ચોખ્ખું ને ચણક - 4 - દેશભક્તિનો દેખાડો પ્રથમ પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોખ્ખું ને ચણક - 4 - દેશભક્તિનો દેખાડો


"ભારતની પ્રજા દેશભક્તિનો ઢોંગ કરવામાં સૌથી અવ્વલ પ્રજા છે."


એક નેતા આજે મારી સોસાયટીમાં આવ્યા અને ધ્વજવંદન બાદ મોટેથી બોલ્યા કે,"હું આ રાષ્ટ્રની અસ્મિતા ઝંખું છું.રાષ્ટ્રીય ચેતનાને ઉજાગર કરવા આ રાષ્ટ્રની સેવા કરવા મથુ છું.બોલો ભારત માતા કી જય..."એમ કહીને એક લાંબું ભાષણ આપ્યું ને પછી બેસીને તેના અંગત માણસને પાસે બોલાવીને કહ્યું,"આ જે બધા આવ્યા છે અહીં ભાષણ સાંભળવા એ બધાના ઘરે એક એક બાટલી પહોંચી જવી જોઈએ,સમજ્યો?"પેલો માણસ માથું ધુણાવીને ચાલ્યો ગયો.

આજે આ લેખમાં કોઈ ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસના નથી ખાવા કે નથી કોઈ દેશભક્તિના ગીત મસ્ત વાત કરવાનો હું આનંદમાં આપણા દેશની અને વધાઈઓ અને દેખાડા ઉપર વાત કરવાનો છું જે સાંભળીને અથવા તો જે વાંચીને તમને મારી વિરુદ્ધ આંદોલન કરવાનું પણ મન થાય આથી હિંમત હોય તો જ આગળ વધવું.

બધાના હૃદયમાં આજે દેશભક્તિના ઘણા છલકાશે અને છલકાવવા જોઈએ રાષ્ટ્રીય તહેવાર હોય અને દેશભક્તિની ભાવના પ્રગટવી જોઈએ એમાં જ આપણી નૈતિકતા છે.પણ આજે ધ્વજવંદન કરતી વખતે અથવા તો વોટ્સએપમાં સ્ટેટસ નાખતી વખતે આપણા હૃદયમાં જે ભાવ પ્રગટે છે,જે રાષ્ટ્ર પ્રેમ પ્રગટે છે તે શાશ્વત કેમ થઇ શકતો નથી?એવો પ્રેમ આખું વરસ કેમ ટકી શકતો નથી? આનો જવાબ બહુ જ કડવી ભાષામાં આપું તો એટલો જ આપવો પડે કે આપણે સૌ ઉગ્ર અથવા વધારે પડતા સ્વાર્થી રાષ્ટ્રવાદથી પીડાઈએ છીએ.

આજે દેશભક્તિ ના નામે એક સારી એવી ફેશન વિકસી છે અને એ છે- ગાંધીજી અને ભગતસિંહને એકબીજાના વિરોધી બતાવવાની! બંનેની વિચારધારા અલગ હતી અને બંને ભૂલો પણ કરી હતી પણ એનો અર્થ એ નથી કે બંને એકબીજાના પરસ્પર વિરોધી બની ગયા હતા.જે ભગતસિંહે ગાંધીજી પ્રત્યે ક્યારેય તુચ્છકાર અનુભવ્યો નથી એ જ ભગતસિંહના નામે આજે અનેક યુવાનો ગાંધીજી ને ગાળો ભાંડે છે.દુઃખની વાત તો એ છે કે જુદી-જુદી રાજકીય સંસ્થા એ માટેના ખોટા પુરાતત્ત્વીય અને સાહિત્યિક સાધનો પણ ઉત્પન્ન કરે છે. આમાં રાષ્ટ્રીય વિભાજન નું બીજ દેખાય છે.જેમ હિંદુ મુસ્લિમ વર્ષો પહેલા લડ્યા અને ભારત-પાકિસ્તાન થયું એમ હવે ગાંધીવાદી અને ઉદ્દામવાદી લડે અને ભારતનું વિભાજન થાય તો નવાઇ નહીં કારણ કે આપણને એમાં જ સાચી દેશભક્તિ દેખાય છે.

