પલાયનવાદનું પોસ્ટમોર્ટમ – દિવ્યેશ ત્રિવેદી Smita Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પલાયનવાદનું પોસ્ટમોર્ટમ – દિવ્યેશ ત્રિવેદી

એમની નોકરી સારી હતી, પત્ની અને એક બાળકનું નાનું સરખું કુટુંબ હતું. સીધો-સાદો અને સરળ સ્વભાવ હતો. એમને બીજા કોઈ સાથે ભાગ્યે જ ઝંઝટમાં ઊતરતા જોયા હતાં. પરંતુ અચાનક એક દિવસ એ ઘર છોડીને ચાલ્યા ગયા. કોઈને કશું જ કહ્યું નહોતું. માત્ર પોતાના ઘેર એક ચિઠ્ઠી મોકલાવી હતી. એમાં લખ્યું હતું કે, હું મારી સમસ્યાઓથી તંગ આવી ગયો છું અને ઘર છોડું છું. એમણે પત્નીને પિયર જવા સૂચવ્યું હતું. તેમણે આવું શાથી કર્યું અને એમને વળી એવી કઈ સમસ્યા હતી કે ઘર છોડવું પડે એ વાત રહસ્યમય હતી. એમનાં પત્ની સાથે મુલાકાત થઈ ત્યારે જ એ રહસ્યનો પર્દાફાશ થયો. એમના મનમાં ધનવાન થઈ જવાની મહત્વાકાંક્ષા જાગી હતી. નોકરી ઉપરાંતના સમયમાં એક પરિચત મિત્ર સાથે નાના પાયા પર વ્યવસાય શરૂ કર્યો. નોકરીને કારણે વ્યવસાય તરફ ધ્યાન આપી શકતા નહોતા. લગભગ એકાદ વર્ષ પછી ધંધો બંધ કરવો પડ્યો અને બંને ભાગીદારોએ અડધું અડધું દેવું માથે લઈ લેવું પડ્યું. એમના મનમાં શંકા હતી કે ભાગીદારે દગો કર્યો છે. એમની આવક ઘર ચલાવવા માટે પૂરતી હતી. દેવું ચૂકવવું અઘરું હતું. એવામાં એ ઝડપી પૈસા બનાવવાની લાલચમાં જુગારના રવાડે ચડી ગયા. પરિણામે દેવું વધતું ગયું. લેણદારો પગાર તારીખે ઓફિસ પર આવીને હપ્તા લઈ જવા માંડ્યા. હવે તો ઘર ચલાવવામાં પણ તકલીફ પડવા માંડી. પરિણામે ઘરમાં કંકાસ શરૂ થયો. પત્ની સાથે લગભગ દરરોજ ઝઘડા થવા માંડ્યા. સમસ્યા ઉકેલવા માટે નવું દેવું કરીને જૂનું ચૂકવવાનો પ્રયાસ કર્યો. પરંતુ એમાં તો ઔર કાદવમાં ખૂંપ્યા. ઊંચા વ્યાજે પૈસા લાવ્યા હોવાથી લેણદારોનો તકાદો વધી ગયો. બસ એ જ કારણે એમણે ઘર છોડ્યું. એમના પત્ની મક્કમ હતાં અને પિયર જવા તૈયાર નહોતાં. એમનું કહેવું હતું કે મારા પતિએ પોતાની જાતે જ સમસ્યાઓ ઊભી કરી અને એ વિકરાળ બની ગઈ ત્યારે એ પલાયન થઈ ગયા. મારે પલાયન થવું નથી. હું બધી સમસ્યાઓનો સામનો કરીશ.

કદાચ એ ક્ષણે તો એમના પત્ની ભાવાવેશમાં આવું કહી રહ્યા છે એવું લાગતું હતું. પરંતુ એ એમનો ભાવાવેશ નહોતો. જીવન પ્રત્યેની એક જૂદી જ દ્રષ્ટિ હતી. આ ભાઈ જેમ ઘર છોડી ગયા તેમ દસમાંથી નવ વ્યક્તિઓને એક યા બીજા તબક્કે ઘર છોડી જવાનું મન થતું જ હોય છે. જ્યારે પોતે જ ઊભી કરેલી સમસ્યાઓ ચોતરફથી ઘેરી વળે ત્યારે આવો વિચાર આવી જતો હોય છે. કોઈક કારણસર ઘર છોડી શકે તેમ ન હોય ત્યારે તેઓ પોતાની સમસ્યાઓ તરફથી મોં ફેરવી લે છે. સમસ્યાને સ્પર્શતા નથી અને પલાયન થઈ જવાનું પસંદ કરે છે. સમસ્યાઓનો સામનો કરવાની તૈયારી હોય એવાં એ ભાઈના પત્ની જેવાં તો દસમાંથી પણ માંડ કોઈ એક મળે છે. ખરેખર જોવા જઈએ તો પલાયનવાદ જ બધા દુઃખોનું મૂળ છે. પરિસ્થિતિનો યથાતથ સામનો કરવાની મક્કમ વૃત્તિથી કદાચ સુખ ન આવતું હોય તો પણ દુઃખ તો ઓછું જ થાય છે.

