ખજાના ની ચોરી : પ્રસ્તાવના
સ્પેન દેશ ના એક નાના કબીલાનો રાજા લુઇસ વેલીડો ઈ.સ. 1489 ના વરસમાં પોતાના ખાસ મિત્ર ઉપરાંત સેનાપતી, સલાહકાર એવા જૉન ફેડોરો સાથે ઈજિપ્તની યાત્રા માટે નીકળે છે. એ બંને નું મુખ્ય ધ્યેય હોય છે એક ખજાનાની શોધ. એક જંગી ખજાનાની શોધ.
રાજા લુઇસ પોતાની આ ખોજમાં ઘણું મેળવે છે અને થોડું ગુમાવે પણ છે. રાજા લુઇસ અને સેનાપતિ જોન ની મદદ ઇજિપ્તની એક સ્થાનિક, ગરીબ, અનાથ યુવતી કરે છે. સેબ્રીના નાઓમ.
રાજા લુઇસ એ સુંદર ચપળ અને હોશીયાર સેબ્રિના ના પ્રેમમાં પડે છે. બંને સાથે મળી પોતાના ઝૂનુન એવા ખજાનાની શોધ કરવા લાગે છે. અનેક રહસ્યો અને જોખમો નો સામનો કરી અંતે ખજાનાની શોધ થાય છે.
પરંતુ હવે અચાનક સેબ્રિના લાપતા થઈ જાય છે. રાજા લુઇસ ને ફરી સ્પેન પોતાના પિતાની ગંભીર તબિયતને કારણે પાછા ફરવું પડે છે. સેનાપતિ જોન એ જંગી ખજાનાની સંભાળ અને પરિવહનની જવાબદારી સંભાળે છે.
પ્રકરણ 1 ખજાનાનું પરિવહન
રાજા લુઇસ પોતાના નાના પણ સુંદર મહેલના સૌથી ઉપરના કમરામાં બારી પાસે ઉભેલ કશી યાદમાં ખોવાયેલ છે.
સ્પેનના નાના કબીલાનો રાજા હોવા છતાં લુઇસ કોઈ મોટા મહારાજાને શરમાવે એવો પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે.
મધ્યમ કદનો લુઇસ મોટી ભૂરી આંખો, ઘુઘરાળા કાળા વાળ, ગોરી ચામડી ને કારણે ભદા રાજા ની જગ્યાએ એક આકર્ષક યુવાન લાગે છે. નાનપણથી જ ચંચળ ઉત્સુક સ્વભાવનો લુઇસ દુનિયાના દરેક ખુણાની શોધના જુનુન માં આજે પોતાનામા જ કંઈક ખોવાય ગયેલ લાગે છે.
એટલામાં એક સૈનિક ઓરડામાં પ્રવેશ કરે છે રાજા લુઇસને સલામી ભરી એક પત્ર આવ્યો હોવાની સૂચના આપે છે. રાજા સૈનિક પાસેથી પત્ર લઈ એને જવા માટે કહે છે.
સુંદર નકશીદાર સોનેરી રંગના તાવીજ જેવા બોક્સમાં આવેલ પત્રને લુઇસ સાવચેતીપૂર્વક બહાર કાઢે છે પત્રની સાથે રહેલ જવલનશીલ પ્રવાહી ભરેલ સીસીને ધ્યાનથી બાજુ પર મૂકી દે છે કોઈ બીજી વ્યક્તિ સુધી પત્ર ન પહોંચે એ માટે સેનાપતિ જોને એ બોક્સમાં પત્રની સાથે જવલનશીલ પ્રવાહી રાખેલ હતો અને સૈનિકને સૂચના હતી કે કોઈપણ જોખમભરી અંતિમ ક્ષણ માં એ બોક્સને તોડી એ જ્વલનશીલ પ્રવાહી થી એ પત્રને નાબૂદ કરવામાં આવે જેથી પત્રમાં રહેલ જરૂરી માહિતી રાજા સિવાય બીજા કોઈ સુધી પહોંચી શકે નહીં.
ઇજિપ્ત માં રહેલા પોતાના મિત્ર અને સેનાપતિ જોન ફેડોરો નો એ પત્ર હતો લુઇસ પત્રને ધ્યાનથી વાંચે છે.
