કૂબો સ્નેહનો - 56 Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂબો સ્નેહનો - 56

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 56

અમ્માને થયેલા એટેકના હુમલાથી સ્તબ્ધ દિક્ષા સાનભાન ખોઈ બેઠી હતી પણ વિરાજના પેટનું પાણી હાલ્યું નહોતું.. સઘડી સંઘર્ષની.....

❣️કૂબો સ્નેહનો❣️

ધરતીકંપમાં ધારાશાયી થયેલાં બિલ્ડિંગ માફક ઢગલો થઈ ગયેલાં અમ્મા જાણે આખી જિંદગીનો થાક ઉતારવાનો હોય એમ મિચાઈ ગયેલી આંખો જોઈને દિક્ષાના હ્રદયમાં આર્તનાદ ઊઠ્યો હતો..
"ડૉક્ટર...ડૉક્ટર...."
"અમ્મા...અમ્મા...."
અમ્માને ઢંઢોળીને ઘડીક અમ્માના નામની બૂમો પાડતી હતી તો ઘડીક ડૉક્ટરના નામની બૂમો પાડતી હતી. એની બૂમો હવામાં આમતેમ ઉડતી હતી. એનો કંઠ રુંધાઈ રહ્યો હતો. એક એક ક્ષણ અત્યારે એને એક સદી સમી ભાસી રહી હતી.

"અમ્મા આંખો ખોલો.."
દોડતી જઈને ટેબલ પરથી પાણી લઈ આવી અમ્માના મોંઢા પર છાંટ્યું.

"આંખો ખોલો અમ્મા.. અમ્મા.. કંઈક બોલો.. શું થાય છે?"
વ્યાકુળ થઈ ગયેલી દિક્ષા ડૉક્ટર નામની બૂમો પાડતી પાડતી છેક હૉસ્પિટલના કોરિડોર સુધી પહોંચી ગઈ હતી. અવાજો સાંભળીને એક વોર્ડબોય દોડતો સ્ટ્રેચર લઈ આવ્યો. બૂમો સાંભળી એક નર્સ પણ દોડી આવી. નર્સ, વોર્ડબોય અને દિક્ષાએ અમ્માને સ્ટ્રેચર પર સૂવાડ્યા અને ઉતાવળે સ્ટ્રેચરને આઇસીયુ તરફ ખેંચી લાવ્યાં. ત્યાં સુધીમાં ડૉક્ટર ત્યાં આવી પહોંચ્યા હતાં. દિક્ષાયે ઢસડાતી ચાલે એમની સાથે સાથે આઇસીયુમાં કાર્ડિયોગ્રામ રૂમ સુધી પહોંચી ગઈ હતી.

દિક્ષાની આંખોમાં "શૌતન અને ટ્વિન્સ્" નામના શબ્દો હજુયે ભૂમાભૂમ કરી રહ્યાં હતાં. એ તો જાણે ઊંડી નદીમાં ગરકાવ થઈ ગઈ હતી. ત્યાં આ અમ્માને હાર્ટ એટેકનો હુમલો આવ્યો. આવી એક સાથે આટલી બધી લાચારી જિંદગીમાં તો ક્યારેય વર્તાઈ નહોતી. અને વિરાજ તો નતાશા સામે બિલકુલ લાચાર થઈ ચૂપચાપ તમાશો જોયે જતો હતો. દિક્ષા વિચારોના ઘોડાપૂરમાં તણાઈ રહી હતી.
'આ વિરુની લાગણીઓને થયું છે શું? એમણે તો જાણે પોતાની દરેક ઈન્દ્રિઓને સંકોરીને બહેરી કરી દીધી છે. ઓચિંતી ખરાબ થઈ ગયેલી અમ્માની તબિયત પરત્વે કોઈ પ્રત્યાઘાત જ નહીં!? વિરુ શું આટલી હદ બહાર જઈ શકે કે શું અમ્માની કોઈ તકલીફ એ જોઈ શકે? આ એજ વિરુ છે? જે અમ્માના કપાળ પર ચિંતાની એક લકીર જોઈ અત્યંત દુઃખી થઈ જતો હતો. શું એની જીવનશૈલી પર આટલો બધો પશ્ચિમી વાયરસ લાગી ગયો છે કે, અમ્માની તકલીફ કે દુઃખ દર્દ એને દેખાઈ નથી રહ્યું! પહેલાં જરીક કોઈ કારણસર કોઈકવાર મારી આંખોમાં આંસુ આવે તો મારા આંસુ પોતાની આંખોમાં સમાવી દેતો હતો. એ આટલો બધો નઠોર ક્યારે થઈ ગયો?'

