સાંબ સાંબ સદા શિવ - 10 - છેલ્લો ભાગ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાંબ સાંબ સદા શિવ - 10 - છેલ્લો ભાગ

પ્રકરણ 10

અને એમને એમ, સર, મહાશિવરાત્રી નજીક આવી. ગુરૂજીના પણ ગુરૂજીએ અમોને જૂનાગઢ નાગાબાવાઓ અને અઘોરીઓનાં વાર્ષિક મિલનમાં મોકલવાનું આયોજન કર્યું. અમને અમુક પસંદ કરેલા અઘોરીઓને શંકરાચાર્ય દ્વારકાપીઠ દ્વારા ખાસ કામ સોંપવામાં આવનારૂં હતું તેમ કહેવાયું. પાકિસ્તાનથી કચ્છ માર્ગે આતંકવાદીઓ સાધુ કે ફકીર તરીકે ઘૂસવાના હતા તેમને ઓળખીને અટકાવવાનું, લશ્કરને માહિતી આપવાનું અને જરૂર પડ્યે મુશ્કેલ વિસ્તારોમાં યુદ્ધ માટે મદદ કરવાનું આયોજન થતું હતું.

.

સ્થાનિકો દ્વારા કહેવામાં આવે છે કે મહાશિવરાત્રીની રાત્રે જ્યારે બધા નાગા સાધુઓ પવિત્ર કુંડમાં સ્નાન કરે છે, ત્યારે એક સાધુ ગુમ થઈ જાય છે. હકીકતમાં તેને બાહ્ય વિશ્વ સાથે સંકલન કરવાની ફરજો સોંપવામાં આવી હોય છે. મારી અઘોરાને આ વખતે આ ફરજ સોંપવામાં આવી હતી.

 

હવે મને ખબર પડેલી કે તે એક ટ્રાવેલ ચેનલ દ્વારા ફિલ્મ અને ફોટો શૂટિંગ સેશન પર આસામનાં જંગલોમાં ગઈ હતી જ્યાં તેણી પણ રસ્તો ચાતરી ગઇ હતી, તેને ગુગલ મેપમાંથી પણ કોઈ લોકેશનની જગ્યા ન મળતાં પેલા અઘોરીને તે એકલો અટૂલો ત્યાં મળતાં રસ્તો પુછેલો અને અઘોરીએ જાણી જોઈ ખોટો, આગળ બંધ થતો રસ્તો બતાવી ત્યાં લઈ જઈ તેનું અપહરણ કર્યું હતું. તેને આ શ્યામસુંદરી પોતાની દાસી તરીકે રાખવી હતી, વામમાર્ગની રીતે ભોગવવી હતી કે તેની હત્યા કરી અમુક તાંત્રિક વિધિઓમાં શબ વાપરે છે તેમ વાપરવી હતી તે ખબર નથી. મોટે ભાગે તો તેની વાસના સંતોષવા પાશવી રીતે સતત ભોગવવી હતી. તેને બીજા અઘોરી સાધુ જોઈ જતાં તેણીને મેળવવા અંદરોઅંદર તકરારો થયેલી. આથી તે સહુ અઘોરીઓને આ સ્ત્રી અઘોરા ગુરૂજીને શરણે પેલા અઘોરીની નામરજી હોવા છતાં સોંપવી પડી હતી. હજી તે અઘોરી ચુપચાપ મોકો શોધી અઘોરાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ તો હતો જ.

 

અઘોરાને જૂનાગઢના મેળામાં તેનું ગુમ થવાનું કાર્ય પૂરું થાય ત્યાં સુધી એક સામાન્ય વ્યક્તિ તરીકે દેખાવાની જરૂર હતી. મેળામાંથી તે વખતે તે એક નાગા અઘોરી સન્યાસી તરીકે ફૂલોની માળા હેઠળ સ્ત્રીત્વ ઢાંકી ભળી જઈને પછી મૃગી કુંડમાં સ્નાન દરમ્યાન ગુમ થવાની હતી.

