દરેક ધર્મમાં મુહૂર્તનું મહત્વ ઓછેવત્તે અંશે હોય છે અને આપણે દરેક લોકો મુહૂર્તમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનતા હોઈએ છીએ.
હવે એવો જમાનો અને ટેકનોલોજી આવી ગઈ છે કે આપણે બાળકના જન્મ માટે પણ કોઈ ચોક્કસ તારીખ કે મુહૂર્ત જોવડાવીએ છીએ.આ ઘટના પરથી એવું લાગે કે આપણે વધુ પડતાં જ મુહૂર્તમાં માનવા લાગ્યા છીએ.જન્મ માટે આપણે ભલે મુહૂર્ત કઢાવી શકતાં હશું પણ મૃત્યુ માટે કોઈ જ મુહૂર્ત નથી હોતું.મૃત્યુ મુહૂર્તમાં માનતું નથી.જો એનું પણ કોઈ મુહુર્ત હોત તો આપણે કોઈ ચોક્કસ મુહુર્તમાં જ મરવાનું પસંદ કરતા હોત.
માન્યું કે કુદરતી મોતનું કોઈ મુહૂર્ત નથી હોતું પણ જ્યારે આપણે મોતને આત્મવિલોપન કે આત્મહત્યા કરી સ્વીકારીએ છીએ ત્યારે પણ આપણે કેમ મુહૂર્ત વગર મરવાનું પસંદ કરીએ છીએ? શું જિંદગી પ્રત્યે એટલી બધી નફરત થઈ જતી હશે કે સ્વૈચ્છિક રીતે મૃત્યુ સ્વીકારતી વખતે પણ મુહૂર્ત નથી જોતા?જો જીવનમાં કોઈ શુભ કામ કરતા પહેલા મુહૂર્ત જોતા હોઈએ તો અકુદરતી મૃત્યુ વખતે પણ મુહૂર્ત શું કામ ન જોઈએ?.આપણી સંસ્કૃતિ મોક્ષમાં માને છે તો કુદરતી મોત વખતે જ કેમ મોક્ષની ઇચ્છા?જો અકુદરતી મોત વખતે પણ આપણા મનમાં મોક્ષની ઇચ્છા હશે તો ત્યારે આપણે મુહૂર્ત જોતા હશું.
લગ્ન વખતે આપણે બધા મુહૂર્ત કઢાવી એ છીએ તો પછી લગ્ન વિચ્છેદ વખતે કેમ આપણે મુહૂર્ત નહીં જોવડાવતા હોઈએ?જો સાથે રહેવા માટે કોઈ ચોક્કસ મુહુર્તની જરૂર હોય, તો છૂટા પડવા માટે કેમ મુહુર્તની જરૂર નથી? સારા મુહૂર્તમાં જ આપણે સાથે રહેવાનાં વચનો લીધા હોય છે તો પણ ફારગતીના કિસ્સા કેમ બને છે?
આપણે ત્યાં દિવાળી અને નવા વર્ષે ધંધા-વેપારના મુહૂર્ત કરવાનો રીવાજ છે અને તેનું મુહૂર્ત કરવા માટે પણ એક ચોક્કસ મુહૂર્ત જોઈએ છીએ અને તો પણ ધંધામાં ખોટ કે નુકસાન જવાની સંભાવના રહેલી હોય છે.કોઈ કામની શરૂઆત કરી હોય અને એ સફળ ન થાય ત્યારે અનાયાસે એ સવાલ મનમાં ઉદભવે છે કે ખબર નહીં ક્યાં મુહુર્તમાં આ કામ માટે નીકળ્યા હતા?આપણા ધારેલા કામ સફળ ન થાય ત્યારે બહુ સહજ રીતે આપણે દોષી મુહુર્ત ને માનીએ છીએ પણ હવે એમાં મુહુર્ત નો શું વાંક?
દર વખતે આપણે મુહુર્ત ને દોષ કેમ આપીએ છીએ? આપણા ધારેલા કામ સફળ ન થાય ત્યારે આપણે એવું કેમ નથી વિચારતા કે આમાં નક્કી ભગવાનની ઈચ્છા રહી હશે અને જ્યારે ઈશ્વરની ઈચ્છા મુજબનું થાય છે ત્યારે એ આપણા માટે ફાયદાકારક જ હોય છે.ભલે ઈશ્વરની ઈચ્છા મુજબ થવા માટે રાહ જોવી પડે પણ અંતે જે થાય છે તે આપણા માટે સર્વશ્રેષ્ઠ જ હોય છે.
ગમતી નથી!
હવે આ મુહૂર્ત,ગ્રહ અને નક્ષત્રોની રમતો ગમતી નથી,
હશે વિજ્ઞાન જ્યોતિષશાસ્ત્ર પાછળ પણ માન્યું એ,
પણ જો આપણે મુહૂર્ત માટે અંધાધૂંધ બનીએ,
તો એ છે કેટલું વ્યાજબી?
છે પરે આ મુહૂર્ત,ગ્રહ અને નક્ષત્રો આપણી મહેનત અને કર્મથી,
જ્યાં મહેનત હોય અવ્વલ,
ત્યાં ક્યાં જરૂર છે મુહૂર્તને આટલું માનવાની?
અંદાજે ૪.૫૪ બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની ઉત્પત્તિ થઈ હશે,
ત્યારે એણે ક્યું મુહૂર્ત જોયું હશે?
એ ક્યાં ગઈ હશે મુહૂર્ત જોવા?
આર્યભટ્ટ જેવા જાણીતા ખગોળશાસ્ત્રી ના પુસ્તકમાં પણ નથી પૂરાવા મુહૂર્તના,
તો પછી આ મુહૂર્તના ખ્યાલો પ્રથમ આવ્યા હશે કોને?
કોના દ્વારા થયુ હશે આનુ અમલીકરણ?
અંતે આ મુહૂર્ત એટલે શું,
તે ન સમજાય,
માટે હવે ગમતી નથી આ મુહૂર્ત,ગ્રહ અને નક્ષત્રોની રમતો!
મનુષ્ય અવતાર લઈને ભગવાન બની ગયા, તો એમણે ક્યાં મુહુર્તમાં જન્મ લીધો હશે? તો પછી મુહુર્ત માટે આપણી માન્યતા આટલી ચુસ્ત કેમ છે?
આપણા જીવનમાં કોઈ તો એવું પરમ અસ્તિત્વ છે ઘટમાળ ઘડે છે.પરમ અસ્તિત્વ એટલે બીજું કોઈ નહીં પણ ભગવાન કે પરમેશ્વર.એ તો આપણને અહંકાર છે કે આપણે આમ કર્યું ને તેમ કર્યું પણ હકીકતમાં આપણને પરમ અસ્તિત્વ માત્ર નિમિત્ત બનાવે છે બાકી જે કરે છે એ તે જ કરે છે.એ જ્યારે આપણા જીવનમાં ઘટમાળ ઘડે છે ત્યારે એ શું કોઈ મુહુર્ત જોતા હશે?જો એ જ મુહૂર્ત જોયા વગર દરેક ઘટના રચે છે તો પછી આપણે ગમે તેટલા મુહૂર્ત જોઈશું તો એ પ્રમાણે નહીં જ થાય કેમ કે જે પરમ અસ્તિત્વ કરે એમના જેવું કોઈ ન કરી શકે.તો પછી આપણે કેમ મુહુર્તમાં આટલું માનતા રહીએ છીએ?અંતે તો ભગવાનની ઈચ્છા મુજબ જ થવાનું છે.