ચોખ્ખું ને ચણક - 5 - दिन भी रात हो गया है। પ્રથમ પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોખ્ખું ને ચણક - 5 - दिन भी रात हो गया है।


"कभी-कभी ऐसा लगता है जैसे दिन भी रात हो गया है।''

વાતમાં આગળ વધીએ એ પૂર્વે એક વાત સ્વીકારી લઉં કે આ લેખ સાહિત્યિક નથી,સાહિત્યિક પત્રકારત્વનો કહી શકાય.કારણ કે આ લેખ પ્રસંગોચિત છે.રવિવારે સોની ટીવી પર આવતા શો ઇન્ડિયન આઇડલમાં સંતોષ આનંદજીએ ઉપરની વાત કહી હતી.પણ મારે કહેવું જોઈએ કે આ શો દ્વારા તો આ એક જ સંતોષ આનંદ આપણને દેખાયા, પણ હજુ અનેક એવા ગીતકારની યાદોને અને એની કલાને આ સમય ખાઈ ગયો છે એ હકીકત છે.

આજે આપણે અનેક જુના ગીતોના નવા સંસ્કરણ તરફ વળ્યા છીએ,એ સારું છે કે ખરાબ એનું વિવેચન અહીં અસ્થાને ગણાય.હવે આગળ વાત કરીએ એ પૂર્વે હું કહું એમ જરા કરી જુઓ,કારણ કે હું જે કહેવા જઈ રહ્યો છું એ અનુભૂતિની વાત છે-શબ્દોની નહિ.તમે તમારી આંખ બંધ કરો અને વિચારો કે તમારા ગમતા જુના ગીત કયા?એની એક ઝાંખી તમને તમારી આંખની સામે આવી ગઈ હોય તો હવે યાદ કરો કે એમાં કલાકાર કયા છે?નૂતન,મધુબાલા, આશા પારેખ,શર્મિલા ટાગોર,મનોજ કુમાર,ધર્મેન્દ્ર,જીતેન્દ્ર,કિશોર કુમાર(આ યાદી ભયંકર રીતે અધૂરી છે) વગેરે યાદ આવી ગયા હશે.હવે એના ગાયકને યાદ કરો-લતા મંગેશકર,આશા વગેરે (આગળનું સૂચન યાદ રાખવું) યાદ આવી ગયા હશે.પણ હવે તમે તમારા પ્રિય ગીતના સર્જકોને યાદ કરો.-કોરું ધાકળ!તમારા મનમાં કોઈ સહજ નામ યાદ નહિ આવ્યું હોય,અપવાદ હોય!

આ સમસ્યા આજકાલની નહિ,પણ પ્રાચીન છે.જેને લીધે આજે આખું બૉલીવુડ ઊભું છે એ દાદા સાહેબ ફાળકે,જેના નામે એવોર્ડ અપાય છે-એના જીવનના અંતિમ દિવસો બહુ કરુણ હતા છતાં કોઈએ દરકાર કરી નથી તો ગીતકારની આ ઉપેક્ષા બદલ કંઈ પશ્ચાતાપ ન હોય.આપણને નિર્માતા યાદ હોય છે,ગીતના ગાયક પણ યાદ હોય છે,મ્યુઝિક ડિરેકટર પણ યાદ હોય છે પરંતુ ગીતના સર્જક યાદ હોતા નથી.આજના યુવાનોને કે વૃદ્ધોને बहारो फूल बरसाओ मेरा महबूब आया है ગીત યાદ હશે,કોઈ જૂની પેઢીનાને દેવાનંદ યાદ હશે કે વૈજયંતિમાલા યાદ હશે પણ હસરત જયપુરી કોઈને યાદ નહિ હોય!બધાને ए मेरे वतन के लोगो ગીત યાદ હશે અને લતા મંગેશકર પણ એના સર્જક અને હિંદીના અધ્યાપક કવિ પ્રદીપ કોઈને યાદ નહિ હોય.આ તો મેં બે ઉદાહરણ આપ્યા પણ લગભગ તમામ જાણીતા કલા સાધકો સાથે આવું જ થયું છે.

