સમર્પણ - 38 Nidhi_Nanhi_Kalam_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમર્પણ - 38


આગળના ભાગમાં આપણે જોયું કે રુચિ એકાંતને ભાર પૂર્વક પૂછે છે કે પોતે શું ઈચ્છે છે? જવાબમાં એકાંત દિશા પ્રત્યેનો પ્રેમ સ્વીકારે છે અને જીવનભર કોઈ તકલીફ નહિ આવવા દે એવું વચન આપે છે. રુચિના સાસુ-સસરા રુચિને સંમતિ આપતા એકાંતને ઘરે મળવા માટે બોલાવે છે પરંતુ દિશાને આ કોઈ વાત જણાવવાની ના કહે છે. નકકી કરેલા દિવસે એકાંત રુચિના ઘરે જાય છે. પોતે દિશા સાથે રાબેતા મુજબ જ કોન્ટેક્ટમાં રહે છે, રુચિ દ્વારા કહેવામાં આવેલી કોઈ વાતનો અણસાર દિશાને આવવા દીધો નહીં. એકાંતનું વર્તન જોઈને રુચિના સાસુ સસરાને પણ તેમનો નિર્ણય બરાબર હોય તેમ લાગ્યું. એકાંત સાથે જ તેઓ બધા વિસામો જવા માટે નીકળે છે, એકાંતે બધાની ઓળખાણ કરાવી મનુભાઈની ઓફિસમાં બેસી ચર્ચા આરંભે છે. અવધેશભાઈ જ વાતની શરૂઆત કરતા દિશા અને એકાંત સાથે થાય તેવી ઈચ્છા વ્યક્ત કરે છે, જયાબેન પણ સાથ આપે છે, મનુભાઈ અને સરલાબેન આ ઇચ્છાને ખુશીથી વધાવી લે છે અને મનુભાઈ એક વ્યક્તિને પેંડા લેવા માટે મોકલે છે. મનુભાઈ બહાર બધાને મંદિર પાસે એકઠા થવાનું જણાવે છે, સરલાબેન બધાને આ ખુશખબરી આપે છે સાથે સૌને આ વાત દિશાથી છુપાવવાનું પણ જણાવે છે. બધા બેસીને જ આગળનું પ્લાનિંગ નક્કી કરી લે છે. એકાંત દિશાને રાબેતા મુજબ વોઇસ મેસેજ મોકલતો રહે છે, હવે તેને દિશાને ખોઈ બેસવાનો ડર નથી સતાવતો. તો બીજી તરફ દિશા એકાંતના સાથને ઝંખે છે, રડીને પણ પોતાનો ભાર હળવો કરી લે છે. નિખિલ અને રુચિ નાના-નાનીના ઘરે જઈને પણ આ ખુશખબરી આપી દે છે, તેમનો પણ આ કામમાં સહકાર મળે છે. વિદેશમાં રહેતા રુચિના દાદા દાદીને પણ વીડિયો કોલ કરી બધી વાત જણાવે છે, તેમની પણ આ સંબંધ માટે મંજૂરી મળી જાય છે.. હવે જોઈએ આગળ......

સમર્પણ - 38

સવારથી એકાંતનું હૃદય છાતી ફાડીને બહાર આવવા મથી રહ્યું હતું. ઘડિયાળનો સેકન્ડ કાંટો પણ આજે કલાકના કાંટા કરતાંય ધીમો ચાલી રહ્યો હતો. એની આંખમાં ઘડીક આંસુ આવતું ને ઘડીક પાછું આંખમાં જ સમાઈ જતું. આજનો દિવસ ક્યાંક સપનું તો નથી ને એ જોવા જ એણે કેટલીયવાર પોતાના હાથને જ ચૂંટલી ખણી લીધી હતી. પોતાની જાતને જ કહેતો... હા, સાચે જ આજનો દિવસ એ સપનું નથી, અશક્ય હતું એ શક્ય થવા જઈ રહ્યું છે.
