Featured Books
શ્રેણી
શેયર કરો

અમે બેંક વાળા - 20. કયામત દિન કોમ્પ્યુટરનો

કયામત દિન કોમ્પ્યુટરનો

વર્ષ 1999 અને 31 ડિસેમ્બર. હું બેંકનાં આઇટી ડિપાર્ટમેન્ટમાં હતો. મેઈન ફ્રેમ કોમ્પ્યુટર સેન્ટર જ્યાં ડ્રાફ્ટ વગેરેના ભારતભરના ડેટા પ્રોસેસ થાય અને પ્રોગ્રામ્સ પણ ઇનહાઉસ લખાય. એનું ટેસ્ટિંગ એ પણ જટિલ પ્રક્રિયા છે. હું એક એમસીએ એમબીએ યુવાન વિજયકુમાર વલ્લીયાની રાહબરી હેઠળ બેંકની ભારતભરની ડિપોઝીટની મેચ્યોરિટી બકેટ ને એવું પ્રોસેસ કરી અને એની ઉપરથી અમુક ચોક્કસ રિપોર્ટ જનરેટ કરવાનાં alman પેકેજ પર કામ કરી રહ્યો હતો.

અમારાં કોમ્પ્યુટર 2 જીબીની હાર્ડ ડીસ્ક ધરાવતાં હતાં. અમને 4 જીબી નું આપ્યું જે અમારે માટે ઉપલબ્ધી હતી. આજે તો તમારા મોબાઇલની સ્ટોરેજ કેપેસિટી 32 જીબી હોય છે! મોટી, હથેળીથી પણ મોટી ફ્લોપી ડીસ્કમાં 1.2 એમબી, હા. એમબી જ. એટલો ડેટા કોપી થાય. Pkzip કમાન્ડથી પાંચ સાત ફ્લોપી જેટલો ડેટા કે પેકેજ મોકલતા.

મોટું જબરું મેઇનફ્રેમ કોમ્પ્યુટર અને જૂની ફિલ્મની રીલ જોઈ છે? એવી ટેપ ડ્રાઈવ પર બેકઅપ લેવાનો. કોમ્પ્યુટર્સ ms dos ઓપરેટિંગ સિસ્ટીમ પર ચાલે.

આ બધી વસ્તુ જોઈ હોય એને જ ખબર પડે. એનું કોઈ મ્યુઝિયમ પણ સાંભળ્યું નથી.

તો એમાં એવું કે કોમ્પ્યુટર સ્ટાર્ટ કરો એટલે ડેઈટ આવે. એ સિસ્ટીમમાં સચવાયેલી ઘડિયાળની ચીપ પર હોય. કોઈ પણ કોમ્પ્યુટરમાં. બ્રાંચ લેવલનું આવું 2 જીબી નું ડેસ્કટોપ ને ઉપર પાછળ મોટાં શકું જેવી સીઆરટી ટ્યુબ વાળું મોનીટર હોય.

ડેઈટ આમ તો જે તે દિવસની જ આવે, નહીં તો 'date is 01-01-80'. Enter new date' એવું પેલી ms dos ના 'date' કમાન્ડમાં આવે એટલે ડેઈટ આપી સાચી ડેટ મુકવાની. જોયું ને, ડેટ નું વર્ષ બે આંકડાનું જ હતું!

બસ. એ બે આંકડાનાં વર્ષની જ મોટી રામાયણ આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ ગઈ. ખૂબ જોરશોરથી ચારે તરફ કહેવાયું કે 31 ડિસેમ્બર 1999 ના રાત્રે 12 પછી દુનિયાભરનાં કોમ્પ્યુટર્સ ડબલાં બની જશે કેમ કે 00-00-00 તારીખ અને 00-00 કલાક આવી જશે રાત્રે 12 ના કાંટા ઉપર. આગળ શું કરવું તે નહીં કોમ્પ્યુટરની પેલી ઇનબીલ્ટ ઘડિયાળ સમજે, નહીં ઓપરેટિંગ સિસ્ટમ.

Y2k પેચ એટલે વર્ષ 2000ની અંતિમ રાત્રીને વધાવવા દુનિયા ઝૂમતી હોય ત્યારે કોમ્પ્યુટરો બચાવવા માટેનો કોઈક પેચ લખી ઇન્સ્ટોલ કરવા દુનિયાભરના કોમ્પ્યુટર નિષ્ણાતો મચી પડેલા. અમેરિકન્સ તો ખૂબ ડરી ગયેલા કે જગતને ડરાવતા હતા. ફેશનેબલ કે ફોરેન સ્પૉન્સર્ડ સંસ્થાઓ તો y2k ઇન્સ્યોરન્સ ને પેચ બનાવી આપવાનું ને એવું કરવા માટે તગડી ફી લેવા માંડેલી.

