આવી ઘટનાઓ જ્યારે પ્રકાશમાં આવે છે ત્યારે આપણને આવા લોકો પર ગુસ્સો આવે છે પણ લગભગ ભારતીયો એની પાછળના તર્કને સમજવા તૈયાર થતા નથી.સાધુ બ્રહ્મચારી હોય એમ હું માનતો નથી કારણ કે સંયમ,નૈષ્ઠિક બ્રહ્મચર્ય એવી બધી ફિલસૂફીને બાજુ પર મૂકીને વિચારીએ તો તેમને પણ સેક્સ માણવાની ઇચ્છા અવશ્ય થતી હોય છે.વૃત્તિને જ્યારે પરાણે દબાવવામાં આવે ત્યારે તે 'વિકૃતિ' બને છે એવું કહેવાય છે એ સર્વથા ઉચિત છે.આ સાધુઓ નિર્દોષ છે એમ કહેવાનું કોઈ પ્રયોજન નથી પણ આ સાધુઓ ઉપર બ્રહ્મચર્ય થોપવામાં આવે છે.ભારતીય શાસ્ત્રો પણ જગત કલ્યાણાર્થે થતી રતિક્રીડાની સંમતિ આપે છે.પણ આ સાધુઓને એનાથી દૂર કરવામાં આવે છે અને પરિણામે જ્યારે તે જેવો કોઈ સુંદર સ્ત્રીને અથવા સ્ત્રીને જુએ એટલે તેની આંખોમાં વિકૃતિનું ઝેર ઉભરાઈ જાય અને આવી ઘટના આકાર લે છે. આખરે કારણ તો છે પરાણે અને સામાન્ય માણસ ન પાડી શકે તેવા વ્રતને પાળવા દબાવેલી કામવૃત્તિ!
જૈન ધર્મમાં પણ હવે સ્વામિનારાયણ સંપ્રદાયની જેમ છોકરીઓની છેડતીના બનાવો બનતા જાય છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે.જૈન ધર્મમાં બાળકોને નાની ઉંમરે દીક્ષા આપવાના પ્રસંગ વધતા જાય છે એ પણ સમાજને માટે જોખમ જેવું છે.જો બધી આવનારી પેઢી સાધુ થઈને ભજન ગાતી રહેશે તો આ રાષ્ટ્ર ફરીથી એના પાયા પર ઉભું થઈ શકશે ખરું?જે છોકરો હજુ જાતે ખાતા શીખ્યો નથી એ દીક્ષા લે એ બાબતની પાછળ હું કોઈ તર્ક જોતો નથી.'એને અધ્યાત્મનો રંગ લાગી ગયો છે','આ જ ઈશ્વર આજ્ઞા છે' એવી નકામી સુફિયાણી વાતોને કોઈ અવકાશ નથી. ભારતમાં ગૃહસ્થ થઈને પણ પવિત્ર જીવન જીવી શકાય એ મહાન ફિલસૂફીનો લોપ થતો જાય છે એ વાત ભયંકર છે.દીક્ષા લેવા માટેની ઉંમર નક્કી કરવી હવે જરૂરી લાગે છે.
આપણી પ્રજા અવારનવાર આસારામ ને બાબા રામ રહીમ જેવા ધુતારાઓ થી છેતરાતી આવી છે એનું મૂળ કારણ એની કુંઠિત થઈ ગયેલી અને મરી ગયેલી વિચાર શક્તિ છે.આપણી ભારતીય પ્રજા ધર્મનું નામ આપ્યું નથી ને ઘેલી થઈ જાય છે.આપણે વારંવાર કર્મનું મહત્વ ગાતા જઈએ છીએ અને સાથે સાથે ઈશ્વર પર નકામી શ્રદ્ધા રાખીએ છીએ.આપણી પ્રજા મુખ્યત્વે આળસુ છે એટલે કોઈ પણ બાબતનું ઝડપથી અને ઓછી મહેનતે સમાધાન જોઈએ છે ને પછી આવા હરામીના ચક્કરમાં ફસાઈ જાય છે.સાધુ થયા હતા નરસિંહ મહેતા જેને પત્ની બાળકો બધું જ હતું છતાં જગતના તત્વજ્ઞાનને પોતાના પદમાં ભરી શક્યા! સાધુ હતા કબીર ને ગુરુનાનક,સાધ્વી તો હતા મીરાબાઈ!આ બધાએ ખરેખર બ્રહ્મની ઉપાસના કરી છે.બાકી આજના કોઈપણ સાધુની ત્રેવડ વિભૂતિઓની કક્ષાએ પહોંચવાની નથી, કારણ કે એ બધા એર કન્ડીશનર ગાડીમાં બેસવા સાધુ થયા છે.એમાંથી એકેય સંપ્રદાય બચી શક્યો નથી.
