ભીતર-બહારનું ઘમસાણ - દિવ્યેશ ત્રિવેદી Smita Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતર-બહારનું ઘમસાણ - દિવ્યેશ ત્રિવેદી

આખો દિવસ વજુભાઇના જ વિચારો આવ્યા. ઇન્કમટેક્સના નવા કાયદા વિષે એમને પૂછવા માટે ફોન કર્યો હતો એમણે તદ્દન રૂક્ષ અવાજે ટૂંકમાં ‘હા’ અને ‘ના’ વડે જ જવાબો આપીને વાત પતાવી દીધી. બહુ નવાઇ લાગી. વજુભાઇ ફોન પર પણ હંમેશાં ‘લાઇવ’ લાગે અને એમને કંઇક પૂછીએ તો તો એકદમ આનંદમાં આવી જાય. વિશ્વકોશ જેટલી માહિતી સાથે લઇને ફરતા હોય. પહેલાં થયું કે કદાચ બહુ વખતે એમને ફોન કર્યો એટલે થોડા નારાજ હશે. પરંતુ એમના સ્વભાવ પ્રમાણે જો ખરેખર એવું હોય તો ફોન પર જ એ ઉઘડો લે. પરંતુ એમના અવાજમાં પહેલાં જેવી ઉષ્મા જ નહોતી.

બીજે દિવસે રહેવાયું નહીં એટલે સાંજે એમના ઘેર ગયો બેલ દબાવ્યો તો વજુભાઇએ બારણું ખોલ્યું. ગઇકાલે એમના અવાજમાં ઉષ્મા નહોતી, આજે એમના ચહેરા પર નહોતી. એમણે ‘આવો’ પણ ન કહ્યું. ઘડીભર તો એમને ત્યાં આવ્યાનો જ અફસોસ થયો. બેસવાને બદલે પાછા પગલે બહાર નીકળી જવાની ઇચ્છા થઇ. પરંતુ એવું કંઇ થાય એ પહેલાં તો એમના પત્ની સાલ્લાનો છેડો ખોસતાં ખોસતાં બહાર આવ્યાં – એમણે ઉમળકાથી કહ્યું, “બસ ને, આવા જ ભાઇબંધ છો ને! કેટલા વખતે ખબર લેવા આવ્યા!”

વજુભાઇ તો ન બોલ્યા, પરંતુ એમનાં પત્નીએ ઘણી વાતો કરી. જોકે એ છાનું નહોતું રહેતું કે વજુભાઇમાં આવેલા સ્વભાવ પરિવર્તનથી પડેલો ખાડો તેઓ પોતાના સભાન પ્રયાસો વડે પૂરવાની કોશિશ કરી રહ્યાં હતાં. વજુભાઇના ઘરનું વાતાવરણ પહેલાં જેટલું જીવંત નહીં, પરંતુ પૂરેપૂરું કૃત્રિમ હતું. લગભગ અડધો કલાક સુધી વજુભાઇ કશું જ બોલ્યા નહીં. છેવટે મને ગુસ્સે થઇને કહી દેવાનું મન થયું કે મારું આવવું તમને પસંદ ન હોય અને મારી સાથે સંબંધ રાખવા ન ઇચ્છતા હો તો મને સ્પષ્ટ કહી દો. પરંતુ આવો વ્યવહાર કરો એ ઠીક નથી. પરંતુ એમનાં પત્નીનું વર્તન જોઇને આવું કહેવાની હિંમત ન ચાલી. જો કે એમનાં પત્ની મારા મોં પરના ભાવો કળી ગયાં હતાં.

વજુભાઇને ઘરેથી નીકળ્યા પછી હું સતત વજુભાઇના ભૂતકાળને યાદ કરતો રહ્યો. છેલ્લાં વીસ વર્ષના એમના જીવનનો હું નજીકનો કે દૂરનો સાક્ષી રહ્યો છું. વજુભાઇમાં મેં હંમેશ જિજ્ઞાસા, મહત્વાકાંક્ષા અને તમન્નાઓને ઊકળતી જોઇ છે. કોઇના પણ સહારા વિના એ માણસ પોતાના બળે જ આગળ આવવા મથતો રહ્યો છે. આજથી વીસ વર્ષ પહેલાં એક-બે મિત્રોની સાથે એક રૂમમાં રહેતા રહેતા વજુભાઇ સખત મહેનત કરતા હતા. પ્રારબ્ધમાં એમને જરા પણ વિશ્વાસ નહોતો. પુરુષાર્થ દ્વારા જ કંઇક થઇ શકે છે એવું એ વારંવાર કહેતા.

