સંકલ્પ - એક અતૂટ જોડાણ - 12 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 12

લાગી તારી માયા,
પડ્યો તારો મોહ..
મહાદેવની ધૂન,
શંકરાનો વિચાર...


સવારે 6 વાગ્યે શ્રુતિ ઉઠી ગઈ, એને ખૂબ શરદી થઈ ગઈ હતી, પણ એ તરફ ધ્યાન ન આપતા એ હાલ તો માત્ર ફરવા પ્રત્યે ધ્યાન આપી રહી હતી. એ અને એના પપ્પા નાસ્તો કરવા ગયા ત્યારે ટુરના અન્ય સદસ્યો હજુ થાકને કારણે આવ્યા નહતાં. એ લોકો તો રૂમમાંથી બહાર નીકળવાની પણ ના પાડી રહ્યા હતા. નાસ્તામાં ગરમાંગરમ બ્રેડપકોડા બન્યા હતા. શ્રુતિએ ડાઇનિંગ એરિયામાં અન્ય કેટલાક અજાણ્યા 5-6 જણાને જોયા, એ લોકો પણ એમની સાથે નાસ્તો કરી રહ્યા હતા.
તરત એણે ત્યાંથી દૂર ઉભેલા ટુર મેનેજરને જઈને એ લોકો વિશે પૂછ્યું, "કાકા, આ લોકો કોણ છે? મેં તો આપણી ટ્રીપમાં એમને જોયા નથી?"
એ તરત બોલ્યા, "શ્રુતિ આ લોકો પણ ગુજરાતી જ છે. પોતાની રીતે ચારધામ ફરવા આવ્યા હતા. પણ નસીબ એમનું... અહીંનું ખાવાનું રાજમાં-ચાવલ કે પકોડાનો નાસ્તો એમને ફાવ્યો જ નહીં. તબિયત ખરાબ થઈ ગઈ. ઉપરથી બે દિવસ પહેલા કેદારનાથમાં ઉપર તો એમના એક સદસ્ય ઠંડીને કારણે જીવ ગુમાવવાના થયા હતા. બધાની મદદ માંગી, હેલિકોપ્ટરથી નીચે લાવવા માટે પણ આજીજી કરી પણ કઈ ના થયું. છેવટે કોઈ રીતે ખચ્ચર પર જ બાંધી એમને નીચે લાવ્યા. ગઈકાલે અહીં આપણા ગ્રૂપને જોઈ એમને જીવ આવ્યો, અને આપણી જોડે ખાવા માટે કહ્યું અને મેં હા પાડી...."