આપણા લોકો ધર્મ નામ આવે એટલે લોથપોથ થઈ જાય છે.'પાપ થાય' એ આપણા ધર્મનો બકવાસ અને વાહ્યાત શબ્દ છે.આપણે આપણા બાળકોને બાળપણથી 'આમ ન કરાય પાપ થાય' એવું શીખવીએ છીએ એના બદલે 'આમ ન કરાય એનાથી પાપ કર્યું ગણાય' એવું શીખવીએ તો એને વધુ ભાન આવશે.પાપ થઇ જતું નથી પણ ઈરાદાપૂર્વક કરવામાં આવે છે.આપણા તમામ ધર્મ શાસ્ત્રો તો નહીં પણ બહુધા,વૈજ્ઞાનિક તર્કબદ્ધ છે અને આપણી પ્રાચીન ભાષા સંસ્કૃત પણ તકબદ્ધ છે છતાં ખબર નહીં કેમ આપણા લોકોમાં વૈજ્ઞાનિક અભિગમનો સાવ છેદ ઉડેલો જોવા મળે છે.અભણ લોકો તો ઠીક,પણ સીએ, ડૉક્ટર,એન્જિનિયર અને પ્રોફેસર સુદ્ધા-આવા કહેવાતા શિષ્ટ સમાજના લોકોને ફોર્ચ્યુનર માંથી ઉતરતા ભગવાધારી સાધુને પગે પડતા જોયા છે એ લોકો સૌથી મોટા 'પોપટીયા મૂરખા'છે કારણ કે ગંગાસતીએ ગાયું છે કે 'ભક્તિ કરવી હોય એને રાંક થઈને રહેવું'!હવે આવા ફોર્ચ્યુનરવાળાને 'રાંક' કહેવાની નૈતિક હિંમત મારામાં નથી.
ધર્મના નામે ધમકાવીને,શ્રદ્ધાથી તરબતર મનુષ્યને મીઠી મીઠી વાતો કરીને એની પાસેથી પૈસા કઢાવવામાં એક ઉદ્યોગપતિ ને શોભે એવી કુનેહ ઘણા સંપ્રદાયના કહેવાતા ભગવાધારી ઓ પાસે હોય છે.આ કંઈ આજકાલથી જ થતું આવ્યું છે એવું નથી.ધર્મ વસ્તુ જ એવી છે કે જે ભ્રષ્ટ થયા વિના રહી ન શકે! આખો ઈતિહાસ-ભારતનો ને યુરોપનો-બંને એની સાક્ષી પુરે છે. યુરોપમાં પણ એક જમાનામાં પોપનું સામ્રાજ્ય હતું,જે લગ્ન ન કરતો પણ વૈશ્યાઓ સાથે અનૈતિક સંબંધો બાંધવામાં તેને કોઈ વાંધો નહોતો!આપણા સાધુઓ વૈશ્યાઓને બદલે એના વિદ્યાર્થીને પકડે છે બસ એટલો ફેર!ભારતના સલ્તનત કાળમાં પણ ધર્મ એટલે ચુંથાઈ ગયો હતો,વર્ણવ્યવસ્થા એટલી જટિલ બની ગઈ હતી કે તેને ચારણી મારવી ર પડે એમ હતી!એ ચારણી મારવાનું કામ યુરોપમાં અને ભારતમાં અલગ-અલગ સમયે થયું-એક ધર્મ સુધારણા ચળવળ અને બીજું ભક્તિ આંદોલન કહેવાયું!
આજે આવી ચારણી મારવાની જરૂર છે એવું નથી કે સાચા સંત નથી, અવશ્ય છે પણ એ કોઈ દિવસ પ્રકાશમાં આવતા નથી! પ્રસિદ્ધિ પામવાની ઈચ્છાએ એ પ્રકાશમાં આવે તો પછી સંત શેનો?કાશ હવે કોઈ માર્ટિન લ્યુથર અને કબીર નાનક આ ભૂમિ પર પાકે કે જે આવું ભગીરથ કાર્ય કરે!પણ આ 'કાશ' સદૈવ 'કાશ' ન રહે એવી આશા સેવીએ!છેલ્લે એક નોંધવાની રહી ગયેલી વાત નોંધી દઉં કે રાજકારણીઓએ પણ આવા ધર્મના અંચળા પહેરનારાનો લાભ ઓછો નથી લીધો!આવે સમયે તો અખો જ યાદ આવે છે,
"તિલક કરતા ત્રેપન થયા,
જપમાળાના નાકા ગયા;
તીરથ ફરી ફરી થાકયા ચરણ,
તોયે ન થયા હરિને શરણ"