" માનનીય રાજ લુઇસ જણાવવા માગું છું કે ઇજિપ્તમાં બધું બરોબર છે ખજાનો સહી સલામત છે તમારા પિતાજીની તબિયત જલ્દી સારી થઈ જશે એવી દરરોજ ભગવાનને પ્રાર્થના કરું છું મહત્વની વાત એ જણાવવા માગું છું કે અમે ખજાનાનાં સ્પેન સુધીના સલામત પરિવહનની યોજના બનાવી લીધી છે અને એ યોજના ની તૈયારીઓ પણ એક મહિનાથી શરૂ કરી દીધી છે એ યોજનાની જાણ અહીં પત્ર દ્વારા કરી શકું એમ નથી પણ ખાતરી આપું છું કે ખજાનાનો બને તેટલો મોટો ભાગ સ્પેન સુધી સલામત રીતે પહોંચાડી દેવામાં આવશે ખજાનાના છેલ્લા બક્ષાના પરિવહન સુધી હું અહીં જ રહીશ અને બાકીનું કામ પૂરું કરી અહીંથી નીકળીશ આશા રાખું છું કે જલદી પરિવહનનું કાર્ય સલામત રીતે પાર થાય અને આપણે સ્પેનમાં મળી શકીએ અને દુઃખ સાથે જણાવવા માગું છું કે સેબ્રિના નો હજુ કોઈ પત્તો લાગ્યો નથી પણ હું અહીં મારા છેલ્લા દિવસ સુધી એને શોધવાના પ્રયત્નો કરતો રહીશ."
આપનો વિશ્વાસુ સેનાપતિ
જોન ફેડોરો
એક વર્ષના અથાગ પ્રયત્ન ને અંતે મહેનતના ફળ સ્વરૂપે મળેલા ખજાનાને પોતાની પાસે સલામત આવવાના સારા સમાચાર મળવા છતાં લુઇસ ના મુખ પર કોઈ જ ભાવ ન હતા પત્ર ના અંતિમ વાક્યો એ પત્ર મળ્યા પછી જાગેલી આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. ન ખુશી ન દુઃખ એવી ભાવશૂન્ય દશામાં લુઇસ ફરી પોતાના મહેલમાં એકલતામાં ખોવાઈ ગયો.
બીજીતરફ,
હજારો કિલોમીટર દૂર ઇજિપ્ત ની રાજધાની કાઇરોથી 200 કિલોમીટર ઉત્તર તરફ નાઇલ નદીના ડેલ્ટા ના ઉજ્જડ પ્રદેશમાં રાત્રિના સમયે એક તંબુમાં સેનાપતિ જોન પોતાના વિશ્વસનીય પાંચ સૈનિકો સાથે ખજાનાની પરિવહનની યોજનાના અંતિમ ચરણ ની ચર્ચાઓ કરી રહ્યો છે.
રાત્રિના ભયંકર અંધકારમાં માત્ર બે મશાલોનો આછો પ્રકાશ તંબુમાં ફેલાઈ રહ્યો છે એક ટેબલ પર રાખેલ નકશાની ફરતે જોન અને તેના પાંચ સૈનિકો બેઠેલા છે મોટું કદ ઝીણી આંખો એકદમ ટૂંકા વાળ ધરાવતો સેનાપતિ જોન એક યોદ્ધા ઉપરાંત એક કુશળ સલાહકાર રાજનીતિક પણ છે મોટા ભાગનો સમય બખ્તર પહેરી રાખતો જોન ના ડાબા હાથ પર ખભાથી નીચે એક ગહેરી ચોટ નું નિશાન છે જે એને એક જાબાઝ યોદ્ધો હોવાનું પુરવાર કરવા પૂરતું છે.
જોન સૈનિકોને યોજનાની ચર્ચા કરતાં કહે છે "જેમકે તમે લોકો જાણો છો કે એ ખૂબ જ અગત્યનું જવાબદારી અને જોખમ ભર્યું કામ આપણે પાર પાડવાનું છે. ખજાનાની શોધ કરવી જેટલી મુશ્કેલ હતી એટલી જ મુશ્કેલ એનું પરિવહન કરવું પણ છે ઈજીપ્ત થી લગભગ 3500 કિલોમીટર દૂર સ્પેન સુધી 100 ટન ખજાનાને કોઈની નજરમાં આવ્યા વગર પહોંચાડવો એ લગભગ નામુકીન કામ છે પણ દોસ્તો આપણે એને મુમકિન બનાવવા અહીં ભેગા થયા છીએ."