 

અમે ગુવાહાટીથી પોરબંદર જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ગુજરાતની ધરતી દેખાઈ અને સોરઠી બોલી કાને પડી. જૂનાગઢ આવવાને બે ત્રણ સ્ટેશનની વાર હતી ત્યારે મોડી રાતના જ્યારે સહુ સુતા હોય ત્યારે મેં અઘોરાને ચૂપચાપ શૌચાલયમાં જવા લઈ લીધી જેથી તેણીને ધામણ સાપથી બનાવેલા હાડકાં દ્વારા થતી પ્રક્રિયા દ્વારા રૂપ બદલવું પડે નહીં અને માત્ર સામાન્ય લાગતાં વસ્ત્રો પહેરી એક સામાન્ય નારી તરીકે પોતાની ઓળખ શરૂ કરે. તે વસ્ત્રો બદલવા જતી હતી ત્યાં જ પેલો હટ્ટોકટ્ટો અઘોરી આવી ચડ્યો. તેણીને ગળચીએથી પકડી હાથનું કાંડુ પાછળથી પકડતો અને મરડતો તેને વેસ્ટીબ્યુલમાંથી બીજા ડબ્બા તરફ લઈ જવા લાગ્યો. તેણીએ તીણી, માત્ર અમુક પ્રાણીઓ જ સાંભળી શકે તેવી અલ્ટ્રાસાઉન્ડ ચીસ પાડી મને બોલાવ્યો. હું શૌચાલય પાસે દોડ્યો તો એ અઘોરી હજુ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં માત્ર પર્ણ ઢાંકી ઉભો હતો અને તેણે મજબૂત રીતે અઘોરાને કમરેથી પકડી ઊંચકીને પોતાની બગલ નીચે દબોચી રાખી હતી. તે કદાચ સ્ટેશન નજીક આવતાં સાંકળ ખેંચી કૂદીને ઉતરી અઘોરાને લઈ ભાગવાની કોશિશમાં હતો. મેં ત્યાં જઈ અવાજ ન થાય તેવી રીતે તેનો પ્રતિકાર કર્યો. અમારી વચ્ચે ઝપાઝપી થઇ. અઘોરીએ મને એક હાથે પકડ્યો અને તેણીને બીજા હાથે. તેણીએ હવે મને ગુજરાતીમાં જ અત્યંત ધીમેથી કહ્યું કે આ અઘોરીએ જ તેનું અપહરણ કર્યું હતું. તેનો ઈરાદો અઘોરાને ઉઠાવી જઈ પોતાની સાથે જ રાખવાનો હતો પરંતું અન્ય અઘોરીઓ સાથે અઘોરાને મેળવવા માટે તકરાર થતાં તેને ગુરૂજીને અઘોરા સોંપી દેવી પડી હતી. હજી તે બદલો લેવાની વેતરણમાં હતો જ. તે અઘોરાને ફરીથી ઉઠાવી ભાગી જવાની તક શોધતો જ હતો. અહીં તેને એ તક મળે તેમ હતી. એ પણ ખાસ જોખમ વગર.

 

મેં અઘોરાને છોડાવવા તે હટ્ટાકટ્ટા અઘોરીના પેટમાં માથું માર્યું અને એ સાથે સાંકળ ખેંચવા તરફ મારો હાથ લંબાવ્યો.

 

આ બધું ચુપચાપ અન્ય સુઈ રહેલા યાત્રિકોને ખબર ન પડે તેમ કર્યું. નહીંતો ગેરશિસ્ત માટે પકડાઈએ અને મુખ્ય નાથ અઘોરી અમને કેટલી ભયંકર સજા કરે, કદાચ ટ્રેનના પાટા હેઠળ નાખી દઈ અમારૂં રક્ત છાંટી અન્યોને પવિત્ર કરે. એટલે મેં એક હાથે સાંકળ તરફ ઝૂકતાં બીજે હાથે અઘોરાને કમરેથી બગલમાં દબાવીને ઉભેલા એ અઘોરી તરફ પ્રહાર કર્યો. પણ એ પહેલાં બીજા હાથે તેણે મને પકડીને બરાબરનો દબાવ્યો.