કોણ કહે છે બંધનો નડે ત્યારે પ્રેમ મૃત્યુ પામે છે ? પ્રેમ એ પતંગિયું છે એને છૂટું મુકો, ઉડવા દો. એ પતંગિયાને પ્રેમ જ કરાય...બસ પ્રેમ જ. એના રંગો મેળવવા એને જકડી રાખો તો એ ક્યારેય તમારું ના થાય. પ્રેમ હશે તો પતંગિયું આપોઆપ તમારા હાથ ઉપર આવીને બેસી જશે, એક અતૂટ વિશ્વાસ સાથે. મારી તો પાંપણો ઉપર આવીને બેઠું છે. અત્યારે ભગવાન આવીને કહે કે, ''હે એકાંત, પાંપણો હવે ઝપકાવીશ નહીં, પતંગિયાને હેઠું પડવા દઈશ નહીં.'' તો મારો એક જ જવાબ હશે, ''હે ભગવાન, હથેળીએ સાચવેલા પતંગિયાને આવકારવા પાંપણો ધરી છે. તું કહે તો અબઘડી શ્વાસ મૂકી દઉં, બસ એકવાર એને મારી આંખોમાં ભરી લેવા દે. સામાજિક ડરના લીધે પાંખો સંકોરીને બેઠેલા એ પતંગિયાને સમાજ સામે સ્વીકારી લેવા દે. જેથી સાચી લાગણીઓ કોઈ સમાજ કે રિવાજોની મહોતાજ ક્યારેય ન થાય.''
રુચિનો ફોન આવતાં જ એકાંત સપનાની દુનિયામાંથી પાછો ફર્યો. વિચારો ખંખેરીને નક્કી કર્યા પ્રમાણે ''વિસામો'' જવા નીકળ્યો.
સવારથી આજે એકાંતના કોઈ મેસેજ કે કોલ આવ્યા ના હોવાથી દિશા થોડી અસ્વસ્થ હતી. આટલા દિવસથી ક્યારેય એકાંત એનો આ ક્રમ ભુલ્યો નહોતો, થોડી ક્ષણમાટે દિશાનું મગજ નકારાત્મક વિચારોથી ઘેરાઈ વળ્યું, પરંતુ બીજી જ ક્ષણે દિશાના હૃદયે જીત મેળવી લીધી.
''વિસામો''માં એક વડીલ કપલની એનિવર્સરીનો પ્રસંગ ગોઠવાયો હોવાથી પોતે તૈયાર થઈ ગઈ. રુચિ અને નિખિલે સામેથી જ દિશાને સાથે આવવાનું કહ્યું હોવાથી એ બંને એને નિયત સમય ઉપર લેવા આવી ગયા.

''વિસામો'' પહોંચતા જ દિશાએ જોયું કે બહારનો દરવાજો સફેદ અને લાલ કલરના ફુગ્ગાઓથી સજાવેલો હતો. એ જોઈ એણે વિચારી લીધું, કે આ કામ ચોક્કસ જ એકાંતનું હોવું જોઈએ. મનોમન ભગવાનને પણ પ્રાર્થી રહી કે દૂરથી પણ ભલે, આ પ્રસંગના બહાને એકાંતની એક ઝલક જોવા મળી જાય. રુચિ એનો હાથ પકડીને અંદર તરફ ચાલવા લાગી. નિખિલ કાર પાર્કિંગ તરફ આગળ વધ્યો. દરવાજાથી અંદર પ્રવેશ કરતાં જ સત્સંગ હોલ સુધીના રસ્તામાં ગુલાબ અને ગલગોટાની પાંખડીઓ છૂટી-છૂટી પથરાયેલી હતી. સત્સંગ હોલમાં સ્ટેજ સુધી પહોંચવા માટેના રસ્તે ફક્ત ગુલાબની પાંખડીઓ પથરાયેલી જોઈને આ વ્યવસ્થાથી દિશા ખરેખર અભિભૂત થઈ. સ્ટેજ પણ જાણે કે લગ્નમંડપની જેમ સફેદ અને જાંબલી રંગના ફૂલોથી સજાવેલો હતો. સ્ટેજ ઉપર લાલ કલરના બે જણ બેસી શકે એવા સોફામાં આજના દિવસના વરઘોડિયા ધનજીદાદા અને રંજનબા બેઠેલા હતા. સોફાની બંને બાજુએ બબ્બે લાલ કલરની સોફાસેટની ખુરશીઓ ગોઠવેલી હતી. મનુભાઈ અને સરલાબેન સિવાય બીજા કર્મચારીઓ તથા વડીલો સ્ટેજની સામે ગોઠવેલી પ્લાસ્ટિકની ખુરશીઓમાં બેઠા હતા. દિશા, રુચિ અને નિખિલને આવતા જોઈ ત્યાં હાજર દરેક જણે ઉભા થઈને તેઓને આવકાર આપ્યો. સોફાની એક બાજુએ બેઠેલા મનુભાઈ અને સરલાબેને સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને ત્રણેય જણને સ્ટેજ ઉપર આવવા આમંત્ર્યા. સોફાની બીજી બાજુની બે ખુરશીઓમાં અનુક્રમે દિશા અને રુચિ ગોઠવાઈ ગયા. નિખિલ માટે ખુરશી ખૂટી હોવાથી મનુભાઈ જરાક છોભિલા પડ્યા. પરંતુ નિખિલ તરત જ સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને ગોઠવેલી ખુરશીઓમાંથી એક લઇ આવીને પાછો સ્ટેજ ઉપર આવીને રુચિની બાજુમાં બેસી ગયો. એની આ રમુજી હરકત બધાના ચહેરા ખિલાવી ગઈ.