સમસ્યાઓ કે દુઃખથી દૂર ભાગવાની વૃત્તિ જ સાચા અર્થમાં પલાયનવાદ છે. પલાયનવાદ જીવનને નિષેધાત્મક બનાવે છે. પરંતુ આવે વખતે એ ભૂલી જવાય છે કે દુઃખ અને સમસ્યા તો પોતાને કારણે જ ઊભા થયા છે. જો એ પરિસ્થિતિને કારણે હોય તો જગ્યા બદલતાં જ દૂર થઈ જાય છે. વળી દુઃખ પરિસ્થિતિને કારણે જ હોય તો પરિસ્થિતિને બદલી શકાય. પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કરીએ ત્યારે ઘડીભર એવું લાગે કે દુઃખ ટળી ગયું. પરંતુ હકીકતમાં એ ટળી જતું નથી. દુઃખનું કારણ પોતાની અંદર હોવાને કારણે પલાયન થયા પછી પણ દુઃખ તો સાથે જ આવે છે. પેલા ભાઈ ઘર છોડીને ભાગી ગયા તેથી તેમનું દુઃખ તો ટળ્યું નથી જ. ગમે ત્યાં બેઠા હશે, પણ ચિત્તમાં લેણદારો પ્રત્યક્ષ થશે અને ઘરનો કંકાસ પણ મનમાં પડઘાશે. વળી પત્ની અને બાળકને બેસહારા મૂકીને નીકળી ગયાનો અપરાધ-ભાવ પણ પીછો નહીં છોડે. જગ્યા બદલવાથી વ્યક્તિ બદલાઈ જતી નથી. એ જ્યાં ને ત્યાં નવા દુઃખોને નિમંત્રણ આપશે.

આમ જોઈએ તો પલાયનવાદનો એક જ સરળ ઉપાય લાગે છે. એનું કારણ એ છે કે પૃથ્વી પર પલાયનવાદીઓની જ બહુમતી છે. પરિસ્થિતિનો સામી છાતીએ સામનો કરનારાઓ બહુ જ જૂજ છે. પરંતુ પલાયનવાદ જ સાર્થક લાગતો હોવાનું મૂળ કારણ એ છે કે આપણે આપણાં દુઃખો અને આપણી સમસ્યાઓ માટે હંમેશાં બીજાઓને કે પરિસ્થિતિને જવાબદાર ગણીએ છીએ. વાસ્તવમાં જે કંઈ દુઃખ આવે છે એનાં બી ક્યારેક ને ક્યારેક આપણે જ વાવ્યાં હોય છે. ક્યારેક અભાનપણે વાવ્યાં હોય તો ક્યારેક સભાનપણે વાવ્યાં હોય. આપણે એમ માનીએ છીએ કે આપણે તો સુખની ચેષ્ટા કરતા હતા અને આ દુઃખ આવી પડ્યું. પરંતુ વાસ્તવમાં સુખની ચેષ્ટામાં પણ ગેરસમજ હોય કે કંઈક નશો હોય ત્યારે આપણે દુઃખનાં જ બી વાવ્યાં હોય છે. એટલે ખરી વાત એ છે કે આપણું દરેક દુઃખ આપણું બોલાવેલું હોય છે. ક્યારેક બી વાવ્યાં પછી એના ફળ આવતાં વચ્ચે એટલો બધો સમય પસાર થઈ ગયો હોય છે કે, એ આપણા જ વાવેલાં બીનું ફળ છે એવું યાદ પણ નથી આવતું.

જો આટલી જ વાત સમજાઈ જાય કે દુઃખ આપણા જ નિમંત્રણથી આવ્યું છે તો એ દુઃખથી ભાગવાનો સવાલ જ ઊભો ન થાય. એનો એક વાર પરિચય થઈ જાય પછી સ્વાભાવિક રીતે જ આપણે એનું પુનરાવર્તન ન કરીએ. પરંતુ જે આ સત્ય નથી સમજતું એ વારંવાર નવાં બી રોપવા જાય છે અને દુઃખનો સિલસિલો સર્જાય છે. પછી ભાગી જવું કે પલાયન થઈ જવું એ જ એક માત્ર ઉપાય એને દેખાય છે.

આ જ વાતને જરા જુદી રીતે પણ કહી શકાય. દુઃખ માણસે પોતે પેદા કરવું પડે છે. સુખ ક્યાંયથી આવતું નથી. સુખ માણસના મનમાં છે. કરોડપતિ પણ દુઃખી હોય છે અને રોડપતિ ઈર્ષા આવે એવો સુખી હોય છે. એટલે જ એમ કહી શકાય કે સુખ માણસના સ્વભાવમાં છે. એટલે જ સુખી થવા માટે કારણની જરૂર પડતી નથી. દુઃખી થવું હોય તો જ કારણો ભેગાં કરવા પડે છે. કોઈ કારણ ન હોય તો કાલ્પનિક કારણ શોધવું પડે છે.

