પ્રકરણ 6.
મને અઘોરાએ ઢંઢોળીને જાગૃત કર્યો. ગુફામાં હું એકલો હતો. આ શું? હું પેલા પશુનાં ચામડાંને બદલે એક માનવ સ્ત્રીના નગ્ન મૃતદેહ પર બેઠો હતો. અતિ બિહામણું શબ. મોં ખુલ્લું, તેમાં દેખાતા દાંત, ખુલ્લી આંખો અને આસપાસ છુટા પડેલા વાળ.
"હું ક્યાં છું? આ શબ કોનું છે?" મેં પૂછ્યું.
"તું શવ સાધના કરી રહ્યો હતો. ગુરુજીએ તને તારી અભાન અવસ્થામાં જ આ સ્મશાનમાં મોકલેલો. તારી પાસે એક માનવ સ્ત્રીનાં શબ પર બેસી સાધના કરાવેલી. તને મૃતદેહને સંપર્કમાં ડર લાગે છે કે નહીં અને નગ્ન સ્ત્રી દેહ જોઈ તને વાસના ભડકે છે કે નહીં એ જોવા.
મારી તો બધી લાગણીઓનું મેં દમન કરી લીઘું છે એ તું સમજી શક્યો. પણ તારી સાથે કોણ જાણે કેમ, હું ફરી લાગણી અનુભવી શકું છું.
તેં આ અર્ધ બળેલાં અને તણાઈ આવેલાં શબ પર બેસી સાધના કરેલી. હવે આ શબ બાળી તેની રાખનો આપણે લેપ કરવો પડશે અને એ રાખ ગુરુજીને પણ પહોંચાડવી પડશે. એ રાખ આપણને એકદમ ઝેરી જંતુઓના કરડવાથી દૂર રાખશે. આ રાખ એ આપણી ઓળખ છે. તેનો લેપ કરવાથી ક્યારેય બીમારી આવતી નથી, નથી ઠંડી લાગતી કે નથી ગરમી. નહાવાની પણ જરૂર બહુ ઓછી પડે."
(ત્વચા ઉપર જાણે કે ટેફલોન કોટીંગ! મને થયું.)
"ચાલ ઉતર હવે આ સ્ત્રી ઉપરથી." અઘોરા થોડી મશ્કરીમાં મને કહી રહી.
અમે એ અર્ધ બળેલી સ્ત્રીનું નગ્ન શબ ગુરુ પાસે લઈ જઈ એમની ગુફાની બહાર સંપૂર્ણ સન્માનથી બાળ્યું.
તે પહેલાં ફરી મારૂં કુતુહલ જાગૃત થયું. મેં પૂછયું, "એમ કહેવાય છે કે અઘોરીઓ મૃત શબ સાથે સંવનન કરે છે. એ સાચું છે? અહીં તો આ સ્ત્રીને સન્માનથી બાળી."
અઘોરા કહે "એ તો જેમની દુન્યવી લાગણીઓ હજી શાંત ન થઈ હોય તેમને શબ સાથે સંવનનની ફરજ પડાય છે.
વિકૃત લોકોનો દુનિયામાં તોટો નથી. તેઓ અઘોરી હોતા જ નથી. અઘોરી તરીકેની આકરી સાધના તો શું, સામાન્ય રીતે આપણી અતિ કઠિન યોગ સાધના કે અઘોરી તપશ્ચર્યા કરનારા નહીં, સ્મશાનમાં કે ગમે ત્યાં બેસી રહેતા વિકૃત લોકો જ હોય છે. અઘોરીઓ તો અતિ કઠિન સાધના બાદ દૈહિક ઇચ્છાઓથી પર થઈ ચૂક્યા હોય છે. તેમને એવું કરવાનો સમય પણ નથી કે ઈચ્છા પણ થતી નથી. કોઈ દીક્ષા લીધેલો અઘોરી પોતાની ઈચ્છાથી આ પ્રકારનું મૃત શરીર સાથે સંવનન જેવું હીન કૃત્ય કરે નહીં. અઘોરીઓ તો લોકોની સેવા માટે છે. હા, અન્ય સાધુ પંથોથી અલગ રીતે. કોઈને ખબર પણ ન હોય એવી વનસ્પતિ અને જડીબુટ્ટીઓ તથા શાબરીમંત્રો દ્વારા સારવાર કરે છે. એકદમ ગરીબ કે અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોની."
"તો આ બાઈનું શબ અહીં કેવી રીતે અને શા માટે આવ્યું?" મેં પૂછ્યું.