બધાએ પોતપોતાની બેઠક લઇ લીધી હોવાથી મનુભાઈએ કાર્યક્રમની શરૂઆત કરી. સિત્તેર વર્ષના ધનજીભાઈ અને એકોતેર વર્ષના રંજનબાના લવમેરેજથી લઈને ''વિસામો''સુધીની સફરની ટૂંકમાં જીવનકથની જણાવી. સરલાબહેને પણ છેલ્લા પાંચ વર્ષથી ''વિસામો''માં સાથે રહેતા એ દાદા-બાની ખાટી-મીઠી તકરારોની વાતો જણાવી લોકોને પ્રફુલ્લિત કરી દીધા. હવે વારો હતો ધનજીદાદા અને રંજનબાના સ્વમુખે પોતાના અડતાલીસ વર્ષના લગ્નજીવનની યાત્રા સંભળાવવાનો. નવી-નવેલી વહુની જેમ તૈયાર થયેલા અને બધાની સામું વારાફરતી જોઈ-જોઈને શરમાઈ રહેલા રંજનબા સોફાને ટેકો દઈને ઉભા થયા. નિખિલે એમના હાથમાં માઇક પકડાવી દીધું. બાએ પોતાના સ્વભાવ મુજબ આંખો કાઢીને ધનજીદાદાને ઉભા થવા ઈશારો કર્યો. આ જોઈ બધાને મજા પડી ગઈ.
ધનજીદાદાને ઉભા થવામાં તકલીફ થતી જોઈ નિખિલે તરત જ ઉભા થઈને એમને મદદ કરી અને કહ્યું, ''દાદા આજનો દિવસ બા નું કીધું કરી લો નહીં તો બધાની સામે તમારી ખેર નથી.''
ધનજીદાદા : ''બેટા, આજનો દિવસ શુ ? આખી જિંદગી એનું જ કીધું કરતો આવ્યો છું. મોટી છે ને મારાથી.'' (કહીને ત્રાંસી આંખે રંજનબા સામું જોઈ નજર ફેરવી લીધી.)
રંજન બા : ''બસ બસ હવે એક વર્ષ મોટી નડતી'તી તો લગન જ શુ કામ કર્યા'તા ? ત્યારે તો મારા બાપુજીના ઘરે આંટા મારવામાંથી ઉંચા નહોતા આવતા.'' (રંજનબા ની જાણ બહાર એમનો આ વાર્તાલાપ માઈકમાં ગુંજી રહ્યો હતો. )
ધનજીદાદાએ ધીમેથી એમને માઇક દૂર કરીને બોલવા જણાવ્યું.
રંજનબા : ''છો ને ! બધાય જાણે ! ખબર તો પડે આ આખો દી મને ''મોટી'' ''મોટી'' કર્યા કરો છો તે ! ''
ધનજીદાદાએ હવે ચૂપ રહેવામાં જ ડહાપણ સમજ્યું.
રંજનબાના હાથમાંથી પોતે માઇક હાથમાં લીધું.