 

તે અઘોરીએ અમને દોડતી ટ્રેનમાંથી ફેંકી દેવા દરવાજાની સ્ટોપર ખોલવાનો પ્રયત્ન કર્યો. મેં મારો હાથ ઉંચો કરી તે નિષ્ફળ બનાવ્યો. ત્યારબાદ સમય ગુમાવ્યા વગર મેં મારા થોડા અસબાબમાંથી મારાં લંગોટી જેવાં વસ્ત્રમાં છુપાવેલી એક તીક્ષ્ણ અણીવાળી ઝાડની ડાળી, જે હું સ્વરક્ષા અર્થે જંગલી પશુઓથી બચવા માટે રાખતો હતો; તે બહાર કાઢી. તે અઘોરીની પર્ણો હેઠળ ઢંકાયેલ ગુદામાં એક નાની બાણ જેવી કાંટાળી ડાળની અણીદાર સોટી જોરથી ઘોંચી. તરત તેની અઘોરા પરની પક્કડ ઢીલી થઈ ગઈ. તુરત અઘોરાએ તેના વાળ ખેંચી તેને નમાવ્યો જેથી હું પણ થોડો તેની અત્યંત મજબૂત પક્કડમાંથી મુક્ત થયો. એ સાથે જ મેં મારા શરીરને ઘુમાવી (ટ્વિસ્ટ કરી) ઘુમરી ખાઈ તેના પેટમાં માથું માર્યું અને તેના પગને ઘૂંટણો પાછળથી જોરદાર લાત લગાવી. તેણે અમને મારવા હાથ છુટ્ટા કર્યા અને મુઠ્ઠીઓ બંધ કરી, સખ્ત કરી અમારી ખોપરીઓ ભાંગી નાખવા ઉગામી. મેં ઘા ચુકવ્યો અને અઘોરાનું માથું પણ મારા અર્ધ મુક્ત હાથે બોચીમાંથી નમાવ્યું. આ ઘા ચુકવ્યો ન હોત તો અમારી ખોપરીઓના ચુરા થઇ જાત. એ સાથે જ મારો હાથ સાંકળ સુધી પહોંચી ગયો. મેં સાંકળ ખેંચી. ટ્રેઈન ધીમી પડતાં જ અમે દોડીને બાજુના ડબ્બાની તે અઘોરીથી વિરુદ્ધ દિશાનું બારણું ખોલ્યું અને અંધારાંમાં ચાલુ ગાડીએ ટ્રેનની દિશામાં કૂદી પડયાં. પડતાંની સાથે જ એકબીજાના હાથ પકડી ઝડપથી ટ્રેનથી અવળી બાજુ દોડ્યાં. અંધારામાં અમે બે નગ્ન માનવ શરીરોએ અટકી રહેલી ટ્રેનથી દૂર ખેતરોમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો.

 

અમે ખૂબ ખરાબ રીતે ઘાયલ થયાં હતાં પરંતુ અમારા ઉઝરડાની આસપાસ કાદવ અને ખેતરમાં ઊગેલાં પાન લગાવી તથા અમે શીખેલા શાબર મંત્રોના ઉપયોગથી અમે આજે લગભગ સારાં થઈ ગયાં છીએ

 

તો, સાંકળ ખેંચાતાં ટ્રેન ઉભી રહી એ સાથે જ એ લાલઘુમ આંખોવાળા અઘોરીએ અમારી પાછળ દોડવાનો પ્રયત્ન કર્યો. તેની વિદ્યા અજમાવવા અમારી તરફ કોઈ વસ્તુ  પણ ફેંકી પણ તે અમને પકડી શકયો નહીં. એ દરમ્યાન રેલ્વે પોલીસ અમારા ડબ્બા સુધી આવી ચુકી હતી. તે અઘોરીની પાછળ દોડી. મેં ભોંકેલી કાંટાળી ડાળી વડે ઈજાગ્રસ્ત, લોહી નીકળતો તે તેનું વસ્ત્ર લેવા જઈ શકે કે આસપાસ છુપાઈ શકે તે પહેલાં તે રેલ્વે પોલીસના હાથમાં ઝડપાઇ ચુકયો હતો.

