નામ:- સફળતાનું સોપાન બીજું - યોગ્યતા(Competence)
લેખિકા:- સ્નેહલ જાની
મિત્રો,
આશા રાખું છું કે સફળતાનું પ્રથમ સોપાન સ્પષ્ટતા વિશેની માહિતી સારી લાગી હશે. આજે સફળતાનાં બીજા સોપાન Competence એટલે કે યોગ્યતા વિશે વાત કરીએ.
એક વાર પોતાનાં લક્ષ્ય માટે સ્પષ્ટ થઈએ પછી એની પાછળ મહેનત કરવા તૈયાર રહેવું પડે. આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણું લક્ષ્ય આપણી યોગ્યતાને અનુરૂપ હોય. આપણી યોગ્યતા બહારનું લક્ષ્ય નક્કી કરી લઈએ તો એક વાત તો નક્કી જ કે આપણી સફળતાનાં માપદંડ આપોઆપ અંત પામી જશે.
ક્યાં તો આપણી યોગ્યતા અનુસાર ધ્યેય નક્કી કરવું અથવા તો ધ્યેયને અનુરૂપ આપણી યોગ્યતા વિકસાવી લેવી જોઈએ. જ્યારે યોગ્યતા અનુસાર ધ્યેય નક્કી કર્યું હોય ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે મન દઈને કામ કરીએ છીએ. પણ જ્યારે આપણને ધ્યેય નક્કી કરવાનો મોકો જ ન મળે અને જે કામ મળ્યું છે તેમાં જ આગળ વધવું પડે તેમ હોય તો થોડી વધારે મહેનત કરીને પોતાની જાતને એ યોગ્ય બનાવીએ.
ચાલો, એક ઉદાહરણ આપું. એક કંપનીના જાહેરાતના પ્રતિભાવ બદલ બે વ્યક્તિ ઈન્ટરવ્યુ આપવા જાય છે - એક પાસે એ પદને લાયક ડિગ્રી અને પુરતો અનુભવ છે, જ્યારે બીજા પાસે સ્થાનિક નેતાનો ભલામણ પત્ર, એ સિવાય ન તો કામનો પુરતો અનુભવ કે ન કોઈ લાયકાત. તમને પૂછું છું કે નોકરી કોને મળવી જોઈએ? બરાબર ને! જે લાયક છે તેને, પણ મળે છે પેલા ભલામણ પત્રવાળાને. તો શું યોગ્યતા ધરાવતાં વ્યક્તિ સાથે આ અન્યાય નથી? જેને નોકરી મળી છે તે શું એ પદને ન્યાય આપી શકશે? જેની કામ કરવાની દાનત જ ન હોય એને કોઈ ઉચ્ચ પદ મળી જાય તો એનાથી કંઈ એની યોગ્યતા સાબિત થઈ જતી નથી.
ચાલો, વિચાર કરો કે સચિન તેંડુલકરને એનાં માતા પિતાએ ગીતકાર બનવાની ફરજ પાડી હોત કે પછી કિશોર કુમારને એન્જિનિયર બનવાની, તો શું એઓ હાલમાં છે એટલી ખ્યાતિ મેળવી શક્યા હોત? કદાચ નહીં. એઓ આટલા સફળ થઈ શક્યા એ માત્ર એટલાં માટે કે એમની જે યોગ્યતા હતી તે પ્રમાણે જ એમણે પોતાનું કાર્યક્ષેત્ર પસંદ કર્યું, અને સાથે સાથે મહેનત કરવાની દાનત તો ખરી જ!
તમે બધાએ કદાચ જુહી ચાવલાનું ચૉક એન્ડ દસ્ટર મુવી જોયું જ હશે. એમાં જ્યારે દિવ્યા દત્તા બધાં જૂનાં શિક્ષકોને નોકરીમાંથી કાઢી મુકવા માંગતી હોય છે તો શું કરે છે? વર્ષો જૂનાં શિક્ષકો હોવાથી તાત્કાલિક તો કાઢી શકાય નહી! એટલે એ તમામ શિક્ષકોના વિષયો બદલી નાંખે છે. જેને જે વિષયમાં ફાવટ ન હતી એને એ વિષય ભણાવવા કીધું અને જો આમ ન કરવું હોય તો નોકરી છોડી દેવાની સલાહ આપી. આ જ બતાવે છે જ્યારે ઉચ્ચ પદને લાયક યોગ્યતા ન હોય તેવી વ્યક્તિને આ પદ આપી દેવાથી શું થાય? આવા મુવી માત્ર મનોરંજન માટે જ નથી હોતી એમાંથી આપણે ઘણું શીખવાનું છે.
આ જ વાત મેં પ્રથમ સોપાન સ્પષ્ટતામાં પણ કરી છે. જો તમે બાળકમાં રહેલી છૂપી કલાને ઓળખી શકશો તો એની પ્રતિભાને યોગ્ય ન્યાય આપી શકશો.
યોગ્યતા વિનાનાં પાત્ર સાથે તો કોઈ સંબંધ પણ લાંબો સમય નથી ટકતો, તો પછી યોગ્યતા વિના સફળતા કેવી રીતે મળે? જો આપણામાં યોગ્યતા હશે તો આપોઆપ જ સફળતા મળી જશે, પછી ભલે એ કામ ગમે તેટલું કઠિન હોય, અને યોગ્યતા ન હશે તો સહેલામાં સહેલું કામ પણ મુશ્કેલ બની જશે. એક બાબત તો સ્પષ્ટ છે કે જયાં સુધી તમે અત્યારે જયાં છો ત્યાં જ યોગ્યતા ન મેળવો ત્યાં સુધી તમે સફળતાની સીડી ન ચડી શકો.
માટે જ સારા દેખાવા માટે આપણે જેટલી મહેનત કરીએ છીએ એનાથી વધારે મહેનત પોતાની જાતને યોગ્યતા અપાવવા કરીએ.
વાંચવા બદલ આભાર. 🙏
- સ્નેહલ જાની.