સફળતાનાં સોપાનો - 4 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફળતાનાં સોપાનો - 4

નામ:- સફળતાનું સોપાન ત્રીજું- દબાણ, મુંઝવણ(Constraints)
લેખિકા:- સ્નેહલ જાની

તો મિત્રો, કેવા લાગ્યા આગળના બે સોપાનો? મજા આવી ને? ચાલો આજે ત્રીજા સોપાનની ચર્ચા કરીએ. સફળતાનું ત્રીજું સોપાન એટલે Constraints એટલે કે દબાણ કે મુંઝવણ.

આપણે જોઈએ જ છીએ કે અનુભવીએ છીએ કે ઘણી વાર વ્યક્તિ કામ કરવા માટે તો તૈયાર હોય છે પણ એક પ્રકારના માનસિક દબાણ હેઠળ હોય છે. ક્યાં તો 'કોઈ શું કહેશે?' એમ વિચારીને અથવા તો 'શું હું આ કરી શકીશ?' એમ વિચારીને. આ સ્થિતિમાંથી એક જ રીતે બહાર આવી શકીએ - મન મક્કમ કરીને. એમ વિચારવું કે, 'મારા સિવાય કોઈ આ કરી શકે જ નહીં.' કોઈ શું કહેશે એની પરવા ત્યારે જ કરવી જ્યારે કોઈ ખોટું કામ કરી રહ્યા હોઈએ. દુનિયાનો રિવાજ છે - સફળ થઈએ તો વાહ વાહ કરશે અને નિષ્ફળ જઈએ તો નિંદા. આ બધાં વિશે વિચારીશું તો આખી જિંદગી દબાણ હેઠળ જ જીવવી પડશે. બિનજરૂરી મુંઝવણમાંથી ક્યારેય બહાર નીકળી શકાશે જ નહીં.

આજે હાલત એવી છે કે દરરોજ જ જાણવા મળે છે કે કોઈક કૉલેજમાં ભણતી છોકરીએ આત્મહત્યા કરી તો કોઈ સાતમા ધોરણમાં ભણતાં છોકરાએ આત્મહત્યા કરી. પરીક્ષામાં ધારેલું પરિણામ ન આવતાં બાળકે મોતને વ્હાલું કર્યું. શું છે આ બધું? દબાણ. પરીક્ષામાં સારા માર્કસ લાવવાનું અને ક્યારેક પોતાને ન ગમતી ફિલ્ડમાં ભણવાનું. આજકાલના માતા પિતા પણ બાળકોને પોતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાનું સાધન માને છે. એઓ ક્યારેય વિચારતાં જ નથી કે બાળકની પોતાની શું ઈચ્છા છે? એમણે તો બસ સમાજમાં પોતાનું માથું ગર્વથી એમ કહો કે અભિમાનથી ઊંચું રાખવું છે.

આપણાં સમાજમાં કે આપણી આસપાસ આપણે ઘણી વાર જોઈએ છીએ કે કોઈ એક વ્યક્તિ પોતાનાં કુટુંબ માટે કંઈક કરવા માંગે છે પરંતુ એને ડર લાગે છે કે 'કોઈ શું કહેશે?' અથવા તો 'જો હું સફળ નહીં થાઉં તો?' આ જ ડરથી એ વ્યાજે પૈસા લઈને પણ પોતાની જાતને સાબિત કરવા પ્રયત્નો શરુ કરી દે છે. એમાં એ પૈસા ફરીથી ચુકવવાની ચિંતામાં સતત દબાણમાં જીવે છે. જે પરિવાર માટે એ આટલું બધું કરે છે એને જ રઝળતા મુકીને એ આત્મહત્યા કરી લે છે.

આ તો થઈ સામાન્ય કુટુંબોની વાત. પણ આવું જ મોટા મોટા કલાકારો કે નેતાઓ સાથે પણ બને છે. પોતાને મળેલ સફળતા ટકાવી રાખવાના સતત દબાણ હેઠળ તેઓ જીવે છે. એક નાની અમસ્તી નિંદા એમને મુંઝવણમાં મુકી દે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે - કંગના રાણાવતનું ફેશન મુવી. જોયું જ હશે. સફળતા મેળવી લીધા પછી એને ટકાવી રાખવી એ બહુ મોટો પડકાર છે, અને એટલે જ દબાણ અનુભવવાનું ચાલુ થઈ જાય છે.

આ બધી વાતો અહીં ચર્ચવાનો એક જ આશય છે કે પરિસ્થિતિઓ તો બદલાતી રહે છે. એને માટે કંઈ મહામૂલું જીવન દાવ પર ન લગાવી દેવાય. એક સત્ય સમજી લેવું કે આપણે કામ હંમેશા પોતાનાં આત્મસંતોષ માટે કરવું. જ્યારે આપણે પોતે જ આપણાં કામથી ખુશ હોઈએ ત્યારે ક્યારેય એનાથી દબાણ અનુભવતા નથી. ઉપરાંત, પોતાનાં જે કામથી સંતોષ મળે એ કામ ક્યારેય મુંઝવણ પેદા થવા દેતું નથી. દબાણ કે મુંઝવણ હશે જ નહીં તો નિષ્ફળતાના વિચારો આવશે જ નહીં જે વ્યક્તિને હંમેશા સફળતા અપાવે છે.

દબાણ કે મુંઝવણ જયાં સુધી મન પર હાવી હોય ત્યાં સુધી જ આપણને કોઈ માર્ગ સૂઝતો નથી હોતો, પણ જેવું આપણે સકારાત્મક વિચારવા માંડીએ કે તરત જ ઉપાયો આપોઆપ મળવા માંડે છે. માટે હંમેશા સકારાત્મક વિચારો અને આત્મસંતોષ મળે એવું કરો.

વાંચવા અને સહકાર આપવા બદલ આભાર.🙏
- સ્નેહલ જાની