"મેડીકલ લાઈનમાં જેમ એનેટમી માટે શબ જોઈએ તેમ અહીં ચોક્કસ પ્રકારની સાધના માટે તાજેતરમાં મૃત્યુ પામેલી વ્યક્તિ, જેના શરીરમાં અમુક જીવ હોય અને ઉપરનાં વિશ્વમાં તેનું સંધાન થઈ ચૂક્યું હોય એટલે તેનું પ્રાણ શરીર હજી દેહની આસપાસ હોય તેનો સાધકનાં મનમાં પ્રવેશ કરાવવા આ રીતે મૃત્યુ પામેલી વ્યક્તિ મળે તો લાવવામાં આવે છે. કોઈ શરીર તણાતું આવેલું તે નદીમાં છોડી દેવાએલું હતું. એ મારી મેળે હું જ લઈ આવી અને ગુરુજીએ તને તારી અર્ધભાન વાળી અવસ્થામાં એની ઉપર સાધના કરવા કહ્યું. તને ખબર છે, તું એક પગે ઉભો હતો, બીજા પગનું તળિયું તે સ્ત્રી દેહના હ્રદય પર રાખી, સતત એક અઠવાડિયાથી?"
હું ફરી ગુરુજીને નમન કરી રહયો. હવે મારે માનવ શરીર રચના તપાસવા એની સાધના કરવાની હતી. એ માટે મારે પોતે એક શરીર શોધી લાવવાનું હતું. મારીને નહીં, જીવનનો અંત લાવેલું. નજીક કોઈ સ્મશાન ન હતું. એટલે મારી અઘોરીઓ વિશે માન્યતા હતી કે તેઓ ફક્ત સ્મશાનમાં જ રહે છે એ ખોટી હતી. ગુરુજીએ કહ્યું કે તેઓની સાધના માટે ખૂબ એકાંત અને સામાન્ય લોકોને ખૂબ ડર લાગે તેવી જગ્યાઓ જરૂરી હોય છે. એ આવી જંગલમાં આવેલી એકાંત જગ્યા હોય કે કોઈ ગામનું સ્મશાન. કબ્રસ્તાન પણ કેમ નહીં! અઘોરીઓ શિવજીની સાધના કરે છે પણ તેમને કોઈ ધર્મ પ્રત્યે ખાસ લગાવ કે દ્વેષ હોતો નથી. અઘોરી તો કોઈ પણ લાગણીથી પર થઈ જાય એમ તેના મગજને ટ્યુન કરી નાખવામાં આવે છે.
મને મારી આ જગ્યાથી ઘણે દૂર એક માનવ વસ્તી નજીક સ્મશાન જેવી જગ્યાએ એક તાજેતરમાં અવસાન પામેલ ગરીબ બાળકનુ શબ મળ્યું. એની મા છાતી કુટીને અત્યંત કરુણ રીતે કલ્પાંત કરતી હતી. મને દયા આવી. હું એ શબ મારે ખભે ઉઠાવી ગુરુજી પાસે લઈ આવ્યો. ગુરુજીએ અત્યંત ખાનગી શાબરી મંત્ર ભણ્યો અને પાસે પડેલ હાડકું અને રાખ તથા એક ખોપરીમાં ક્યાંકથી ભરી લાવેલ રક્તનો એ શબ પર છંટકાવ કર્યો. તુરત શબ જ્યાંથી લાવેલો ત્યાં મૂકી આવવા સુચવ્યું. હું દોડીને પણ એટલું જઈ શકું તેમ ન હતો. હવે જાણતો હતો તે મંત્રથી હું હવામાં એક લાકડી સાથે મારું ચર્મ વસ્ત્ર ફફડાવતો ઉડીને પહોંચ્યો. શબ ત્યાં મુક્યું તો થોડી વારમાં બાળક જીવિત થઈ ગયો.
મેં જઈને ગુરુજીને આ વાત કરી. મારી મંત્ર ભણવાની શક્તિ અને અનુકંપા જોઈ મને ઊંચી પાયરી અપાઈ. તે માટે બીજી કઠિન સાધના ફરી લાકડાં જેવું શરીર કરી કરાવવામાં આવી.