સેનાપતિના પાંચેય વિશ્વસનીય યુવાન સૈનિકો એરોન ફોસટીનો, વીડાલ, ડીએગો, અને રામીરો ઉત્સાહપૂર્વક ધ્યાનથી સાંભળી રહ્યા છે. રાજા લુઇસે પહેલા જ કહેલું છે કે પરિવહનને યોગ્ય રીતે પાર પાડનાર દરેક સૈનિક ને તેમના હોદ્દા પ્રમાણે પૂરતો ભાગ આપવામાં આવશે એટલે સૈનિકોમાં ઉત્સાહ અને બહાદુરીની કોઈ કમી નથી.
સેનાપતિ જોન વાતને આગળ વધારે છે "આપણે ફરી એક વખત સંપૂર્ણ યોજનાને બરોબર સમજી લઈએ આપણે જાણીએ છીએ કે પુરા ખજાનાનું એકસાથે પરિવહન કરવો અશક્ય છે અને પુરા ખજાનાને એકસાથે કોઈ લૂંટારાના હાથમાં લુટી દેવામાં આવે એ કોઈ અક્કલમંદિનું કામ ન કહેવાય એટલા માટે ખજાનાના પરિવહન માટે બે માર્ગ પસંદ કરવામાં આવ્યા છે.
એક નિરજન પુરા ઉત્તર આફ્રિકા ને પસાર કરી સ્પેન સુધી જતો માર્ગ,
અને બીજો ઇજિપ્તની પૂર્વ તરફથી યુરોપમાં પ્રવેશ કરી પૂરા યુરોપને પસાર કરી સ્પેન સુધી જતો માર્ગ.
આપણે ઘણી મહેનત થી 60 ઘોડાગાડી અને એના સારથી ઓ શોધેલા છે બંને માર્ગ પર આપણે ત્રીસ-ત્રીસ ઘોડાગાડીઓ વહેંચશુ. કુલ ત્રીસ દિવસ સુધી પરિવહન થતું રહેશે દરરોજ એક ઘોડાગાડી સવારે સૂર્યના પહેલા કીરણ સાથે નીકળશે અને બીજી ઘોડાગાડી સાંજના સૂર્યાસ્ત સમયે નીકળશે દરેક ઘોડાગાડી ને બન્નેમાંથી કયો માર્ગ લેવો એ નિયમિત ન રાખતાં પ્રવાસના દિવસે અનિયમિત રીતે સારથિને જણાવવામાં આવશે
દરેક ઘોડા ગાડી સાથે ખજાનાની સંભાળ માટે અંદર એક સૈનિક છુપાયેલો રહેશે. સારથી અને સૈનિક બંનેને આફ્રિકાના વેપારી જેવો ગણવેશ રાખવાનો રહેશે સૈનિક ને જરૂર પડયે જ છુપાયેલા હથીયાર બહાર કાઢવાની સૂચના આપવામાં આવશે અને આપણે દરેક ઘોડાગાડી ને એક નંબર આપશુ પહેલા દિવસે સવારે નીકળતી ગાડીને 11 અને સાંજે નીકળતી ગાડીનો નંબર 12.
પાંચમા દિવસના સવાર માટે 51 સાંજ માટે 52. અને એ રીતે ૩૦ દિવસ સુધી દરરોજ બે ગાડીઓ મોકલવામાં આવશે અને બીજું રામીરો એ એક અગત્યનું કામ કરેલ છે 60 તાલીમ બધ્ધ કબુતર ખરીદવાનું. એ સંદેશવાહક તાલીમબદ્ધ કબુતર આફ્રિકા અને યુરોપના કોઈ પણ ભાગમાંથી ફરી અહીં ઇજિપ્ત પોતાના માલિક પાસે પાછા ફરે છે આપણે દરેક ગાડી સાથે પિંજરામાં એક કબૂતર રાખશુ દરેક કબૂતરના પગમાં એ ગાડીનો નંબર અને ખતરો લખેલ સંદેશ લગાવેલ રહેશે જેમ કે બારમા દિવસે સવારે નીકળતી ગાડીના કબૂતર ના પગ પર સંદેશ રહેશે "ખતરો 121".