આવું થવાનું મૂળ કારણ આપણી કલાની મુલવણીમાં રહેલી દોષદ્રષ્ટિ છે.આપણે ગાયન ,સંગીત,નિર્માણ,અભિનય વગેરેને જ કલા માનીએ છીએ,લેખનને નહીં.આપણા બધાના મનમાં એમ છે કે લેખન એ બહુ સરળ વસ્તુ છે પણ આ આપણી સૌથી મોટી ભ્રાંતિ છે.જે ગીતને સાંભળીને જીવનને જોવાની એક નવ્ય દ્રષ્ટિ આપણને મળે છે એને રચવામાં એક માને એના બાળકને જન્મ આપતા જેટલી વેદના થાય એટલી વેદના એક સર્જકને થાય છે.ગીત એ સર્જકના હૃદયમાં થતા આનંદ કે વેદનાના અડધા અંશનો શબ્દદેહે ઝીલાયેલો ચિત્કાર છે.ભારતીય પ્રજાએ આ બાબતે બહુ ઉદાસીનતા બતાવી છે,સંતોષ આનંદ એનું ઉદાહરણ છે.

'કોઈ સર્જક પોતે મટી જાય અને એની રચના અમર થઈ જાય એ તો સૌથી મોટી સિદ્ધિ કહેવાય.' - આવી દલીલ કોઈ કરે પણ ખરું!એની સામે મારે એવું કહેવું જોઈએ કે જો સંગીતકાર પોતાની સંગીતની ધૂન અમર થઈ ગયા બાદ,ગાયક એનું ગીત અમર થઈ ગયા બાદ,અભિનેતા એની અભિનયકલા અમર થઈ ગયા બાદ ભૂલાતો ન હોય તો સર્જક કે કવિ પ્રત્યે આ પ્રકારની સ્વાર્થી અને પોતાની નગ્નતા પર પડદો પાડનારી અપેક્ષા રાખવી કેટલે અંશે યોગ્ય છે?જો પ્રજા સંગીતકાર,ગાયક,અભિનેતા,નિર્માતાને યાદ રાખવા કટિબદ્ધ હોય તો માત્ર સર્જકને જ શા માટે નહીં?

એવું નથી કે માત્ર બૉલીવુડ પણ ગુજરાતી ફિલ્મોમાં અને કોઈક વખત તો સાહિત્યમાં પણ સર્જકની ઉપેક્ષા કરવામાં આવે છે- આનાથી મોટું દુર્ભાગ્ય કોઈ કલા માટે શું હોઈ શકે?કોઈ મા એના જ સંતાનને તરછોડી દે એવી વાત થઈ આ તો! 'પાણી ગ્યા'તા રે બેડી અમે તળાવ કાંઠે' એ ગીતને મોટા ભાગના લોકગીત સમજે છે જ્યારે ખરેખર એ અવિનાશ વ્યાસનું લખેલું સર્જન છે.કોઈ સર્જકને મન એની રચના લોકગીત બને એ તો સિદ્ધિ કહેવાય એવી સૂફીયાણી વાત કોઈ કરે પણ ખરો.પણ વિચારી જુઓ આપણી પોતાની પત્નીને કોઈ બીજા પુરુષ સાથે વાત કરતા જોઈને પણ ભારતીય પુરુષો ઉકળી ઉઠે છે,તો આ પોતાની વેદના અને લાગણીઓ વડે સીંચેલા સર્જનને લોકોને નામ ચડાવી દેવું એ કેવી મહાનતા?બધા દયારામ ન થઈ શકે અને થવા પણ ન જોઈએ.

આ ઉપેક્ષાનો જવાબ આ સમાજ આપવામાં અસમર્થ છે એ નક્કી છે.સમાજ પાંગળો સાબિત થયો છે એના ધબકારને ઝીલતા સર્જકને સાચવવામાં.પશ્ચાતાપ તો એનાથી મોટો પણ એ છે કે કોઈ ઇતિહાસકારે પણ આ ગીતકારને ગ્રંથસ્થ કરવાનો વિચાર બહુ આવ્યો નથી.આવા ગીતકારોના ચરિત્રોના પુસ્તકો કેટલા મળે છે આજકાલ?-કદાચ હિન્દી અને અંગ્રેજીમાં મળે.ગુજરાતીનું નસીબ ત્યાં ન ચાલે.આ અફસોસ છે સરસ્વતીનો,જેના પર લક્ષ્મીએ જોરદાર આક્રમણ કર્યું છે!

આજે કવિનું સ્વાભિમાન વેચાય રહ્યું છે,સર્જકની પ્રતિભાની હરાજી થઈ રહી છે.આ સર્જકમાં કવિ પણ છે,ચિત્રકાર પણ છે.વિનષ્ટિ છે આ જગતની.
ત્યારે સમાજ,
સાહિત્યકારો,ઇતિહાસવેત્તાઓ,પત્રકારો બધા મૌન છે એ કરુણા છે-શારદાની! આ લખનારની પાસે પણ આપવા માટે ત્રણ જ શબ્દો છે-નિરાશા....નિરાશા...નિરાશા....