 

એક જળાશય નજીક આવતાં અમે અમારાં શરીરો ધોયાં. અઘોરા લેપ ધોવાતાં પ્રથમ વખત મૂળ સ્વરૂપે મારી સમક્ષ પ્રગટ થઈ. તે બિલકુલ શ્યામવર્ણી ન હતી. તેની ચમકીલી ત્વચા તો મનભાવન, દ્રષ્ટિ જકડી રાખે તેવી હતી. એમાં પણ અત્યારે તે નિર્વસ્ત્ર હતી! અત્યારે મને તેનું સૌન્દર્યપાન કરવાનો સમય ન હતો.

 

અમે આશરે 30 કિલોમીટર જેવું  ચાલ્યાં. અમારે અઘોરીઓ માટે એક રાતમાં એટલું અંતર કાપવું સામાન્ય કહેવાય. અને એ રીતે અમારાં નગ્ન, ખાલી રસ્તેથી મળેલાં ખાખરાનાં પર્ણો ઢાંકેલા દેહો સાથે અહીં, આપ રેંજ ફોરેસ્ટ ઓફિસર પાસે આવી અમારી ઓળખ જાહેર કરી. આતંકવાદીઓની ઘૂસણખોરીની માહિતી બીએસએફને પહોંચાડવામાં આવી હતી અને સેનાએ આતંકવાદીઓને ઠાર માર્યા હતા તે આપે પોલીસને ફોન કરતાં જાણ્યું અને અમને જણાવ્યું.

 

તો હવે આપે અમને ફોરેસ્ટ રેસ્ટહાઉસમાં રાખી પોલીસને તાત્કાલિક બોલાવી તે બદલ તમારો ખૂબ આભાર.

 

ફરીથી કહું છું, હું મારી આ અજાણ્યા વિચિત્ર ક્ષેત્રમાં એક વિચિત્ર યાત્રાની સાવ સાચેસાચી વાત મેં કહી છે.

**

તો હવે પ્રિય વાચકો, 'અઘોરા'ની સાચી ઓળખ હવે કહું. તેણી એક લોકપ્રિય ટીવી એન્કર હતી. ડિસ્કવરીના મેન એન્ડ વાઈલ્ડ જેવા શોનાં ભારતીય વર્ઝન 'ચાલ્યા આવો' માં અવનવી જગ્યાએ જતી હતી. ઉપરાંત દૂરસુદૂરનાં સ્થળોની પ્રવાસ યાત્રાની સિરિયલની એન્કર પણ હતી. હવે સમજ્યાને, તે જીપમાં કઈ રીતે કૂદીને ચલાવી ગઈ અને મને કેવી રીતે, અત્યંત બિહામણી જગ્યાએથી કેમ બચાવેલો!  પહેલાં તો કોઈએ માન્યું નહીં પણ તેનાં ફિંગરપ્રિન્ટસ અને આંખની કીકીઓ દ્વારા આધાર કાર્ડ સાથે મેચ થઈ ઓળખ સાબિત થઈ. તેની ટીવી ચેનલના પ્રોડ્યુસરો અને ટીમના સભ્યો તે જીવે છે એ પહેલાં તો માનવા જ તૈયાર ન હતા. પછી સાચી ઓળખ સ્થાપિત થતાં તે રાતોરાત સ્ટાર બની ગઈ. જો કે તેણે મેં આપને કહ્યું તેમ એ અઘોરીઓની જિંદગીની બધી ખાનગી વાતો તેણે જાહેર ન કરી. તે જ દિવસે તેની અન્ય ટીવી ચેનલોમાં પણ લાઈવ મુલાકાતના સમાચારો આપી તેમાંથી મળેલા પૈસાથી એની ચેનલવાળાઓ રાતોરાત માલદાર થઈ ગયા.

