સંકલ્પ - એક અતૂટ જોડાણ - 11 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 11

શ્રુતિ અને એનો પરિવાર મંદિરના પાછળના ભાગમાં બેસીને કુદરતનો નજારો માણી રહ્યા હતા. ત્યાં બેસવા માટે પણ એક રીતે હિંમત જોઈએ, ત્યાં વાતાવરણ ઠંડુ જ હતું. પણ થર્મલ વેરના કારણે એ લોકો 3 કલાક સુધી ત્યાં બેસી શક્યા. ત્યારબાદ 11 વાગ્યા કે એ લોકો ધીમે-ધીમે મંદિર તરફ આવ્યા અને ત્યાં કેટલાક ફોટા પાડી, પાછા જવા માટે નીકળ્યા.

મંદિરની સીડીઓ ઉતરતા નીચે બંને તરફ 8-10 નાસ્તાની દુકાન આવેલી હતી. 2013માં આવેલ પુર કેદારનાથ મંદિર આગળની બધી જ દુકાનો અને મકાન વહાવી ગયું. એ પછી ત્યાં ખૂબ ઓછી દુકાનોને સ્થાન મળ્યું. અને એ પછી મંદિર જવાનો રસ્તો પણ ખૂબ મોટો થયો.
શ્રુતિ એમાંથી એક દુકાન આગળ ગઈ અને પાણીની બોટલનો ભાવ પૂછ્યો. સામાન્ય રીતે 20 રૂ.માં મળતી બોટલ અહીં 50 રૂ.ની હતી. ચા-કોફી અને નાસ્તાનો ભાવ તો 100 રૂ.ની આસપાસ હતો. અને જેમ દરેક ગુજરાતી પૈસા વેડફવાનું ટાળે એમ શ્રુતિએ પણ અહીં પૈસા ન વેડફયા. એ લોકો આગળ નીકળ્યા. ભૈરવનાથ બાબાના મંદિરે સમયના અભાવે ન જઇ શક્યા એ લોકો. એ મંદિર આમ તો મંદિર જેવું નહતું, ચારે તરફથી ખુલ્લું અને મુખ્ય મંદિરથી ઊંચી જગ્યાએ આવેલું છે. ત્યાંથી મંદિર અને એની આસપાસનો આખો વ્યુ જોઈ શકાય છે. પણ ઊંચાઈ ત્યા ચાલવું મુશ્કેલ બનાવી શકે છે.

આગળ દુકાનો પુરી થતા શ્રુતિને પોતાના સાથે ટુરમાં ખચ્ચર પર આવેલ અમુક સદસ્ય મળ્યા. એ લોકો 3 વાગ્યે નીકળી 7-8 કલાકના સફર પછી અહીં પહોંચ્યા હતા. શ્રુતિ અને બાકી બધાએ આમતેમની વાત કરી અને મંદિર દર્શન માટેનો પાછળનો રસ્તો બતાવ્યો.

એ લોકોના ગયા બાદ આગળ આવતા એક તરફ પુલ અને બીજી તરફ મંદાકિની નદીના કિનારે જવાના પગથિયાં હતા. શ્રુતિએ એના મમ્મી-પપ્પાને આગળ જવાનું કહી એ અને માસી નીચે નદી તરફ જવા ઉતર્યા.

લગભગ 50-60 પગથિયાં ઉતરીને એ લોકો નીચે નદી આગળ આવ્યા. મંદાકિની પહાડોમાંથી નીકળી રહી હતી, અને મંદિરની પાછળથી એની એક બીજી શાખા નીકળતી હતી. આ સ્થાનક પછી એ બંને શાખા મળી એક મોટી નદી બનાવી રહી હતી. એક રીતે મંદિર એક ટાપુની જેમ આ બંને શાખાની વચ્ચે બનેલું હતું. 12મી સદીમાં શંકરાચાર્ય દ્વારા નિર્માણ પામેલ આટલી મોટી હોનારત પછી પણ આજે આ મંદિર અડીખમ ઉભું છે.

