સફળતાનાં સોપાનો - 2 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

સફળતાનાં સોપાનો - 2

નામ:- સફળતાનું સોપાન પહેલું - સ્પષ્ટતા(Clarity)
લેખિકા:- સ્નેહલ જાની
મિત્રો,
આશા રાખું છું કે પ્રથમ ભાગ વાંચ્યા પછી તમે આ ભાગની રાહ જોઈ હશે. આગળ જણાવ્યું તેમ હું સફળતાનાં સોપાનો વિશે ચર્ચા કરીશું. આજે આપણે સફળતાનાં સાત સોપાનો પૈકી પ્રથમ સોપાન Clarity એટલે કે સ્પષ્ટતા વિશે ચર્ચા કરીશું.

Clarity એટલે કે સ્પષ્ટતા. કોઈ પણ બાબત કરવા પહેલા એ વિશે સ્પષ્ટ હોવું જોઈએ. સફળતાનો સૌથી મોટો આધાર એનાં વિશે સ્પષ્ટ સમજ હોવી તે છે. એંસી ટકા સફળતા સ્પષ્ટતાથી જ મળી જાય છે. તમને થશે કે આવું કેવી રીતે શક્ય બને? બને. જોઈએ વિસ્તારથી.

આપણે જોઈએ છીએ કે ઘણી વખત બાળકને પૂછવામાં આવે કે, "તારે શું બનવું છે?" તો મોટા ભાગે જવાબ 'નક્કી નથી' કે પછી 'સમજ નથી પડતી કે શું બનું?' એવો જ મળે છે. ક્યારેક એવું પણ બને છે કે જેટલી વાર પૂછીએ એટલી વાર એમનો જવાબ જુદો જુદો જ હોય છે. આનું કારણ એક જ છે કે એમની પ્રતિભા તરફ કોઈએ ધ્યાન આપ્યું જ નથી. બાળકને યોગ્ય માર્ગદર્શન આપવામાં નથી આવ્યું.
બાળક નાનું હોય ત્યારે જ જો આપણે એનામાં છુપાયેલું કૌશલ્ય ઓળખી લઈએ તો એનું ભવિષ્ય સુરક્ષિત કરી શકીએ છીએ. બાળકને પોતાને તો ખબર પડતી જ નથી કે એણે શું કરવું છે? એ તો પોતાની સપનાની દુનિયામાં જ હોય છે. પોતાને મનગમતો કલાકાર કોઈ પાત્ર ભજવે તો બાળક એ બનવા તૈયાર થઈ જાય છે, તો ક્યારેક કોઈ એને કોઈ મોટા બિઝનેસમેન વિશે જણાવે તો એ બિઝનેસમેન બનવા તૈયાર થઈ જાય છે.

બાળકના શિક્ષક અને માતા પિતા જો થોડું ધ્યાન આપે તો બાળકમાં છુપાયેલું કૌશલ્ય બહાર લાવી શકે. બાળક પોતાની પ્રતિભા મુજબ જો આગળ વધે તો ચોક્ક્સ સફળતા મેળવી શકે, કારણ કે જ્યારે આપણે આપણું ગમતું કામ કરીએ છીએ ત્યારે વધુ સારી રીતે કરી શકીએ છીએ.

મોટા વ્યક્તિઓ જો પોતાનાં લક્ષ્ય પ્રત્યે સભાન હોય તો એણે આમતેમ ફાંફાં માર્યા વગર જે દિશામાં આગળ જવાનું છે તે જ દિશામાં પ્રયત્નો કરી શકે છે. વ્યક્તિ રોજે રોજ જો પોતાનાં વિચારો બદલ્યા કરે અથવા કોઈ અન્યના દોરીસંચારથી પોતાનું લક્ષ્ય નક્કી કરતી હોય તો તે ક્યારેય પ્રગતિ કરી શકે નહીં. પોતાનાં ભવિષ્ય માટે બીજાનાં નિર્ણય પર ક્યારેય આધારિત ન રહેવું. કોઈની સલાહ લઈ શકાય પણ નિર્ણય તો પોતાનો જ હોવો જોઈએ. પોતાનાં ભવિષ્ય માટે પોતે જ સ્પષ્ટ રહેવું પડે.

બીજી પણ એક અસ્પષ્ટ બાબત જે આપણાં સમાજમાં જોવા મળે છે. ઘણાં લોકો જ્યારે કોઈનાં ઘરે મહેમાન થઈને જવાનાં હોય ત્યારે એમને ફોન કરીને માત્ર એટલું જ કહે છે કે, "અમે તમારે ત્યાં આવવાનો વિચાર કરીએ છીએ. તમે ઘરે મળશો ને?" પરંતુ એ સ્પષ્ટતા નથી કરતાં કે તેઓ ત્યાં રહેવાનાં છે કે નહીં, ખાવાના છે કે માત્ર નાસ્તો જ કરવાનાં છે. આમાં બિચારા યજમાન મુંઝાઈ જાય છે. જો ખાવાનું બનાવે અને મહેમાન ન ખાય તો બગડે અને ન બનાવે અને મહેમાન ખાવાના હોય તો તાત્કાલિક બનાવવું પડે. એનાં કરતાં ફોન કરીએ ત્યારે જ જો પોતાના આયોજન વિશે સ્પષ્ટ કહી દઈએ તો બંને પક્ષને શાંતિ રહે.

સ્પષ્ટતા બાબતે એક જોક યાદ આવે છે.
એક વાર એક ભાઈ ડૉક્ટર પાસે દવા લેવા ગયા. ડૉક્ટરે તપાસીને દવા કેવી રીતે લેવી, કેટલા પ્રમાણમાં લેવી એ બધું સમજાવી દીધું. એમને એક શીશી આપી અને કહ્યું કે, "આનું ઢાંકણ બરાબર બંધ રાખજો." હવે પેશન્ટ ત્રણ દિવસ પછી ફરીથી બતાવવા જાય છે અને કહે છે કે, "સાહેબ, બહુ ફેર જણાતો નથી." એટલે ડૉક્ટરે એને પૂછ્યું કે, "દવા કેવી રીતે લેતા હતાં?" ત્યારે એ ભાઈએ કહ્યું કે, "સાહેબ તમે શીશીનું ઢાંકણ બરાબર બંધ રાખવા કહ્યું હતું એટલે મેં એને ખોલી જ નથી."

તો મિત્રો, અસ્પષ્ટ રહેવાથી આવું થાય છે. ડૉક્ટરનું કહેવું એવું હતું કે દવા લીધા પછી શીશી બરાબર બંધ કરવી અને દર્દી એવું સમજે છે કે શીશી બંધ જ રાખવી.

આમ, જે પોતાનાં લક્ષ્ય અને ભવિષ્ય માટે સ્પષ્ટ છે તે હંમેશા પ્રગતિના પંથે જ હોય છે. સમય આવ્યે એ મુશ્કેલ સમયમાં પણ કોઈક રસ્તો શોધી લે છે.

વાંચવા બદલ આભાર. 🙏
- સ્નેહલ જાની