પણ આ બધાના મૂળમાં આપણું અજ્ઞાન છે. ખાસ કરીને ઈતિહાસનું અજ્ઞાન! આજનો યુવાન ઇતિહાસ શોધે છે-રાજનૈતિક દળો દ્વારા ચાલતા ઇંસ્ટાગ્રામ પેજ પર,કોઈ ઉગ્ર રાષ્ટ્રવાદી દ્વારા યુટ્યુબ પર મૂકાતા વીડિયોમાં,જે પોતે પુરા સ્નાતક સુધી નથી પહોંચી શક્યા એવા લોક કલાકારો દ્વારા ઘડી કાઢેલી દંતકથામાં! આનાથી મોટી કરુણતા આ રાષ્ટ્ર માટે બીજી શું હોઈ શકે? આપણી પાસે વર્ષોથી ઇતિહાસની દ્રષ્ટિનો અભાવ રહ્યો છે.મુસ્લિમ તવારીખકારોની આપણને મળેલી મુખ્ય ભેટ છે ઇતિહાસ દ્રષ્ટિ છે એ ઉગ્ર રાષ્ટ્રવાદીએ પણ સ્વીકારવું પડે એમ છે. ઇતિહાસ શબ્દથી જે સમાજને કંટાળો આવે છે એ જ સમાજ અને એના યુવાનો ક્રાંતિકારીઓના નામે જે વાતો હાંકે છે એ જ સમાજ અને યુવાનો જો એની પોતાની વાતોને ક્રાંતિકારીઓની દ્રષ્ટિએ માપે તો પોતે ખોટા ઠરે એમ છે.(ખાસ કહેવું જોઈએ કે હું કોઈ રાજકીય પક્ષની તરફેણ માટે આ લખતો નથી.)

આપણા રાષ્ટ્રગીતના રચયિતા રવિન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રવાદનો સદૈવ વિરોધ કરેલો.કેમ? શું જે દેશનું રાષ્ટ્રગીત પોતે રચ્યું છે એ રચયિતાને એ રાષ્ટ્ર પર પ્રેમ નહિ હોય?હોવાનો જ.પણ એ કવિ હતા,એની પાસે આર્ષદ્રષ્ટી હતી આ પ્રજાના માનસને માપવાની.કંઈપણ વિચાર્યા વિના,તર્કની કસોટીએ કોઈપણ વાતને પાર પાડ્યા વિના,કોઈપણ પ્રકારની ફિલસૂફી વિના કોઈ બાબત પર મચી પડવું એ આઝાદ ભારતીયોની માનસિકતા રહી છે.રાષ્ટ્રવાદ જ્યારે ઉગ્ર બને ત્યારે તેનો પોતાનો જ વિનાશ નોતરે છે એ વાત આપણને ઇતિહાસે શીખવી છે.પણ આપણને ભારતનું કાલ્પનિક મહિમા ગાન કરવામાં,યુરોપીય શાસ્ત્રને નીચું બતાવવામાં,દંતકથાઓમાં આવતા ચરિત્રોની પ્રશસ્તિ કરવામાં જ રસ છે.વૈશ્વિક વિચારધારા જે આ સંસ્કૃતિના મૂળમાં પડી છે એને આપણે કેમ ઉજાગર નથી કરી શકતા એ વૈચારિક ખેડાણનો પ્રશ્ન છે.