સદ્બાગ્યે વજુભાઇને પત્ની ઘણાં સમજુ મળ્યાં હતાં. એમનું પહેલું ધ્યેય આર્થિક રીતે સુખી થવાનું હતું. નોકરીથી ઉદ્ધાર નહીં થાય એવું એ માનતા હતા. મહત્વાકાંક્ષાએ એમને નોકરી છોડીને ધંધામાં ઝંપલાવવા મજબૂર કર્યા. સાહસોમાં કદી એકલો પુરુષાર્થ કામ નથી લાગતો. બીજા એવાં ઘણાં પરિબળો હોય છે, જે આપણા કાબૂ બહાર હોવાથી આપણી સફળતા પર અસર કરતાં રહે છે. વજુભાઇ ધંધામાં નિષ્ફળ ગયા. ખોટ ગઇ, દેવું થયું અને ફરી નોકરી કરવા મજબૂર બન્યા. એમનો અહં પણ થોડો ઘવાયો.

નવેસરથી નોકરી કરવા ગયા એટલે એમની સિનિયોરીટી ગઇ અને ધીમે ધીમે એમનાથી જુનિયર માણસો એમના કરતાં આગળ નીકળી ગયા. એ નોકરી જાણે કરવા ખાતર જ કરવા લાગ્યા. તો ય એમની મહત્વાકાંક્ષા મરી ગઇ નહોતી. એક-બે વાર એમણે કહ્યું હતું કે માથા પરથી થોડું દેવું ઊતરે એટલે ચોક્કસ આયોજન કરીને કંઇક કરવું છે. ખરેખર એમણે એવા આયોજનો અને એવા પ્રયાસો કર્યે જ રાખ્યા. દર વખતે એમને એક યા બીજા કારણસર પાછા પડવું પડ્યું.

વજુભાઇનું વાચન ઘણું વિશાળ હતું. છાપાં વાંચે તો પણ એમને નિરાશા થાય. ફલાણા લેખ પાછળ લખનારે પૂરતી મહેનત લીધી નથી એવું એ દાખલા – દલીલો સાથે સાબિત કરી આપે. લોકસાહિત્યમાં એમને વિશેષ રસ હતો. આજકાલ થતા ડાયરા અને લોક સાહિત્યના મેળાવડાઓ જોઇને એ ક્યારેક કકળી ઊઠતા, ‘આ બધા દે-ઠોક કરે છે,’ એવું એ વારંવાર કહેતા. એમનામાં એક પ્રકારે ‘ગુરૂતાગ્રંથિ’ વિકસતી જતી હોય એવું લાગતું હતું. પોતાની આસપાસનું બધું જ એમને ઇન્ફિરિયર – ઉતરતી કક્ષાનું દેખાતું.

આમ છતાં એમનામાં એક બહુ મોટો ગુણ હતો. એ પોતાની નિરાશાઓને પોતાના વ્યક્તિત્વ પર સવાર થવા દેતા નહોતા. હંમેશાં હસતા, મજાક કરતા અને ભૂલેચૂકે કોઇ કંઇ પૂછે તો જ્ઞાનકોશ ખોલી નાખ્યો હોય તેમ બોલવા માંડતા એમના આવા સ્વભાવ પાછળ પણ ગુરૂતાની લાગણી તો અવશ્ય હતી જ. કોઇની મજાક કરવી કે કોઇની પણ સામે ગમે તે વિષય પર ભાષણ ઝાડી નાખવું એ કામ પોતાની જાતને ‘સુપિરિયર’ માનતી વ્યક્તિ જ કરી શકે. નીચી મૂંડીએ જીવનારનું એ કામ નથી.

આશ્ચર્ય આ જ વાતનું હતું. વજુભાઇમાં અચાનક આવું પરિવર્તન શાથી આવી ગયું એ સમજાતું નહોતું. એ કોઇ વહેમથી પીડાનાર માણસ નથી. કદાચ મનમાં કંઇક આવ્યું હોય તો તડ ને ફડ કહી દેતાં એમને કોઇ રોકી શક્યું નથી. આવી બાબતોમાં કડવાશને તેઓ અવગુણ નહીં, પણ ગુણ માનતા આવ્યા છે.

બીજે દિવસે બપોરે ઓફીસમાં બેઠો હતો અને ઘરેથી ફોન આવ્યો. વજુભાઇના પત્ની આવ્યાં હતાં. વજુભાઇના વિચારો હજુ સાવ મનમાંથી બહાર નીકળી ગયા નહોતા. એમના પત્ની સામે ચાલીને ઘેર આવ્યાં હતાં એટલે ઘણી ચોખવટ થશે એવી આશા બંધાતી હતી.

ઘરે પહોંચ્યા પછી એમનાં પત્નીએ ગઇકાલના વજુભાઇના વર્તનની માફી માંગી. એમની આંખમાં આંસુ આવી ગયાં. વજુભાઇ વિષે જે કેટલીક વાતો એમણે કરી એ તો હું પહેલેથી જ જાણતો હતો. બાકી એમણે જે કાંઇ કહ્યું એ નવું નહોતું. છતાં નવું હતું. એમના કહેવા મુજબ છેલ્લા છ-આઠ મહિનાથી વજુભાઇનું વર્તન ધીમે ધીમે કરીને એકદમ બદલાઇ ગયું હતું. પહેલાંની જેમ હસતા નહોતા, મજાક નહોતા કરતા અને કોઇ કંઇ પૂછે તો ટૂંકાક્ષરી જવાબ આપીને ચૂપ થઇ જતા હતા.