આપણે કોઈક ડોકટર પાસે જઈએ તો ડોક્ટર આપણી બીમારીનું નિદાન કરીને એ માટેનું કારણ આપી શકે છે, પરંતુ આપણે સંપૂર્ણ સ્વસ્થ હોઈએ તો સ્વસ્થતા માટેનું કોઈ કારણ ડોક્ટર આપી શકતા નથી. એનું કારણ એ છે કે, જેમ બીમારી માટે કોઈક કારણ હોય છે તેમ સ્વસ્થતા માટે કોઈ કારણ હોતું નથી. કેમ કે સ્વાસ્થ્ય આપણો સ્વભાવ છે. સ્વાસ્થ્ય આપણી અંદર પાંગરે છે, કારણ કે એ સ્વભાવ છે. બીમારી બહારથી આવે છે. માટે એના કારણો શોધી શકાય છે. એવું જ શાંતિનું છે. શાંતિ અકારણ છે, અશાંતિ જ સકારણ હોય છે.

આથી જ જ્યારે દુઃખનો અનુભવ થાય ત્યારે ભાગવાને બદલે દુઃખનું કારણ શોધવું જરૂરી બની જાય છે. સુખને ભોગવવાનું છે અને દુઃખને સમજવા જેવું છે. દુઃખ તો દીવાલ જેવું છે. દીવાલમાંથી બહાર નીકળવા જઈએ તો માથું ભટકાય અને લોહીલુહાણ થઈ જવાય. દુઃખને સમજવાથી જ બહાર નીકળવાનો દરવાજો મળે છે. દરવાજો આસપાસ જ ક્યાંક હોય છે માત્ર સમજવાથી એ તરત દેખાય છે.

પલાયનવાદની મુશ્કેલી એ છે કે એનાથી દુઃખ અને સમસ્યાઓ બેવડાય છે. જે પરિસ્થિતિથી આપણે દૂર ભાગીએ છીએ કે, એ તરફ આંખ મીંચી દઈએ છીએ એ પરિસ્થિતિ તો જેમની તેમ જ રહે છે. ઊલટું એને હળવી કરવાનો કોઈ પ્રયાસ ન કરવાથી સમય જતાં તે વધુ ગંભીર બને છે અને એમાંથી જ નવા દુઃખ જન્મ લે છે. ફરી પાછા આપણે એનાથી પલાયન થઈએ છીએ અને એ સિલસિલો આગળ વધે છે.

દુઃખનું સર્જન આપણે પોતે જ કરીએ છીએ, એ સત્ય સમજાય ત્યારે માણસ દુઃખ માટે બીજાઓને કે પરિસ્થિતિને દોષ દેતો નથી. મેં જે કર્યું છે એ જ હું ભોગવી રહ્યો છું. આપણે પોતે જ દુઃખ માટે જવાબદાર છીએ એવું સમજ્યા પછી એ દુઃખનો સામનો કરવાની પણ વિશેષ હિંમત આવે છે. એ પછી પલાયન થવાનો વિચાર ઊઠતો નથી. પલાયન થઈ જવું એ કાયરતાની નિશાની છે. જ્યારે દુઃખનો સામી છાતીએ સામનો કરવો એ હિંમતનું કામ છે.

થોડું સૂક્ષ્મ રીતે જોઈએ તો દરેક વાતમાં આપણે વિકલ્પોનો વિચાર કરીએ છીએ એ પણ એક પ્રકારે તો પલાયનવાદનું જ લક્ષણ છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને વૈકલ્પિક પ્રશ્નો આપીને આડકતરી રીતે પલાયન થવાનો જ રસ્તો આપણે કરી આપીએ છીએ. જે કોઈ પરિસ્થિતિ આવે એનો સર્વગ્રાહી સામનો કરવો, એ જ એક માત્ર સાચો રસ્તો છે. પરંતુ પલાયનવાદને આપણે એક યા બીજી રીતે પોષ્યો છે. પરિણામે જીવનમાં આખી શૈલી નિષેધાત્મક બની છે. એને કારણે આપણા કોઈ પણ પ્રયાસમાં સાતત્ય આવતું નથી. બધે જ વિકલ્પો શોધવા ફાંફાં મારીએ છીએ. ખરું જોતાં તો આત્મહત્યા પણ પલાયનવાદની પરાકાષ્ઠા છે. જીવનનો કોઈ જ વિકલ્પ નથી. જીવન તો જીવવું પડે છે. મૃત્યુ પણ જીવનનો વિકલ્પ નથી. કદાચ જીવનનો વિકલ્પ જીવન જ છે અને તેથી ત્યાં પલાયન કામ લાગતું નથી…..