સૈનિકને સુચના આપવામાં આવે છે કે જો માર્ગમાં ક્યાંય પણ લુટારાનો ભેટો થાય તેમનો સામનો કરી શકાય એમ ન હોય તો પહેલા આ કબૂતરને પિંજરામાંથી મુક્ત કરી ઉડાવી દેવામાં આવે. જેથી આપણને જાણ થાય અને મદદ પહોંચાડી શકાય કોઇપણ ગામમાં સારથી ગાડીને શાંતિથી ધીમે ચલાવશે અને નિર્જન વિસ્તારમાં પુરતી ગતિથી.
દરેક ઘોડાગાડી અને સારથી ની ગતિ અલગ અલગ રહેવાની એટલે કોઈ ગામમાં નિયત સમયે જ દરરોજ એ પસાર નહીં થાય અને ગામ લોકોને કોઈ શક નહીં થાય અને કોઈને એ વાતનો અંદાજો નહીં આવે કે આટલા મોટા ખજાનાનો પરિવહન ઈજિપ્ત થી છેક સ્પેન સુધી થઈ રહ્યું છે.
એરોન અને વિડાલ તમે બંને સવારે નીકળતી ગાડી ને તૈયાર કરશો ખજાના નો સામાન લગાવશો સારથી અને સૈનિકને જરૂરી સૂચનાઓ આપશો. ફોસ્ટીનો અને ડીએગો સાંજની ગાડી ની જવાબદારી સંભાળશે. અને રામીરો કબુતર તૈયાર કરવાનું કામ કરશે.
આ સાંભળતા જ ખુશમિજાજી રામીરો કહે છે "કાસ આ કબૂતરની જેમ ઘોડાગાડી પણ ઊડી શકતી હોત તો લૂંટારાઓની ચિંતા જ ન રહેત" તરત માહોલ હળવો બની જાય છે અને બધા હસી પડે છે.
રામીરો નો ખાસ મિત્ર વિડાલ તેને ખીજવતા કહે છે "તારી ઘોડાગાડી ઉડી શકત તો શું લૂંટારાઓની ગાડી નીચેથી તને ઉડતા જોત? એ પણ તારી પાછળ ઉડીને પહોંચત અને જમીન ની જગ્યાએ હવા મા એ તારા પીછવાડા પડ તીરોની બારીશ કરત."
બધા હસી પડે છે એ જમાનામાં હવાઈ જહાજ આકાશમાં ઉડવુ અને યુદ્ધ કરવું એ માત્ર કલ્પના અને કદાચ મજાક જ હતું.
ડીએગો માંડ માંડ હસી રોકતા કહે છે "સેનાપતિજી મારી બહુ ઈચ્છા છે કે અહીં તેની મૂળ જગ્યા પર પૂરા ખજાનાને આંખો ઠારે ત્યાં સુધી નિહાળી લેવાની તો શું આપણે...."
ડીએગો ની વાત નેં સમજતા સેનાપતિ જોન એની વાત વચ્ચે રોકતા જ કહે છે "હા, કેમ નહીં? ચાલો આપણે બધા સાથે એક વખત ખજાનાને જોઈ એની તપાસ કરી આવીએ અને મારે તમને ક્યાંક થોડી સૂચનાઓ પણ આપવી છે."
બધા તંબુમાંથી બહાર આવી ઘોડા પર બેસી લગભગ એકાદ કિલોમીટર દૂર એક ટીલા જેવી જગ્યા પાસે પહોંચે છે ઘોડાઓને વૃક્ષ સાથે બાંધી બધા ટીલા પર ચડે છે એ ડુંગર બિલકુલ નિરજન અંધકારમય જણાઈ રહ્યો છે.
ટીલા ની ટોચ પર પહોંચી બધા નિશાની તરીકે રાખેલા નિશ્ચિત પથ્થરને હટાવી તેની નીચેની બધી માટી પથ્થરો હટાવી દે છે એક લાલ રંગનો મોટો ચોરસ પથ્થર નજરે પડે છે જેના પર મધ્યમાં એક સોનેરી ઝાંખી થઈ ગયેલી તારા આકારની કોતરણી કરેલ છે જોન પોતાની પાસે રહેલ સોનેરી તારા જેવા આકારના ચગદા ને એ કોતરણીમાં બંધ બેસાડી ત્રણ વખત જમણી બાજુ અને એક વખત ડાબી બાજુ ફેરવે છે એ મોટો ચોરસ લાલ પથ્થર સહેજ નીચે સરકી જાય છે ડીએગો અને રામીરો બંને બાજુ હાથ ભરાવી એ મોટા લાલ પથ્થર ને ઊંચકીને બહાર મૂકે છે ત્યાંથી નીચે એક ગુફા જેવું નજર આવે છે જે તદ્દન અંધકારમય છે એ ચોરસ બાકોરા ની ચારે બાજુ ઉપર કિલ્લાઓ ખોડી દોરડા બાંધવામાં આવેલા છે જે નીચે સુધી જઈ રહ્યા છે એક મશાલ નીચે ફેંકવામાં આવે છે અને એ શાલ ની રોશનીમાં બધા દોરડાની મદદથી એ ગુફામાં ઉતરે છે એ નીચે એક ચોરસ ઓરડા જેવી જગ્યા છે ત્રણ બાજુ દીવાલો છે માત્ર એક તરફ મોટો ગોળ ધાતુનો બનેલો દરવાજો છે જેના પર ઇજિપ્તના કોઈ પ્રાચીન પશુ-પક્ષીઓના ચિત્ર બનાવેલા છે ફરી એ દરવાજા પર પણ તારા જેવા આકારની કોતરણી છે એની ચાવી પણ જોન પાસે છે એ બીજા સોનેરી પણ નાના ચગદા ને કોતરણીમાં બંધ બેસાડી ત્રણ વખત ડાબી તરફ અને એક વખત જમણી તરફ ફેરવે છે અને એક અવાજ સાથે એ મોટો દરવાજો ખુલવા માંડે છે હવે કોઇ રોશનીની જરૂર ન હતી દરવાજો ખોલવાની સાથે જાણે અંધકાર દૂર થઈ રહ્યો છે અંદરથી આવતાં ઝગમગાટ થી.
બધા અંદર પ્રવેશે છે શું અદભુત નજારો છે અંદર ની જગ્યા એક મોટા મેદાન જેટલી મોટી ગુફા છે અને એની અંદર ભરેલો છે કદી ના ખૂટે એટલો ખજાના નો ભંડાર....
એ જગ્યા એટલી વિશાળ છે જાણે બહારથી દેખાતો મોટો ડુંગર અંદરથી બિલકુલ પોલો એક ગુફા સમાન છે
સોનાના સિક્કા અને હીરા મોતી ઝવેરાત ના મોટા ઢગલા કરવામાં આવેલા છે ઘણા સોનાથી બનેલા બક્સા ઓ છે જેમાં કીમતી આભૂષણો ભરવામાં આવેલા છે જાણે અડધી દુનિયા નું સોનુ અને હીરા અહીં જમા થયેલ હોય એવો નજારો છે એ ખજાના પરથી નજર હટે અને આજુબાજુ નજર કરવામાં આવે તો મોટા પીલર નજરે પડે છે જે છતને ટેકો આપે છે દીવાલો છત અને પિલર પર જાળા ઓના ઢગલા છે ત્રણ દીવાલો સુંદર રીતે સપાટ કરેલ છે જ્યારે એક દિવાલ અને છત માટીના પથ્થરથી ભરેલ છે જે દર્શાવે છે કે આ ગુફા પૂરી બનતા પહેલા જ તેનો ઉપયોગ કરી ખજાનો ભરી છોડી દેવામાં આવી હોય એ વાતનો બીજું સબૂત પણ છે કે પ્રાચીન ઇજિપ્તના મંદિરો પિરામિડ પર સુંદર કોતરણી મૂર્તિઓ કંડારવામાં આવી હોય છે પણ અહીં એવું કશું નથી ન કોઈ કોતરણી ન મૂર્તિઓ બસ એક સપાટ કરેલ દિવાલ પર પ્રાચીન ઇજિપ્ત ભાષામાં પથ્થર પર જ કંડારીને કશુંક લખેલું છે એ કોઈ સમજી શકતું નથી આ સિવાય પુરી ગુફા સાવ વેરાન છે.
જોન પોતાના સૈનિકો સામે જોઈ કહે છે "જો તમારા બધાની, ડિએગો ખાસ તો તારી, આંખ ઠરી ગઇ હોય તો થોડી સૂચનાઓ સાંભળી લો"
બધા સાવચેત થઈ જાય છે અને ધ્યાન આપે છે જોન આગળ કહે છે "દરરોજ રાત્રે બે થી ચાર વાગ્યાની આસપાસ હું અને તમારામાંથી કોઈ બે સૈનિક ખજાનો ભરવા માટે લાકડા ની પેટીઓ લઈ અહીં આવ શું બે ઘોડા ગાડીઓ ભરાય એટલો ખજાનો પેટીઓમાં ભરી એને સીલ કરી બહારના બંધ ઓરડામાં રાખી દઈશું. પછી આ મોટો દરવાજો દિવસ દરમિયાન ખોલવામાં આવશે નહીં તમારે એ પેટીઓ ઉપર ચડાવી ગાડીમાં મુકાવી અને એક સૈનિક અને સારથિ સાથે વળતી કરવાની રહેશે કોઈને પણ, આપણા સૈનિકોને પણ, ખ્યાલ ન આવવો જોઈએ કે આ મોટો દરવાજો કઈ રીતે ખુલે છે અંદર શું છે અને કેટલો ખર્ચાનો બાકી છે કોઈની પણ નજરમાં આવ્યા વગર ખૂબ સાવચેતીથી ગાડીઓ રવાના કરવાની છે. જોકે આ નિર્જન પ્રદેશમાં સવારે અને સૂર્યાસ્ત સમયે કોઈ આવતું નથી છતાં જો કોઈ માણસ અથવા ખાસ લૂંટારાઓ ગાડીઓ જતી જોઈ જાય તો એને તુરંત મારી નાખવામાં આવે કોઈ દયા દાખવ્યા વગર...."
બીજા દિવસે સવાર થતાંની સાથે જ યોજના મુજબ ખજાનાનો પરિવહન શરૂ થઈ જાય છે બધા પોતાના કાર્ય અને જવાબદારીને બરોબર સમજી ગયા હોય છે એક સપ્તાહ સુધી યોજનાબદ્ધ કામ કરતાં હવે બધાને પરિવહનનું કાર્ય રોજિંદા કાર્ય સમાન લાગવા માંડે છે.
આ રીતે 23 દિવસ વીતી જાય છે કોઈ જ ખરાબ સમાચાર મળ્યા નહીં વધુ બરાબર ચાલી રહ્યો છે.
પરિવહન શરૂ થયા નો 24 મો દિવસ છે બપોરનો સમય છે ઇજિપ્તની કાળઝાળ ગરમીમાં વેરાનાને તાકીને સેનાપતિ જ્હોન ઊભો છે. રામીરો દોડતો આવી ઉતાવળમાં જોનને કહે છે. "એ...ક...કબુત..ર... પાછું આવ્યું... છે..."
જોન તરત સચેત થતા પૂછે છે "કયો સંદેશ છે?"
રામીરો કહે છે "ખતરો 212"
જોન "મતલબ 21મા દિવસના રાતના નીકળેલ ગાડી....રામીરો, આજે ત્રણ દિવસ વીતી ગયા છે એટલે મદદ મોકલવાની કોઈ જરૂર નહીં રહી હોય છતાં આપણી નોંધ માં જુઓ એ સારથિ અને સૈનિક નું નામ અને તુરંત એ માહિતી સાથે એક સૈનિકને મોકલો જે ઘટના સ્થળે જઇ તપાસ કરે નજરે જોયેલ વ્યક્તિ પાસે સંપૂર્ણ ઘટનાની માહિતી મેળવી પાછો ફરે."
"જી સેનાપતિજી" કહી રામીરો તુરંત સૂચન મુજબ કામ પર લાગી જાય છે થોડીવાર પછી જોન બધાને પોતાના તંબુમાં બોલાવે છે અને સૂચન આપે છે "આટલા દિવસ બધું સલામત રીતે ચાલ્યા પછી આજે એક ખરાબ સમાચાર મળ્યા છે આપણી એક ગાડી કદાચ લૂંટાય છે જોકે એ બનવાજોગ હતું 60 ગાડીઓનો હેમખેમ લૂંટારાઓના નજરોથી બચાવી આટલે દૂર પહોંચાડવી લગભગ અશક્ય હતું તો આપણે એ લૂંટાયેલ ગાડી ની પરવા કર્યા વગર આપણા બાકીના કાર્યને પાર પાડશુ"
જોન આગળ કહે છે "પરંતુ વધુ સાવચેતી થી.... આજ રાતથી ગણીએ તો લગભગ છ-સાત દિવસ નું કામ બાકી રહ્યું હશે તો હવે જે થોડી ગાડીઓ બચી છે એમને વધુ સલામતી પૂરી પાડવા દરેક ગાડી સાથે ત્રણ સૈનિકો મોકલવામાં આવે અને સારથી ને સુચન કરવામાં આવે કે થોડો લાંબો બે ગામ છોડીને માર્ગ પકડે અને કોઈપણ સંજોગોમાં ગાડીને ઊભી ન રાખે સતત મુસાફરી કરતાં સ્પેન પહોંચવામાં આવે"
સૂચન મુજબ બાકીના દરેક દિવસ માટે વધુ સલામતી લેવામાં આવી તેના કારણે અથવા નસીબથી બીજા કોઈ ખરાબ સમાચાર જાણવા ન મળ્યા. જંગી ખજાનાનો પરિવહન પૂર્ણ થયું હતું એક ગાડીના ખજાનાને છોડતાં સંપૂર્ણ ખજાનો સ્પેન સહી સલામત પહોંચાડી દેવામાં આવ્યો હતો.
અમુક દિવસ પછી તપાસ માટે મોકલેલ સૈનિક પાછો ફરે છે અને સેનાપતિને જણાવે છે "લૂંટારાઓએ કશું છોડ્યું નથી ઘોડાગાડી સાથે પૂરા ખજાનાને ચોરી ગયા છે સારથી અને સૈનિક બંનેને મારી નાખવામાં આવ્યા બાજુના ગામના લોકોને એમના શબ મળ્યા એમણે એમની અંતિમવિધિ કરી દીધી છે અમાવાસ્યાના ઘોર અંધકારમાં આ ઘટના બની હતી એટલે લૂંટારાઓ કોણ હતા કઈ બાજુથી આવ્યા હતા અને ચોરી કરી કઈ બાજુ ગયા છે એની કોઈ જ માહિતી મળી નથી પણ એટલું જાણવા મળ્યું છે કે આ ઘટના મોરક્કોના જે ભાગમાં બની છે એ ભાગમાં બર્નેટ નામના લૂંટારા સરદારનો ત્રાસ છે અને એના લુટારા જ એ ઘોડાગાડી ચોરી ગયા હોઇ શકે.
સંપૂર્ણ ખજાનો સ્પેન પહોંચી ગયો છે બાકી રહ્યું એક ટીલામાં બનાવેલ ખાલીખમ વિશાળ મેદાન.....સેનાપતિ જોને બધા સૈનિકોને સામાન ભરી જવા માટે તૈયાર થવાની સૂચના આપી બધા સૈનિકો પોતાના વતન જવા ખુશ હતા માત્ર વિડાલ કોઈ બાબતને કારણે ગુમસુમ જણાતો હતો એ રૂઢિવાદી હતો એને ખટકી રહી હતું મેદાનની એક દિવાલ પર પ્રાચીન ઇજિપ્તીયન ભાષામાં લખેલ લેખ વિડાલ જાણવા માગતો હતો કે એ શું લખેલ છે જ્યારે બીજા કોઈને એની કશી પડી ન હતી પુરી દીવાલ પર મોટા અક્ષરોમાં કોતરેલ એ નોંધ ને વીડાલે એક પત્ર પણ નકલ કરાવી વિડાલ પત્ર સાથે ઇજિપ્તના એક ગામ આવ્યો જ્યાં એક વૃદ્ધ રહેતા હતા જે પ્રાચીન ઇજિપ્તની સંસ્કૃતિના જાણકાર હતા એને આશા હતી કે આ વૃદ્ધ આ ભાષા જાણતા હશે અને એનો અનુવાદ કરી આપશે વીડાલ વૃદ્ધને એ પત્ર આપી એનો અનુવાદ કરી આપવા વિનંતી કરે છે અે વૃદ્ધ બીજા દિવસે આવવા કહી એ પત્રને બાજુમાં મૂકી દે છે સફેદ દાઢી લાંબો ડગલો પહેરેલ એ વૃદ્ધ પોતાના બીજા કામમાં લાગી જાય છે વીડાલને માંડ માંડ ચાલી અને બોલી શકતા એ વૃદ્ધને જોઈ ને પોતાનું કાર્ય પૂર્ણ થવાની આશા જણાતી ન હતી.
આખી રાત બેચેનીમાં પસાર કરી વિડાલ વહેલી સવારે એ વૃદ્ધ પાસે પહોંચી જાય છે એને જોતાં જ એ વૃદ્ધ એ પત્ર અને એનો અનુવાદ કરેલ પત્ર વિડાલ ને સોંપી દે છે એક પણ શબ્દ બોલ્યા વગર...
જાણે દુનિયા અને જીવનને નજીકથી જોઈ ચૂકેલા એ વૃદ્ધને એ નોંધ માં કે ખજાના માં કોઈ રસ નહોતો વિડાલ બંને પત્રો લઈ જલ્દી પોતાના તંબુમાં પાછો ફરે છે એને તાલાવેલી છે પેલા શિલાલેખ નો અર્થ જાણવાની તે અનુવાદ વાંચવાની શરૂઆત કરે છે.
"આ વિશાળ જગ્યામાં મારસા અલ નસર પ્રદેશના ફેરો એમેનોફિસ નો ખજાનો રાખવામાં આવેલ છે આ ખજાના પર સંપૂર્ણ અધિકાર મહાન અજય ફેરો એમેનોફિસ દ્વિતીય નો રહેશે આ જગ્યામાં ત્રિચક્રી આગમન વિધિ કરી ખજાનો ભરવામાં આવેલ છે જો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ નિકાસવિધિ કર્યા વગર આ ખજાનાને અહીંથી ખસેડવાનો પ્રયત્ન કરશે તો એ મહાવિનાશકારી રહેશે અહીંથી ખસેડાયેલા ખજાનાનો ત્રણ વર્ષની અંદર અંત આવી જશે કોઈ સંજોગોમાં એ અટકાવી નહીં શકાય જે દિવસે આ ખજાનો અહીંથી ખસેડાયો છે એ દિવસથી એક ખજાના ના અંત નો પ્રારંભ થશે અને એ પછીની દરેક અમાવસ્યાના દિવસે બનતી ઘટના ખજાનાના ના અંત ભણી દોરી જશે."
આ બધું વાંચી વિડાલ સ્તબ્ધ રહી જાય છે તે તરત સેનાપતિ જોન અને રામીરો ને આ પત્રો બતાવી બધી વાત જણાવે છે રામીરો પોતાના સ્વભાવ પ્રમાણે બધી વાતની મજાક ઉડાવે છે સેનાપતિ શાંતિથી બધું સાંભળે છે પણ આત્મવિશ્વાસી જોન આ પ્રાચીન વાતો ની સત્યતા માનવા તૈયાર નથી એ વીડાલને આ વાતો ગંભીરતાથી ન લેવા જણાવી દે છે.
બધા લોકો ઈજીપ્ત છોડી સ્પેન જવા નીકળી પડે છે બધા ખુશ છે એકમાત્ર વિડાલ અંદરથી સહેમી ગયેલો બંને પત્રો ને છુપાવી બધું ભૂલી જવાની કોશિશ કરી રહ્યો છે પણ એક પ્રશ્ન એના મનમાંથી જવાનું નામ નથી લઇ રહ્યો કે અમાવસ્યાની રાતે ચોરાયેલી ગાડી એ ખજાના અંતનો પહેલું પ્રકરણ તો કદાચ નહીં હોય ને?
બધા ઈજિપ્ત ને અંતિમ વિદાય આપે છે ઇજિપ્તમાં છેલ્લા એક વર્ષ ત્રણ મહિના માં બનેલી ઘટનાએ લુઇસ અને જોન ની જિંદગી બદલી નાખી છે ઇજિપ્તના પ્રકરણનો આજ છેલ્લો દિવસ છે.