વળી મારે માનવ શરીર તો લાવવું જ પડ્યું. ત્યાં કોઈ અમારી ગુફા તરફ કદાચ અમને રંજાડવાના ઈરાદાથી આવતા પુરુષને કોઈ જંગલી પ્રાણીએ મારી નાખેલો. એનું શબ હું લઈ આવ્યો. તમે નહીં માનો, મારે અગાઉ મારી નખાયેલા પ્રાણીના નખ પહેરી એ શબની હાથેથી ચીરફાડ કરવી પડી. એનાં આંતરડાં વગેરે ખેંચી બહાર કાઢવા પડ્યા, આંખો કોચવી પડી અને કોઈ કસાઈ ઢોરને ફાડે એમ એના શરીરમાંથી હાડકાં અલગ કરવાં પડ્યાં. પથ્થરનાં અણીદાર હથિયારથી એનું કપાળ ફોડી ખોપરી કાઢવી પડી જે હવે મારી બની ગઈ અને જેમ ક્યારેક હું પીઠ પર લેપટોપની બેગ લઈ ફરતો તેમ મારી આગળ લટકાવવી પડી. એ ખોપરી સાથે રાખી કરવાની એક ચોક્કસ ગુપ્ત સાધના મને બતાવવામાં આવી. એ કોઈ પણ, ગમે તેટલા નિષ્ઠુર માનવી માટે અઘરું હતું. ફરી એ માટે મગજ બંધ કરવા મેં એ વનસ્પતિ, કદાચ સૂકો ગાંજો, તેની ચલમ ફૂંકી અને 'સાંબ સાંબ સદા શિવ' રટતો હું ધ્યાનસ્થ થઈ ગયો.
ઓચિંતો હું જાગૃત થયો. અઘોરા મને ખોપરીમાં ભરેલું જળ છાંટી, ઢંઢોળી જગાડતી હતી.
"જલ્દી ઉઠ. અમારા સર્વોચ્ચ ગુરુ ગોરખનાથનો સંદેશ છે. મારે અહીં ગુફા આસપાસ રક્ષા કરવાની છે, તું ગુરુ સાથે યુદ્ધમાં જઈશ."
"ક્યાં?" મે પૂછયું .
"મને કહેવાની મનાઈ છે. તારી ખરી બુદ્ધિ અને બહાદુરી બતાવ તો અહીં તારું ખૂબ ઉજ્જવળ ભાવિ હશે. નહીં તો તું કલ્પના પણ ન કરી શકે તેવી ભયંકર સજા મેળવીશ."
જતાં પહેલાં મેં તેનો આભાર માન્યો. છુટા પડતા પહેલાં અમે ગાઢ આલિંગન કર્યું. મેં માનવીય ભાવનાઓની સૌથી ઉત્કટ લાગણીથી તેને ભેટીને ચુંબન કર્યું. અમારાં શરીર ફરી મળ્યાં. અમે તીવ્ર ઉત્કટતાથી પ્રેમ કર્યો. ઘણા સમય સુધી. તે દરમ્યાન હું મારા રોમેરોમ સંપૂર્ણ પુરૂષ હતો અને તે સંપૂર્ણ સમર્પિત પ્રિયા. તેણે મને 'વિજયશ્રી'ની આ રીતે શુભેચ્છા પાઠવી.
ગુરુએ કહ્યું કે હું અઘોરીઓના જવાનોની સેનાની સરદારી કરી તેમને એક ગુપ્ત સ્થળે લઈ જાઉં છું. ના, હું તમને ક્યાં એ નહીં કહું. હું ધ સેન્ટ્રલ સર્વે ઓફ ઇન્ડિયા નો એક જવાબદાર સિનિયર સર્વેયર છું જેનો ભારતીય સૈન્ય પણ વિશ્વાસ કરે છે. હું ફક્ત એટલું જ કહી શકું કે તે ચીની સરહદ નજીકની તવાંગથી આગળ અંતરિયાળ 'નો મેન્સ લેન્ડ' નજીક ભારતની જગ્યા હતી. તેમને આપણી જમીનમાં ઘૂસણખોરી કરતા અટકાવવા અમારે ખાનગી રીતે કોઈએ ન જોએલા રસ્તે જઈ સૈન્યને મદદ કરવાની હતી.