અમારે તો ખૂબ અગત્યનો ડેટા અને પાછું બધી બ્રાન્ચને, અલબત્ત, ઝોનલ ઇડીપી સેંટર્સ સાથે મળી સાચવવાની.

વહીવટી રીતે કુશળ, વર્તણૂકમાં કોઈ પ્રોફેસર કે રિસર્ચ સ્કોલરની જેમ નવી, અમારે જરૂર ન હોય તો પણ એડવાન્સ ચીજોમાં ખૂંપી રહેતા અને સ્વભાવે ખૂબ સમજુ, મિલનસાર શ્રી. ક્રિષ્ણ મોહન અસાવા ચીફ મેનેજર. તેમણે આપાતકાલ આવે તે પહેલાં જ મિટિંગ બોલાવી. બ્રાન્ચોને મોકલવા કોઈ પેચ આવ્યા. જે તેમણે સ્પષ્ટ કહ્યું કે ન કરે નારાયણ ને એ બ્રાન્ચ પૈકી કોઈનું કોમ્પ્યુટર 00-00-00 થઈ બંધ થઈ જાય તો કોઈ કાંઈ નવું નહીં કરી શકે અને y2k માટે લોકો બીવે છે એવું કાંઈ થશે જ નહીં. છતાં છેલ્લા 3 દિવસ રાત્રે કોઈ બે ઓફિસર કોઈ બ્રાન્ચને પેચ ઇન્સ્ટોલ કરીને ટેસ્ટ કરતાં જરૂર પડે તો મદદ કરવા ડ્યુટી પર રાખ્યા. 30મી ની રાત્રે મારા ઇમીજીએટ બોસ સિનિયર મેનેજર વ્યાસજી અને બીજા અધિકારી શ્રી. બ્રહ્મભટ્ટ ઓફિસમાં સુએ એમ નક્કી થયું.

અમારા એ y2k ડ્યુટી પરના લોકોના નામનું લિસ્ટ પણ બધે સર્ક્યુલેટ થયું. એમાં તો મિત્રોને ખબર પડી કે હું ત્યાં છું. એમાં અહોભાવ થોડાનો અને ઈર્ષ્યા ઝાઝા કલીગ્સની ભળી.

આખી સદી બદલાય એના સર્વત્ર ભવ્ય પ્રોગ્રામ ટીવી પર લાઈવ બતાવવાના હતા. ઇન્દિરા પોઇન્ટ આંદામાનમાં વિશ્વનો પ્રથમ, વર્ષ 2000નો, 21મી સદીના પ્રથમ દિવસનો સૂર્યોદય થવાનો હતો તે ચેનલો કવર કરવાની હતી. ત્યાં રાત્રે સાડાત્રણે એ સૂર્યોદય થયો. એ બધી ઉજવણીઓ જોવાની મઝા મૂકી રાતની ડ્યુટી લેવા કોણ તૈયાર થાય? એમાં મોટા ભાગના રહે બેંકનાં એ વડોદરા શહેરનાં ક્વાર્ટરમાં. ત્યાં તો 31 ડિસેમ્બરની પાર્ટી જોરદાર ચાલુ હોય. કોણ આવવા તૈયાર થાય?

હું આમેય તે શહેરમાં એકલો રહેતો. કુટુંબ અમદાવાદ. બીજે દિવસે કદાચ રવિવાર હતો અને આમેય રાતની ડ્યુટી બાદ ઓફ મળે એટલે 31 ડિસેમ્બર રાતની ડ્યુટી મેં સ્વીકારી. અસાવા સરને રાહત થઈ ગઈ. મને પેલો પેચ બતાવ્યો. જરૂર પડે તો જે તે સેન્ટરમાં એ વખતે એન્જીનિયરો જેમને કોમ્પ્યુટર્સ નો મેઇન્ટેનન્સ કોન્ટ્રેક્ટ આપેલો એ હાજર રહેવાના હતા. મારે માત્ર 12.30 પછી દરેક ઝોનલ સેન્ટરને સબ સલામત પૂછવાનું હતું. જરૂર પડે તો પેલો કહેવાતો પેચ મેઈલ કરવાનો.