વજુભાઇના વર્તનમાં પરિવર્તન શરૂ થયું એ ગાળામાં એમનો સ્વભાવ કંઇક ચીડિયો બની ગયો હતો. ક્યારેક તો કપરકાબી કે ગ્લાસ પછાડીને પણ ગુસ્સો વ્યક્ત કરતા હતા. કોઇ કંઇ પૂછે તો એની સામે આંખો કાઢીને જોયા કરતા. રાત્રે મોડા સુધી જાગતા અને રૂમમાં આંટા માર્યા કરતા. ખાવાપીવામાં પણ પહેલાં જેટલા નિયમિત રહ્યા નહોતા. હંમેશાં છ-સાડા છ વાગ્યે ઊઠી જનાર વજુભાઇ મોડી રાત્રે સૂઇને આઠ નવ વાગ્યે ઊઠતા થઇ ગયા હતા. ઓફિસે જવામાં પણ અનિયમિત થઇ ગયા હતા. વાંચવાનું તો લગભગ નહીં જેવું થઇ ગયું હતું. ક્યારેક જૂનાં કાગળિયાં કાઢીને ફાડવા બેસી જતા. પછી જાણે ખૂબ થાકી ગયા હોય તેમ પથારીમાં લાંબા થઇને સૂઇ જતા.

પહેલાં તો એ બહારની વ્યક્તિઓ સાથે પ્રમાણમાં વ્યવસ્થિત વર્તન કરતા હતા. પરંતુ હમણાંથી એમાંય પરિવર્તન આવ્યું હતું. છાપાવાળો બિલ લેવા આવે કે દૂધવાળો પૈસા લેવા આવે તો એના પર ગુસ્સે થઇ જાય. છાપું મોડું આવે છે અને દૂધ સારું નથી એમ કહીને ઝઘડો કરી બેસે. લગભગ બધા જ પડોશીઓ સાથે એમણે સંબંધો કાપી નાંખ્યા હતા.

વજુભાઇના આગલા દિવસોના વર્તન માટે કોઇ વ્યક્તિગત કારણ જવાબદાર નહોતું એટલી ખાતરી થયા પછી મને હિંમત આવી. બીજે દિવસે સાંજે હું સીધો વજુભાઇની ઓફિસે ગયો. સદ્બાગ્યે મળી ગયા. એમની રૂક્ષતાની પરવા વિના હું મંડ્યો રહ્યો અને એમને માંડ માંડ ઘરે લઇ આવ્યો. એમના મોંમાં બહુ આંગળા નાંખ્યા અને એમના પર લાગણીશીલતાનું આક્રમણ કર્યું ત્યારે એમણે કંઇક જબાન ખોલી. એમણે કહ્યું, “મને એક્તાલીસમું વર્ષ બેઠું. જિંદગીમાં હું કંઇ જ કરી શક્યો નથી. એક ઘરનું ઘર પણ વસાવી શક્યો નથી. જ્યાં હાથ નાંખું છું ત્યાં ચરૂ મળશે એવી અપેક્ષા હોય છે અને નીકળે છે કાળો કોલસો. મારામાં ઘણી આવડત હોવા છતાં એનો કોઇ મતલબ નથી. લોક સાહિત્યનું મારું જ્ઞાન કોઇ કામનું નથી. બુઢ્ઢાઓનું ફેસ્ટિવલ યોજાય છે, સન્માનો થાય છે અને આપણો કોઇ ભાવ પણ પૂછતું નથી. આજ સુધી હસ્યા કર્યું પરંતુ હવે લાગે છે કે રડવું એ જ સાચી જિંદગી છે…” વજુભાઇના ચહેરા પરની રેખાઓ તણાઇ ગઇ.

એમને આશ્વાસન આપવા માટે કહ્યું, “વજુભાઇ તમે ભલે ન માનો, પરંતુ મને તો મીનાકુમારીનો પેલો શેર બહુ સાર્થક લાગે છે – જિસ કા જીતના આંચલ થા ઉતની હી સૌગાત મિલી…”

“ખોટી વાત છે. આંચલ તો ઘણું મોટું છે…આટલું બોલીને વજુભાઇએ ટેબલ પર મુઠ્ઠી પછાડી અને ઊભા થઇને ચાલવા માંડ્યું. હું એમને રોકી શક્યો નહીં. મને ચન્દ્રકાંત બક્ષીનું એક વાક્ય યાદ આવ્યું – માણસ અમુક ઉંમર સુધી પણ કોઇ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી ત્યારે તે અંદરથી તૂટી જાય છે અને બહારથી સખત બની જાય છે. વજુભાઇની બાબતમાં આવું જ કંઇક બન્યું હતું!