શ્રુતિના મનમાં આ બધી વાતો ચાલી રહી હતી. સાથે જ એણે પોતાના મમ્મી-પપ્પા માટે નદીનું પાણી લઈ જવા વિચાર્યું. ત્યાં ઘણી સ્ત્રી અને પુરૂષો સ્નાન કરી રહ્યા હતા એટલે શ્રુતિને લાગ્યું કે કદાચ પાણી એટલું ઠંડુ નહિ હોય. આથી એણે પોતાની બેગપેકના સાઈડ પાઉચમાંથી એક બોટલ કાઢી ભરવા વિચાર્યું. નદીનું પાણી આમ તો આસમાની રંગનું હતું. અને વચ્ચે ક્યાંક સફેદ ફીણવાળું નજરે ચઢી રહ્યું હતું. પાણીની ઝાડપને કારણે કદાચ એવું થયું હોય એમ વિચારી એણે પાણી ક્યાં ભરી શકાય એ તરફ નજર કરી.
પાણી આગળથી ખૂબ ઝડપથી આવી અહીં પગથિયાં જોડે અથડાઈ પાછું વળી ફરી આગળ વધી જતું. અહીં બોટલ ભરાઈ જશે એમ વિચારી શ્રુતિએ પાણી જ્યાં પાછું પડતું હતું ત્યાં બોટલ મૂકી. ત્યાં બોટલ મુકતા જ પાંચ સેકન્ડમાં એક લિટરની અડધી બોટલ ભરાઈ ગઈ. એવો તરત શ્રુતિએ હાથ પાછો ખેંચી લીધો, એણે અનુભવ્યું કે બોટલની પકડ છૂટી રહી છે. એના હાથની હલનચલન અટકી ગઈ હતી અને હાથ થીજવા લાગ્યા. એક મિનિટ હાથ બહાર રાખી ફરી બોટલ એણે ત્યાં ભરવા મૂકી તો પાંચ સેકન્ડમાં બોટલ ભરાઈ ગઈ. પણ એ સાથે જ જેવો હાથ શ્રુતિએ બહાર નીકાળ્યો કે એનો હાથ કાળો પડવા લાગ્યો, એને ખૂબ બળતરા થવા લાગી. હાલ તો એને જાણે હિમડંખ લાગ્યો હોય એવો અનુભવ થવા લાગ્યો. એણે તરત પોતાનો હાથ ગરમ કરવા જેકેટમાં સંતાડી દીધો. એ આસપાસ જોવા લાગી, બધા જે મજાથી સ્નાન કરી રહ્યા હતા એ જોઈ એને થોડું અજુગતું લાગ્યું. એટલામાં માસી વિશે વિચાર આવતા એણે આસપાસ નજર કરી. તો એની બિલકુલ પાછળ માસી બુટ કાઢી પાણીમાં પગ નાખી મસ્ત થઈને બેઠા હતા. શ્રુતિને લાગ્યું કે અહીં કદાચ એ જ કુમળી કળી છે. કારણકે બાકી બધાને તો ઠંડા પાણીની કોઈ અસર જ નથી. પાંચેક મિનિટ બાદ હાથ નીકાળ્યો, ત્યારબાદ નદીને નમન કરી એ અને માસી પુલ પર ચઢ્યા અને હેલિપેડ બેઝ તરફ ગયા.

ત્યાં એક જગ્યાએ એની મમ્મી બેઠી હતી, મમ્મીએ જેવી શ્રુતિને જોઈ કે એમને નિરાંત થઈ. એની નજીક આવતા જ એ બોલ્યા, "તારા પપ્પા ત્યાં ટેન્ટમાં તને બોલાવતા હતા...." માસી તો બાજુમાં જ જઈને બેસી ગયા.
શ્રુતિએ ટેન્ટ તરફ નજર કરી તો એ હેલિકોપ્ટર માટેનો અહીંનો ઓફીસ ટેન્ટ હતો. "ઑકે" કહી એ એ તરફ જવા લાગી. એની મમ્મી અને માસી આવતા-જતા લોકોને જોઈ રહ્યા હતા.
અહીં ટેન્ટ તરફ જતા વચ્ચે એક દોઢ ફૂટની પાળી આવતી હતી. શ્રુતિ એક જટકે જોયા વગર ચઢી ગઈ, પણ તરત એ ક્યાંક અથડાઈ. અને એક ટનગના અવાજ સાથે એ બે મિનિટ માટે જાણે દુનિયામાંથી ગાયબ થઈને પાછી આવી. એ પછી બધું ચોખ્ખું થતા એને આગળ લોખંડનો થાંભલો દેખાયો. શ્રુતિને પોતાની પર ખૂબ ગુસ્સો આવ્યો. અને એના માથા પર હાથ ફેરવતા એના પપ્પા તરફ આગળ ગઈ.
પપ્પાએ જેવી શ્રુતિને જોઈ બોલવા લાગ્યા, "ક્યાં હતા? ફોન કેમ નથી લાગતો તારો? જો આપણો જલ્દી નંબર ન આવ્યો અને વાતાવરણ ખરાબ થઈ જશે તો પૂરું....."
એના માથામાં હાલ તો આ અવાજ વાગી રહ્યો હતો. પણ એણે શાંતિથી પૂછ્યું, "કઈ કામ હતું પપ્પા?"
"હા તારો અને માસીનો બોર્ડિંગ પાસ આપ..." અને તરત એના પપ્પા એ ટેન્ટની બારી તરફ ફરી ગયા. માસી પાસેથી બોર્ડિંગ પાસ લઈને શ્રુતિ પાછી આવી અને પોતાની બેગમાંથી પણ પાસ કાઢીને આપ્યો. ત્યાં બેઠેલ વ્યક્તિએ ફેરાનો નંબર લખ્યો અને પાસ પાછો આપ્યો.