પાછી આવી શ્રુતિ ટુર મેનેજરને જોતી જ રહી. એણે હંમેશા એમને આખા જ પ્રવાસ દરમિયાન આમ જ બધાની મદદ કરતા જોયા હતા. કોઈ અજાણ્યું ભટકતું એમની પાસે આવી જાય તો એને પોતાના ભાગનું ખાવાનું પણ આપી દેતાં. આ એમની માટે સામાન્ય હતું. એ પોતે કોઈ મંદિર કે કોઈ ધામમાં જતા નહિ. વગર ગયે બધા ધામનું પુણ્ય એમણે મેળવી લીધું હતું. એમપણ ભુખ્યાને ભોજન કરાવવું એથી મોટું પુણ્ય કયું હોઈ શકે?
શ્રુતિને આજે સારી રીતે સમજ આવી ગયું કે માત્ર ભગવાનને ધામ જવાથી ભગવાન મળતા નથી, માત્ર એમનું નામ જપવાથી તમારી આત્મા પવિત્ર થતી નથી, એ માટે બીજું ઘણું કરવું પડે છે. અને એ ઘણું આપણે કરી શકીએ છીએ. માત્ર જરૂરતમંદને ખાવાનું આપવાથી કે કોઈ અજાણ્યાની મદદ કરવાથી જો આપણે એ શાંતિ મેળવી શકતા હોઈએ તો ભગવાન મેળવવા ચારધામ જવું જરૂરી નથી. આખો દિવસ ભગવાનનું નામ લઈએ અને મનમાં બધા માટે ખોટું વિચારીએ તો ક્યાંથી ભગવાન મળવાના?
શ્રુતિ નાસ્તો લઈ જઈને સીધી જ એના મમ્મીના રૂમમાં આપી આવી. અને નીચે આવી એણે પણ નાસ્તો કરી લીધો. સાથે માસી પણ આવી ગયા.
એટલામાં મેનેજર આવીને બોલ્યા, "શ્રુતિ 10 મિનિટમાં તૈયાર થઈ બસ જોડે આવી જાઓ, બદ્રીનાથ માટે આપણે 11 વાગ્યે નિકળીશું, ત્યાં સુધી અહીં નજીકમાં ફરી લઈએ."
"ઑકે...." એમ કહી શ્રુરી તરત મમ્મી-પપ્પા પાસે ગઈ. એણે એમની બેગ વ્યવસ્થિત કરી. સામાન ભેગો કર્યો અને બેગ પેક કરી દીધી. ત્યારબાદ તરત એ પોતાના રૂમમાં ગઈ અને પોતાની બેગપેક લઈને નીચે આવી. નીચે બધા આવી ગયા હતા. ટૂરમાં આવેલ 26માંથી 20 વ્યક્તિ જ હાજર હતા. અન્ય લોકો હજુ સુધી થાકમાંથી નીકળી શક્યા નહતા. એટલે એ લોકોએ રૂમમાં આરામ કરવાનું વિચાર્યું.
બસમાં બેસીને શ્રુતિ બધા નજારા માણવા લાગી, શાંત દેખાતી આ જગ્યા ક્યારે પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરે કઈ નક્કી હોતું નથી. લગભગ પોણો કલાક પછી એ લોકો સોનપ્રયાગથી ઉપરની એક જગ્યા ત્રિયુગી નારાયણ મંદિર પાસે હતા. આ મંદિર પર ભીડ સહેજ પણ નહતી, કેદારનાથ આવનાર ઘણા લોકોને તો કદાચ આ મંદિરનો ખ્યાલ પણ નહતો.
અહીંની માન્યતા પ્રમાણે "શિવજી અને પાર્વતીમાતાના લગ્ન આ મંદિરમાં થયા હતા, જેના સાક્ષી વિષ્ણુ ભગવાન પણ બન્યા હતા. મંદિર આગળ અગ્નિ હંમેશા પ્રજ્વલિત હોય છે, જે આ લગ્ન સમયથી અવિરત ચાલી રહી છે. એટલે આ મંદિરને અખંડ ધુની મંદિર તરીકે પણ ઓળખાય છે"
માન્યતાઓના પુરાવા નથી હોતા, એમને ફક્ત માનવામાં આવે છે. શ્રુતિએ મંદિરમાં જવાનો રસ્તો જોયો, કેદારનાથથી બિલકુલ વિરુદ્ધ અહીં શ્રદ્ધાળુઓની કોઈ ભીડ નહતી. મંદિરમાં જવાના રસ્તા પર બંને તરફની બાજુએ સીધી લાઈનમાં ઘર બનેલા હતા. મંદિર નીચું હતું. અહીં સીડીઓ ઉતરીને જવું પડતું હતું. અને મંદિરની પાછળ જ ઊંચા પહાડો હતા. મંદિરમાં દર્શન કરી લોકો જોડામાં પૂજા કરાવી રહ્યા હતા. જેથી એમની જોડી પણ શિવ-પાર્વતી જેવી બને. પૂજા કરાવી, કુંડનું પવિત્ર પાણી ભગવાનને ચઢાવી બધા મંદિરથી બહાર નીકળી રહ્યા હતા. કેદારનાથની જેમ અહીં ઝડપી પૂજા ન થતા ખૂબ શાંતિથી પૂજા થઈ શકી.
મંદિરથી પાછા આવતા શ્રુતિ આ જગ્યાની ખૂબસૂરતી જોઈ રહી હતી. ઘરથી આગળ સીધા રસ્તા પર આવતા ખીણ આવતી હતી. અહીંથી આગળ કોઈ રસ્તો નહતો, કદાચ આ જ છેલ્લું ધામ હતું. અહીંથી પણ ઊંચા કેટલાય પહાડો હતા, અને ખીણ તો ખૂબ ઊંડી... દૂર ક્યાંક સોનપ્રયાગ દેખાઈ રહ્યું હતું અને એને જોડતો નાનો સડકમાર્ગ. એની પર બસો પણ ખૂબ નાની દેખાઈ રહી હતી. અને ક્યારેક આ શાંત વાતાવરણનો ભંગ કરતા હેલિકોપ્ટરનો પણ અવાજ આવી જતો. બધું જ હતું અહીં. વસ્તી અને ભીડભાડથી દુર ચેન અને સુકુનભર્યું વાતાવરણ. ન કોઈ ઈન્ટરનેટ અને ન તો કોઈ નેટવર્ક. માત્ર આપણે અને આપણી ખોજ અનંત સુધી.

અહીંથી જવાનું કોઈનું મન નહતું, પણ તેમ છતાં એમને આ જગ્યા તો છોડવી જ રહી. માન્યું કે હમેશા બધું મેળવવું શક્ય નથી, પણ એક જગ્યાએ રોકાઈ જવાથી ખુદ સાથે મેળાપ થઈ શકતો નથી. બસ આ જ વિચારી શ્રુતિ અને એના પપ્પા બસમાં બેસી ગયા. એની મમ્મી આ બધા પ્રત્યે લગાવ ધરાવતી નહતી. પણ શ્રુતિ અને એના પપ્પા અહીં જ રહી જવા માંગતા હતા. બસમાં બેઠા પણ મન તો અહીં જ મૂકીને ગયા.
સોનપ્રયાગ ગેસ્ટહાઉસ પર પરત ફરી મેનેજરે બધાને જમવા વિશે સૂચના આપી દીધી. ત્યારબાદ સામાન પેક કરી નીચે લાવવા કહ્યું. જમીને, સામાન પેક કરીને, નીચે લાવી શ્રુતિ અને એના પપ્પા છેલ્લી વખત અહીંની કોફી પીવા ગયા. અને આવીને સીધા જ બસમાં બેસી ગયા.