લાગણીશીલ વિરાજના બદલાયેલા આવા વર્તનથી દિક્ષાને ઊંડો આઘાત લાગ્યો હતો. ભયંકર તોફાની આંધીમાં મૂળમાંથી ઝુકી ગયેલા ઝાડને પોતાના ખભાથી ટેકો આપવાનું કામ એણે જ કરવાનું હતું. નહીંતો ગૂંથેલો માળો કડડડભૂસ થઈને ચોતરફ વિખરાઈ જશે. અમ્માની નાજુક સ્થિતિ જોઈને દિક્ષા એકી શ્વાસે મહામૃત્યુંજયના જાપનું રટણ કરવા લાગી. જ્યારે વિરાજને એક્સિડન્ટ થયો એ સમયે પણ દિક્ષા ૐ શિવકારના મંત્રોચ્ચાર કરી સમય પસાર કરતી રહી હતી. અને અમ્માએ અમેરિકામાં પગ મૂક્યા પછી ૐ શિવકારના મંત્રોચ્ચારના સતત સવાલક્ષ મંત્ર જાપ કર્યે રાખ્યા હતાં. જે મળવા આવે એને અમ્મા કહેતા, 'ૐ શિવકારના મૃત્યુંજયના મંત્ર જાપ કરો. શિવ-શક્તિનો સંચાર હ્રદયને ધબકતું રાખે છે.'

"ઓમ ત્ર્યંબકમ્ યજામહે સુગંધીમ્ પુષ્ટિવર્ધનમ્..
ઉર્વા ઋકમિવ્ બંધના મૃત્યોર્મોક્ષી યમામૃતામ્.."

આ અદ્ભુત શક્તિ દ્વારા જ દિક્ષા આજ સુધી પોતાનું ભીતરી સંતુલન જાળવી શકી હતી. આઇસીયુના કાર્ડિયોગ્રામ રૂમના દરવાજા ધડામ્ બંધ થયા અને અમ્માએ બંધ આંખોના પડદા ખોલી નાખ્યાં. અમ્મા દિક્ષાનો હાથ પકડી બેઠા થયાં. અમ્માનો હાથ અડતાં જ એ ચમકી, વિજળીના કરંટ માફક દિક્ષાના શરીરમાંથી એક કંપારી પસાર થઈ ગઈ. અમ્માની આંખો ખુલ્લી જોઈને દિક્ષાના દર્દની સાંકળોમાંનો એક આંકડો તૂટ્યો. અમ્માએ એના આંસુ લુછ્યાં. મંત્રોચ્ચારથી જાણે ચમત્કાર થયો હોય એમ ઉછળી.

"અમ્મા..." દિક્ષા જોરથી ચીસ પાડી ઉઠી હતી. અમ્માએ એના મોઢેં આંગળી મૂકી ધીમેથી બોલવા કહ્યું. અમ્માને એ સમૂળગી વળગી પડી હતી. દિક્ષા અને અમ્માને એકબીજાના ખભાનો ઢોળાવ મળતાં અદ્રશ્ય તારના ચાર કૂવાઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યાં. કાંટાળા થોરનો છોડ ખૂંપીને રક્ત બિંદુઓની ટસરો ફૂટે એમ વેદનાની સરવાણી ફૂટી હતી. અમ્માનેય હજુ કળ નહોતી વળી. આટલું થયા પછી પણ વિરુની એબ ઢાંકવા પાછળનું અમ્માનું કોઈ કારણ દિક્ષાને જડતું નહોતું.

"અમ્મા.. તો શું આ બધું સાવ ખોટે ખોટો ઢોંગ હતો ?"

"બે ક્ષણ જો ત્યાં હું વધુ રોકાઈ હોત તો વિરુની લાગણીમાં તણાઈ ગઈ હોત.. એ વખતે તારી મનોદશા શું થઈ હશે હું સમજી શકું છું."

એક ફૂલ ગુલાબી વાદળી દિક્ષાના ચહેરા પર આવીને રમી રહી.
"પણ અમ્મા તમે તો બેભાન થવાની કેટલીયે પ્રેક્ટિસ હોય એમ મસ્ત બેભાન થયાં હતાં હો.."

"દિક્ષા, આ હૈયું છેને એ દરદનું વાવાઝોડું ઝીલી-ઝાલી શકે એવું ખમતીધર ખોરડું છે!! ખમતીધર ખોરડું જોઈને મહીં ધામા નાખેલાં જ રાખે છે, પણ એમાંથી કેમનું ઉગરવું એ ભલીભાતી અમે મા-દીકરો જાણીએ છીએ."

જ્યારથી વિરાજના પિતાએ એમના જીવનમાંથી વિદાય લીધી ત્યારથી અમ્મા, વિરાજ અને મંજરી એકબીજાના પૂરખ એવા એકબીજાનું ધ્યાન રાખતાં હતાં. કોઈને તડકો છાંયો વેઠવો ન પડે એવી તકેદારી રાખીને ત્રણેયે એકબીજાની જિંદગીમાં થીગડાં મારવાનું કામ કર્યુ છે. વિરુ અને મંજી એમના જીવનમાં જે છે એ સર્વસ્વ છે એટલે કે મંજરી જીવનની સરગમ હતી અને વિરાજ સરગર્મી હતો.