મેઈલ પણ કેવી રીતે, ખબર છે? મેઈલ નું આઇકોન દબાવો એટલે 'ટીં.. ટીં..' અવાજ સાથે મોડેમ ના rd અને td બટનોમાં લાઈટ ઝબકવા માંડે અને કોમ્પ્યુટરના બે આઇકોન તમારા ડેસ્કટોપની પટ્ટી પર દેખાય. એ બેય આઇકોનમાં લાઈટ આવજા થાય. એ 'ટીં.. ટીં' અવાજ અમને ખૂબ ગમે કેમ કે એ તમારૂં કોમ્પ્યુટર સામેનાં કોમ્પ્યુટર સાથે જોડાઈ રહ્યું છે તેનો પૂરાવો. પછી ફાઇલ એટેચ કરી સેન્ડ કરો એટલે પહેલાં તો આઉટબોક્સમાં જાય અને ત્યાંથી ફરી સેન્ડ કરવાનું. પીળી ઉડતાં કવરની નિશાની સાથે સેન્ડિંગ 10%.. 20%.. એમ ભુરી પટ્ટી આગળ વધતી જાય. ક્યારેક 99% પહોંચી પટ્ટી જતી રહે એટલે બધું ગયું. કરો ફરીથી એટેચ અને મેઈલ. એક મેઈલ ક્યારેક દસ મિનિટ પણ લેતો.

તો 31 ડિસેમ્બર 1999 ની રાત્રે હું આવડા મોટા મેઇનફ્રેમ સેન્ટરના સોફા પર એકલો અટૂલો પડેલો ને બહાર દુનિયા y2k, 21મી સદીને આવકારવા થનગની રહી હતી.

12માં પાંચ. ફોન રણક્યો. મને છાતીમાં એક ધડાકો થયો. એ ફોન કરનારને 00-00-00 થયું કે શું? એ ભાઈ બીતા હતા કે ટેસ્ટ માટે હું 12 વાગે ઓન કરીશ ને બધું ઉડી જશે તો? મેં કહ્યું બેકઅપ જેટલો છે એ તૈયાર રાખો. બાકી સૂચના છે કે ઓન કરવું એટલે કરવું. કાંઈ હોય તો 'હું બેઠો છું ને!' (!)

હું શું કરી શકવાનો હતો!

બાર વાગ્યા. મારૂં સેન્ટર ચારે બાજુથી બંધ તો પણ ફટાકડાના અવાજો સંભળાયા. હું લાલચ છોડી શક્યો નહીં. નજીકની બાલ્કનીમાં જઈ દોરી ખેંચી પ્લાસ્ટિકની પટ્ટીઓનો પડદો ઊંચો કર્યો. બહાર આતશબાજી જામી હતી.

ત્યાં કદાચ 12 ને બે મિનિટે લાઈટ ગઈ. સેન્ટરમાં ઘોર અંધારું. હું ફોનથી ખાસ્સો દૂર, મોટી લોબીને બીજે છેડે હતો. અંધારામાં પણ રોજની ઓફિસ હોઈ દોડીને ફોન સુધી પહોંચ્યો. બાકી મને હું જ દેખાતો ન હતો. કાળું અંધારું. જ્યાં લાઈટ બંધ હોય ત્યાં ફોન પણ ક્યાંથી ચાલે?

ઓહ, માર્યા. સાલું મારૂં ચાલુ કોમ્પ્યુટર પણ બંધ. ફરી સ્વિચ દબાવી બુટ કરવું પડશે. એ ડેઈટ કઈ માગશે?

એક ક્ષણ તો થયું કે 00-00-00 આવી જશે અને કોઈ પેશન્ટના કાર્ડિયોગ્રામમાં સીધી લીટી આવે એમ કોમ્પ્યુટર મૃતપ્રાય થશે. પણ મારાથી ક્યાંય વધુ જાણતા અને રિસર્ચ સ્કોલર જેવા અસાવા સરની વાત પર મને ભરોસો હતો.

લાઈટ આવી. સહુથી પહેલાં મેં મારૂં ડેસ્કટોપ ચાલુ કર્યું. Dos prompt એટલે C: લખેલું તો આવી ગયું. સાવ મરી નથી ગયું.

પહેલાં ડેટ નાખું કે પહેલાં અગમચેતી વાપરી પેચ લોડ કરી દઉં? થોડો વિચાર કરી કોમનસેન્સ વાપરી મેં પેચ લોડ કરવા નક્કી કર્યું. ફ્લોપી નાખી. એ પ્રોગ્રામને અત્યાર પૂરતો patch.exe કહીશ. મેં એ નામ લખી એન્ટર કી પર આંગળી ઠપકારી. બે ત્રણ વખત કોમ્પ્યુટર સીપીયુ પર લીલી લાઈટ ઝબકી. ફરી પ્રોમ્પ્ટ આવી ગયો.

મેં ડેઈટ dos માં ચેક કરતા પહેલાં સીધો વિન્ડો પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો. એ પણ એકાદ વર્ષથી જ આવેલો.

વિન્ડો નું ચિત્ર દેખાયું અને.. મેં નીચે પટ્ટી પર નજર કરી. જમણે તારીખ 01-01-2000 અને ટાઈમ 0:35 am!

