Steps to Success - 6 books and stories free download online pdf in Gujarati

સફળતાનાં સોપાનો - 6

નામ:- સફળતાનું સોપાન પાંચમું - સર્જનાત્મકતા(Creativity)
લેખિકા:- સ્નેહલ જાની

તો મિત્રો, કેવો લાગ્યો આગળનો લેખ? એકાગ્રતા વધારવાની શરૂઆત કરી કે નહીં? શું કહ્યું? કરી દીધી. સરસ. તો ચાલો, હવે પછીના બધાં સોપાનો એકાગ્ર થઈને વાંચજો. આજે ચર્ચા કરીએ સફળતાનું પાંચમું સોપાન એટલે કે Creativity - સર્જનાત્મકતા વિશે. જયાં સુધી કોઈ સર્જનાત્મક કાર્ય ન કરી શકીએ ને ત્યાં સુધી પ્રગતિ નહીં થાય, નવી નવી શોધો પણ ન થાય.

જ્યારે દબાણ અને મુંઝવણમાંથી બહાર નીકળીને યોગ્ય ક્ષમતા વિકસાવીએ અને પોતાનાં લક્ષ્ય પ્રત્યે સભાન થઈએ ત્યારે આપોઆપ સર્જનાત્મકતા ખીલી ઊઠે છે. વ્યક્તિ આપોઆપ જ નવું નવું વિચારવા માંડે છે. પોતાની સર્જનાત્મકતા ખીલવવા માટે કોઈ બીજાની મદદની રાહ જોવી પડતી નથી. આપણને ખબર પડી જ જવી જોઈએ કે મને આ કામ કરવાની ફાવટ છે, હું આ કામ સારી રીતે કરી શકું એમ છું. ત્યારબાદ તો મગજમાં સારા સારા અને નવા નવા વિચારો આવતાં જ જશે.

આપણે જોતાં જ આવ્યાં છીએ કે દેશમાં અને દુનિયામાં નવી નવી શોધો થતી જ આવી છે. આ શોધો પણ એનાં શોધકની સર્જનાત્મકતાને જ આભારી છે. સૌથી વધુ સર્જનશક્તિ બાળકમાં હોય છે. એની કલ્પનાનો વિસ્તાર ખૂબ જ મોટો હોય છે. જો આ કલ્પનાને યોગ્ય માર્ગદર્શન અને દિશા મળે તો એક ખૂબ જ સુંદર અને ઉપયોગી સર્જન થાય. એક બાળક જ્યારે કંઈક નવું કાર્ય કરે છે ત્યારે મોટા ભાગે તો એનાં માતા પિતા 'ઘર ગંદું થાય છે.' એવું કહીને એને અટકાવી દેતાં હોય છે. આવુ કરવાથી એની સર્જનાત્મકતા અકાળે મૃત્યુ પામે છે.

બાળકો જ્યારે રમતાં હોય છે ત્યારે એમનું નિરીક્ષણ કરવું. એનાં પરથી ખ્યાલ આવશે કે એ બાળકની રુચિ શેમાં છે? એની રુચિ અનુસાર એને આગળ વધવામાં મદદ કરીએ તો ઉત્તમ સર્જન થઈ શકશે.

સર્જનાત્મકતા વધારવા માટે બહુ વધારે મહેનત કરવાની જરૂર પડતી નથી. માત્ર વ્યક્તિનો રસ કઈ પ્રવૃત્તિમાં વધારે છે અને એને લગતી જરૂરિયાત કેટલી છે!
એક ઉદાહરણ આપું.

પહેલાંના સમયમાં એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે વહાણ કે સ્ટીમર વપરાતાં હતાં, પણ એમાં ઘણાં બધાં દિવસો નીકળી જતાં હતાં અને ક્યારેક દરિયામાં આવતાં તોફાનો કે અન્ય મુસીબતોને લીધે ગંતવ્ય સ્થાને પહોંચવામાં મોડું પણ થઈ જતું. ક્યારેક સાથે લીધેલ અનાજનો જથ્થો ખૂટી પડતો. આ બધી તકલીફોને કારણે અન્ય પરિવહન સાધનની શોધ કરવી જરુરી બની કે જે ઓછા સમયમાં ઓછી મુસીબત સાથે પહોંચાડી દે.

આકાશમાં ઉડતા પક્ષીઓને જોઈને જે વિચાર 'રાઈટ બ્રધર્સ'નાં મનમાં આવ્યો એ એમને એક નવી સર્જનાત્મકતા તરફ લઈ ગયો અને દુનિયાને મળી ઉડતા વાહનોની ભેટ. લાંબા અંતર જે દરિયા વાટે પસાર કરવા પડતાં હતાં અને દિવસોના દિવસો પસાર થતા હતા તેનાં બદલે હવે કલાકોમાં પહોચી જવાય છે. એક સર્જનાત્મકતાએ દેશોને નજીક લાવી દીધાં.

જરુરી નથી કે સર્જનાત્મકતા એટલે કોઈ શોધ જ કરવી. પોતાનામાં કે અન્ય કોઈ વ્યક્તિમાં રહેલ કોઈ પણ પ્રકારની કલાને એનાં યોગ્ય સ્વરૂપે બહાર લાવી એને પ્રદર્શિત કરવી એ પણ સર્જનાત્મકતા જ છે. કોઈ એક નાના બાળકની સર્જનાત્મકતા જોવી હોય તો એને કોઈ રમકડાં કે જેમાં બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરવાનો હોય - એ એને આપી દો અને જુઓ કે બાળક આની સાથે શું કરે છે?

કોઈ ચિત્ર સરસ દોરી શકતું હોય તો કોઈ રંગ સરસ પુરતું હોય, કોઈને સીલાઇકામ સરસ આવડતું હોય તો કોઈને ભરતકામ, કોઈ ખાવાનું સ્વાદિષ્ટ બનાવતું હોય તો કોઈ દવાઓ, કોઈ કવિતા સરસ રચે છે તો કોઈ લેખ સરસ લખે છે. ટૂંકમાં, જેનામાં વિચારવાની કે નિર્ણય લેવાની શક્તિ છે, તેનામાં સર્જનાત્મકતા આપોઆપ આવી જ જાય છે.

હમણાં લોકડાઉન દરમિયાન આપણે નોંધ્યું જ છે કે જેમની નોકરી જતી રહી છે એમાંથી ઘણાં બધાં લોકો કોઈ બીજી ફિલ્ડમાં જોડાયા છે, અને પોતાની સર્જનાત્મકતા બતાવી રહ્યાં છે. કોઈએ નવા સાધનો શોધ્યા, તો કોઈએ ઓર્ગેનિક ખેતી કરી મબલખ કમાણી કરી. એન્જીનીયરીંગ કૉલેજના વિદ્યાર્થીઓએ બેટરીથી ચાલતી બસ બનાવી તો કોઈ છોકરાઓએ હવામાંથી જ સીધું પાણી બનાવી શકાય તેવું મશીન શોધ્યું.

આમ, માનવી જો પોતાના શોખને જ કામ બનાવી લે તો એ ખૂબ જ સારી રીતે પોતાની સર્જનાત્મકતા બહાર લાવી શકે છે, જરુરી નથી કે દરેક વખતે મુસીબત આવે ત્યારે જ સર્જનાત્મકતા બહાર આવે.

વાંચવા બદલ આભાર. 🙏
સ્નેહલ જાની

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED