વડોદરા શહેરને દિર્ઘદ્રષ્ટા મહારાજ સયાજીરાવ (ત્રીજા) એ આપેલી અમૂલ્ય ભેટ પૈકીની એક એટલે ન્યાયમંદિર
વડોદરાની ઐતિહાસીક ઇમારત પૈકીની એક અને દિર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) દ્વારા શહેરને આપવામાં આવેલી અદ્ભૂત ભેટ એટલે કે શહેરની મધ્યમાં આવેલા સુરસાગર નજીક બનેલું આપણું ન્યાય મંદિર.
એમ તો ન્યાય મંદિર એક ઇંટ, રેતી, કપચી, સિમેન્ટથી બનેલી ઇમારત જ છે. પરંતુ તેની સાથે જોડાયેલ અનેક કિસ્સાઓ છે. ૧૨૨ વર્ષના જીવનકાળમાં તેને અનેક ઉતાર ચઢાવ જોયા છે તો અનેક ઘટનાઓનું ન્યાય મંદિર સાક્ષી પણ રહ્યું છે. આજે જ્યારે ન્યાય મંદિર ખાલી થઇ ગયું છે, કોઇ વકીલ, કોઇ અસીલ અને કોઇ જજ કે પછી કારકૂન હવે અહીં નહીં આવે. અનેક વકિલો અને કારકૂન સહિતના કોર્ટ સાથે જોડાયેલા લોકોની આંખમાં ન્યાય મંદિર છોડતા વખતે આંસુ આવી ગયા હતા. તો આજે ન્યાય મંદિરની શું દશા હશે તો તો વર્ણવી જ અશક્ય છે. ત્યારે આજે પોતાની વ્યથા અને કથા શબ્દોમાં વ્યક્ત ન કરી શકતા ન્યાયમંદિર માટે કંઇક લખવાની ઇચ્છા થાય છે.
મને આજે લોકો ન્યાય મંદિરના નામથી ઓળખે છે. મારી કલ્પના દિર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) એ આજથી સવા સો વર્ષ પહેલા કરી હતી. આજથી સવાસો વર્ષ પહેલાની વાત છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ને શહેરની મધ્યમાં એક શાકભાજી માર્કેટ બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમણે તેમના મિત્ર અને આર્કિટેક્ટ રોર્બટ ચિઝોમ સાથે આ બાબતે વાત કરી. સયાજીરાવ ગાયકવાડની કલ્પના અનુસાર ચિઝોમે સુરસાગર નજીક એક ઇમારતનું નિમાર્ણ કયું. જે નિમાર્ણ કાર્ય ૧૮૯૬માં પૂર્ણ થયું હતું. અંદાજે ૪ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલી ઇમારત બનાવવા પાછળ તે સમયે રૃ. ૭ લાખનો ખર્ચ કરાયો હતો. રોબર્ટ ચિઝોમે ઇમારતનું નિર્માણ પૂર્ણ કર્યુ ત્યાં સુધીમાં સયાજીરાવ ગાયકવાડના મનનો વિચાર બદલાઇ ગયો હતો. સયાજીરાવ ગાયકવાડે ઇમારતને પહેલા ટાઉન હોલ અને પછી કોર્ટ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
૩૦મી નવેમ્બર ૧૮૯૬ના રોજ વિક્ટોરીયા લોર્ડ એલજીન દ્વારા ઇમારતનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સયાજીરાવ ગાયકવાડે તેમની પત્ની મહારાણી ચીમનાબાઇના માનમાં ઇમારતનું નામ મહારાણી ચીમનાબાઇ સુપ્રીમ કોર્ટ આપવામાં આવ્યું હતું. સયાજીરાવ ગાયકવાડના બરોડા સ્ટેટમાં બરોડા (વડોદરા) ખાતે આજ ઇમારતમાં સુપ્રીમ કોર્ટ ચલાવવામાં આવતી હતી. ત્યાંરથી અત્યાર સુધીમાં મેં અનેક ઉતાર ચઢાવ જોયા છે. અનેક એવા કિસ્સા પણ છે જેની હું સાક્ષી રહી છું. તેમને તો ખબર જ હશે ને કે કોર્ટમાં સાક્ષીનું શું મહત્વ હોય છે. ૧૮૯૬માં સયાજીરાવ ગાયકવાડના સમયમાં સુપ્રીમ કોર્ટ તરીકે મારું મહત્વ ઘણું વધારે હતું. પરંતુ આઝાદી બાદ દેશની સુપ્રીમ કોર્ટ દિલ્હી ખાતે બનાવવામાં આવી અને ગુજરાતની હાઇકોર્ટ અમદાવાદ ખાતે બનાવવામાં આવી હતી. જેથી મને જિલ્લા કક્ષાની કોર્ટનો દરજજો આપવામાં આવ્યો હતો.
વડોદરાનો વ્યાપ વધતો ગયો. જેના કારણે ગુન્હાની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો હતો. કોર્ટમાં આવતા કેસોની સંખ્યા પણ વધવા લાગી હતી જેથી રાજ્યની ઉચ્ચ ન્યાયાલય દ્વારા વડોદરામાં એક બીજી કોર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરસાગર સામે આવેળા સ્ત્રી અધ્યાપન મંદિરની બાજુમાં અને મારી સામેની તરફના ભાગે આવેલા બાગમાં કોર્ટ બનાવનો નિર્ણય લેવાયો. આજે લાલ કોર્ટના નામે ઓળખાતી કોર્ટ 1950માં કાર્યરત થઈ હતી. ત્યારપછી જેમ જેમ જરૂર ઊભી થતી નવી કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે 17મી માર્ચ 2018 ઓપી ટોડ ખાતે એક ભવ્ય ન્યાયાલય રાજ્યના મુખ્યમંત્રી અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવામાં આવ્યુ અને મને બંધ કરી દેવામાં આવ્યું.
મારા જીવન કાળમાં અનેક કિસ્સા બન્યા છે. જે વાંચીને તમને હસું આવશે, રડું આવશે અને કેટલાકમાં ગર્વની લાગણી પણ થશે.
11મી જૂન 1983ની વાત છે. દાઉદ ઇબ્રાહિમ કાસકર તેના સાથીઓ સાથે મુંબઈ જી રહ્યો હતો ત્યારે તેના સુરક્ષા ગાર્ડ આલમઝેબની પિસ્તોલમાંથી અચાનક ગોળી છૂટતા દાઉદ ઘવાયો હતો. તેને સારવાર માટે સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ (એસએસજી) ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જે ઘટનાની ફરિયાદ મકરપુરા પોલીસ મથક ખાતે નોંધાઈ હતી. ત્યારબાદ તેને તેમજ તેના સુરક્ષા ગાર્ડને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. તે સમય તો દાઉદ માત્ર એક ગુંડો અને દાણચોર હતો. ત્યારબાદ દાઉદ મોટો ડોન અને આતંકવાદી બન્યો. અનેક વખત તેની ચર્ચા થતી મેં કોર્ટમાં સાંભળી છે.
એક બીજો કિસ્સો યાદ આવે છે. એ કિસ્સો યાદ આવતા જ હસું આવવા લાગે છે. ઘટના ક્યારની છે તે તો મને અત્યારે યાદ નથી પણ કદાચ 35 એક વર્ષ પહેલાંની વાત હશે. આજના સમયના વડોદરાના એક મોટા રાજકારણી અને એક કલાકાર જગત સાથે જોડાયેલા એક પ્રતિષ્ઠિત વ્યક્તિની વાત છે. કોઈ આંદોલનના ગુનાહમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. બન્ને કોર્ટમાં જમીન અરજી કરી હતી. પોલીસ અધિકારી દ્વારા તેમને જામીન ન મળે તે માટે કવાયત કરાઈ હતી. તો બીજી તરફ રાજકારનીના ઘરમાં કોઈ પ્રસંગ હોય જામીન લેવા ખૂબ જ જરૂરી હતા. જેથી રાજકારણીએ કલાકારને બરોબર સમજાવ્યું હતું કે કોર્ટમાં કશું જ બોલતો નહીં. પણ કલાકાર સ્વભાવે મસ્તીખોર અને દિલના ભોળા વ્યક્તિ હતા. કોર્ટમાં કેસ ચાલ્યો, પોલીસ તરફ સરકારી વકીલ અને સામે પક્ષે બચાવ પક્ષના વકીલની દલીલો પુરી થઈ. જજ સાહેબ ચૂકાદો આપવાનું શરૂ કર્યું. જજ સાહેબ બોલ્યા કે, કાનૂનના હાથ ઘણાં લાંબા છે. ત્યારે અચાનક જ કલાકારે ખડખડાટ હસવાનું શરૂ કર્યું અને બોલ્યા કે સાહેબ તમારા હાથ તો નાના છે. જજ સાહેબની હાઈટ થોડી નાની હતી જેના કારણે તેમના હાથ પણ ટૂંકા જ હતા. હવે આ ઘટનાથી જજ સાહેબને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં ને ગુસ્સામાં કલાકાર અને રાજકારણીના જામીન ના મંજુર કર્યા અને બન્નેને વડોદરા સબજેલમાં ધકેલી દીધા હતા. આ કિસ્સો યાદ આવે તો મને આજે પણ હસું આવી જાય છે.