"નતાશાની શબ્દે શબ્દશઃ કળણ મારા મનમાં સીધેસીધી ઉતરી ગઈ હતી. પરિસ્થિતિની ભાળ પરખાઈ ગઈ હતી. અને.."

"નતાશાની વાતોથી મારું લોહી ઊકળી ઊઠ્યું હતું. હું મારા વિરુની નસે નસ પારખું છું. એ ક્યારેય એવું કોઈ કામ ન કરે જેનાથી પોતાને તો નહીં પણ કોઈનેય નીચું જોવાનો વખત આવે."

"હું વિરાજને પગ પર ધાબળો નાખી કપાળ પર હાથ ફેરવી રહી હતી, ત્યારે એણે મારો હાથ પકડી ધીમા અવાજે કહ્યું હતું,
'અમ્મા ભરોસો રાખજો.. મેં એવું કશુંય નથી કર્યું જેનાથી કોઈનુંયે દિલ દુઃભાય.. એ જે બોલી રહી છે એ સાવ જુઠ્ઠું છે.. મારા પર ભરોસો રાખજો..'

"હવે જરા અવળા હાથે કાન પકડાવવાનો વખત આવી ગયો છે એ હું સમજી ગઈ હતી. મેં એને ધીમે સાદે કહ્યું."

'તું નાનો હતો ત્યારે આપણે કર્યું હતું એક તરખટ યાદ છે. એ ફરીથી ભજવવાનું છે. બીતો નહીં જરાયે. તૈયાર?
એણે સાથ આપતાં મોઢું ઉપર નીચે કરી કહ્યું,
'હા અમ્મા.'
અને પછી મેં આ તરખટ રચ્યું જેમાં, એ પણ સામેલ છે."

"પહેલાં તો નતાશાની વાતો સાંભળીને હું બી ગઈ હતી. પણ વિરુએ ભરોસા વાળી વાત કહેતા જ એક ઘડીક વારમાં શું મામલો છે એ હું કળી ગઈ હતી. ગામડાવાળી મા છુંને? હૈયામાં સંવેદનનું મશીન.. હા..પેલું શું કહો તમે?"
અને યાદ આવી જતાં હૈયે જમણો હાથ મૂકી બોલ્યાં, "હા... એ જ.. અહીં અદભુત્ એક્સ-રે મશીન જોડાયેલું છે.. આભાસી આ દુનિયા, ટેરવાંના તરખાટમાં ભલેને તલ્લીન હોય, પણ મારો વિરુ.. અમ્માના સિદ્ધાંતો વિરુદ્ધ એક ડગલું ન ભરે એવો પૂરેપૂરો મને ભરોસો છે.."

દિક્ષા એકટસે અમ્માને અણિયારી આંખો તીણી કરીને આશ્ચર્ય ભરી દ્રષ્ટિએ બસ નિરખી રહી. અમ્માનું બોલવાનું હજુ ચાલુ જ હતું.

"આ બધી વટક કોણ જાણે ક્યારે ભરપાઈ થશે અને એ કોણ, કેવી રીતે વાળશે એ નથી જાણતી, પણ હા.. આ કાળા કુંડળામાં વિરુનો પગ પડી ગયો છે, એટલે હવે ધરપત રાખ્યા વિના છૂટકો નથી, તારે મારે બેઉંને !"

અમ્મા માટે આમ તો કર્મોનું ભાથું બાંધવાની આ અનંત યાત્રા એટલે જિંદગીનું અંતિમ જકાતનાકું કહી શકાય! પણ અહીં તો બાળપણ જાણે હમણાં બેઠું થયું હોય એમ લાગી રહ્યું હતું. ત્યારે દિક્ષાએ એને ઝીલવામાં જ ડહાપણ સમજ્યું.

અમ્માની આંખોમાં અનેરી ચમક આવી ગઈ હતી. એમની બધી નારાજગી વિરાજે પલકારામાં ઉડાડી દીધી હતી. એ મા-દીકરાનો સંબંધ જ એવો હતો, જે ચહેરા પર છવાયેલું ગાઢ ઘુમ્મસ ઘડીક વારમાં હટી ગયું હતું. આજનો પ્રસંગ આ વાતની ટાપસી પુરાવતો હતો.

ગમગીન શાંતિનો ઓછાયો છવાઈ ગયો, પણ એ નતાશાની ચુંગાલમાંથી વિરાજને બચાવવા માટેનો હતો. દિક્ષાના માથેથી મણેકનો ભાર હળવો થઈ ગયો હતો. ખુરશીમાં બેસી એણે રાહતનો શ્વાસમાં શ્વાસ લીધો.
"હે અમ્મા.. વિરુ નાનો હતો ત્યારે કયું એ તરખટ કર્યું હતું.?! કેમ એવું તરખટ કરવું પડ્યું હતું તમારે?"

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 57 માં અમ્મા અને વિરાજનું તરખટ કામ લાગશે? કે પછી નતાશા એની ચાલમાં કામયાબ રહેશે?

-આરતીસોની©