સુંદર જગ્યાથી બહાર નીકળવાનું કોઈનું મન નહતું. પણ પોતાના મનને મનાવી એ લોકો નીકળી ગયા. રસ્તામાં રુદ્રપ્રયાગ આવતું હતું, જ્યાં અલકનંદા અને મંદાકિની નદીનો સંગમ થાય છે. અને અહીં જ મંદાકિની હંમેશ માટે અલકનંદા નદીમાં સમાઈ જાય છે. અહીં નદીનો પટ ખૂબ પહોળો હતો. પણ રોકાઈ જવું ઠીક નહતું. પ્રવાસ ચાલતો રહ્યો.

ત્યારબાદ એ લોકો આગળ વધ્યા. લગભગ ત્રણ કલાકની બસ જર્ની પછી એ લોકો એક સુંદર રસ્તા પર પહોંચ્યા. એ જગ્યા ખૂબ સુંદર હતી, વળાંકવાળો રસ્તો, નીચે હજારો ફૂટ નીચી ખીણ, ઉપર હજારો ફૂટ ઊંચા પહાડ, સામે દૂર-દૂર સુધી ખુલ્લા પહાડોનો નજરો... આ નજારો એટલો સુંદર હતો કે કોઈપણ એના પ્રેમમાં પડી જાય. એ વળાંક આવતા જ શ્રુતિ અને અન્ય બધા લોકોએ બસ રોકવાની માંગણી કરી. અને મેનેજરે જણાવ્યું કે "એ લોકો એમપણ અહીં બસ રોકવાના હતા જ."
બધા નીચે ઉતર્યા ત્યારે એમને જગ્યાનું નામ કહેવામાં આવ્યું, "ચોપતા..." એક એવું હિલ સ્ટેશન જેને સુંદર કહેવું એના વર્ણનમાં ખોટ ઉભી કરી શકે છે. શિમલા-મનાલી કરતા ઓછું પ્રખ્યાત આ હિલસ્ટેશન પ્રવાસીઓથી ઉભરાતું નથી, તેમ છતાં એ કદાચ વધુ સુંદર છે. ભારતનું સૌથી વધુ ઊંચાઈ પર આવેલ 'તુંગનાથ મહાદેવ' અહીં જ છે. ઘણા લોકો માત્ર આ જગ્યાએ આવવા માટે જ કેટકેટલી તૈયારીઓ કરે છે.
શ્રુતિએ આ જગ્યાનો આ એકમાત્ર વળાંકવાળો રસ્તો જોયો અને એ મોહી પડી. ખબર નહિ શુ હતું અહીં કે આ જગ્યા જાણે એને પોતાની લાગવા લાગી. અહીં બસ ઉભી રાખી એ લોકોએ ચા-પાણી કર્યા. અહીં ગાળેલા 30 મિનિટ એમની જીવનના સૌથી સારા 30 મિનિટ હતા કદાચ. પહેલા કેદારનાથ, હવે ચોપતા અને આગળ શું?????

(આપણે સૌએ બાળપણમાં ભગવાનની ભક્તિ માટે એક બ્રાહ્મણ અને ગણિકાની વાર્તા સાંભળી હશે - આખું જીવન ભગવાનનો જાપ કરતો બ્રાહ્મણ નર્કમાં ગયો એણે એની સામે રહેતી ગણિકાને સ્વર્ગમાં જોઈ. ત્યારે ભગવાનને આ માટેનું કારણ પૂછે છે. કારણ એક જ હોય છે. ગણિકા દિવસમાં એક સમય ભગવાનનું નામ લે છે. પણ એના મનમાં કોઈના પ્રત્યે વેરની ભાવના નથી હોતી. જ્યારે બ્રાહ્મણના મુખ પર ભગવાન અને મનમાં ગણિકા પ્રત્યે ઝેર, બીજા અન્ય લોકો પ્રત્યે વેર હોય છે. જે એને નર્કમાં દોરી જાય છે. આપણે ચારધામમાં ભગવાન શોધીએ છીએ, જ્યારે એ તો આપણામાં જ વસેલા છે. ત્યાં તમે હજારોનું દાન કરો અને જરૂરતમંદને હડધૂત કરો તો ક્યાંથી ભગવાન મળવાના???)