ભારતની પ્રજા એ દેશભક્તિનો ઢોંગ કરવામાં સૌથી અવ્વલ પ્રજા છે.બેશક આ રાષ્ટ્રમાંથી આજે પણ એવા દેશભક્ત નીકળે છે જેને પોતાના પ્રાણની આહુતિ આપી છે અસ્મિતાના રક્ષણ માટે!પણ એ અપવાદ હોય છે અને સારી બાબતનો અપવાદમાં સમાવેશ થાય એ સમાજ માટે હાનિકારક કહેવાય. ધ્વજવંદન કરવું એ નૈતિક ફરજ છે પણ ત્યાર પછી દેશભક્તિ માટેના ભાષણો કરવામાં જે દંભ જોવા મળે છે એ ખરેખર અસહ્ય છે. ક્રાંતિકારીઓના નામે પોતાના મોબાઇલમાં સ્ટેટસ મૂકતા ફાટેલા જીન્સધારી યુવાનો ખરેખર એ ક્રાંતિકારી વિચાર ધારાના મૂળ સુધી પહોંચ્યા છે ખરા?ક્યારેય પણ આ યુવાનો કે અન્ય કોઈપણ કહેવાતા દેશભક્તે આ અમર સ્વતંત્રતાના વિચારોના ગ્રંથનું રસપાન કર્યું છે ખરું?જવાબ કરુણાજનક છે. પોતાના અભ્યાસ માટે ગાઈડ સિવાય બીજું કંઈ વાંચી ન શકનારા યુવાનો ઇતિહાસનું અધ્યયન ન કરે એમાં કોઈ નવાઈની વાત નથી.ખરી વાત તો એ છે કે આપણે દેશભક્તિના અંચળા નીચે આપણો ધંધો ચલાવવો છે અથવા આપણી પ્રતિષ્ઠા વધારવી છે અથવા તો ગર્લફ્રેંડને પ્રભાવિત કરવી છે.આ જ આપણે મન રાષ્ટ્રભક્તિ છે?

દેશની અને સમાજની મુખ્ય જરૂરિયાત નિર્દંભ અને નિખાલસ વ્યક્તિની છે,મોટા-મોટા પ્રભાવક ભાષણો કરી,સંસ્કૃતિનું ખોટું મહિમાગાન કરી,પોતાનું ખિસ્સુ ભરનાર કુટિલની નહીં.'હું મફતમાં સારવાર કરી આપીશ' એમ કહી એ બહાને પોતાના દવાખાનાનું નામ વધારનાર ડોક્ટર કરતા પોતાના વિષયને લગતું સત્વ બહાર કાઢીને સરસ્વતીની પ્રસાદી વિદ્યાર્થી સમક્ષ ધરનાર એક વૃદ્ધ શિક્ષક મારે મન હંમેશા રહેશે.આ રાષ્ટ્રને એવા પોલીસ અધિકારીની જરૂર નથી જેને પ્રજાસત્તાક કે સ્વતંત્રતા દિવસ પર સન્માન મળ્યું હોય અને તે દિવસે સન્માન પતાવીને ઘરે જતી વખતે બે-ચાર ગરીબો પાસેથી 'હપ્તો' ઉઘરાવતો જાય.સેવા એ ગુપ્તતાની ડાળી પર ખીલેલું ફૂલ છે,એનો દેખાડો ન હોય.એની આંતરિક સમૃદ્ધિ માટે એની સુવાસ પૂરતી છે.
દેશભક્તિ જેવી નિર્મળ ભાવનામાં પણ દંભે પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે એ વાતનું સમાજને દુઃખ નથી કારણ કે સમાજને પણ એ આકર્ષિત કરે છે.વિચાર રૂંધાયા વિના દરેકના મનમંદિરમાં થઈને બહાર આવે અને કલમ થકી કાગળ માં ઉતરે એ આજે કલ્પના બની ગયું છે ત્યારે સારું છે ભારતમાતા પોતાનું રક્ષણ કરી શક્યા છે બાકી એના નામનું મંદિર બનાવી મોટો ઉદ્યોગ ચાલતો હોત. એ પણ ધમધોકાર!

પ્રદીપજી માફ કરે...

"तुम भले ही लाये हमारे लिए तूफान से कश्ती निकाल के,
धंधा व्यापार चलाना है,नौकरी करनी है,
प्रेमिका के साथ घूमने जाना है,
कौन संभाल कर रखेगा इसे?

माफ करना हमारे प्यारे भगतसिंह,सरदार और गांधीजी,
देशकी उन्नति का नही
हमे आपसकी लड़ाईका रंग लगा है।"