ધનજીદાદા : ''મિત્રો, આજના આ દિવસે અમારા લગ્નજીવનને અડતાલીસ વર્ષ પૂર્ણ થાય છે. શરૂઆતથી લઈને અત્યાર સુધી લડતાં-ઝઘડતા અમે એકસાથે જ અહીં સુધીની સફર સાથે પૂર્ણ કર્યા નો આનંદ છે.... ( બે-ત્રણ સેકંડના મૌન પછી ) એવું કહેવું પડશે મારે. (રંજનબાએ બાજુમાંથી કોણી મારી ) આ રંજન તો માઇક ઉપર બોલી શકશે નહીં. મારી શર્મિલી રજજો છે એ. ( ફરી કોણી મારે એની રાહ જોઈ રહ્યાં. )
અમારા બંને વતી થોડીક વાતો હું ટૂંકમાં જણાંવું, ''અમે... સ્કૂલમાં સાથે ભણતા. ગામડું હતું, છોકરા-છોકરીઓને એકબીજા સાથે બોલવા દેતા નહીં. છોકરીઓને તો ભણવા પણ ના દેતા. આ રજજોના બાપા નાતિલા પ્રમુખ હોવાથી મને એની સાથે ભણવાનો અવસર મળ્યો. મારાથી એકવર્ષ આગળ હોવાથી હું એની પાસે રોજ એકડાં શીખવા જતો. એમજ અમે મોટા થયા. નાનપણથી સાથે હોવાથી બંનેના ઘરમાં અમને સાથે ભણવા દેવાની કોઈ તકલીફ ના હતી. પણ રજજો પહેલીથી જ વાતે વાતે ''હું મોટી છું ને? '' કહીને ધમકાવીને પોતાના બધાજ કામ મારી પાસે કરાવતી. એટલે હવે હું પણ એના એ જ બોલને વાતે વાતે એને ચિપકાવું છું, તો મને કોણીઓ મારે છે. ( રંજનબાએ કોણી મારી જ )
(દાદાએ આંગળીથી એ તરફ ઈશારો કર્યો )જો છે ને ? ''
બધામાં હાસ્યનું મોજું ફરી વળ્યું, ધનજીદાદાએ વાત આગળ વધારી. ''લગ્ન થયાં, સાંસારિક જીવનમાં પડતાં-આખડતાં છેલ્લે આ ''વિસામો''એ અમારો હાથ ઝાલ્યો. (રંજનબા તરફ ફરીને એમનો હાથ પકડીને કહ્યું ) પણ મજા આવી હોં રંજન... તારી સાથે ખૂબ મજા આવી.'' એમની આંખો પાણીથી ભરાઈ ગઈ. થુંક ગળે ઉતારી ફરીથી કહ્યું, ''આખી જિંદગી સાથે કાઢી એમજ હવે સાથે જ ઉપાડે એવી મારી ભગવાનને અરજ છે.'' બોલતા-બોલતાં એક આંખમાંથી ટીપું સરી પડ્યું. રંજનબા પણ આજુ-બાજુનું ભાન ભૂલી ધનજીદાદાના ખભે માથું મૂકી એમનો સફેદ ઝભ્ભો પોતાની આંખોથી ભીનો કરી રહ્યા. ધનજીભાઈએ રંજનબાનો ચહેરો પોતાના બંને હાથો માં લઈને કહ્યું, ''હું કહેતો નથી ક્યારેય...પણ મને ખબર છે આ મારી રજજો મારા વગર નહીં રહી શકે.''
નજર સમક્ષ સાક્ષાત સારસ બેલડાંને જોઈ બધાની જ આંખો ભીની થઇ રહી..
નિખિલ ઉભો થઈને પાણી લઇ આવ્યો. ધનજીભાઈએ પાણી પીધું અને રંજનબાને ફરી ખુરશીમાં બેસાડ્યા. રંજનબાએ કમરે ખોસેલો રૂમાલ ધર્યો, ધનજીભાઈએ આંખો લૂછી પોતાના ખિસ્સામાં મુકવા જતાં જ રંજનબાએ ટકોર કરી એટલે એ રૂમાલ એમને પરત કર્યો, અને ફરી માઇક હાથમાં લીધું, '' હા, તો આ તો થઈ અમારી વાત. ખરો પ્રસંગ તો હજુ હવે શરૂ થાય છે. નિખિલ બેટા, રુચિ બેટા આવો હવે તમે સંભાળો'' કહીને પોતે ફરી સોફા ઉપર બેસી ગયા. દિશાને આશ્ચર્ય થયું પરંતુ નિખિલના મજાકિયા સ્વભાવને લીધે એણે માની લીધું કે નક્કી આ પ્રસંગ અને ઉજવણી નિખિલ અને રુચિ તરફથી જ હોવી જોઈએ, નહીં તો કોઈ દિવસ નહીં ને આજે જ કેમ એમણે સાથે આવવાની ઈચ્છા દર્શાવી ?
નિખિલ : ''સાચી વાત, પ્રસંગ અહીં પૂરો નથી થતો, આ તો શરૂઆત છે.''

વધુ આવતાં અંકે...