અમે અજાણ્યા ગુપ્ત રસ્તાઓ, પર્વતો અને ઊંડી ખીણોમાં થઈને જતા હતા. દુર્ગમ, કોઈ પણ રસ્તાઓ વગરનાં સ્થળોએથી તેમની નજર સામેથી જવા અમારાં શરીરને ક્યારેક નાનાં, તો ક્યારેક ઊંડી ખીણો અને જઈ જ ન શકાય તેવા રસ્તેથી જલ્દી જવા અનેક ગણાં મોટાં બનાવ્યાં, એક જગ્યાએ તો અમારી જાતને ઉડતા સારસ પક્ષીઓનાં ઝુંડમાં પક્ષીઓનું રૂપ ધારણ કરી ઉડયા પણ ખરા. અમે આખરે એક દુર્ગમ સ્થળે ઉતર્યા જ્યાંથી નજીક ચીની સૈન્યએ ઘાતક શસ્ત્રો ભારતીય સેના પર ચલાવવા તૈયાર રાખેલાં. ત્યાં પહોંચવા કોઈ રસ્તો હતો જ નહીં, વચ્ચે અનંત ઊંડી ખાઈ હતી. અમે ત્યાં જ ઉતરી માનવો બન્યા અને 'હર હર મહાદેવ', 'સાંબ સાંબ સદા શિવ'ના જાપ કરતા ત્રણ પાંખિયાવાળા ત્રિશુળોથી તેમના પર એક સામટો હુમલો કર્યો.
હેન્ડ ગ્રેનેડ સહિતનાં તમામ શસ્ત્રો અમારી સામે ઉપયોગમાં લેવાતાં હતાં પરંતુ મુખ્ય ગુરુએ અમને જે રાખ જેવું દેખાતું હતું પરંતુ વાસ્તવમાં લોખંડના કવચ જેવો હતો તે લેપ આપેલો. બોમ્બની કરચો પણ અમારા શરીરને વીંધી શકતી નહોતી. અમે તેમને હરાવીને પાછા મોકલ્યા.
હા, યાદ આવ્યું. અઘોરા તેની પ્રથમ મુલાકાત વખતે આ લેપ કરીને જ આવેલી.
ઘણા દુશ્મનો માર્યા ગયા અને મારી અઘોરી સેનાએ તેમની સામૂહિક ચિતા નજીક 'તાંડવ નૃત્ય' જેવું નૃત્ય કર્યું. તેઓનો બદલો લેવા સેનાએ તેમનું લોહી, જે મળ્યું તેને પાત્ર બનાવી તેમાં લઈને પીધું. મને ઈજાગ્રસ્ત દુર્યોધનનું લોહી ભીમે પ્રતિજ્ઞા પુરી થતાં પીધાની વાર્તા યાદ આવી.
મારે થોડું, એક ખોબો ભરી લોહી પીવું જ પડ્યું. માત્ર 'પ્રસાદ' તરીકે. બાકી અઘોરીઓને ભાગ્યે જ ભૂખ, તરસ અથવા કોઈ દૈનિક ક્રિયાની જરૂરિયાત પડે છે. સેના વિજય બાદ પણ છાકટી નહોતી થઈ કે મેં નહોતી થવા દીધેલી. કોઈ શોખથી રક્તપાન કરતું ન હતું. અને આજ્ઞાનું પાલન ન થાય તો તેનાં ભયાનક પરિણામો અઘોરાએ મને કહેલાં જ.
અમે પાછા આવ્યા. ગુરુએ કહ્યું કે તેમણે મને પસંદ કર્યો કારણ કે હું જાણું છું કે સૈન્યની વ્યૂહરચના કેમ અને કેવી રીતે બનાવવામાં આવે છે. ઘણા રસ્તાઓ બોર્ડરને ક્યાં સ્પર્શે છે તે હું જાણું છું. અને તે ઉપરાંત હું એક સાહસિક છતાં ઠંડા મગજે વિચાર કરી શકનારો અઘોરી હતો. ગમે તે સ્થિતિમાં હું ક્ષણિક ભયભીત થવાને બદલે તાત્કાલિક કોઈ સાચો નિર્ણય લઈ શકતો હતો. અઘોરા મારી પર ખુશ થઈ ગઈ. તેણીએ મને મારૂં હવે તો ઇચ્છિત 'ઇનામ' આપ્યું. આ ઇનામ એટલે તેની શ્યામ છતાં સુંદર યુવાન કાયા, જેની હવે મને માયા લાગવા લાગેલી. આમ તો અઘોરીઓને કોઈ ઇચ્છા હોતી નથી કે નથી હોતી કોઈ ઉત્કટ સંવેદના... ફરીથી તે દિવસે અમારું પ્રેમક્રીડાનું કાર્ય લાંબા સમય સુધી, અત્યંત તીવ્રતાથી ચાલ્યું.
(ક્રમશ:)