Besharam Bevafai – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

બેશરમ બેવફાઈ – દિવ્યેશ ત્રિવેદી

જનકને હૉસ્પિટલમાં દાખલ કર્યો છે એવા સમાચાર મળ્યા ત્યારે સ્વાભાવિક જ આંચકો લાગ્યો. એણે આત્મહત્યાની કોશિશ કરી હતી એવું જાણ્યા પછી એ આંચકો આધાતમાં ફેરવાઈ ગયો. હૉસ્પિટલમાં એની ખબર કાઢી ત્યારે એક પોલીસ કોન્સ્ટેબલ એની ચોકી કરી રહ્યો હતો. આત્મહત્યાની કોશિશ કરવાના આરોપસર એની સામે પોલીસ કેસ થયો હતો. એક દિવસ બેભાન રહ્યા પછી બીજે દિવસે એનામાં કંઈક હોશ આવ્યા હતા. છતાં એ કંઈ જ બોલતો નહોતો. એની આંખો સજળ હોવા છતાં એક પ્રકારના રોષથી બળતી હોય એવું જણાઈ આવતું હતું.

જનકને હૉસ્પિટલમાં દાખલ કર્યો એ જ દિવસે સાંજે એના પિતા મહેસાણાથી આવી ગયા હતા. એમના વૃધ્ધ ચહેરા પણ વેદના અને રોષનો લેપ દેખાઈ આવતો હતો. એમના શબ્દોમાં નરી કડવાશ હતી, “આ બાઈએ તો જનકની જિંદગી બરબાદ કરી નાખી. અમે તો ઘણી ના પાડી હતી. પણ એ માન્યો નહોતો. હવે આજે ખત્તા ખાય છે!”

યાદ આવે છે એ દિવસો. જનકે એના એક બેંક ઓફીસર મિત્રની બહેન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે એનાં માતા-પિતાએ ઘણો વિરોધ કર્યો હતો. એમની દલીલ એટલી જ હતી કે પરનાતની આપણને કશી જાણ ન હોય, ઘર અને કુટુંબના ઈતિહાસથી આપણે વાકેફ ન હોઈએ અને કાલે ઊઠીને કંઈક મોટા મતભેદ જાગે ત્યારે બે-ચાર વડીલોને વચ્ચે નાંખવાની તક પણ ન રહે… પરંતુ જનકને આ બધું જૂનવાણી લાગતું હતું. એ એના નિર્ધાર પર અડગ હતો. એના પિતા આજે રોષ વ્યક્ત કરતા હતા. એ બધું અત્યારે વાજબી ઠરતું હોવા છતાં વાજબી બની રહેતું નહોતું. એમની વ્યાવહારિક ગણતરી સાચી હતી, છતાં સાચી જ હતી એમ ન કહેવાય. આવું કંઈ ન બન્યું હોય તો એ બધું સાચું ન પણ ઠર્યું હોત!

બરાબર બે દિવસ પછી જનકે મોં ખોલ્યું, “ત્રણ વર્ષના લગ્નજીવન પછી મેં એને મારી સગી આંખે અન્ય પુરુષ સાથે વ્યભિચાર કરતી જોઈ હતી. એ અન્ય પુરુષ એના સગા કાકાનો દીકરો હતો…”

“જનક, એવું ન બને કે તારી કંઈક ભૂલ થતી હોય… તને કોઈ ગલતફહેમી થઈ હોય…”

“મારી આંખે જોયું એ ખોટું? મને શંકા તો લાંબા સમયથી હતી. ક્યારેક મને પોતાને લાગતું હતું કે હું કદાચ વહેમથી પીડાઉં છું. મેં ચાંપતી નજર રાખવા માંડી. છતાં એ બન્ને ચાલાક હતાં. રીતસર સંતાકૂકડી ચાલી. પણ છેવટે એક દિવસ એ લોકો ઝડપાઈ ગયાં…”

“જનક, ભૂલ તો દરેક માણસથી થાય… થોડુંક મન મોટું…”

“કહેવું તો બહુ સહેલું છે… જાતે ભોગવવાનું આવે ત્યારે ખબર પડે! તું સહેજ કલ્પના કરી જો એક તારી પત્નીને તારી આંખે તું બીજા કોઈ પુરુષ સાથે એ હાલતમાં જુએ છે… એમ કહે ને કે મેં એ જ ઘડીએ બન્નેનાં ખૂન ન કરી નાંખ્યા ! એટલો હું નબળો!”