બેઝ પર આવતા ખ્યાલ આવ્યો કે હજી એમનો નંબર આવતા અડધો કલાક થશે. એના પપ્પા જઈને બધા માટે કોફી લઈ આવ્યા, અને આવતા જ બોલ્યા, "અહીં રહેવું હોય તો કોમન રૂમમાં 600 રૂ. મેટ્રેસ અને બ્લેન્કેટ બંને આપે છે..."
"પણ આપણે તો જવાના છીએ અને મને નથી લાગતું કે આ લોકો આપણી ટીકીટ કાલે શિફ્ટ કરી આપે.." શ્રુતિ ટેન્ટ તરફ જોતા બોલી.
"હા એ તો નહીં જ કરે. આ તો આવતી વખત માટે.."
એના પપ્પાની આવી વાત સાંભળી શ્રુતિના મમ્મી બોલ્યા, "હજી આવતી વખત આવવા કઈ બાકી રહ્યું છે?"
"આપણે તો આ વખતે પણ ના આવી શકત. પણ મહાદેવ લઈ આવ્યા ને. શુ ખબર આવતી વખત કઈ ખરેખર બાકી રહ્યું હોય અને લઈ આવે..." શ્રુતિ એની મમ્મીના ખભા પર હાથ મૂકી બોલી."
એના પપ્પા આ સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા. એમને પણ અહીં કંઈક તો બાકી હતું જ. આ જગ્યા એવી જ છે કે કોઈપણ મોહાઈ જાય. અહીંનો મોહ ક્યાં કોઈને છૂટ્યો છે કે હવે છૂટશે....
શ્રુતિએ જોયું કે અત્યાર સુધી જે સ્પષ્ટ વાતવરણ હતું એની જગ્યાએ કાળા વાદળ છવાઈ ગયા છે. વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે. જે વિરાટ શાંતિ હતી એની જગ્યાએ એક તોફાન જામવની તૈયારી થઈ રહી હતી. 12 વાગ્યા હતા, અને એટલામાં એમનો નંબર આવી ગયો. હેલિકોપ્ટરનો પવન એટલો બધો હતો કે કોઈપણ ઉડી જાય. અંદર બેસતા શ્રુતિએ મંદિર તરફ જોયું અને મનોમન મહાદેવને અહીં પરત લાવવાની પ્રાર્થના કરી.