મારો ખોવાયેલા કર્મચારીનો મિસિંગ પર્સન રિપોર્ટ, ડિપાર્ટમેન્ટ દ્વારા થયેલી પોલીસ ફરિયાદ અને પોલીસ, બીએસએફ તથા લશ્કરની મને મેળવવા કરેલી શોધખોળના રિપોર્ટ્સ પણ આપ સહુએ મેળવ્યા. અને આખરે મેં ક્લીન શેવ કરી વાળ કપાવતાં હું મારા ફોટા સાથે મેચ થઈ ગયો.

હું એક અઘોરી, ટૂંક સમય માટેનો કહો તો એમ. હવે તમારી સહુની જેવો સામાન્ય મનુષ્ય છું.

હું અને મારી 'અઘોરા' પ્રભુતામાં પગલાં માંડી રહ્યાં છીએ. અમારાં નામ? કંકોત્રીમાં જોઈ લેજો. બાકી જગજાહેર થઈ ચૂક્યાં છે.

લગ્ન સમયે અઘોરા કોઈ પણ સૌભાગ્યકાંક્ષીણીની જેમ બ્યુટીપાર્લરમાં તૈયાર થઈને આવી હતી. ક્યાં એ કાળો લેપ આખા શરીરે લગાવી બિહામણી લાગતી અઘોરી સ્ત્રી અને ક્યાં મેકઅપમાં વાહ સાથે આહ બોલાવી દે તેવી સ્વર્ગીય રૂપ ધરાવતી યૌવના! મેકઅપ સાથે તો નિખરી ઉઠેલો તેનો મુળભૂત રીતે ગોરો કાંચનવર્ણી દેહ અદભુત દેખાતો હતો. ક્યાં તેનું એ અંધારામાં ભળી જતું અતિ શ્યામ  અનાવૃત્ત શરીર અને ક્યાં આજે લાલ ચૂંદડીમાં શોભી ઉઠતું તેનું એ જ ઘાટીલું શરીર. તે સ્મિત આપતી હતી. જરા પણ શરમાતી ન હતી.

કેમેરાની લાઈટો અમારા ઉપર પડ્યે રાખતી હતી. ચાંપો દબાયે જતી હતી. સામે ગુફામાંનો ગુરૂજીનો કોઈ જીવની આહુતી આપતો અગ્નિ નહીં પણ લગ્નવેદીનો જવ, તલની પવિત્ર આહુતિ આપતો અગ્નિ પ્રજ્વલિત હતો. તેની જ્વાળાઓના પ્રકાશમાં 'અઘોરા'નું રતુંબડું મુખ અદ્વિતીય આભા વિખેરી રહ્યું હતું.  હું પણ શોભતો જ હોઈશ એમ મારી સમક્ષ અહોભાવથી જોતા સ્ત્રી વર્ગને જોઈ મને ખાત્રી થઈ.

વળી સંસારમાં ઝંપલાવવાની વધુ એક અજાણી યાત્રા શરૂ કરવા અમે અગ્નિ સમક્ષ સાત ફેરા લેવા શરૂ કર્યા. હિંદુ રિવાજ મુજબ પ્રથમ ત્રણ ફેરામાં હું આગળ હતો. ચોથા ફેરે તે આગળ થઈ અને.. એ અગાઉ ઘોર અંધારામાં જંગલમાં પકડેલો એ જ રીતે મારો હાથ પકડી મને દોરતી ધીમેથી મારા કાનમાં બોલી, "ચાલ્યા આવો."

(સમાપ્ત)