“કદાચ તારી વાત સાચી છે. પરંતુ એક ભૂલ તો ભગવાન પણ માફ કરે…”

“કયો ભગવાન? છોડ યાર! એક વાર થાય એ ભૂલ, અજાણતાં થઈ જાય એ ભૂલ, અણસમજ કે ગેરસમજમાં થાય એ ભૂલ, જાણી બૂઝીને, સમજપૂર્વક અને વારંવાર થાય એ ભૂલ ન કહેવાય, ગુનો કહેવાય, અને ગુનાની માફી ન હોય, સજા જ હોય!” જનકની આંખો લાલ થઈ ગઈ હતી.

“પણ તું તો આવું પગલું ભરીને તારી જાતને સજા કરે છે…”

“બીજાઓ પણ મને સજા કરે ત્યારે મારી જાતને સજા કરવામાંથી હું શા માટે બાકાત રહી જાઉં? આજ સુધી જે કંઈ બન્યું એને મેં તારા તકદીરનો ખેલ સમજીને સહી લીધું છે. કોઈની સલાહ, સહાય કે મદદ માગવા હું ગયો નથી. મને ખબર છે કે આ સમગ્ર ગાળા દરમ્યાન મને સમજવાની કે મને પૂછવાની પણ કોઈએ કોશિશ નથી કરી.”

“તારે તો કંઈક કહેવું જોઈએ ને?”

“શું ફર્ક પડવાનો હતો? બધે ફરીને મારી વકીલાત કરવાનો કોઈ મતલબ મારે મન નહોતો. મને તો હજુ પણ લાગે છે કે મારું વર્તન સ્વાભાવિક હતું અને મારે એમાં કોઈના સમર્થનની જરૂર નહોતી.”

“પણ તારે આ પગલું શા માટે ભરવું પડ્યું?”

“જે દિવસે મેં મારી સગી આંખે એ દ્રશ્ય જોયું એ દિવસે હું ભાંગી પડ્યો. મારો પુરુષ તરીકેનો અહમ્ સખત ઘવાયો હતો. મેં રીતસર હાથ ઉપાડ્યો અને એને ઘરમાંથી કાઢી મૂકી. પેલો તો તરત જ ત્યાંથી રવાના થઈ ગયો. મેં જઈને કાકાને વાત કરી, મારાં સાસુ-સસરા અને એક સમયના મિત્ર એવા સાળાને વાત કરી. બધાં ઊલટાં મારા પર તૂટી પડ્યાં. અપવાદરૂપે મારો સાળો ચૂપ રહ્યો. એણે મારી વાતને તદ્દન નકારી કાઢી નહીં. બીજે દિવસે હું એને બેંક પર મળવા ગયો, ત્યારે એણે મારા પક્ષમાં વાત કરી. મને થોડી શાંતિ થઈ. એના માટે મને માન પણ ઉપજ્યું.”

“બરાબર…પછી?”

“છ – સાત મહિના તો એમ જ વીત્યા. પછી અચાનક મારા પર કોર્ટનું સમન્સ આવ્યું. એણે ભરણપોષણનો દાવો માંડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલવાને બદલે મારા પર આક્ષેપો કર્યા હતા. હું મારઝૂડ કરું છું અને મેં જ એને મારીને કાઢી મૂકી છે તથા મારે પરસ્ત્રી સાથે સંબંધ છે એનો આરોપ મૂક્યો હતો. મેં વકીલ રોક્યો. વકીલે ચોખ્ખું કહી દીધું કે તમારી પત્નીના આડા સંબંધોનો તમારી પાસે કોઈ પુરાવો નથી. માટે કશું વળશે નહીં. કાયદો ઘરાર સ્ત્રીની તરફેણ કરે છે અને તમારે ભરણપોષણ આપવું જ પડશે. મેં વકીલને સમજાવ્યું કે એનો ભાઈ મારા પક્ષે છે. વકીલને આશ્ચર્ય થયું. છતાં મારી આ વાતથી એનામાં પણ મારો કેસ લડવાની હિંમત આવી, પરંતુ…” જનકે એક નિસાસો નાખ્યો અને આગળ ચલાવ્યું.