10 મિનિટ બાદ એ લોકો ફાંટાના હેલિપેડ પર હતા.
ગ્રુપના અન્ય લોકો આવ્યા નહતા, એમની સાથે જ બસમાં જઈ શકાય એમ હતું. એટલે એ લોકો નીચે ઉતરી પોતાના કાનમાં જે ધાક પડી હતી. એને દૂર કરવા લાગ્યા. પ્લેનમાં બેસતા થતી કાનમાં અસર અને હેલિકોપ્ટરમાં બેસતા કાનમાં થતી અસર ખૂબ અલગ હતી. એમના કાનની ધાક ક્યાંય સુધી ખુલી નહિ. ત્યાં જ શ્રુતિએ મંદાકિની નદીના પાણીવાળી બોટલ એના માતાપિતાને આપી. એ લોકોએ પણ પાણીને નમન કર્યું. હજુ પણ પાણી ખૂબ ઠંડુ હતું. એ એના પપ્પાએ અનુભવ્યું.
છેવટે 2-3 ફેરા બાદ ટૂરના 13 જણ જે એમની સાથે હતા, એ આવી ગયા. હેલિકોપ્ટરમાં આમ તો 6 જણ એક ફેરામાં આવે છે, પણ એ લોકો વજન અનુસાર વ્યક્તિ બેસાડે છે એટલે ગ્રુપના સદસ્યો સાથે ના આવતા અલગ આવ્યા.
છેલ્લે શ્રુતિના પપ્પાના જે ભાઈબંધ આવ્યા એ ખૂબ ધ્રુજી રહ્યા હતા. એમણે કહ્યું, "ઉપર વરસાદ ચાલુ થઈ ગયો છે. અને ઠંડક પણ ખૂબ વધી ગઈ હતી."
એમણે થર્મલ, શર્ટ ઉપર જેકેટ પહેર્યું હોવા છતાં એ થીજી ગયા હતા. અને બે જણાની સાલ એમને ઓઢાડવામાં આવી ત્યારે એ સામાન્ય થઈ શક્યા.
છેવટે ફાંટાથી સોનપ્રયાગ આવવા એ પોતાની બસમાં બેસી ગયા. શ્રુતિ આખા રસ્તે જાગતી રહી. એ જે ઘેનમાં હતી એ અચાનક કેદારનાથના નજારા જોતા જ એની આંખોમાંથી જતું રહ્યું. પાછા આવી બપોરનું ભોજન લઈ એ લોકો સુઈ ગયા.
શ્રુતિ 6 વાગ્યે ઉઠી સીધી જ ગેસ્ટહાઉસના રેસ્ટોરાં તરફ ગઈ. ત્યાં ખચ્ચર પર ગયેલા એમની ટુરના પાંચ વ્યક્તિ હજુ આવીને જ બેઠા હતા. શ્રુતિએ એમની યાત્રા વિશે પૂછ્યું, તો જાણવા મળ્યું કે એમની સાથેના એક 70 વર્ષના દાદા ખચ્ચર પરથી પડી ગયા અને એમને માથામાં ખૂબ વાગ્યું હતું. પછી એ લોકોનો ખચ્ચરવાળા સાથે ઝઘડો થયો. શ્રુતિ આ સાંભળી ખૂબ દુઃખી થઈ અને કોઈ મદદ કરી શકે કે કેમ? એ વિશે પૂછતાં બધાએ ના પાડી. છેવટે એ લોકો પોતાના રૂમમાં જતા રહ્યા.
અહીં આ બાજુ શ્રુતિના પપ્પા પણ બહાર આવી ગયા અને શ્રુતિને બહાર આંટો મારવા વિશે પૂછ્યું. એ લોકો સોનપ્રયાગમાં ફરી એક ચા-કોફીની દુકાન આગળ ઉભા રહ્યા.
શ્રુતિના માથું વગવાને કારણે ઉપસી ગયું હતું. પણ ગરમ ટોપીના કારણે હાલ કઈ જ દેખાઈ રહ્યું નહતું. શ્રુતિએ એના પપ્પાને દાદા સાથે થયેલી આખી ઘટના જણાવી. એના પપ્પા બોલ્યા, "આપણે નસીબદાર છીએ કે આપણે ત્રણ ધામ સહી-સલામત જઈ આવ્યા. હવે બદ્રીનાથ પૂરું થાય. એટલે ગંગા નાહ્યા..."
શ્રુતિ હસતા-હસતા બોલી, "પપ્પા આપણે પહેલા પણ ગંગા નાહી ચુક્યા છીએ અને અહીંથી જઈને ફરીથી ન્હાવાના જ છીએ..." અને એ બંને હસવા લાગ્યા.
અન્ય સદસ્યો જે ખચ્ચર પર ગયા હતા એ રાતના બાર વાગ્યે હોટેલ પર પહોંચ્યા. અને ખાધાપીધાં વગર જ રૂમમાં જઈને સુઈ ગયા.

(હવે હું એક સૂચન કરીશ. ચારધામ જનારા જે લોકો છે એમને. જો તમારી ઉંમર 35 કે 40 વર્ષની હોય અને રોજનું 5 કે 10 કિલોમીટર ચાલવાની ક્ષમતા હોય તો જ પગપાળા જજો. નહિતર હેરાન થશો. અને વડીલોને સલાહ કે આપ સૌ હેલિકોપ્ટર કે ડોલી કરશો તે વધુ યોગ્ય છે. કારણકે આપણી માન્યતા આપણને મોટી ઉંમરે જ ચારધામ જવાનું સૂચન આપે છે. એવામાં જો ખચ્ચર પરથી લપસ્યા, તો ઇજાઓ પર જલ્દી રૂઝ નહિ આવે. એમપણ ડોલી અને ખચ્ચર કરતા હેલિકોપ્ટર બજેટમાં રહેશે.
અને જે યુવક-યુવતીઓ આર્થિક રીતે સધ્ધર થઈ ગયા હોય અને બહાર ફરવાનું વિચારતા હોય તો મારી સલાહ છે કે તમે ચારધામ જ પહેલા જઈ આવો. એના જેવું એડવેન્ચર કોઈ નથી. જ્યારે જશો ત્યારે ખ્યાલ આવશે કે એ મોટી ઉંમરે જવાની જગ્યા નથી. દુનિયાની બધી જગ્યા તમને એની સામે ફીકી લાગશે. એમપણ એથી વિશેષ શુ હોય કે તમે કેમ્પની મજા લઈ શકો, એડવેન્ચરની મજા લઈ શકો. છેવટે ખુદની શોધ પણ ત્યાં જ પુરી થશે તમારી.....)