. દિશા પણ સમય-સ્થાનનું ભાન ભૂલીને એને વળગીને ખૂબ જ રોઈ. આજે એને પોતાનો અવાજ દબાવીને ચૂપચાપ રોવાની જરૂર નહોતી. ત્યાં હાજર દરેક જણે બંનેના આ અનોખા સમન્વયને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. દિશા આજે મન મુકીને રડી, એકાંતે પણ જ્યાં સુધી એ જાતે ખસી નહીં ત્યાં સુધી એને હૃદય સરસી ચાંપી જ રાખી. એ બંનેના મિલનની સાક્ષીએ આજે ઘણી બધી આંખો એકસાથે વહી રહી હતી. આ મિલનમાં આજે કોઈ જ અડચણ બનવા માંગતું નહોતું. દિશાને સ્વસ્થ થતાં થોડી વધારે જ વાર લાગી. એકાંતે દિશાના કપાળ ઉપર ચુંબન કર્યું. ત્યાં જ નિખિલ, રુચિ અને એકાંતની સાથે ડાન્સર તરીકે આવેલા નિખિલના મિત્રોએ ગુલાબની પાંખડીઓનો વરસાદ કરીને એકાંત અને દિશાના આ મિલનને સુગંધિત બનાવી દીધું.

હાજર રહેલા દરેક જણ અંતરથી આશિષ આપી રહ્યા હતા. દિશા ખરેખર બીજી દુનિયામાંથી હકીકતની દુનિયામાં હવે પ્રવેશી ચુકી હતી. સૌ પ્રથમ બંને એ વિનોદભાઈ-વિજયાબેનના આશીર્વાદ મેળવ્યા. એ બંનેએ ખરા અર્થમાં વહુને દીકરી સમોવડા આશીર્વાદ આપ્યા. ત્યાર પછી જીતુભાઇ અને રેખાબેનને પણ પગે લાગ્યા, દિશા પોતાની મમ્મીને ભેટી રહી, મમ્મી પણ પોતાની નજર સમક્ષ પોતે જોયેલા ઓરતા પુરા થતા હોવાથી ખૂબ જ ખુશ હતા. જયાબેને દિશાને ગળે લગાવી, અત્યાર સુધી એની લાગણીઓને સમજી ના શક્યાની માફી માંગી. વૃદ્ધાશ્રમના બધા જ વડીલો અને કર્મચારીઓએ પણ દિશા અને એકાંતને વારાફરતી શુભકામનાઓ આપી. દિશાએ અને એકાંતે સાથે મળીને સૌનો આભાર વ્યક્ત કર્યો. મનુભાઈ, સરલાબેન તથા અહીંના દરેક વડીલના સહયોગ વગર આ કાર્ય શક્ય નહોતું જ. એકાંત અને દિશાએ જીવનપર્યંત આ ''વિસામો''માં સેવા આપવાનું વચન આપ્યું. એકાંતે નિખિલ અને રુચિના પ્રયત્નોથી કેવી રીતે આ કામ પાર પડી શક્યું એનો આછો અહેવાલ આપ્યો. આ સાંભળીને દિશાએ ઇશારાથી રુચિ-નિખિલને બોલાવી બંનેને માથે હાથ ફેરવી પોતાને ધન્ય ગણાવી રહી. કાર્યક્રમ સુખદ રીતે પૂર્ણ થયો. રુચિ અને તેનો પરિવાર પણ આ મોટું કાર્ય પૂર્ણ થયાના સંતોષ સાથે દિશા અને એકાંતની રજા લઇ પોતાના ઘર તરફ પાછા વળ્યા. દિશાના મમ્મી પપ્પા, નિખિલના મમ્મી-પપ્પા અને વિનોદભાઈ-વિજયાબેન પણ ઘરે જવા રવાના થયા, વૃદ્ધાશ્રમના વૃધ્ધો પણ ધીમે ધીમે પોત-પોતાના રૂમ તરફ વળ્યાં.
એકાંત અને દિશાનો હાથ પકડીને ''વિસામો''ની અગાશીએ છેલ્લા ઘણા સમયથી સુની પડેલી જગ્યા ઉપર પોતાની સહિયારી હાજરી આપવા લઈ ગયો. દિશાએ એકાંતનો હાથ આજે વધુ જોરથી પકડ્યો હતો. તેનું માથું પણ આજે એકાંતના ખભે ઢાળી દીધું હતું. કેટલાય વર્ષોથી હૃદયના કોઈક ખૂણે પડી રહેલા દિશાના એકાંતને હલબલાવી મૂકી આજે સાચે જ એકાંતે એને''એકાંતમય'' કરી નાખી.
એ દિવસ પછીની દરેક સાંજે Mr. એન્ડ Mrs. એકાંત, સંસ્થાના ધાબાની પાળીએ ચાંદને જોઇ રહેતા, ફરક એટલો જ હતો કે પહેલાની જેમ હવે સમય ખૂટતો નહોતો. એકાંતનો ખભો હવે ભીનો થતો નહોતો. એના ખભાના ટેકે કલાકો ચૂપચાપ અંધારામાં ઝળહળતા ચાંદને નિહાળતી રહેતી દિશાને જોવા જાણે કે ચાંદ પણ સમયસર પોતાનો ઉજાસ ફેલાવા ઉતાવળમાં રહેતો. અને એકાંત પણ એની એ વિચારમગ્ન અવસ્થાને જરાય ડિસ્ટર્બ કર્યા વગર એના હાથ પોતાના હાથોમાં લઇ પસવાર્યા કરતો. આ દ્રશ્ય જોઇ બધા જ વડીલો પણ રુચિ, એકાંત અને દિશાના એક યા બીજી રીતના એકબીજા માટેના સમર્પણને યથાર્થ થતું જોઈ પોતાની આંખ ઠારતા. પ્રેમ અને સમર્પણની સામે ઉંમરના તફાવતને ગૌણ થતો જોઈ કોટી-કોટી વંદન કરી ઘણીબધી આંખો ખૂબ-ખૂબ આશિષ વરસાવતી રહેતી.

સમાપ્ત.