કોમ્પ્યુટરને કયામત દિન નડ્યો નહોતો. મેં ફટાફટ મેઇનફ્રેમ ચાલુ કર્યું. એના વળી ચિત્રવિચિત્ર બીજા કમાન્ડ. ત્યાં તો વિન્ડો ઓપરેટિંગ સિસ્ટીમ પણ ન હોય. સાચે જ 'today is 01-01-1980' ને બદલે 'welcome to … computer centre' આવ્યું. ડેઈટનો કમાન્ડ આપ્યો. 01-01-00. એમાં dd-mm-yy ફોર્મેટ જ હતું પણ 00-00-00 વખતે બંધ નહોતું થયું.

હાશ કરતો હું બેઠો ન બેઠો ત્યાં ફોન રણક્યો. અમુક સેન્ટર. કોમ્પ્યુટર ચાલુ કરીએ તો કાંઈ ઉડી તો નહીં જાય ને? એ જ પૂછ્યું. મેં કહ્યું, 'પણ બંધ શું કામ કરેલું? ચાલુ જ રાખવાનું હતું.' એ મહાશય કહે બધું 0 થાય એ મિનિટ પૂરતું બંધ કરવું એને યોગ્ય લાગેલું. મેં દેખાવ કરવા એને કોમ્પ્યુટર ચાલુ કરી જે આવે તે કહેવા કહ્યું. એણે પણ 01-01-2000 આવ્યું એમ કહ્યું. મને સાથે રહેવા બદલ ખુબ આભાર માની અભિનંદન આપ્યાં. હું જાણે બિલ ગેઇટની લઘુ આવૃત્તિ હોઉં એમ અમુક સેન્ટરોએ કોંગ્રેચ્યુલેશન આપ્યાં. મેં કાંઈ જ મદદ કરેલી નહીં. જશ લઈ લીધો!

કોઈએ હવે સ્ટાર્ટ કરે તો તકલીફ નહીં થાય ને? એમ ડરતાં ડરતાં પૂછ્યું. કોઈએ પેચ હવે રન કરીએ કે કેમ એ પૂછ્યું.

મને હું મોટો ભા હોઉં એવું ફીલ થયું. કાંઈ જ કર્યા વગર.

પણ અમારા સહુના 'મોટા ભા' અસાવા સર મારી અને સેન્ટરની ખબર પૂછવાનું ચુક્યા નહીં. પોણા કે એક વાગે એમનો ફોન આવ્યો કે બધું બરાબર છે ને! એમના ક્વાર્ટર્સમાં પાર્ટી જસ્ટ પુરી થયેલી.

પછી એક બે ફોન મને કોમ્પ્લીમેન્ટ્સ અને 'સબ સલામત' ના આવ્યા. પછી એકદમ શાંતિ છવાઈ ગઈ.

હવે મને ટીવી પર 21મી સદીનું આગમન જોવાની ઈચ્છા થઈ. પણ ડ્યુટી હતી. સવાર સુધી. કોઈનો ફોન જ ન આવ્યો. સવારે 4.15 થઈ. હું સીધો ઓફિસથી નજીક હોઈ દોડીને બરોડા સ્ટેશને પહોંચ્યો. પુરી-ઓખા ઉપડવાની તૈયારી હતી. દોડીને જનરલ કોચમાં. સખત ઠંડીમાં ઠુંઠવાતા બેસી સાત વાગે ઘેર પહોંચી ટીવી પર હેપી ન્યુ ઈયરના પ્રોગ્રામ સાથે પટ્ટી જોઈ કે y2k નો હાઉ કાંઈ કરી શક્યો ન હતો અને દુનિયાનાં કોમ્પ્યુટર્સ સલામત હતાં.

લોજીકપ્રિય, મૂળભૂત સ્કોલર ચીફ મેનેજર અસાવા સરે સમજાવ્યું કે કોમ્પ્યુટર માઈક્રો સેકન્ડ પર કામ કરે છે. 00:00 મિનિટ સેકન્ડ પછી તરત 01 માઈક્રો સેકન્ડ અને ગાડી ચાલુ. 59.59 સેકન્ડ પછી 1 મિનિટ થઈ જાય. અને વર્ષમાં 00 કે 2000 માટે પ્રોગ્રામ લખાયા ત્યારે 00 એટલે ડુમ્સ ડે જ થશે એવું ન હતું. બધામાં ડેઈટ 01 થઈ ગઈ એટલે વાત પતી. હવે વર્ષ 00 ને બદલે 2000.

કોમ્પ્યુટર્સ માટે ક્યામતનો દિવસ આવવાનો ભય ખોટો નિવડેલો.

***