“કેસ ચાલ્યો અને એના ભાઈને કોર્ટમાં સાક્ષી માટે બોલાવ્યો ત્યારે એ ફરી ગયો. એણે તો એની બહેનનો બચાવ કરીને મારા પર આક્ષેપો કર્યો. કોર્ટરૂમમાં મને એના પર એટલો તો ગુસ્સો આવ્યો કે…” જનકે દાંત ભીડ્યા.

કોર્ટ પણ જનકની વાત માનવા તૈયાર ન હોય તે સ્વાભાવિક છે. કોર્ટે ભરણપોષણનો અધિકાર માન્ય રાખ્યો. જનકને પૂછ્યું કે તું તારી પત્નીને લઈ જવા તૈયાર છે? ત્યારે જનકે ઘસીને ના પાડી. કોર્ટે એ જવાબની ગંભીર નોંધ લીધી. જનકને કોણ સમજાવે કે કોર્ટ લાગણીની નોંધ નથી કરતી, શબ્દોની નોંધ કરે છે.

જનકે રિવિઝન અરજી કરી અને એમાં ગજ ન વાગ્યો એટલે સેશન્સમાં અપીલ કરી. સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના હુકમને માન્ય રાખ્યો એ તો ઠીક, ભરણપોષણની નીચલી કોર્ટે મુકરર કરેલી રકમ વધારી આપી! જનકે છૂટાછેડા માટે અરજી કરી તો એની પત્નીએ કહ્યું કે, મારે તો એમની સાથે જ રહેવું છે અને હું છૂટાછેડા લેવા માંગતી નથી.

જનક ભાંગી પડે એ બહુ સ્વાભાવિક હતું. એને એમ જ લાગતું હતું કે જાણે લગ્ન કરીને એણે કોઈક મહા-અપરાધ કર્યો હતો. એની પત્નીએ પોતાના પિતરાઈ ભાઈ સાથે સંબંધ રાખીને વિજય મેળવ્યો હતો. એણે સતત એવો બચાવ કર્યો હતો કે અમે બન્ને ભાઈ બહેન છીએ અને અમારી વચ્ચે બાળપણથી મીઠાં સંબંધો છે. અમારા એ નિર્દોષ અને પવિત્ર સંબંધો પર કાદવ ઉછાળનાર બહુ નાના મનનો માણસ છે. જનક કોર્ટમાં પણ રડી ઊઠ્યો હતો. પરંતુ કોર્ટને આંસુઓની ઓળખાણ કેટલી હોય? જનકની દલીલ એવી પણ હતી કે આવું દ્રશ્ય જોયા પછી સ્વાભાવિક રીતે એક પુરુષ જે વર્તન કરે એ જ મેં કર્યું હતું. એવે વખતે કોર્ટ-કચેરી થશે એવી ગણતરી કોને હોય કે, માણસ પુરાવા ઊભા કરવા કે શોધવા જાય? વળી વિધિ અને ફેરા તો પ્રતીક છે, લગ્ન મનથી થતાં હોય છે. મનથી તૂટી જાય એ લગ્ન લગ્ન નથી રહેતાં તો પછી કોર્ટ મને છૂટાછેડા આપવાની ના કેમ પાડી શકે?

જનકના આ બધા જ સવાલો કબૂલ રાખવા છતાં કોર્ટના કઠેડે એનું કોઈ મહત્ત્વ નહોતું. જનકને સૌથી વધુ આઘાત તો સેશન્સ કોર્ટના ચુકાદાની સાંજે લાગ્યો. કોર્ટે એની પત્નીને ‘ક્લિન ચીટ’ આપી અને જનક કોર્ટની બહાર નીકળ્યો ત્યારે કોર્ટ-કમ્પાઉન્ડની બહાર એની પત્નીનો કાકાનો દીકરો ઊભો હતો. જનકે બન્નેને સ્કૂટર પર બેસીને જતાં જોયાં. જનકના મોં પર આખરી તમાચો મારવા માટે જ પેલીએ સ્કૂટર ચલાવનાર પિતરાઈની કમરે હાથ વીંટાળી દીધો… અને જનકે ઘેર આવીને જિંદગી વીંટી નાંખવાની કોશિશ કરી.

“બધી સ્ત્રીઓ આવી નથી હોતી, અપવાદરૂપે જ આવી સ્ત્રી હોય છે.” મેં જનકને કહ્યું, “પરંતુ એ અપવાદ જનક માટે તો નિયમ બની ગયો ને! જનકે સણસણતો જવાબ આપ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED